વાર્તાનું શાસ્ત્ર/વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકરણ સાતમું
વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ

વાર્તાકથનના ઘણા ઉદ્દેશો છે. એમાંનો એક ઉદ્દેશ વાર્તાના કથન દ્વારા વિદ્યાર્થીઓને શાળાઓમાં ચાલતા અને અન્ય ઉપયોગી વિષયોનું શિક્ષણ આપવાનો છે. આજે વિષયોના શિક્ષણ માટે શિક્ષણની ભિન્ન ભિન્ન પદ્ધતિઓની યોજના થઈ છે. ઈતિહાસ અને ભૂગોળ કેન્દ્રાનુસારી પદ્ધતિએ શીખવવાં સહેલાં ગણાય છે. ભાષાશિક્ષણમાં પરિચય અથવા પ્રત્યક્ષ પદ્ધતિનો મહિમા ગવાય છે. વિજ્ઞાન જેવા વિષયોમાં સ્વાનુભવ પદ્ધતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને બધે ઠેકાણે વ્યાખ્યાનપદ્ધતિ કરતાં પ્રશ્નોત્તરપદ્ધતિનું સ્થાન ઊંચું આંકવામાં આવ્યું છે. આ બધી પદ્ધતિઓમાં આપણે એક નવી પદ્ધતિ ઉમેરી શકીએ, અથવા તો એક જૂનીપુરાણી અને પુરાતન કાળની એકની એક જ પદ્ધતિને આપણે પાછી તાજી કરી શકીએ. આ પદ્ધતિને 'વાર્તાકથનપદ્ધતિ' એવું નામ આપી શકાય. ચારે ધામ કરી આવેલી ડોશી વાર્તાકથન દ્વારા પોતાના ગામનાં નાનાં બાળકોથી માંડી ડોસાંડગરાં સુદ્ધાંને ભૂગોળનું જ્ઞાન આપતી. ડોશી પ્રાંતો અને તેનાં મુખ્ય મુખ્ય શહેરોની નામાવલિ ન બોલતી; ઉત્તરમાંથી દક્ષિણમાં ને દક્ષિણમાંથી ઉત્તરમાં વહેતી નદીને નોંધાવતી ન હતી, અથવા પશ્ચિમે સિન્ધુ આવી ને ઉત્તરે હિમાલય આવ્યો એમ પણ ગણાવતી ન હતી. એ તો પ્રવાસમાં પોતે જ અનુભવેલાં પોતાના નવાં નવાં અને અદ્ભુત વીતકોને ભારે ગંભીરતાથી લલકારી લલકારીને કહેતી. કોઈ વાર એકાદ લાહોરી ઠગારાએ લાહોરની ધર્મશાળામાં એને કેવી રીતે ઠગવાની કોશિશ કરી અને પછી કેવી રીતે પોતે પોતાની ચતુરાઈથી એના પંજામાંથી છટકી ગઈ એની, તો કોઈ વાર પંથે ભેગી થયેલી ને શરમ છોડીને સાધુને વેશે નીકળી પડેલી કોઈ મીરાંની, તો કોઈ વાર કાશીની બજારની ને દિલ્હીના કિલ્લાની વાતો કરતી, અને તેમાં કલ્પિત વાર્તાઓ કરતાં પણ વધારે રસ જમાવતી. અમારા પાડોશમાં કેસર ડોશીનો કુરણો રહેતો. એ માતા બહુચરાનો ભક્ત હતો. દેશપરદેશ તે ફરતો, દોરાધાગા કરતો અને બાર મહિને બે વર્ષ ચાલે તેટલું લઈને ઘેર આવતો. એ જ્યારે ઘેર આવતો ત્યારે અમે બધા એની આસપાસ એકઠા થતા. કુરણો કંઈ કંઈ નવી નવી ચીજો લાવતો. કાશીની પીતાંબરનું, નાશિકના લોટા અને અખબારોનું, ગંગાજીની લોટીઓનું ને એવી ઘણી ચીજોનું પ્રદર્શન અમે નિહાળી નિહાળીને જોતાં. એકે એક વસ્તુ સાથે અદ્ભુત વાર્તાઓને ટકોર મારે એવી એના અનુભવની વાતો હતી. નાશિકના ભૂતની વાત તો હજી એવી ને એવી મારા કાનમાં સંભળાય છે, અને ત્રીશ વર્ષે પણ એ વાર્તાના 'હુંબક હુંબા' 'હુંબક હુંબા' શબ્દો એવા જ તાજા છે. અમે ભૂગોળમાં ઘણું ભણ્યા ને ઘણું ભૂલ્યા તે જોતાં આ કુરણાની વાતોમાંથી તો જેટલું ભણ્યા તેટલું બધું યાદ રાખ્યું, એ જ આવી વાતનો મહિમા સિદ્ધ કરે છે. આ વાર્તાઓ પરીઓ કે રાક્ષસોની ન હતી. આ તો માણસના જીવતા જાગતા અનુભવની વાતો હતી. પરંતુ જે વાત અદ્ભુત છે તે પછી ખરી હોય તોપણ એક પરીની વાત જેવી જ મોહક છે, સુંદર છે ને આકર્ષક પણ છે. આખું મહાભારત અમે માણભટને મુખેથી