વસુધા/સાંઝને સમે
સાંઝને સમે
સાંઝને સમે સખી આવજે,
સૂના સરવર કેરી પાળે,
અંતર કેરી પાળે, હો સખી!
સાંઝને સમે જરા આવજે!
છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લો ટહુકાર એનો પંખીડું ગાઈ લે,
છેલ્લો ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
સાંઝને સમે સખી આવજે.
ભરતો ઉચ્છ્વાસ વાયુ કુંજોને કોટી લે,
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
સુરભિ ઉચ્છ્વાસતણી લાવજે,
હો સખી! સાંઝને સમે જરા આવજે!