વાર્તાનું શાસ્ત્ર/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુસ્તક પરિચય

‘વાર્તાનું શાસ્ત્ર’ ગિજુભાઈ બધેકાનું અબાલવૃદ્ધ ઉપયોગી થઈ પડે એવું પુસ્તક છે. આજથી સો વર્ષ પહેલાં લખાયેલું હોવા છતાં આજે મોબાઈલયુગમાં પણ તાજું લાગે છે. આનું કારણ એક જ છે અને એ કોઈપણ દેશ-કાળનાં બાળકો તો સરખી જ સાહજિક વૃત્તિવાળાં હોવાનાં - આ વૃત્તિ એટલે બાળકના માનસમાં રહેલી વસ્મય-વૃત્તિ. બાળકોની વિસ્મયગ્રંથિને ઉત્તેજિત કરે, એનાં થાક, ભૂખ, તરસને ભુલાવી દે, કોઈને ન ગણકારનાર તોફાની બારકસો વાર્તાનું નામ પડતા જ લાલાયિત થઈ ઊઠે, વાર્તા સંભાળવાના લોભમાં કોઈપણ શરતનું પાલન કરવા તૈયાર થઈ જાય! વાર્તામાં આવી મોહિનીનાં ક્યાં કારણો છે? આનો ખ્યાલ આપણને ‘વાર્તાનું શાસ્ત્ર’ આપે છે. આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. બંનેમાં બાળવાર્તાઓ વિશેના પાંચ પાંચ મુદ્દાઓની રસપ્રદ ચર્ચા કરવામાં કરવામાં આવી છે. વાર્તાકથનનો હેતુ, વાર્તાની પસંદગી કેવી રીતે કરવી, વાર્તા કહેવાનો સમય કેમ નક્કી થાય, વાર્તાના બે પ્રકાર- કહેવાયોગ્ય વાર્તા અને વાંચવાયોગ્ય વાર્તા, આમાં વાર્તાને કહેવાયોગ્ય કેવી રીતે બનાવવી, વાર્તાનો બાળ કેળવણીમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય, વાર્તાને, વાર્તાકથનમાં નીતિશિક્ષણ અને કલ્પનાશક્તિને કેવો-કેટલો અવકાશ છે? વગેરેની અહીં અનુભવસિદ્ધ વાત કરવામાં આવી છે. છેલ્લે આપણા બાળકોને મનોરંજન, સંસ્કાર અને ડહાપણનો ખજાનો બતાવતા હોય તેમ વાર્તાની એક લાંબી યાદી આપે છે. જે બાળક અને એના વાલી માટે બહુ ઉપયોગી બને તેમ છે. હવે આપણને પ્રશ્ન થાય કે આજે જન્મતાવેંત બાળકને મોબાઈલનાં દર્શન થાય છે. જેમ -જેમ મોટું થાય તેમ-તેમ એ ધીરે ધીરે મોબાઈલસેવી બનતું જાય છે. ઘણાં મા-બાપો બાળકને ધંધાસગડ રાખવા એને મોબાઈલ પકડાવી દે છે. આજના વાલીઓને ઘડીની યે નવરાશ નથી ત્યારે આ વાર્તાનું શાસ્ત્ર કેટલું પ્રસ્તુત? કહી શકાય કે આજે વધારે પ્રસ્તુત છે. આજનાં વાલીઓ બાળઘડતર માટે બહુ ગંભીર હોવાં છતાં એમની પાસે ‘વાર્તાની તાકાત બતાવે તેવા શાસ્ત્રના અભાવમાં તેને કોઈ ઉપાય સૂઝતો નથી. આ પુસ્તક ઉપર કહ્યું એમ અબાલવૃદ્ધ માટે છે. પણ જે પોતાનો સંસાર વસાવવા જઈ રહ્યાં હોય એવાં નવદંપતીઓએ તો આ પુસ્તક વસાવી લેવા જેવું છે. બાળઉછેર માટે મોબાઈલને ચરણે જતાં વાલીઓ માટે ‘મૂછાળી માતા’નું બિરુદ પામેલા ગિજુભાઈનું આ પુસ્તક એકત્ર ફાઉન્ડેશને સુલભ કરાવ્યું છે ત્યારે એ હવે બધાં માટે ટેરવાંવગું છે.