સાંભળેલું. શો એનો રસ ! રાતના બાર ઉપર એક વાગ્યા સુધી માણભટની માણના રણકારા વાગે ને અમે બધા ફાટી આંખે ને ઉઘાડે કાને મહાભારતમય બની જઈને. અમને ખબર ન પડે એમ ને ફરતા સમાજશિક્ષક માણભટે અમને આખું મહાભારત વાર્તાકથન- પદ્ધતિથી એવું શિખવાડયું છે કે એમાંની વાતો આજે વધારેમાં વધારે યાદ છે; યાદ છે એટલું જ નહિ પણ એવી ને એવી તાજી છે ને એવીને એવી એની છાપ છે ! અમને શૂરાતનનો વિચાર આવે છે ત્યારે અમે 'મારો મારો એમ સંભળાય; ધરતી લાગતી ધ્રૂજવા ને ઊથલપાથલ થાય !' એમ બોલવા લાગી જઈએ છીએ. આ વખતે માણભટનું રુદ્રરૂપધારી મોં, એનાં ક્રોધયુક્ત ભવાં ને ફાટતી આંખોની સાથે કપાળની કરચળીઓ નજરે તરે છે. આજે પણ આટલું જાણ્યા પછી લાગે છે કે માણભટ વાર્તાકથનનું શાસ્ત્ર વધારે જાણતો; એની વાર્તા મારી વાર્તા કરતાં વધારે સફળ થતી. ચોરામાં કાઠીગરાસિયાનાં પરાક્રમની વાતો ઈતિહાસની જ વાતો હતી. સાચીખોટી રાસમાળા એવી જ વાર્તાઓને આભારી છે, અને હજુ પણ પુરાતત્ત્વકોને માટે આ ક્ષેત્ર એટલું જ વિશાળ છે. બારોટો ગરાસિયાઓને તેમના પૂર્વજોનાં પરાક્રમો અને વંશાવળી શૂરાતનની વાતો સંભળાવીને જાણે કે શીખવતા. આમ જ ઈતિહાસ કર્ણોપકર્ણ ચાલતી કથાથી પેઢી દર પેઢી ઊતરતો, ને લોકો શિક્ષિત રહેતા. આજે પ્રેમાનંદનું ઓખાહરણ વિદ્યાર્થીઓને ગોખવું પડે છે. ઘેલા શુકલ ચૈત્ર માસ આવે એટલે પોતાના ઘરના કરા પાસે પોથી લઈને બેસતા અને અમારી શેરીનાં માણસો ઓખાહરણ સાંભળવા એની આસપાસ એકઠાં થતાં. વ્યવસ્થા એની મેળે જ જળવાતી. ઓખાહરણ એ એવું તો સરસ ગાય ને એની વાર્તા એવી તો સરસ કરે કે અમે ઊંઘ ખોઈને, નિશાળના પાઠ પણ પડતા મૂકીને અમે ઘણી વાર તો છાનામાના ઘરમાંથી માબાપને ખબર ન પડે તેમ નીકળી જઈને કથા સાંભળવા બેસતા. અમારામાંના તોફાનીમાં તોફાની છોકરા પણ શુકલ ગાય ત્યારે ચૂપાચૂપ. ઘેલા શુકલ કથા સંભળાવતા હતા એટલું જ ન હતું, પણ પ્રેમાનંદે કથામાં મૂકેલા રસ ચખાડતા હતા. એ રસાસ્વાદની સ્મૃતિ જ આજે આટલું લખવાને પ્રેરી રહી છે. ભાગવતની કથા (સપ્તાહ) એ પણ લોકવાર્તાઓનો મોટો સમૂહ છે. આખું ભાગવત વાર્તાકથન- પદ્ધતિથી અનેકને આજે યાદ છે. સાત સાત દિવસ સુધી લોકો અવિશ્રાંતપણે ભાગવત સાંભળે છે એમાં ધર્મભાવના કરતાં યે વાર્તારસનું પ્રાબલ્ય અધિક છે. શ્રાવણ માસમાં ચાલતી આપણી પૌરાણિક કથાઓનાં શ્રવણો આજની નિશાળોના લોકવાર્તાના વર્ગો સાથે સરખાવી શકાય. ધર્મને લગતી બાબતો પણ લોકોને વાર્તા દ્વારા આપવાની આ યોજનામાં પ્રજાના શિક્ષકોની સમાજમાનસ જાણવાની શક્તિનું દર્શન થાય છે. ચાતુરી શીખવવા માટે તો પંચતંત્રની વાર્તાઓ ખાસ યોજવી પડી હતી. આમ જ અનેક વિષયો શીખવવા માટે અને સમાજની રુચિ કે અરુચિ કેળવવા માટે વાર્તાઓ શિક્ષકનું કામ કરતી. આજે પણ આપણે વાર્તાઓ દ્વારા ઘણા વિષયો શીખવી શકીએ અથવા ઘણા વિષયોના જ્ઞાનનો માર્ગ ઉઘાડો કરી આપી શકીએ. વાર્તાઓનો ભંડાર તપાસીએ તો એમાં કંઈ કંઈ જાતની વાર્તાઓ પડેલી છે. ભંડારમાં કલ્પિત વાર્તાઓ છે તેમ સાચેસાચી ઘટનાની વાર્તાઓ પણ છે; ભંડારમાં વિજ્ઞાનની વાતો છે તેમ ધર્મની વાતો પણ છે; એ ભંડારમાં કલાની વૃત્તિને જગાડનાર