વાર્તાકાર હેમાંગિની રાનડે/વાર્તાકાર હેમાંગિની રાનડે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાર્તાકાર હેમાંગિની રાનડે

ગુજરાતના તળાજા ગામે મુસ્લિમ ખોજા પરિવારમાં જન્મનાર હેમાંગિની રાનડે (15-07-1932 થી 23-01-2025)નું મૂળ નામ હમીદા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સંગીતજ્ઞ ડૉ. અશોક દા. રાનડે સાથે 1967માં પરણ્યા પછી હેમાંગિની રાનડેના નામથી લખતાં થયેલાં આ સર્જકની બે હિંદી નવલકથા ‘અનુભવ’ (1996), ‘સીમાંત’ (1999) રાજકમલ પ્રકાશને છાપી હતી. આરંભે તેઓ ધર્મયુગ, સારિકા જેવાં હિંદી સામયિકોમાં લખતાં. મુંબઈ આકાશવાણી પરથી 1992માં સેવાનિવૃત્ત થયાં પછી એમણે ગુજરાતીમાં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. એમની વાર્તાઓ ‘ગદ્યપર્વ’, ‘નવનીત સમર્પણ’ અને ‘પરબ’માં છપાયેલી છે. ગુજરાતી સાહિત્ય પરિષદે 2010માં એમની 16 વાર્તાઓનો સંગ્રહ ‘પારિજાતક’ પ્રકાશિત કર્યો હતો. એમની ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ ઍવોર્ડ મળ્યો હતો. એક સારા વાર્તાકારે ચૂપચાપ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. એમની 16+નવનીત સમર્પણમાં છપાયેલી એક વાર્તાને આધારે આ લેખ કર્યો છે. એક સારા વાર્તાકાર કાળની ગર્તામાં ખોવાઈ ન જાય એટલો જ હેતુ છે આ લખવા પાછળ. આપણે ત્યાં ભારતવિભાજનને વિષય બનાવતી 18-20 વાર્તામાંથી સારી કહી શકાય એવી તો બે જ છે. આ સર્જકની ‘ત્રિશંકુ’ વાર્તા વિભાજનને વિષય તરીકે નિરૂપતી ઉત્તમ ગુજરાતી વાર્તા છે એટલે મારી વાતની શરૂઆત હું એ વાર્તાથી જ કરીશ. વાત છે સૌરાષ્ટ્રના ગામડે રહેતાં એક સંયુક્ત મુસ્લિમ પરિવારની દીકરી રાહતની. માંડ ચારેક પેઢી પહેલાં કુટુંબના કોઈ વડવાએ ધર્મ બદલ્યો હશે એટલે મુસ્લિમ ઓળખ મળી છે. ખાનપાન, રીતરિવાજ, પહેરવેશ, બોલચાલની ભાષા બધું ગામના બાકીના લોકો જેવું જ છે. ગામનો મોભાદાર પરિવાર ગણાય છે. રોજ સાંજે દાદી તસબી લઈને ‘નામ’ સ્મરણ કરે ત્યારે ઘરની વહુ-દીકરીઓ આવીને બેસતી. રાહત ત્યારે તો બહુ નાની હતી પણ એને નામ સ્મરણ યાદ છે.

રામ-નામ કી ઔષધિ, ખરે મન સે ખાય,
અંગપીડા આવ નહિ, ને મહારોગ મટી જાય,
રામ નામ સબ કોઈ કહે.
દિલસત્ય કહે ન કોઈ
એક વાર દિલસત્ય કહે
તો કોટિ જગન ફળ હોય.

ઘરની બધી દીકરીઓ નિશાળેથી આવી દાદીમા પાસે બેસતી. દાદીમાને હસન-હુસૈનની વાર્તાઓ નહોતી આવડતી. એ તો કૃષ્ણની લીલાઓ, હરિશ્ચંદ્રની સત્યપ્રિયતા, રામનો સીતાપ્રેમ અને ગોપીચંદના વૈરાગ્યની કથાઓ સંભળાવતાં. ગામમાં એક ગાંધીવાદીએ વ્યાયામશાળા શરૂ કરી. ગુરુજીએ દાદીમાને અરજ કરી : ‘ઘરના દીકરાઓ જોડે દીકરીઓને પણ રજા આપો. સાંજે વ્યાયામશાળામાં આવીને રાષ્ટ્રગીત શીખે. લાઠી, લેજીમ ચલાવે, ચરખો કાંતે.’ મહાત્માજીએ કહ્યું છે એટલું સાંભળતાં દાદીમાએ ગદગદ થઈ હાથ જોડ્યા. ‘મહાત્માજી સંતપુરુષ છે. એમની વાત ટાળી ન શકાય.’ ને સાંજની કથાની જગ્યાએ

વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા... શરૂ થઈ ગયું.

વ્યાયામશાળાના વાર્ષિકોત્સવમાં રાહત ભારતમાતા થઈ. એ દાદીના કરશણને માથું નમાવીને બહાર જવા ટેવાયેલી છે. રાહત ભાઈઓની દીકરીઓથી મોટી છે. એના ભણવા સામે ઘરમાં ભારે વિરોધ છે. ‘ચોપડીઓ અને પેન લઈને તે કાંઈ ચૂલા ફૂંકાતા હશે?’ ઘરના વિવિધ ખૂણેથી અવાજો ઊઠી રહ્યા હતા. પણ દાદીમા ધરાર ન માન્યાં. રાહતે મેટ્રિકની પરીક્ષા ગામમાં રહીને આપી પણ આખા પરિવારે શહેરમાં રહેવાનું નક્કી કર્યું એટલે પરિણામ શહેરના છાપામાં જોયું. બસ, હવે રાંધો, સીવો, ભરત-ગૂંથણ કરો, શાલીન બનો...ની તાલીમ શરૂ થઈ ગઈ. આઝાદી આવતાની સાથે ઘરમાં ચર્ચાઓ શરૂ થઈ. ‘આપણે ક્યાં રહીશું? અહીં કે તહીં? ક્યાં છે આપણી ખરી જગ્યા? આ પારે કે પેલે પાર? જઈએ અને સહન કરીએ કે રહીએ અને સહન કરીએ?’ દાદીમા આ બાબતે જરાય દ્વિધામાં નથી. એ કહે છે ‘અહીં જન્મ્યા, અહીં જ મરીશું. આ દેશ ગાંધીનો દેશ છે. અહીં આપણો વાળ પણ કોઈ વાંકો કરી શકે એમ નથી. આ ધરતી આપણી મા છે. માને મૂકીને તે કાંઈ જવાતું હશે? જે માટીમાં પેદા થયા એની છાતીમાં લાત મારીને ચાલ્યા જઈએ? આપણે એવા ભૂંડા નથી હોં ! જેણે ખવડાવ્યું એના મોઢા પર થૂંકીએ? ના, આપણે અહીં જ રહીશું, અહીં જ મરીશું.’ પણ દેશ તો ગાંડો બની ગયો. ‘મારો કાપો’ના અવાજોથી ગલી-મહોલ્લા થરથરતાં હતાં. કામ બંધ, ભણવાનું બંધ. દાદીમા ઘરમાં દીકરીઓને સીવણ-ગૂંથણ, રાંધવાનું શીખવી રહ્યાં હતાં. દાદીમા જાણતાં નહોતાં કે એમની જાણ બહાર જમાનો બદલાઈ ગયો હતો. હવે નામસ્મરણ, કથાઓ બધું બંધ છે. કુટુંબનો વેપાર વધ્યો છે પણ રાહત અને ભાઈઓની ચાર દીકરીઓની ઉંમર વધતી જતી હતી. સારાં ઘરના છોકરા પારકે દેશ જઈને બેઠા હતા. ક્યાં સુધી દીકરીઓને છાતી પર રાખવી? ઘરની વહુઓએ ભેગી થઈ કંઈ કમાતો નહોતો એવા છોકરા સાથે રાહતને પરણાવી દીધી. દાદીનું હવે કંઈ નથી ચાલતું. સમાધાન સ્વીકાર્યા વગર રાહત પાસે કોઈ રસ્તો નથી. પણ બેના ચાર મોઢાં થયાં એટલે સાસરીવાળાએ પણ ઠોકર મારી. થાકી-હારીને બંને ‘આપણા લોકો-આપણો મુલક’ જવાનું નક્કી કરે છે. પણ અહીં કંઈ ન કરનારો ત્યાં જઈને સુધરી થોડો જાય? ઊલટાના રાહતનાં ઘરેણાં પણ ગયાં અને પતિ ગાયબ થઈ ગયો. સારા ઘરની દીકરી રાહત ખેરાત આપનારાઓ પાસે કામ માગે છે. મદરેસામાં ઇન્ટર્વ્યૂ માટે જાય છે : ‘મેટ્રિક છો? વાહ ! સીવણ-ભરત આવડે છે, ડ્રીલ-કવાયત પણ જાણો છો? સરસ ! આજથી જ કામ શરૂ કરી દો’ (15) રાહત મનોમન કરશણ પાસે આશીર્વાદ માગે છે. નોકરી આપનારા કહે છે : ‘જાઓ ! બહાર છોકરીઓ ઊભી છે. સૌથી પહેલાં પરચમને સલામી આપવી પડશે.’ રાહત ઉમંગભેર બહાર નીકળી. છોકરીઓ ઊભી છે. સલામી માટે હાથ કપાળે અડાડ્યો અને રાહતે ગાવાનું શરૂ કર્યું :

વિજય વિશ્વ તિરંગા પ્યારા
પાક સર ઝમીન આસમાન

છોકરીઓના બુલંદ અવાજમાં રાહતનો સ્વર ખોવાઈ ગયો. એને લાગ્યું કે કોઈએ એને અધ્ધર આકાશમાં ટાંગી દીધી છે. આધાર કે સહારા વગર. અને એવી જ રીતે એ લટકતી રહેવાની આખી જિંદગી... (16) હવે એ કાયમ વતન અને દેશ વચ્ચે વહેંચાયેલી જ રહેવાની. અહીંથી ત્યાં ગયા પછી જ વતનની માટી, સંસ્કાર, સંસ્કૃતિ વધું તીવ્રતાથી વળગે. તમે જમીન છોડો પછી જમીન વધારે વળગતી આવે એ રાહતને હવે બાકીની જિંદગીમાં ડગલે ને પગલે યાદ રહેવાનું વાર્તા જરા લાંબા પટે કહેવાઈ છે પણ અહીંથી ત્યાં ગયેલાની મનઃસ્થિતિની વાત કરતી એકેય ગુજરાતી વાર્તા નથી ત્યારે આનું મહત્ત્વ વધી જાય છે. આપણે ત્યાં બાળમાનસની ગૂંચવણો, પ્રશ્નો આલેખતી વાર્તાઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી. હેમાંગિની રાનડેની ‘બેસ્ટ ફ્રેન્ડ’ અને ‘જુદાઈની જાણ’ બંને બાળકના મનની લીલાને વ્યક્ત કરતી વાર્તાઓ છે. ‘બેસ્ટ ફ્રેન્ડ’ વાર્તાને એનો અંત વધારે સારી બનાવે છે. સોનુના પિતાના મૃત્યુ પછી, માને મુંબઈમાં નોકરી મળી એટલે મા-દીકરો સંયુક્ત કુટુંબ છોડી મુંબઈ રહેવા આવ્યાં. મા નોકરી પર જાય ત્યારે સોનુ ભલે કહેતો હોય કે ‘તું ચિંતા ન કરીશ’ પણ એને ડર પણ લાગતો અને એકલતા પણ સાલતી. સાંજે મા અતિશય થાકીને આવતી એ જોતો સોનુ ઘણી બધી વાતો કરવી હોય તોય ચૂપ રહેતો. ટી.વી., રમકડાં કે ચોપડીથી કંટાળે પછી શું કરે? એક દિવસ કામવાળી સોનુ જેવડી જ રહીમનને સાથે લઈને આવે છે. સોનુ એની સાથે રમીને રાજીના રેડ થઈ જાય છે. સોનુને ખુશ જોઈ મા કામવાળી સાથે વાત કરે છે. રહીમન બીજા દિવસથી સવારથી એની સાથે રમવા હાજર. સોનુ એનાં રમકડાં, ચોપડી બધું જ રહીમનને રમવા આપે છે. મહિનાના અંતે મા સોનુને બે કવર આપે છે. એક કામ કરનારને અને એક રહીમનને આપવા માટે. સોનુને અચાનક જ ગુસ્સો આવે છે. ‘રહીમન એની સાથે રમવા એટલા માટે આવે છે કે મમ્મી એને એના પૈસા આપે છે? તો... તો શું હું રહીમનનો બેસ્ટ ફ્રેન્ડ નથી? એ મને મળવા નથી આવતી? પોતાની ગરજે આવે છે?’ સોનુએ રહીમન સાથે રમવાનું, બોલવાનું બંધ કરી દીધું. રજાના દિવસે મમ્મી એ બંનેને દરિયે ફરવા લઈ ગઈ ત્યાં પણ સોનુ રહીમન સાથે લડ્યો. એ રાતે મમ્મીએ એની સાથે વાત ન કરી. પોતે ન ખાધું અને સોનુને પણ કંઈ ન આપ્યું. બીજા દિવસે પણ મમ્મી મુંગી રહી એટલે સોનુએ બબડાટ શરૂ કર્યો : ‘એક તો અમારા પૈસા લે છે અને મમ્મી વખાણ પણ એનાં જ કરે છે’ (21) ઑફિસે જતી મમ્મી બોલી, ‘હું જઈને બાઈને કહી આવું છું કે તું એનો બેસ્ટ ફ્રેન્ડ નથી, તું તો એનો ખરો દુશ્મન છે.’ રડતા સોનુને મા એના આવા જંગલી વર્તન પાછળનું કારણ પૂછે છે. સોનુ કહે છે : ‘હું એને મારી બેસ્ટ ફ્રેન્ડ સમજતો હતો. પણ એ મારે માટે નહોતી આવતી. પૈસા માટે આવતી હતી.’ મા નોકરીએ જવાને બદલે સોનુને લઈને કામવાળીના ઘરે જાય છે. ભયાનક ગંદકી અને ગરીબી ફેલાયેલી હોય એવી ઝૂપડપટ્ટીની એક અંધારી ઝૂંપડીમાં રહીમન રહેતી હતી. મા સોનુને માફી માંગવા કહે છે. કામવાળી કહે છે : ‘છોકરાં તો લડે, એમાં માફી શા માટે માગવાની?’ સોનુની માનો જવાબ છે : ‘પ્રેમની લડાઈ બરાબર પણ ગુસ્સાની, નફરતની લડાઈ ન હોવી જોઈએ. કાલથી સોનુ નિશાળે જશે. રહીમન પણ કાલથી જશે ને?’ મા ‘હા’ પાડતા કહે છે : ‘તમે જે પૈસા આપ્યાં હતાં તેમાંથી યુનિફોર્મ સિવડાવવા આપ્યો છે.’ સોનુને આ સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજાઈ. હવે એ રહીમનને કહે છે : ‘મને માફ કરી દે, માય બેસ્ટ ફ્રેન્ડ !’ ઘરમાં સાવ એકલું પડતું બાળક કેટલું ડરતું હોય, સોરાતું હોય એ અહીં બખૂબી કહેવાયું છે. બાળક પોતાની સમજ પ્રમાણે અર્થ કાઢે એ મોટાઓએ સમજવું જોઈએ એ પણ કહી શકાયું છે. ‘જુદાઈની જાણ’ પણ મા-બાપની નોકરીના કારણે એકલાં પડતાં બાળકની વાત કરે છે. પરેશને સ્કૂલ બસ ઉતારે ત્યારે એના દાદા નીચે જ ઊભા હોય. ઘરે લઈ જઈ દાદા પરેશનાં કપડાં બદલાવે, હાથપગ ધોવડાવ્યા પછી જમાડે, એની વાતો સાંભળે, એને વાર્તા કહે. અચાનક જ દાદનું મૃત્યુ થયું. હવે રોજ મમ્મી લેવા-મૂકવા આવવા માંડી એટલે પરેશને જલસા પડી ગયા. મમ્મી રોજ એને એકલા રહેવા માટે જરૂરી વાતો શીખવે છે પણ પરેશ નથી સાંભળતો. મમ્મીને નોકરી પર ગયા વગર ચાલે એમ નથી, ઘરના હપ્તા બાકી છે વગેરે બાબતે મા-બાપ વચ્ચેનો ઝઘડો સાંભળી ગયેલો પરેશ નક્કી કરે છે કે પોતે એકલો રહેશે. મમ્મી શીખવશે એ બધું શીખશે. પણ જે દિવસે મમ્મી નોકરીએ ગઈ એ દિવસે એને ન ગમ્યું. એ ખાધાં વગર જ ડબ્બો પાછો લાવ્યો. મમ્મીએ સાંજે આવીને એને ઉઠાડ્યો ત્યારે એણે કપડાં પણ નહોતાં બદલ્યાં, બૂટ પણ પગમાં જ હતા. મા એને સમજાવવા મથે છે ત્યાં અચાનક જ પરેશ ‘તું બહુ જ ખરાબ છે, ગંદી છે. મારે એવી ખરાબ, ગંદી મમ્મી નથી જોઈતી’ બોલી પડે છે. એને આવું નહોતું કહેવું પણ અનાયાસે, બાળસહજ પ્રતિક્રિયારૂપે કહેવાઈ જાય છે. એ નથી રહી શકતો એકલો. એને દાદા બહુ યાદ આવે છે. એને પ્રશ્ન થાય છે કે મમ્મીને કેમ પરેશની મુશ્કેલીઓ સમજાતી નથી? એણે જમવાની થાળીનો ઘા કર્યો અને ચીસો પાડીને રડવા લાગ્યો. અંદરથી દોડીને આવેલી મમ્મીએ પરેશના ગાલ પર એક તમાચો ચોડી દીધો. પરેશને આવી કલ્પના નહોતી. એટલે એ વધારે રડવા લાગ્યો. મમ્મીએ એને તેડ્યો, વહાલ કર્યું, એના હાથે ખવડાવ્યું. અને તકરાર પૂરી થઈ. પણ પરેશને સમજાઈ ગયું કે ખરેખર તો આ તકરાર આજથી શરૂ થઈ છે. કારણ કે કાલે મમ્મી ફરી ઑફિસે જશે, મારે ફરી એકલા રહેવું પડશે... કાલે પણ... પરમદિવસે પણ... હંમેશ માટે આમ એકલા રહેવું પડશે એની એને ફાળ પડી. પણ હવે આવું જ રહેવાનું. દાદાની જુદાઈ તો એણે સ્વીકારી લીધી પણ હવે માની જુદાઈ પણ એણે સ્વીકારી લેવી પડશે એવી સમજ એનામાં ઊગી ગઈ હતી. ‘મારે વાંચવું છે’ વાર્તા 10-11 વર્ષના, સમજ-નાસમજ વચ્ચે ક્યાંક અટવાતા હેમંતની વાત કરે છે. મમ્મી-પપ્પા નવા ઘરમાં આવ્યાં પછી અતિશય લડતાં થઈ ગયાં હતાં. લગભગ રોજ લડતાં. હેમંત એમની લડાઈ સાંભળતો, પણ એને ખાસ કશું સમજાતું નહીં. એ અકળાતો, વિચારતો કે ‘પહેલાં તો આવું નો’તું. ત્યારે ઘરમાં ચારે બાજુએ આનંદ જ આનંદ રહેતો. ...ત્રણે જણ મળીને કેટલું હસતાં, ગેલ કરતાં. હવે તો કોઈ બરાબર બોલતું પણ નથી, જ્યારે જુઓ ત્યારે ઘૂરક્યા જ કરે છે. શું થયું છે?’ હેમંતને કારણ નથી સમજાતું પણ મમ્મી રડ્યા કરે છે, પપ્પા પીને ગેસ્ટ રૂમમાં સૂઈ જાય છે. કોઈ એની વાત નથી સાંભળતું. ધીમે ધીમે હેમંતને ભણવામાંથી રસ ઊડી જાય છે. એક બાજું નવું ઘર, નવી શાળા, નવા શિક્ષકો છે. જૂની શાળા, જૂના દોસ્તારો છૂટી ગયા છે ને એમાં ઘરમાં થતી રોજની લડાઈઓ. એક દિવસ હેમંત એના જૂના મિત્ર અનીસને મળવા જાય છે ત્યારે એની મોટી બહેનને જુએ છે. એ હેમંતની મમ્મી જેવી જ ફિક્કી પડી ગઈ છે. ઘરના વડીલો પાસેથી સાંભળેલી વાતો અનીસ હેમંતને કહે છે. બનેવીને કોઈ ગર્લફ્રેન્ડ હતી એટલે એ બહેનને મારતા. હવે એમનાં છૂટાછેડા થશે. હેમંતના બાલમાનસમાં આ વાત એવી તો બેસી ગઈ કે એ વિચારવા લાગ્યો. એના પપ્પાને પણ કોઈ... પપ્પા રોજ મોડા આવતા અને રોજ ઝઘડા થતા. અચાનક હેમંતે ભણવા-વાંચવામાં ધ્યાન પરોવ્યું. ઘરના અસહ્ય માહોલને ભૂલવામાં પુસ્તકોએ એને મદદ કરી. હવે એ ખાલી સમયમાં વાંચ્યા જ કરતો. એક દિવસ હેમંત જુએ છે કે એના મામા અને પપ્પાના પાર્ટનરની મધ્યસ્થીથી એનાં મમ્મી-પપ્પા ફરીથી શાંતિથી સાથે રહેવા તૈયાર થઈ જાય છે. મમ્મીએ ઘર શણગાર્યું. પપ્પાને ભાવતી રસોઈ બનાવી. હેમંત આ જોઈને અકળાઈ જાય છે. મોટા લોકો પરથી એને વિશ્વાસ જ ઊઠી જાય છે. પોતાના મા-બાપ આવાં છીછરાં? પપ્પા એને વાત કરવા બોલાવે છે. એના માટે કમ્પ્યૂટર લાવ્યા છે. હેમંત સળગતી નજરે જોતા વિચારે છે : ‘એમ ! તો હવે મને લાંચ અપાય છે !’ અને એ તોછડાઈથી ‘મારે વાંચવું છે’ કહી, ખોખાને ઠેસ મારી પોતાના ઓરડામાં ચાલ્યો જાય છે. મમ્મી-પપ્પા વચ્ચે કઈ બાબતે ઝઘડા થયા હતા, પપ્પા મોડી રાતે ક્યાંથી આવતા હતા? હવે પાછા બંને કેવી રીતે દોસ્તી કરતાં હતાં? આમાંથી એકેય વાત હેમંતને નથી સમજાતી. પણ હવે પોતે આ લોકોની જાળમાં નહીં ફસાય એવું એ નક્કી કરે છે. કોઈપણ ઘરમાં માતા-પિતાના ઝઘડા બાળમાનસને કઈ હદે ઠેસ પહોંચાડે એ આ વાર્તા સમજાવે છે. ‘ટક્કોમૂંડો’ વાર્તા પણ છે તો બાળમાનસની જ પણ કહેવાઈ છે ફ્લેશબેક પ્રયુક્તિથી. વાર્તાના આરંભે સરસ્વતીની પૌત્રી કિન્નરીના માથામાં પડેલી જૂને કારણે એની મા કહે છે : ‘વાળ જ કાપી નાખું.’ કિન્નરી રડતી રડતી દાદીને કહે છે : ‘હું ટક્કોમૂંડો નહીં બનું. નહીં...નહીં...’ ને દાદી સરસ્વતી અચાનક વર્ષો પહેલાં એની સાથે બનેલી ઘટના પાસે જઈ ચડ્યાં. અને વાર્તા એક ભર્યાભાદર્યા કુટુંબમાં આવી ચડેલાં જાજરમાન, પૈસાદાર માસી, એમની દીકરીઓ અને ઘરના લોકોની વાતચીતથી ઊઘડતી જાય છે. એ સમયે સરસ તો બહુ નાની. માસીની દીકરીઓ એને ઢીંગલીની જેમ રમાડતી. હસતી-રમતી એ માસીના ઘરે ભણવા ગઈ. પણ હવે આ ઘરમાં કોઈને એના માટે સમય નથી. માસીની દીકરીઓ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. સરસ માટે ગુજરાતી શાળા શોધાય છે. સરસને અહીં બહુ એકલું લાગે છે. એને બા, બહેનો, ઘર બધું યાદ આવે છે. એને ઘરે જવું છે પણ એ બોલી નથી શકતી. કપડાં લેવા આવેલા ધોબીએ બધાની વચ્ચે કહ્યું કે ઓશિકાના ગલેફ પર વાળના કીડા=જૂ છે. માસીએ સરસને બોલાવી, એનો ચોટલો ખોલ્યો તો પાર વગરની જૂ ખદબદતી હતી. ‘વાળ નથી ધોતી?’ એવું માસી ગરમ થઈને પૂછે છે. સરસ હા પાડે છે પણ બોલી નથી શકતી કે ‘આટલા વાળ મારાથી નથી ધોવાતા. ત્યાં મા કે બહેનો ધોઈ આપતી.’ માસીની દીકરી કહે છે ‘હું આને મારા ઓરડામાં નહીં સૂવા દઉં’ કામવાળી પાસે ગાદલું, તકિયો ને સરસના બધાં કપડાં ફેંકાવ્યાં પછી વાળંદને બોલાવી સરસનો ટક્કોમૂંડો કરાવી દીધો. માસીની દીકરીઓ કપડાં આપવાની ના પાડે છે. ટુવાલભેર ઊભેલી આ છોકરીની ઘરના બધા મજાક કરે છે. બીજા દિવસે નીલરંગી માથાવાળી સરસને માસીના દીકરાના કપડાં પહેરાવી નિશાળે મોકલાય છે. નિશાળે પહોંચતાં જ ‘ટક્કોમૂંડો... ટક્કોમૂંડો’ અને ટપલી મારવાનું શરૂ થઈ ગયું. શિક્ષિકાબહેન પણ એના માથે ટપલી મારી ‘ટક્કોમૂંડો’ કહે છે. એમનેય ખબર ન પડી કે આંખના પલકારામાં એક નાનકડી છોકરી કાળો કીડો બની ગઈ. (133) ન તો સરસ રડી શકી, ન બૂમ પાડી શકી. બરાબર એ જ ક્ષણે ચપરાસી બોલાવવા આવે છે. એના પિતા એને મળવા આવ્યા હતા. પિતા બાથમાં લઈ હૈયાસરસી ચાંપે છે ત્યારે છેક સરસ રડે છે. પાછલાં વર્ષોમાં બનેલી આ કારમી ઘટના અચાનક યાદ આવી જતાં સરસ્વતી રડવા લાગે છે. વહુને નવાઈ લાગે છે કે પૌત્રીના વાળ કાપવાની વાતથી સરસ્વતી કેમ રડે છે? પણ સરસ્વતી તો બસ રડ્યે જ જાય છે ‘અરેરે, ટક્કોમૂંડો !’ બોલીને. બાળમાનસ પર કેવો તો કારમો આઘાત લાગ્યો હશે કે આટલાં વર્ષો વીતી ગયાં પછી પણ આંસુ ખૂટતાં જ નથી? ‘પારિજાતક’ વાર્તાની કથક પારિજાતની સુગંધમાં એની સાથે બેસવા માંગતા પતિની ઇચ્છાની વાત કરીને પોતાના બાળપણની વાત માંડે છે. એને થાય છે કે હું આ સુગંધથી ક્યાંક દૂર ચાલી જાઉં... એને આ સુગંધ બેચેન કરે છે પણ પતિને અતિપ્રિય છે આ સુગંધ. કથકના બાળપણની એકલતાના સાથી હતાં પારિજાતનાં ફૂલ. એ બેસી રહેતી એકલી એની પાસે. અમ્મા નોકરીએથી સાવ નિચોવાઈને આવતી. ઘરમાં ચાલી ન શકતાં નાની અને ન ગમે એવાં મામા-મામી. ક્યારેક પારિજાતના ઝાડ પાસે આવીને મળતા દાદા. આઠ વરસની આ છોકરી બહુ વહેલી સમજણી થઈ ગઈ હતી. દાદા મળવા આવે છે એ વાત માને નથી કહેવાની. મા કેમ એને લઈને પિયર આવતી રહી એ નથી પૂછવાનું. દાદા લાડવા લાવતા એ જરાય ન ભાવતાં છતાં ખાઈ જતી. મામા સામે વધારે વાર ન દેખાતી. મામી પાસે લાડ ન કરતી. બને ત્યાં સુધી ઘરની બહાર જ રહેતી. નાનીનું હેત રાતના અંધારામાં જ મળતું. આ બધું એને કોઈએ નહોતું શીખવ્યું છતાં એ જાણતી હતી. માની જિંદગીમાં શું થયું હતું એની એને નહોતી ખબર પણ માનું રૂપ એને બહુ આકર્ષતું. નાનીના મૃત્યુ પછી નાછૂટકે મા-દીકરીએ અલગ ઘર લઈ રહેવા જવું પડ્યું. મા આવે નોકરીએથી એ પહેલાં રસોઈ સહિત બધાં કામ કરી નાખતી દીકરી ઇચ્છે છે કે માને થોડીક શાંતિ મળે. મા-દીકરીના રોલ જાણે કે અદલાબદલી થઈ ગયા હતા. એક દિવસ મા એને પોતાની કથા કહે છે : ‘હવે તું મોટી થઈ ગઈ છે એટલે સમજી શકીશ.’ એવું કહીને. પતિ પરદેશ રહેતો. દાદાજીની આંખમાં માનું રૂપ વસી ગયું એટલે લગ્ન નક્કી થયાં. પતિએ પહેલી જ રાતે બળાત્કાર કરતો હોય એ રીતે સંબંધ બાંધ્યો. આઠ દિવસ રોકાયો એ દરમિયાન કહી દીધું કે એ પરણેલો છે, બે બાળક પણ છે. તારે આવવું હોય તો આવ અને અમારી સેવા કર. માએ પિયર જવાનું પસંદ કર્યું. ભણી અને નોકરી લીધી. એ દીકરીને કહે છે કે તારા પિતા પરદેશ છે એ જુઠાણું જ એમની જિંદગીનું સત્ય છે. એકલી નોકરી કરતી કથકને એવો જીવનસાથી મળ્યો છે જે ઉદાસીનતાના પાશમાંથી એને છોડાવે. પણ એ સાથીને ગમતી પારિજાતનાં ફૂલોની ભીની સુગંધનું શું કરવું એ એને નથી સમજાતું : ‘એને કેવી રીતે સમજાવું કે આ વૃક્ષો, એની સુગંધ, એની નીચે બેસવાનો ક્રમ, મારા જીવનની સૌથી સૂની, સૌથી એકાકી ઘડીઓ સાથે સંકળાયેલો છે.’ એ કથકની મૂંઝવણ છે. ‘ગર્વ’ વાર્તા પુરુષના ધૂળ જેવા અહમની વાત કરે છે. શંકરલાલ-યશોદાબેનને સંતાન નહોતું એમાં કોઈ એમનાં ઘર સામે જ નવજાત બાળક મૂકી ગયું. શંકરલાલ પંચાત કરવા ગયા, યશોદાબેન નિઃસાસો નાખીને કહે છે : ‘ન્યાય નથી ઈશ્વરના દરબારમાં. કોઈ બાળકની રાહમાં આખી જિંદગી મીટ માંડીને બેઠું રહે, અને કોઈ આમ જન્મ દઈને ફેંકતું ફરે?’ (153) બપોરે જમીને આડા પડેલા શંકરલાલને અચાનક યાદ આવ્યું કે એમની કામવાળી સોના ગયાં વર્ષે રજા પર ગઈ ત્યારે થોડા દિવસ માટે રેખાને મૂકી ગઈ હતી. એક બપોરે યશોદાબેન લગ્નમાં ગયાં હતાં ત્યારે શંકરલાલે રેખાને બળજબરીથી વશ કરી હતી. પોતે આ વાત સાવ ભૂલી ગયેલા કારણ કે અહીં તહીં મોઢું મારી લેવાની એમને આદત હતી. ત્રણેક મહિના પછી એક સાંજે શંકરલાલ ઘરે એકલા હતા ત્યારે રેખા આવી હતી અને કહ્યું હતું કે એના પેટમાં બાળક છે. ઘડીકવાર માટે શંકરલાલ ગભરાયા પણ પછી સ્વસ્થ થઈને રેખાને કાઢી મૂકતા સંભળાવ્યું કે, ‘ક્યાંક ઊકરડામાં આળોટી હશે હરામખોર. ફસાવવા માંગે છે?’ શંકરલાલના મોઢા પર થૂંકીને રેખા કહેતી ગયેલી : ‘તારે બારણે મૂકી જઈશ એ યાદ રાખ.’ (157) અને હવે શંકરલાલની ઊંઘ ઊડી ગઈ. ક્યાંક રેખા તો.... સાંજ સુધી શંકરલાલ બેચેન રહ્યા. સાંજે પત્નીએ ખબર આપ્યા કે ‘પોલીસે પતાવી દીધું બધું. દાટી દેશે ક્યાંક.’ ને શંકરલાલની છાતી પરથી જાણે મણની શીલા ઉતરી ગઈ. એમના જીવમાં જીવ આવ્યો. હવે શંકરલાલ મનોમન વિચારે છે કે આટલાં વર્ષો ખોટા ગભરાયા. ક્યાંક પોતામાં દોષ નીકળે તો? એ ડરે દાક્તરી તપાસ જ ન કરાવી. પણ આજે એમનું મન પોકારીને કહેતું હતું : ‘શંકરલાલ ! વાંઝિયાપણાનો દોષ તમારામાં નહોતો, હોંકે !’ (158) મૂછ પર તાવ દેતા શંકરલાલની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ. આમ તો પોતે જે કાળું કામ કર્યું હતું એ બદલ શરમ આવવી જોઈએ એના બદલે પોતે બાળક પેદા કરવા સક્ષમ છે એ વાતે ગર્વ અનુભવે છે. આ પુરુષ હોવાનો ક્ષુલ્લક ગર્વ છે. ‘નિઃસંગ’, ‘શરીર’ અને ‘ચપરાસણ’ નારીચેતનાની અલગઅલગ તાસીર રજૂ કરે છે. ‘નિઃસંગ’ વાર્તા ચાલીસ વર્ષથી એકના એક ટેબલ પર બેસી ‘કાણેબાઈ’ સાંભળવા ટેવાઈ ગયેલી માધવી કાણેની વાત કરે છે. માધવી આઠ વરસની હતી ત્યારે મા મરી જવાને કારણે પિતાએ ગામડેથી દાદીને બોલાવેલાં માધવીને સાચવવા માટે. ઘરમાં પિતા કે દાદી કંઈ ન બોલતાં એટલે માધવી પણ ચૂપ રહેતી. પહેલીવાર માસિક આવ્યું ત્યારે ગભરાઈ ગયેલી માધવીને દાદીએ કહ્યું ‘હવે આ દર મહિને થશે... હવે તું નાની કીકલી નથી, બાઈ છો... હવે આ ગોઠણિયા દેખાય તેવાં ફરાક નહીં સાલ્લો પહેરવો પડશે.’ (181) દાદીએ બાપુને સાલ્લો લાવવા કહ્યું ત્યારે કારણ પણ જણાવ્યું. મેટ્રિકમાં ભણતી માધવીને ઉઠાડી લીધી એટલું જ નહીં એ દિવસ પછી બાપ-દીકરી વચ્ચે કંઈ સંવાદ જ ન રહ્યો. અકળાયેલી માધવી પિતાને સીધું જ પૂછી બેસે છે. પિતા મા સામે જોઈને કહે છે : ‘આને કહી દ્યો, આમ મારી જોડે ન બોલે, હવે આ પારકી સ્ત્રી છે, અને પારકી સ્ત્રીઓ જોડે હું વાત નથી કરતો.’ (181) બાપના બહાર ગયા પછી દાદી હોઠ મરડીને, ધીમેથી બોલી : ‘પોતાનાથી આટલો બીએ છે તો બીજી બૈયર કેમ નથી લઈ આવતો !’ માધવી ઝાઝું તો ન સમજી પણ એને લાગ્યું કે એના શરીરમાંથી થતો સ્રાવ તેનામાં કંઈ ખોટ લઈ આવ્યો છે. જેને લીધે એનો બાપ એનાથી ડરે છે, એ કોઈ બીજીને લઈ આવશે. હવે માધવી વધુ ચૂપ રહેવા લાગી. પછી તો બાપ-દીકરી વચ્ચે કોઈ વ્યવહાર જ ન રહ્યો. માધવી માટે પણ હવે તે પિતા ન રહ્યા, પરપુરુષ બની ગયા. પિતા ઑફિસના કામે કશે જતા હતા અને એમનું મૃત્યુ થયું ત્યારે માધવી સોળ વર્ષની હતી. માધવીને એના પિતાની જગ્યા પર કામ મળ્યું ત્યારથી આજના નિવૃત્તિ દિવસ સુધી માધવી એના એ જ ટેબલ પર બેઠી. ન કોઈ પરીક્ષા આપી, ન કોઈ પ્રમોશન મળ્યું. અહીં કોઈ એને માધવી તરીકે નથી ઓળખતું. બધા ‘કાણેબાઈ’થી જ ઓળખે છે. એનું કામ એટલી નીચી શ્રેણીનું છે કે કોઈ એની સાથે ઝાઝો સંબંધ નથી રાખતું. વાર્તાનો આરંભ નિવૃત્તિના દિવસથી જ થાય છે. ઘર, લોકલ ટ્રેન, નોકરીની એકધારી જિંદગી જીવતી માધવીની મોનોટોમી હવે તૂટવાની છે. નિવૃત્તિ પછી એની જિંદગી વધારે કંટાળાજનક બની ગઈ. યંત્રની જેમ ઘરનું કામ અને સૂઈ જવાનું. ક્યારેક કારણ વગર, મંઝિલ વગર લોકલ ટ્રેનમાં ફર્યા કરવાનું. એક દિવસ એમ ફરતી વખતે ખાલી ટ્રેનમાં એક સ્ત્રીની પ્રસૂતિની સાક્ષી થતી માધવી ફાટી આંખે કુદરતની આ લીલા જોઈ રહી. ટ્રેન ઊભી રહી, લોકો ચડ્યા, સ્ત્રીઓએ પેલી સ્ત્રીને મદદ કરી, આગલા સ્ટેશને સ્ટ્રેચર મંગાવી બાઈને લઈ ગયા. માધવી પણ પડતી-આખડતી એની પાછળ ગઈ. એ રાતે માધવી સૂઈ ન શકી. સવારે નહાઈ-ધોઈને મંઝિલ વગર નહીં પણ ‘હોસ્પિટલ જવું છે’ના ઉત્સાહ સાથે નીકળી. એને પેલા નાનકડા હાથ સાથે દોસ્તી કરવાનું મન થતું હતું. માધવીની જિંદગીની એકલતા અને એકવિધતા તૂટશે જ એવું જરૂરી નથી પણ પહેલીવાર એવું થવાની શક્યતા જાગી છે ખરી. ‘શરીર’ વાર્તા માત્ર શરીર બનીને રહી ગયેલી માલતીની છે. ઉષા અને એની ભાભી વારાફરતી ઉષાની મા પાસે દવાખાનામાં રહેતાં. બાજુના ખાટલા પર માલતીની સાસુ છે. ઉષા માલતી સાથે વાત કરવાના, સાથે જમવાના સંબંધ કેળવે છે. વાર્તાકાર કેમેરાનો એન્ગલ બદલે એમ દૃશ્યો પલટાવે છે. માલતીની ઑફિસ, એનું ઘર, એની આપવીતી સાંભળતી બહેનપણીઓ કે ઉષા ...