વિદિશા/તેષાં દિક્ષુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તેષાં દિક્ષુ

ભોળાભાઈ પટેલ

‘તેષાં દિક્ષુ પ્રથિતવિદિશા…’

આ શબ્દો પવન પાવડી બની જાય છે મારે માટે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તે દિશામાં માત્ર વિદિશા નથી, દશે દિશા છે… સાત સમુંદર તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ, ઝાડ જંગલ… પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ.

મને હંમેશાં એવું થતું રહ્યું છે કે મારા એ ગામના પાદરમાં થઈને એક નદી વહેતી હોત તો કેવું સારું! શૈશવ-કૈશોર્ય નદીને કાંઠે વીત્યું હોત, ઋતુએ ઋતુએ નદીને અવલનવલ રૂપમાં જોઈ હોત. કોઈ ક્યારેક પૂછે છે, તમારા ગામની પાસેથી કઈ નદી જાય છે – તો ઉત્તરમાં માત્ર નિસાસો જ નંખાઈ જાય. હા, ગામની ભાગોળે તળાવ છે, આંબા તળાવ અને ઉનાળામાં એ ક્યારેક સુકાઈ પણ જાય.

નદી નથી તો નથી, પણ એવું થાય કે ભલે. પણ મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું! ઘરની બહાર નીકળીએ કે ડુંગરો સાદ પાડતો હોય. ડુંગર ઉપર દેરડી હોય. એ દેરડી સુધી કેડી જતી હોય. એકશ્વાસે ચઢી જઈએ. બહુ મોટો પહાડ નહીં, એવો ડુંગર હોય કે લાગે ગામ એની હૂંફમાં સૂઈ રહ્યું છે, સોડમાં સંતાઈ રહ્યું છે, અંગ્રેજીમાં ‘નેસલ’ ક્રિયા છે ને, એમ. પણ સપાટ ખેતરો છે માત્ર મારા એ ગામની ચારે પાસ. બેત્રણ નાના-મોટા ટીંબા છે. તેમાં એક ગઢિયો ટીંબો છે. ત્યાં એક વખડા નીચે સાપના મોટા રાફડા હતા. મેં પણ ત્યાં સાપ જોયેલા. એ સાપ રાફડા નીચે દાટેલા ધનના ચરુની રખવાળી કરતા.

નદીય નથી. ડુંગરેય નથી પણ ગામની બહાર નીકળતાં કોઈ ગાઢ જંગલ શરૂ થઈ જતું હોત તો કેવું સારું! અડાબીડ જંગલ. નાની-મોટી કેડીઓ અંદર દૂર દૂર લઈ જતી હોય. તેમાં જંગલી પ્રાણી હોય. ક્યાંક વચ્ચે સરોવર હોય. નાનપણમાં પ્રેમાનંદની કવિતા ભણતાં ભણતાં જંગલનું જે વર્ણન વાંચેલું – પેલી ‘વૈદર્ભી વનમાં વલવલે’વાળી કવિતામાં – તેનાથી જંગલની કલ્પના કરેલી. હા, એવું જંગલ નથી. એક મોટું ગોચર ગામને ઉગમણે છે, રાયણ અને બાવળ છે. પહેલાં બહુ વખડા હતા, હવે નથી. હવે એ ગોચર વચ્ચે થઈને એક પાકી સડક જાય છે.

નદીય નથી, ડુંગરેય નથી અને જંગલ પણ. એ અભાવ તો ખરો, પણ મારા એ ગામ વિશે કશુંય કાવ્યાત્મક પણ ના મળે. કશુંય અસાધારણત્વ નહીં. ભાગોળે પાળિયા જેવુંય નહીં, ગામને જાણે લાંબો-ટૂંકો ઇતિહાસેય નથી. ગામ જૂનું તો લાગે છે. પહેલાં જ્યાં ઘરો હતાં, ત્યાં હવે ખેતરો છે. ગામને ઓતરાદે જે કાળીમાં હતાં તે લગભગ દખણાદી શેરીઓ વચ્ચે આવી ગયાં છે. અમારું ઘર ત્યાં આવેલું છે.

દાદા ઘણી વાર આંગણું બતાવી કહેતા, ત્યાં મોટો કૂવો હતો, અને ત્યાં દૂર માઢ હતો. ગામના એક ઠાકરડાએ એક પટેલની છોડીની મશ્કરી કરેલી. પટેલો ચૂપ રહ્યા. પછી એક જમણવારમાં બધા ઠાકરડાઓને આમંત્રણ આપ્યું. જમી જમીને નીકળે કે કાપી કાપીને પેલા કૂવામાં. મેણા ભીલ બોલાવેલા, કૂવો પછી પૂરી દીધો. એક ઠાકરડા બાઈ તેના પિયેર ઝિયાણું લેવા ગયેલી, તે માત્ર બચી ગઈ ગામમાં આજે ઠાકરડાનાં બસો ઘર છે, તે પેલી એક બાઈનો વેલો. દાદા કહે, ત્યાં ખોદો તો હજીય કૂવો નીકળે… ગણો ન ગણો આટલો ઇતિહાસ. તેય ક્યાંય નોંધાયો નથી. એવું થાય કે મારા ગામમાં કોઈ પુરાણી નગરીના અવશેષો મળી આવે, એનો કોઈ ઇતિહાસ હોત. પથ્થરે પથ્થરે શોધત.