વાર્તાઓ છે તેમ કલાની કદર કરતાં શીખવનાર વાર્તાઓ પણ છે; એમાં સાહિત્યનો આત્મા જગાડનારી વાતો છે તેમ જ ઈતિહાસભૂગોળને રસિક બનાવનારી વાતો પણ છે. પણ આ વાર્તાઓનો આપણે શિક્ષણની દૃષ્ટિથી ઉપયોગ કરી શકીએ છીએ. વાર્તાઓ એટલે કલ્પિત વાર્તાઓ જ એમ સમજવાનું નથી. જેમાં વાર્તાના અંશો છે તે બધી હકીકતોના સમૂહો તે વાર્તાઓ જ છે. ઇતિહાસની હકીકતો ભૂતકાળની વાર્તાઓ છે; ખગોળની હકીકતો આકાશની વાર્તાઓ છે; ભૂસ્તરની હકીકતો પૃથ્વીના પડની વાર્તાઓ છે. પૃથ્વી કેમ થઈ, તેના ઉપર વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો કેવી રીતે આવ્યાં, ચંદ્ર અને મંગળ પર કેવી સ્થિતિ હશે વગેરેને લગતી વાતો પરીઓની વાતો કરતાં કાંઈ ઓછી અદ્ભુત કે ઓછી રસિક નથી. 'પાઘડી અને તોરા'ની ને 'ત્રણ રાક્ષસો'ની વાતો આપણને પરીઓની વાર્તાથીયે વધારે ગમી હતી. વાતપ્રવાહ, ઉદકપ્રવાહ અને વરાળિયો કાંઈ જેવાતેવા બળવાન રાક્ષસો નથી કે જેની વાતો સાંભળતાં આપણાં રૂંવાડાં ઊભાં ન થાય. રેશમની ઉત્પત્તિની કે ઊધઈના પરાક્રમની, કીડીના કોઠારની કે એકાદ જનાવરના ફૉસિલની વાત કાંઈ ઓછા ચમત્કારભરી નથી. ટૂંકમાં એમ કહીએ તો કાંઈ વધારે પડતું નહિ ગણાય કે આ આખું જગત અને તેના ચમત્કારો એક મહાન અને અદ્ભુત મહાકથા કે મહાભારત છે. પાંડવકૌરવોના મહાભારતથી યે આ મહાભારત મોટું છે. આ ભારતની કથા અનંત છે. આમાં ભીમ જેવા મોટા હિમાલયની કથા છે ને ભીમના એકાદ સાધારણ સારથિ જેવા ક્ષુદ્ર મામણમૂંડાની પણ કથા છે. પક્ષીઓ પોતાની ઉત્પત્તિની એક મહાકથા કહી રહ્યાં છે; પશુઓ પોતાની ઓલાદના ઇતિહાસની એક અજબ કાદંબરી સંભળાવી રહ્યાં છે; ફૂલો ને ઝાડો પોતાના વૃત્તાંત પોતાના ચહેરા પર લખીને આપણે રસ્તે જ સામે ઊભેલા છે. આપણે વનસ્પતિશાસત્રમાં વાર્તાઓ લાવી શકીએ ને પ્રાણીવિદ્યાના અભ્યાસમાં પણ વાર્તાઓ લાવી શકીએ. સસલાંઓ આટલી બધી જાતનાં કયાંથી થયાં એ વાર્તા સાત સમુદ્રની પેલે પારથી અમૃત લાવવાની વાર્તા કરતાં ઓછી ભવ્ય નથી. આ બધાં જાત જાતનાં અને રંગબેરંગી કબૂતરોનો વડવો એક જંગલી કબૂતર કેવી રીતે હતું અને આપણા બધાનો વડવો એક વાનર કેવી રીતે હતો, એની લાંબી લાંબી કથામાં કાંઈ ઓછી ચમત્કૃતિ કે કાંઈ ઓછી અદ્ભુતતા નથી. આપણે આવા બધા વિષયો આવી વાર્તાઓ દ્વારા શીખવી શકીએ. આપણી ઘણી હકીકતોને વાર્તામાં ગૂંથી દઈને વિષયોને ખૂબ ખૂબ રસિક કરી શકીએ. આપણે સાહિત્ય પ્રત્યે વિદ્યાર્થીઓમાં અભિરુચિ ઉત્પન્ન કરવી હોય તો જે વાર્તાઓ સાહિત્યની દૃષ્ટિથી પૂર્ણ છે તે તેમને કહી સંભળાવીએ. વાર્તાઓ સ્વતઃ જ સાહિત્ય હોય એ એક પ્રકારની સામગ્રી છે, જ્યારે સાહિત્યની દૃષ્ટિને પોષે એવી હકીકતો વાર્તારૂપે ગોઠવવી ને વાપરવી એ બીજા પ્રકારની સામગ્રી છે. સાહિત્યકારોનાં ચરિત્રોમાંથી સુંદર પ્રસંગોને વાર્તામાં ગૂંથવામાં ઓછી મજા નથી. સાહિત્યકારોની વિચિત્રતાઓ નાની નાની વાર્તારૂપે વિદ્યાર્થીઓ પાસે મૂકવામાં સાહિત્યના અભ્યાસને પોષણ મળે જ છે. એકાદ ગ્રંથની ઉત્પત્તિનો ઇતિહાસ કે કોઈ એકાદ ફાટી ગયેલ કે તૂટી ગયેલ પુસ્તકના પુનર્જીવનની કથા ઓછાં પ્રેરક નથી. કેવી રીતે જેલામાં બેઠાં