વાંચનાર વાર્તાકાર સાથે બધે હાજર છે એટલે માલતી વિશે વાચકને ઉષા કરતાં વધારે માહિતી છે. ઉષાને નથી સમજાતું કે માલતી સાસુ પ્રત્યે આટલી બેપરવા કેમ છે પણ માલતીની ચાલીમાં, એના ઘરમાં, ઑફિસમાં વાર્તાકાર સાથે જઈ આવેલો વાચક જાણે છે કે માલતીની સાસુએ રસોડું અને દીકરો બંને પોતાના હાથમાં રાખ્યા છે. માલતીને ચાલીમાં પડી રહેતી એક ખુરશી પર જ રહેવાનું. સાસુએ એને મોઢે જ કહેલું : ‘તને લાવ્યા છીએ ઉદયના શરીરધર્મ માટે, અને એક દીકરા માટે. એટલે ઝટપટ જણી નાખ. મારે તારી સેવા નથી જોઈતી.’ માલતી નહીં, એક શરીર. માલતી બેનપણીઓને કહે છે : ‘ખવરાવે છે હોં, ભૂખી નથી રાખતાં. કેમ કે મારે દીકરાની સેવામાં રજૂ થવાનું હોય છે... વેશ્યા જેવું જ... પણ વેશ્યાને બદલામાં પૈસા મળે છે જ્યારે મારી પાસેથી એ પણ ઝૂંટવી લેવાય છે...’ એટલે જ માલતી ઘરમાં કોઈને કહ્યા વગર બે એબોર્શન કરાવી ચૂકી છે. ઉષા કે નર્સોને માલતી વિશે કંઈ જ ખબર નથી. એટલે તેઓ માલતીને ભાંડે છે. પિયરમાં ભાઈ-ભાભીના ત્રાસમાંથી માંડ છૂટેલી માલતી ઠીંગણા, તાલિયા પુરુષને રોજ રાતે તાબે થતી કારણ એ કશે જઈ શકે એમ નથી. ‘ચર્ચગેટનું રેલવે પ્લેટફોર્મ. જરા સંભાળીને હં ! ગરદી વધારે છે... એમ કહી દૃશ્ય પાસે લઈ જતા વાર્તાકાર ‘આવો, આપણે નજીક જઈ ઊભા રહીએ. આવી ગરદીમાં ક્યાં ખબર પડવાની, પાસે કોણ ઊભું છે. આવો... સાંભળો...’ એટલે જોવાની, સાંભળવાની અને પછી આકલન કરવાની જવાબદારી ભાવકની છે. મરતી સાસુની ખબર લેવાને બદલે ભચડ ભચડ સમોસા ખાતી સગર્ભા માલતી પર ઉષાને ગુસ્સો આવે છે. આ સ્ત્રી છે કે હેવાન? એવો પ્રશ્ન થાય છે. પણ માલતી તો ખુશ છે આ મૃત્યુથી. કદાચ હવે એ મા બનશે, ચાલની ખુરશીને બદલે ઘરમાં રહેતી થશે, વેશ્યાને બદલે ગૃહિણી બનશે... એને ખુશી થાય એ સ્વાભાવિક છે પણ ઉષાને, નર્સોને માલતી હેવાન લાગે છે. આવી ચડેલા પડોશીઓમાંથી કોઈ બોલે છે : ‘એકાદ પૌત્રને રમાડ્યો હોત તો બિચારી ડોશીનું મરણ સુધરી ગયું હોત...’ પેટ પર હાથ ફેરવતી માલતીની ખુશી આ વાતે વધારી દીધી. વાર્તાકાર વાર્તામાં લેખક-વાચક બેઉનો પ્રવેશ કરાવે છે. પણ વાર્તાથી, પાત્રોથી એક તટસ્થ અંતર રાખ્યું છે એટલે વાર્તાને નુક્સાન નથી થયું. ‘ચપરાસણ’ વાર્તાની ભાગીરથી તો ગજબની સ્ત્રી છે. એના બાપે 1000 રૂ. લઈ ઑફિસના એક ચપરાસી સાથે ભાગીરથીને પરણાવી દીધેલી. એ તેની ત્રીજી પત્ની હતી. ચપરાસીની ઇચ્છા પ્રમાણે ભાગીરથીએ દીકરો જણ્યો પણ એની ખુશીમાં ચપરાસી ઢીંચીને મરી ગયો. જે ચોકીદારે ચપરાસીને પરણવા માટે પૈસા ધીરેલા એણે ભાગીરથી પાસે અરજી કરાવી, રહેમરાહે એને નોકરી મળી પણ ગઈ. શરૂઆતમાં ડરતી, ગભરાતી ભાગીરથી ધીરે ધીરે સ્માર્ટ થતી ગઈ, બધાને સામા જવાબ આપતી થઈ. ચોકીદારની મેલી નજર સામે જાહેરમાં લડી, એના બધા પૈસા બધાની હાજરીમાં ચૂકતે કર્યા... ઑફિસવાળાઓનું ધ્યાન ગયું કે ભાગીરથી ભારે પગે હતી. આવું કંઈ ચાલે? કકળાટ, કાનાફૂસી પછી પર્સનલ ઑફિસર ભાગીરથીને બોલાવે છે. જવાબદાર વ્યક્તિ વિશે પૂછે છે. ભાગીરથી ઑફિસના એક આધેડ ચપરાસીનું નામ દે છે. એ તો પરણેલો છે તોય? જવાબ છે : ‘મેડમ, બાપ કોઈ પણ હોય, મા તો હું જ છું ને !’ ભાગીરથીને પેલો પરણે એવો કોઈ આગ્રહ પણ નથી, નામ આપે બાળકને એવો પણ આગ્રહ નથી. એની સાથે હવે કોઈ લેવાદેવા જ નથી. આવું કેમ? બસ, ભાગીરથીને એક બાળક જોઈતું હતું જે મારઝૂડ કર્યા વગર માગવાથી મળે... આ સુખથી વધારે એને કશું નથી જોઈતું. આવી પણ ઇચ્છા હોય? એવો પ્રશ્ન જે વાચકને થાય એણે ભાગીરથીના મનમાં પ્રવેશી આવી ઇચ્છા કેમ જાગી એ જાણવું જોઈએ. ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ ઍવોર્ડ મળ્યો હતો. નોકરી માટે ચોપાસ ફાંફાં મારતો વાર્તાનો કથક પિતાની માંદગી, ઘરની કાયમી તંગ અવસ્થા, યુવાન બેન, પોતાની બેકારી અને ઉનાળાની કારમી ગરમીમાં અલસ ગતિએ ચાલતો સમય – આ બધાથી ત્રસ્ત છે. એ બહાર રખડતી વખતે પણ જાતને સવાલો પૂછ્યા જ કરે છે. બાપુજી ઠીક થઈ જશેને? ઘર કેવી રીતે ચાલશે? જુવાન બહેનના લગ્નનું શું થશે? મને નોકરી નહીં જ મળે?... પ્રશ્નોના ભારથી એની પીઠ બેવડ વળી જતી. બફારાભરી બપોરે પણ એ ભટક્યા કરતો. એને નોકરી બાબતે કોઈ પ્રશ્ન કરે એની બીક લાગતી. ઘરનાથી, પડોશના કાકા-કાકીથી – જે કોઈ પૂછી શકે એ બધાથી એ ભાગતો. ઘરમાં માના રોકી રાખેલાં આંસુની ફરિયાદ સહન ન થતી. બહેનની આંખોમાં ઊકળતા લાવાથી એ ડરતો. એટલે રસ્તા પર રેઢિયારની જેમ એ ભટક્યે રાખતો. ગૅલેરીની સામેની ચાલમાં એક ઘરે મા રોજ એના અબોધ બાળકને બહારની બાજુએ બાંધી રાખતી. કથકને એની પણ ચિંતા થાય છે. ‘ક્યાં સુધી એની મા એનું જતન કરી શકશે?’ (32) બાજુવાળા કાકી, કાકા ન હોય ત્યારે રોજ કથકને શરબત પાતાં. એક દિવસ વાત શરબતથી આગળ વધી ગઈ. કથક કહે છે : ‘જંગલી ડુક્કરની જેમ ટાઢા કાદવમાં હું ધસતો ગયો’ ને હવે રસ્તા પર રખડવાને બદલે કાકીની ઓરડીમાં જતો થયો. સામેવાળા છોકરાને એક દિવસ એની મા બાંધવાનું ભૂલી ગઈ અને એક મોટરે એને કચડી નાખ્યો. એ રાતે વરસાદ વરસ્યો બીજી સવારે બાપુજીને બાંધીને સ્મશાન લઈ જતા હતા ત્યારે મા ધીમેથી પૂછે છે : ‘લાકડાં ભીનાં હશે, સળગશે?’ (36) ઋતુ બદલાઈ, સામેવાળી માની મુક્તિ થઈ ગઈ, પિતા મર્યા પછી પણ ધૂંધવાતાં જવાના અને પોતે? એમની બાકીની બધી વાર્તાઓથી ‘ઉનાળો’ સંવેદન અને અભિવ્યક્તિ બંને રીતે અલગ પડી જતી વાર્તા છે. ‘પાશ’ નવલકથા લખવા ધારી હોય એટલા પહોળા પટમાં વિસ્તરી છે. ‘ગદ્યપર્વ’ના ત્રીસ પાનાં ! વસુંધરા કાકી-નપુંસક પતિ, ભુખાળવો જેઠ-જેઠને નકારતી જેઠાણી, મિલકતભૂખ્યાં દેર-દેરાણી, સાસુ-સસરા... છતાં વસુંધરાનો ઘર, ઘરના ખૂણેખૂણા અને ઘરના થાંભલા સાથેનો નાતો વાર્તાને એકકેન્દ્રી રાખે છે. શરીરની ભૂખે એમને હેરાન નહોતાં કર્યાં એવુંય નહોતું. એમણે જાત પાસે કબૂલ્યું પણ છે કે જેઠે જ્યારે ગંગા માનીને અજાણતા એમને પૂજાની ઓરડીમાં પકડ્યાં ત્યારે શરીરની ઇચ્છાઓ જાગી ઉઠેલી. સાસુએ જેને દીકરી માનેલી તે ગંગામાં જ જેઠ ડૂબ્યા એ જાણી જેઠાણીએ સાસુને કહી દીધું ‘એઠું ખાવાની મને ટેવ નથી.’ પણ સાસુ ઘરની વાત બહાર જવા દેવા માગતાં નથી. યાત્રાએ જતાં સાસુ ગંગાને સાથે લઈ જાય છે અને પછી એકલાં જ પાછાં આવે છે. જેઠાણી તોય વહેલાં ગયાં. નણંદના નસીબમાં પુરુષસુખ નહોતું, જેઠના નસીબે સ્ત્રીસુખ નહોતું અને વસુંધરાના નસીબે તો પુરુષસુખની કલ્પના કરવાનું પણ નહોતું લખ્યું. આ ઉંમરે પણ દાદર ચડી સસરાનો ખાટલો સાચવતાં સાસુને જોતી વસુંધરાએ પોતાની બધા માયા-મમતા ઘર સાથે જોડી. સાસુએ મરતી વખતે એની માફી માંગી. દીકરાની મર્યાદા જાણતાં હોવા છતાં એમણે વસુંધરાની જિંદગીને રાખ કરી મૂકી, વસુંધરા માટે હવે ઘર જ ટકવા માટેનો ટેકો હતું. પણ જેઠનો દીકરો અનિલ ઘર પાડીને નવું બિલ્ડિંગ ઊભું કરે એ વસુંધરાને નથી ગમતું. ઘર સાથેનું બંધન વસુંધરાને દુઃખી કરે છે પણ અનિલની નવજાત દીકરી સાથે નાતો જોડતાં વસુંધરા ઘર સાથેના પાશમાંથી છૂટકારો મેળવે છે. એમને ટેકો આપતો થાંભલો ગયો તો આ નવો ટેકો મળ્યો દીકરીનો. વાર્તાના કેન્દ્રમાં વસુંધરા છે છતાં વાર્તાની લંબાઈ એના પોતને જરાક પાતળું કરી દે છે. ‘અણસાર’, ‘હત્યા’, ‘બિચારી’ વાર્તાતત્ત્વ માટે, વાર્તારસ માટે સારી વાર્તાઓ છે. ‘શરૂઆત’ વાર્તામાં ગામના પોતીકાપણાના હુંફાળા માહોલમાંથી મુંબઈના બંધિયાર ઓરડામાં આવી ચડેલા નિવૃત્ત પોસ્ટમાસ્તર હરિશંકર દવેની વ્યથાની વાત છે. નોકરી, પૈસા પાછળ દોડતાં દાકરી-વહુને એ નથી સમજાતું કે ઠંડી થાળી તો વૃદ્ધ પિતા પચાવી જાય પણ માણસની હુંફ વગરની એકલતા એ વૃદ્ધ ન પચાવી શકે. વાર્તાતત્ત્વ અને ચમત્કૃતિભર્યા અંત માટે ‘મુલાકાત’ વાર્તા વાંચવી ગમે. બાળમાનસ અને નારીચેતનાના વિવિધ રૂપ કુશળતાપૂર્વક આલેખતાં આ વાર્તાકારની કલમ નીવડેલા વાર્તાકાર જેવી ઘડાયેલી છે. એમની ભાષાની તાજગીના દૃષ્ટાંતો આપવા જાઉં તો લેખ લંબાઈ જાય. હાથે ચડેલાં વિષયવસ્તુની માવજત કરવાની, એમને સારી ફાવટ છે. ભલે એમની પાસેથી 17 વાર્તાઓ જ મળી હોય છતાં આ વાર્તાકાર વિસારે પાડવા જેવા બિલકુલ નથી.

શરીફા વીજળીવાળા