ગામની બાજુમાંય કોઈ પ્રસિદ્ધ સ્થળ નથી. બે માઈલ દૂર વગડા વચ્ચે વાસુદેવ મહાદેવ છે. એકાકી મંદિર છે. જન્માષ્ટમીએ ત્યાં મેળો ભરાય છે. મહાદેવ જૂના છે. એની કથા છે. કથા એમ છે કે ભગવાન સ્વયંભૂ મૂર્તિ રૂપે પાતાળમાંથી પ્રકટી રહ્યા હતા. એ બહાર આવવામાં જ હતા કે બાજુમાં એક રબારી ઢોર ચરાવતો હતો. એવું થયું કે આ બાજુ ભગવાનનું ઉ૫ર ભણી આવવું અને પેલા રબારીનું હાં… હાં કહીં આગળ જતાં ઢોરને રોકવું. પણ ભગવાનને થયું આ તો મને કહ્યું… એટલે તેઓ અટકી ગયા. મૂર્તિ જમીનથી બેત્રણ હાથ નીચે જ રહી ગઈ. પણ ત્યાંથી છેક નીચે પાતાળ છે, અને એ પાતાળ આરાસુરી અંબાને ડુંગરે જઈ ફૂટે છે.

આટલું. નાનપણમાં અમારી આજુબાજુનાં બેચાર ગામ સુધી ગતિ. એ બધાંય ગામ મારા ગામ જેવાં. વળી અમારે ત્યાં બહુ ટાઢેય નહીં, તાપ ખરો, પણ બહુ વરસાદેય નહીં. બહુ વરસાદ આવે તો રેલ જેવી ઘટનાય બને ને! ઊલટાનું, દશકે—બેદશકે કળવળિયાં આવે. હા, વરસો પહેલાંની એ ઘટના હજી લોકો યાદ કરે છે. ગામમાં કોગળિયું આવેલું તે બધાં ખેતરે મહિનો-માસ, છાપરાં બાંધીને રહેલાં. મારા વખતમાં તો એવુંય નહીં. બસ બધુંયે સપાટ સપાટ.

એટલે મન કલ્પનાઓ કરે. અને તેય કરી કરીને કેટલી કરે? સીમમાં ઉનાળાના દિવસોમાં જ્યારે ખેતરો ખાલી પડ્યાં હોય ત્યારે પોમલાં ઊતરતાં. જિપ્સી લોકો હશે. અમે પોમલાં કહેતાં. તેમના કૂતરા અને પોઠિયા હોય. માસ-બે માસ રહે, પોમલીઓ કાંસકીઓ- સોયો વેચે, પોમલા જાતજાતનાં કામ કરે, ચોમાસું આવવા થાય કે તેમનો વાસ ઊઠી જાય. એવી રીતે પાડા પર ઘંટીના પથ્થરો લાદી સરાણિયા આવતા, રહેતા અને જતા. એક વાર તો બહુ મોટી વણજારાની પોઠ આવેલી. દોડીને અમે ભાગોળે ગયેલા. પોઠ ચાલી ગયેલી. દિવસો સુધી અમે વણજારાઓની વાતો કરેલી. ઘણી વાર કચ્છી ભરવાડો આવતા, ઊંટ પર આખું ઘર હોય. આમ ભટકવાનું મળે તો! રવીન્દ્રનાથની કવિતા ‘આમિ હતે યદિ આરબ બેદુઈન…’ તો પછી મોટપણમાં વાંચેલી, પણ એવી વૃત્તિ નાનપણમાં બહુ બધી વાર થયેલી, અને વણજારાની વાતો દૂરની દૂર લઈ જતી. ડૉ. મોતીચંદ્રના ‘સાર્થવાહ’ પુસ્તકમાં પછી શાહ-સોદાગરોને જમીન અને દરિયાઈ માર્ગો પર કલ્પનાથી વિચારવાનું મળ્યું. કેટકેટલા માર્ગો! એક ચિત્ર અનેક વાર નજર સામે આવ્યા કર્યું છે. ખૈબર ઘાટથી આવતી વણજાર… દુર્લંધ્ય એ પહાડો વચ્ચેના વાંકાચુકા સાંકડા માર્ગમાંથી લાંબી લાંબી વણજાર આવી રહી છે.