બેઠાં કે વહાણમાં સહેલ કરતાં કરતાં લેખકોએ પુસ્તકો લખ્યાં એની વાતો જેવીતેવી પરીઓની વાર્તા નથી. અમુક પુસ્તકો આજે જે લાખોની સંખ્યામાં વેચાય છે તે જ્યારે ગ્રંથકર્તાને છપાવવાં હતાં ત્યારે ગ્રંથકર્તા ભૂખે મરતો હતો અને ઘરના ભાડાને માટે રાંધવાનાં વાસણો ભાડે મૂકવાં પડયાં હતાં; અમુક ચોપડી સરકારે વારંવાર જપ્ત કરેલી છે છતાં તે પાછી પ્રગટ થયા કરે છે; અમુક ચોપડીઓ રાજસત્તાએ કે ધર્મસત્તાએ કેવી રીતે બાળી નાખી; અમુક ચોપડીઓ એક વાર લખાયા પછી ખોવાઈ કે બળી ગઈ કે ઉદર ખાઈ ગયા તે પછી ફરી કેવી રીતે લખાઈ કે અધૂરી રહી; અમુક ચોપડીઓ અમુક જણે લખી પરંતુ અમુક જણે યુક્તિથી પોતાને નામે છપાવી મારી; આ અને આવી એકેએક વાર્તા સુંદર સાહિત્ય રુચિ કેળવનારી અને માહિતી આપનારી છે. સાહિત્યના અભ્યાસીને છાપકળાના ઇતિહાસની વાર્તા ઓછી રસિક નહિ લાગે. ઋષિમુનિઓ કેવા પદાર્થો પર પોતાનાં પુસ્તકો લખતા તેની ઘણા જૂના સમયની, ધૂળનાં પડ ચડેલી વાતો કાંઈ ઓછી રસમય નહિ થાય. પત્થરનાં પૃષ્ઠની ચોપડી એ એક વાર્તા બને, ઝાડની છાંલનાં પાનાંની ચોપડી એ બીજી વાર્તા બને, ને કાગળનાં પાનાંની ચોપડી એ વળી ત્રીજી વાર્તા બને. અત્યારની દુનિયામાં જૂનામાં જૂની કઈ ચોપડી ને છેલ્લામાં છેલ્લી કઈ ચોપડી એ પણ એકાદ વાર્તાનો વિષય છે. એકાદ પાટણના ભંડારની કે એકાદ બળી ગયેલ પુસ્તકભંડારની વાત વિદ્યાર્થીઓ જરૂર એકાગ્ર થઈને સાંભળે જ. આવાં સાધનોની વાર્તાઓ સાહિત્યના વિદ્યાર્થીને માટે ખરેખરી વાર્તાઓ જ છે, અને તે વાર્તાઓ હોવાથી તેને અમૂલ્ય જ્ઞાન આપી શકે છે. આપણે જેમ સાહિત્ય વિષે કહી શકીએ તેમ સંગીત કે ચિત્રકલા વિષે પણ કહી શકીએ. સંગીતવિષય પ્રત્યે પણ વાર્તાઓથી રુચિ કરાવી શકાય. વાર્તાઓથી આખા વિષયો શીખવી શકાય જ નહિ, અથવા તેવો દાવો વાર્તાશાસ્ત્રનો છે પણ નહિ. સાહિત્ય, સંગીત, કલા અને જ્ઞાનમાત્ર દરેક માણસના પોતાના હૃદયમાં પ્રગટે છે એ ખરું પણ આસપાસની પરિસ્થિતિ માટે વાર્તાને કાંઈ ઓછું અગત્યનું સ્થાન નથી. કુદરતી બક્ષિસ એ મૂળ વસ્તુ છે; પણ જેનામાં મૂળ વસ્તુ ન્યૂનાધિક છે તેના ઉપર પરિસ્થિતિની અસર સુલભ છે. આથી જ વાર્તા દ્વારા શિક્ષણ આપવાની વિચારણા સંભવિત છે. સંગીતનો પ્રેમ સંગીતના શ્રવણથી ઉદ્ભવે છે. પણ સંગીત સંબંધેની વાતોથી સંગીતપ્રેમની અંકુરિતતા તો સંભાવ્ય છે જ. રાગરાગિણીઓની ઉત્પત્તિની વાતો એક નવું જ અને નિરાળું વાર્તાનું ક્ષેત્ર છે. ગવૈયાની ગાંડાઈ કે ઉપાસનાની વાતો તો અદ્ભુત વાતને પણ ટપી જાય. રમાના બાપની કે એકાદ ખાંસાહેબની સંગીત પાછળની ઘેલછાની એકાદ વાત સંગીતમાં પણ કંઈક છે એમ સમજાવવા માટે તો ગોળીના માર જેવી થઈ પડે છે. જેમ ઇશ્કની વાતો જુવાન માણસો સાંભળતાં ધરાતા નથી તેમ જેનામાં સંગીતનો છાંટો સરખો ય છે તે આવી ઉસ્તાદોની ઘેલછાની વાતો સાંભળતાં ધરાતા જ નથી. સંગીત પાછળ કેમ ખુવાર થવાયું છે, પ્રભુ પેઠે સંગીતની કેમ પૂજા થઈ છે, તેનાં બ્યાનો ઓછા મનોહર નથી. ઉસ્તાદોના ઉલ્લુપણાની વાતો રમૂજ છે ને બોધક પણ છે. સંગીતના ચમત્કારોની વાતો તો ડોલાવે એવી ને કલ્પિત વાતોને ટકોર મારે તેવી છે. દીપક રાગ ગાતાં બળી જવાની કે દાહ થવાની અને મલ્હાર રાગ ગાતાં વરસાદ આવવાથી દાહની શાંતિ થવાની વાતોની અદ્ભુતતાની શી વાત કરવી ! ગવૈયાની સ્પર્ધાની વાતો, રાજદરબારમાં ગવૈયાના માનપાનની વાતો, સંગીત કેવી મુશ્કેલીથી શિખાતું તેની વાતો, સંગીતના ઉસ્તાદોની-સંગીતગુરુઓની વાતો, એ બધી વાતો સંગીતનો રસ ઉત્પન્ન કરનારી વાતો છે. એ બધી વાતો સંગીતના શિક્ષણને ઉપકારક છે. વળી આપણે બીનનો ઇતિહાસ કહીને, હારમોનિયમના દેશના સંગીતના ખબરો આપીને કે જલતરંગ કેમ ગોઠવાય છે તેની માહિતી દઈને પણ સંગીતનો શોખ કેળવી શકીએ. આ બધું વાર્તારૂપે કહેવામાં ખરી મજા અને લાભ છે. દરેક માણસ સંગીતમાં કુશળ ન થઈ શકે, પણ દરેક માણસને સંગીતની કદર કરતો તો બનાવી શકાય. આવી જાતના શાળાના વાતાવરણમાંથી કંઈ નહિ તો સંગીતની કદર બૂજવાની શક્તિ તો માણસમાં આવે જ. ઇતિહાસ પોતે વાર્તા જ છે. વાર્તારૂપે ઇતિહાસ શીખવવો જોઈએ એમ કહેવામાં કંઈ નવીન કહેવાનું જ નથી. છતાં આજે જ્યારે પુસ્તકો વધી પડયા છે, ને ઇતિહાસનાં પાઠયપુસ્તકો હાથમાં લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઇતિહાસ ગોખાવી ને ગોખી રહ્યા છે, ત્યારે તો આપણે ઇતિહાસ શીખવવાની પુરાતન રીતિને સંભારવી પડે છે. છાપખાનાના દિવસો ન હતા ત્યારે ઈતિહાસ તો વાર્તાઓમાં જ રહેતો અને વાર્તાઓ મારફતે એક માણસ પાસેથી બીજા માણસ પાસે જતો. આજે પણ ગામડાના અશિક્ષિત લોકો ચોરે બેઠાં બેઠાં કે વાસુ ગયા હોય ત્યારે ખેતરને શેઢે સૂતાં સૂતાં જુનાપુરાણા ઇતિહાસને વાર્તા દ્વારા તાજો રાખ્યે જાય છે. વાર્તા દ્વારા મળેલો ઇતિહાસ પુસ્તકોથી ભણેલા ઇતિહાસથી વધારે ચિરંજીવ રહે છે એનાં દષ્ટાંતો આપણાં રામાયણ, ભારત અને ભાગવતાદિ પુરાણો છે. લોકો એ મોટાં કાવ્યો અને ગ્રંથોની વાતો એમ ને એમ પોતાની પાસે મુખપરંપરાએ સાચવી રહ્યા છે તેનું કારણ વાર્તા છે. ઇતિહાસ માટે વાર્તાને શોધવા જવું પડે તેમ નથી. બાબરના એકાદ જીવનપ્રસંગને વાર્તામાં મૂકો એટલે વિદ્યાર્થીને બાબર કોણ હતો, તેણે શું કર્યું હતું, વગેરે જાણવાની ઇચ્છા થાય છે. 'તાજ'ની વાર્તા તો કોઈ પરીની વાર્તા કરતાં યે ચડી જાય એવી છે. 'અશોકના શિલાલેખ'ની વાર્તામાં એક કુશળ શિક્ષક કેટલો યે ઇતિહાસ ભરી શકે. ગિરનાર ઉપર ઊભાં ઊભાં કાઠિયાવાડના ઇતિહાસની એક સો વાર્તાઓ સંભળાવી શકાય. વઢવાણનું સ્મશાન કે રાણકદેવીનું દેરું આખો રા'ખેંગારનો ઇતિહાસ કહી સંભળાવે. શિહોરનો 'બ્રહ્મકુંડ' સિદ્ધરાજના રાજની કથાનું બારણું ખોલી આપે. આપણે કાઠિયાવાડની વાર્તા માટે આવી યાદી કરવી જોઈએ :- બ્રહ્મકુંડ, શંકરનું લિંગ કોણે તોડયું? લોલિયાણાનો મિનારો, તળાજાની ગુફામાં, મોર સંધવાણી, મૂળુમાણેક, પીરમનો મોખડાજી, હમીરજી ગોહિલ, માધાવાવ, ગીરના જંગલમાં, બરડાના ડુંગરા ઉપર, ચાંચના રૂખડા નીચે, વગેરે વગેરે. હલામણ જેઠવો અને સોનકંસારીની, હોથલપદમણી અને લાખા ફુલાણીની, વીજાણંદ અને શેણીની, રા'મંડલિક અને નાગભાઈની કે જસમા ઓડણ અને સિદ્ધરાજની, એવી અનેક વાર્તાઓ ઈતિહાસનું જીવંત સ્વરૂપ જ છે કે કાંઈ બીજું? કાઠિયાવાડમાં કાઠી કયાંથી આવ્યા, ભીલો પહેલાં કયાં વસતા હતા, નાગરોનાં