વાર્તાનું શાસ્ત્ર/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીની ત્રીશીના દાયકા અગાઉના અને એ પછીના શિક્ષણમાં/અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે, અને એને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને ઘટે છે. અગાઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ'ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેને માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. એમણે ખૂબ વાંચ્યું, વિચાર્યું, અમલમાં મૂકી જોયું, અને ભણતરની ઉત્તમ તરાહો તારવી આપી. એમણે પોતાના જેવા અન્ય અનેકને તૈયાર કર્યા, કેળવ્યા, હૂંફ આપી અને પોતાના પ્રયોગો સીમિત ન રહેતાં દૂરદૂર સુધી વિસ્તરે એને માટેના પ્રયત્નો કર્યા. પોતાના આ યુગપરિવર્તનકારી કાર્યને મિષે એમણે ઘણું લખવાનું પણ બન્યું. અને એમણે એ લખ્યું તે સારું જ થયું; કારણ કે એથી એમનાથી સ્થળ-કાળની રીતે દૂર એવાં અનેકોને પણ એમના વિચારોનો લાભ મળ્યો છે તથા મળતો રહેશે. એમનાં પુસ્તકોમાં શિક્ષણચિંતન અને જીવનચિંતન નિરૂપિત છે. એ સાહિત્ય વધારે ને વધારે વાચકો સુધી પહોંચે એ માટે અમે એ પુનર્મુદ્રણનો આ પ્રયાસ કર્યો છે. ગિજુભાઈએ જેવા શિક્ષકની અને શિક્ષણની અને શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહિ, કદાચ વાતાવરણ, સાધનો, સંચાલનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે. પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યા. આદર્શ શિક્ષણ અને એમાંથી સર્જાતો આદર્શ માનવી—એ લક્ષ્ય સાધવામાં ગિજુભાઈનાં પુસ્તકો શ્રેષ્ઠ ફાળો આપી શકે એમ છે. આવાં ઉત્તમ પુસ્તકો પ્રગટ કરતાં અમે સામાજિક ઋણની અદાયગીનો સંતોષ અનુભવીએ છીએ.