ઘરો ઘોઘામાં વધારે શા માટે છે, દ્વારિકા અને શેત્રુંજો તથા ગિરનાર ને પ્રભાસપાટણ યાત્રાનાં ધામો કયાંથી થયાં, એ બધી હકીકતો સુંદર સુંદર વાતો દ્વારા ઇતિહાસ જ રચી રહી છે ને? ભૂગોળની વાતો આમ જ આપણે શોધી કાઢીએ તે વિદ્યાર્થીઓને એમાં રસ લેતા કરી શકીએ. આપણે બાળકમાં કુદરતનો પ્રેમ વાર્તા દ્વારા ખૂબ જગાડી શકીએ. અત્યારે તો જાણે કુદરતને અને આપણાં બાળકોને કશો સંબંધ જ નથી. તેઓ નથી જાણતાં વનસ્પતિઓની જાતો કે પ્રાણીઓની ઓલાદો; નથી તેમને નદીઓના, સરોવરોના, ડુંગરોના કે જંગલના ભેદોની ખબર કે નથી તેમને આકાશપાતાળ ના ગર્ભમાં શું શું ભરેલું છે તેની કશી માહિતી. તેઓ એકલાં પુસ્તકોને પિછાને છે; અને તેમાં જે લખેલું છે તેને શાસ્ત્રવાકય માની તેટલાથી સંતોષ માને છે. કુદરતની વાતો પણ કાંઈ થોડી નથી. કલ્પિત વાર્તાનો તોટો નથી તેમ સાચી વાર્તા બનાવવાનાં સાધનો પણ કાંઈ ઓછાં નથી. કલ્પિત વાર્તા વડે કુદરત તરફ બાળકનું લક્ષ ખેંચાય છે, તેના તરફ સમતા અને મમતા વધે છે, જ્યારે ખરી વાર્તાઓ સાંભળવાથી બાળક કુદરતને પિછાની શકે છે – કુદરતનું તેને જ્ઞાન થાય છે. 'હારના મોતીની જીવનકથા' માં કેટલી બધી દરિયાની વાતો કહેવાઈ જાય? 'આપણા જમીનમાં રહેનારા દોસ્તો'ની વાતમાં આપણે કેટકેટલી જાતનાં જીવડાંની વાતો કહી નાખીએ? 'મધનું ટીપું'ની વાતમાં આપણે મધમાખોના આખા જીવન વિષે વિદ્યાર્થીઓને કેટલું બધું જાણવા જેવું આપી શકીએ? 'ગુલાબની મુસાફરી' ની વાર્તા, દરિયાનાં બાળકોની વાતો, હવાના રાજાઓની વાતો, આપણાં શરીરમાં રહેનારાંની વાતો, એવી એવી વાતોથી કુદરતને લગતા વિષયો આપણે બાળકો પાસે રજૂ કરી શકીએ. પથ્થરની વાર્તામાં તો આખું ભૂસ્તર આવી જાય. પૃથ્વીનાં બચ્ચાંની વાત કહેવા બેસીએ તો આપણો એક ચંદ્ર અને શનિના આઠ ચંદ્રોની વાર્તા પણ કહી નાખીએ. 'એક મચ્છરે કરેલો કેર' એવી વાર્તામાં આપણે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જાતના તાવની વાતો કહી દઈએ. એક માખીના પરાક્રમની વાતમાંથી આપણે કેટલા યે આરોગ્યના નિયમો બાળક સમક્ષ રજૂ કરી શકીએ. બાળકોને વાર્તાઓ ગમે છે; સીધીસાદી વિજ્ઞાનની વાતો તેમને ન ગમે એ સ્વાભાવિક છે. આપણને જ્યારે વિજ્ઞાનની વાતો ગમવા લાગે છે ત્યારે આપણે બાળક મટી જઈએ છીએ, પણ જ્યાં સુધી આપણે અદ્ભુત વાતોના શોખીખ રહીએ છીએ ત્યાં સુધી આપણે બાલ્યાવસ્થાને ઓળંગી ગયેલા હોતા નથી. બાળકોને વાર્તાના વસ્તુ સાથે ઓછી તકરાર હોય છે; તેમને તો વાર્તાનો ઠાઠ વાર્તાશાહી જોઈએ. ગમે તો ભૂગોળની કે ગમે તો ખગોળની, ગમે તો પ્રજનનશાસ્ત્રની કે ગમે તો અર્થશાસ્ત્રની; ગમે તે વાત તમે વાર્તાના ઠાઠમાં ગોઠવીને કહો તો બાળક તમારી વાત જરૂર સાંભળશે અને તેમાં રસ લેશે. આજે આપણી આસપાસ જે અદ્ભુત કુદરત વિસ્તરી રહી છે તેને એકવાર વાર્તાના રૂપમાં ગોઠવો ને પછી જુઓ કે કુદરતનું જ્ઞાન કેટલું સહેલું અને સરળ થઈ જાય છે ! પૃથ્વી ગોળ છે એમ કહીએ ને તેની સાબિતી આપવા બેસીએ તેમાં બાળકને કશો રસ ન આવે. પણ આપણે શરૂ કરીએ કે "એક હતો વહાણવટી. તે કહેઃ 'સામે પૃથ્વીને અડતું આકાશ દેખાય છે તેને અડું.' તે વહાણ લઈને ચાલ્યો. આકાશ સામે નજર રાખીને વહાણ હંકાર્યે જ જાય. ઘણા દિવસ થયા એટલે વહાણ તો જમીનને કાંઠે આવ્યું ને આકાશ તો દૂરનું દૂર જ રહ્યું. પછી તે જમીન પર સીધી નજર રાખી ચાલવા લાગ્યો. કેટલાં યે જંગલો વટાવી ગયો, કેટલા યે દરિયા તરી ગયો, કેટલા યે ડુંગરા ઓળંગી ગયો, પણ આકાશ તો સામેનું સામે ને દૂરનું દૂર જ ! એમ કરતાં કરતાં એક દિવસ તે પોતાને ગામ આવી પહોંચ્યો. પોતાનું જ ઘર ને પોતાનો જ દરિયાકાંઠો ! તેને થયું કે આ તે આમ કેમ બન્યું હશે ? પછી થઈ શોધ કે પૃથ્વી ગોળ છે." આવી ઘણી વાર્તાઓ ગોઠવી દેવાય. જેમાં વિષયનું સત્ય હોય ને બીજી હકીકતો બનાવટી કે કલ્પિત હોય એવી વાર્તાઓ જોડી પણ કઢાય. ભૂગોળના વિષયને લગતી એક વાર્તા કાકાસાહેબે બનાવી છે. મજેની વાર્તાની વાર્તા ને ભૂગોળનું જ્ઞાન. 'અમે જ્યારે નાના હતા ત્યારે' એમ કહીને કેટલી બે વાર્તાઓ જાત જાતના વિષયો ઉપર કહી શકાય. ટૂંકું આયુષ્ય અને લાંબા આયુષ્યવાળાં ઝાડો માટે અભિમાની ભીંડા એ ગંભીર વડની પ્રચલિત વાર્તા કહી શકાય. આવળના ઉપયોગ માટે, "આવળને એકવાર પોતાનાં ફૂલોનું અભિમાન થયું તેથી પરમેશ્વરે તેને ચમારકુંડમાં બોળી.” એ વાર્તા કહી શકાય. મને વિજ્ઞાનનું જ્ઞાન થોડું તેથી મારે તો વાર્તા જોડી કાઢવી પડતી. 'પાટલા'ની વાર્તા કહીને જંગલની અંદરનાં મોટાં ઝાડો, તે કાપવાનું કામ ને તેનાં લાકડાં નદીમાં તરતાં મૂકે તે હકીકત કહેતો અને સુંદર રસિક વાર્તા બનાવતો. કોઈ વાર ઈટની તો કોઈ વાર પથ્થરની વાર્તા કહેતો અને તે કેમ બને છે તેની માહિતી રસપૂર્વક આપતો. આપણામાં તો એવી વાર્તાઓના સંગ્રહો નથી, પણ અંગ્રેજીમાં એવાં સંગ્રહો જથ્થાબંધ છે. એવા સાહિત્યની તો એક જુદી અને વિસ્તૃત યાદી બનાવવાની જરૂર છે. પ્રજનનશાસ્ત્રની માહિતી આપવા માટે આપણે વાર્તાઓ કહી શકીએ. કલ્પિત વાર્તાઓમાં પણ આ વિષયની વસ્તુ છે. નાગપાંચમમાં, કુમારસંભવની વાર્તામાં અને એવી બીજી લોકવાર્તાઓમાં પ્રજનનનાં ઊંડાં સત્યો વ્યક્ત થયેલાં છે. વનસ્પતિને ફળો કેમ બેસે છે, જાત જાતનાં સસલાં કેમ થાય છે, કબૂતરોની આટલી બધી જાતો કેમ છે, ઈન્ડામાંથી બચ્ચાં શાથી નીકળતાં હશે, વગેરે બાબતોની વાર્તાથી આડકતરી રીતે બાળકમાં મનુષ્ય- ઉત્પત્તિનો વિચાર આવે છે. ત્યારથી જ પ્રજનનશાસ્ત્રમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય છે. એવા અનેક વિષયો છે કે જેને વાર્તાઓ દ્વારા આપણે સમજાવી શકીએ અથવા શીખવી શકીએ. મુશ્કેલી માત્ર એટલી જ છે કે હકીકતોમાંથી શિક્ષકને વાર્તા બનાવી લેતાં આવડવી જોઈએ. વાર્તાનાં તત્ત્વો કયાં કયાં કહેવાય તે જો શિક્ષક જાણતો ન હોય તો તેનાથી આ કામ બની શકે નહિ. વાર્તાનાં સાચાં રૂપરંગ જ્યાં સુધી વાર્તામાં બાળકને દેખાય નહિ ત્યાં સુધી બાળક તે સાંભળે નહિ. આપણે કહીએ કે "શાહજહાન નામનો દિલ્હીનો બાદશાહ હતો. તેને એક બેગમ હતી. તે ઘણી રૂપાળી હતી. બાદશાહ તેને ખૂબ ચાહતો હતો." આટલું કહીએ ત્યાં તો બાળકોને બગાસાં આવવા લાગે. 'તાજ'ની વાત આમ ન કહેવાય. એ તો એમ શરૂ કરાય કે "એક હતી બાદશાહની બેગમ. એનો દાંત હલવા લાગ્યો." એટલું કહીએ ત્યાં તો બાળકોનું ધ્યાન ખેંચાય. પછી એ દાંતનું શું થયું એ પ્રશ્ન બાળકના મનમાં સહેજે ઊઠે ને આગળ કથા સાંભળવા ઉત્સુક બને. પછી આપણે કહીએ કે એમ કરતાં કરતાં દાંત પડી ગયો. પછી બાદશાહ કહે : "બેગમસાહેબ, બેગમસાહેબ ! આ દાંત ઉપર એક મોટો મોટો મહેલ ચણાવીએ. એવો મહેલ ચણાવીએ કે દુનિયામાં એના જેવો મહેલ બીજો કોઈ ચણાવી જ ન શકે. એવો મહેલ ચણાવીએ કે એમાં લાકડું કયાંઈ વપરાય જ નહિ. એકલો આરસ, આરસ ને આરસ ! એવો મહેલ ચણાવીએ કે એની ચારે કોર મોટો બાગ ને ઠેર ઠેર ફુવારા ને હોજો.' બેગમ કહે : 'તો તો બહુ સારું. મારા દાંતની બહુ સુંદર કબર બની કહેવાય.' બાદશાહ કહે : 'કાલથી જ કામ શરૂ કરાવું છું. લાખો રૂપિયા ખરચી નાખું છું. હું છું દિલ્હીનો બાદશાહ ! મારું નામ શાહજહાન છે તે તો તમે જાણો છો. મારા જેવો રસિક બાદશાહ કોણ થયો છે?' પછી બાદશાહે મહેલ ચણાવ્યો. પણ એનું નામ શું પાડવું? બાદશાહ કહે : 'બેગમસાહેબ ! તમારા જ નામે એનું નામ પાડીએ.' બેગમનું નામ હતું મુમતાજ બેગમ. બાદશાહે મહેલનું નામ પાડયું 'તાજમહેલ.' આગ્રામાં એ સુંદર મહેલ હજુ ઊભો છે. દેશદેશના મુસાફરો એને જોવા આવે છે. લોકો કહે છે એ તો આ દુનિયાનું સ્વર્ગ છે. એવો એ 'તાજમહેલ' છે. તમે મોટાં થાઓ ત્યારે એ મહેલ જોવા જરૂર જજો." આપણે જો દેશાભિમાનની વાત કહેવી હોય તો "આપણા ગાંધી નાના હતા ત્યારે આમ આમ કહેતા." એમ ન કહેવાય. 'સાચો મોહન' નામનો વાર્તામાં મહાદેવભાઈએ એવી વાતનો સારો દાખલો આપ્યો છે. મહાપુરુષોના બાલ્યાવસ્થાના કેટલાકએક સુંદર પ્રસંગો બાળકોને રુચે તેવી કક્ષાએ ઊભા રહી વાર્તાના રૂપમાં ગોઠવી કાઢીએ તો તેની અસર સચોટ થાય છે. વાર્તા દ્વારા વિષયો દાખલ કરવા કે શીખવવા માગતા શિક્ષકે એ વાત કદી ભૂલવાની નથી કે વાર્તાનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીને આનંદ આપવાનો છે. વિજ્ઞાનની અને એવી બીજી વાતો દ્વારા વિજ્ઞાન વગેરે વિષયો બાળકના મગજમાં ખોસવાના લોભમાં વાર્તાનો આત્મા મરી ન જાય કે બાળકનો આનંદ ઊડી ન જાય તે વાત ખાસ લક્ષમાં રાખવાની છે. કોઈએ એવું પણ ભૂત પોતાના મગજમાં ભરાવા દેવાની જરૂર નથી કે હરેક વિષય વાર્તા દ્વારા શીખવો જ જોઈએ. વિપયો અનેક રીતે શીખવી શકાય છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં ટાંકણાં જેમ એક પ્રકારનો ઘાટ ઘડવા માટે જુદે જુદે વખતે કામ લાગે તેમ જ જાત જાતની પદ્ધતિઓ પણ શિક્ષણમાં વખતે વખતે કામ લાગે છે. કયારે 'વાર્તાકથન શિક્ષણપદ્ધતિ' વાપરવી અને કયારે ન વાપરવી એ વિવેકી શિક્ષકના હાથમાં રહે છે. એટલું જ શિક્ષકે સમજવું બસ છે કે વાર્તા એ એક પ્રબળ સાધન છે કે જેને શિક્ષક, શિક્ષણના કાર્યમાં સફળતાથી વાપરી શકે છે. આવી જાતની વાર્તા કહેવાની ઈચ્છા રાખવાવાળા શિક્ષકને શીખવવાના વિષયોનું સારું જ્ઞાન હોવું જ જોઈએ. વાર્તા વણવાનું ચાતુર્ય ત્યારે જ ફલપ્રદ થાય છે કે જ્યારે વાર્તામાં ગૂંથેલું વસ્તુ સાચેસાચું છતાં વાર્તાના વેશમાં હોય છે. જો એમ ન બને તો વાર્તા એક કલ્પિત વાર્તા બની જાય અને તેનાથી વિપયશિક્ષણનો પ્રશ્ન ઊકેલ જ નહિ. બેશક વાર્તાના બીજા લાભો તો વિદ્યાર્થીને હાંસલ થાય જ છે.