પણ એ દિવસોમાં કોઈ આબુ-અંબાજી જઈ આવ્યું હોય, ત્યાંની વાત કરે. ‘સગવડ નહોતી પણ માતાજીનો હુકમ થયો તે જાત્રા થઈ ગઈ. અંબાજી તે કંઈ અંબાજી! અને ગબ્બરનો ડુંગર તો…’ હું વિચારું, આપણને માતાજીનો હુકમ ક્યારે થશે? અમારા એક સગાને તો બદરીનાથનો હુકમ થયો. ચાર ચાર મહિના જાત્રાએ ગયેલા. પગે ચાલતા. ત્યાંથી આવી હિમાલયની ને ગંગાની વાતો કરે. એમની વાતમાં નદીઓ, ડુંગરા અને જંગલો બધુંય આવે. મન ત્યાં પહોંચી જતું. આપણનેય બદરીનાથનો હુકમ થાય…

અમારે ત્યાં એક ગૃહસ્થ બાવાજી આવ્યા. સાધુ થઈ ગયેલા, પછી ગૃહસ્થ. દેશમાં બહુ ભમેલા. જાતજાતની વાતો કરે, તેમાં એમણે ભોજ-કાલિદાસની વાતો કરી. ધારાનગરી અને ઉજેણી નગરીની વાતો. એ મારો હાથ જોઈ મારા બાપુને કહે, આ છોકરાના ભાગ્યમાં સરસ્વતી નથી, લક્ષ્મી છે. બાપા રાજી થયેલા, પણ મને હજીયે યાદ છે, હું ઉદાસ થઈ ગયેલો. નાની હથેળી મસળી મસળીને જોઉં ક્યાં છે સરસ્વતી, ક્યાં છે? ફળિયાનાં કાશીફોઈ ઘણી બધી જૈનકથાઓ કહે. એ કથાઓમાં તો દેશદેશાવર ભમવાની વાત હોય જ. એમાં કાશીની વાત મનમાં અંકિત થઈ ગયેલી. તેવામાં વાંચી બત્રીસ પૂતળીની વાત. ઉજેણીને પરદુઃખભંજન રાજા વિક્રમ અંધારપછેડો ઓઢી નગરચર્ચા કરવા નીકળી પડે… ભયંકર રોમાંચક… મન હાથ રહે નહીં.

રામાયણમાં રામની સાથે છેક સરયૂ તટના અયોધ્યાથી લંકા સુધી પહોંચી જવાય, અને પાંડવો તો વનમાં ને વનમાં, અર્જુનની સાથે ને સાથે રહીએ.

ગજરામારૂની વાતે તો કલ્પનાને છૂટો દોર આપી દીધો. ઓરમાન રાણીના દીકરાને બાપે દેશવટો આપી દીધો. કોઈ લેખિત- મૌખિક આજ્ઞાપત્ર નહીં. કાળી ઘોડી અને કાળો દરવેસ મોકલી આપ્યો. એ કાળો દરવેસ પહેરી કાળી ઘોડી પર બેસી બાપનો દેશ છોડી નીકળી જવાનું… મન દિશાએ દિશાએ જતું રહેતું. પણ વાસ્તવમાં તો બેચાર ગાઉ પગે ચાલતાં જવાનું મળે.

પછી ગામમાં મોટરબસ, શરૂ થઈ. ચોરા પાસે બસ ઊભી રહેતી. એ ઊપડે નહીં ત્યાં સુધી ખસીએ નહીં. ઊપડે એટલે પાછળ લટકીએ, ૫ટકાઈએ પણ, પછી ધૂળ ઉડાડતી મોટરને જતી જોયા કરી છે. એક કલાકમાં કલોલ પહોંચશે. હજીયે યાદ છે પહેલી વાર કલોલથી ગાડીમાં બેસવાનું થયેલું. ગાડીમાં ભીડ નહીં પણ બારીએ જ ઊભો રહેલો. અમદાવાદ જોઈને તો છક, ઘરમાં રહું જ નહીં, આખો દિવસ સડક ઉપર જ.

જેમ જેમ ઇતિહાસ, ભૂગોળ ભણતા ગયા તેમ તેમ કલ્પનાની કાલગત અને સ્થલગત સીમાઓ વિસ્તરતી ગઈ. ભૂગોળમાં નદીઓ અને પહાડોનાં નામ ગોખવાં પડે. ગુજરાતની – વડોદરા રાજ્યની નદીઓ, ભારતની નદીઓ. દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ? મિસિસિપિમિસૂરી! મોટામાં મોટી નદી? એમેઝોન. ઊંચામાં ઊંચો પહાડ? હિમાલય. મોટામાં મોટું રણ? મોટામાં મોટું સરોવર? મોટામાં મોટું નગર? મોટામાં મોટું જંગલ? અંધારો મુલક આફ્રિકા અને એનાં જંગલ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના હિમપ્રદેશ. આટલાંટિક અને પૅસિફિક, પણ મને ગમતો આપણો અરબી સમુદ્ર, હિન્દુસ્તાનનો નકશો દોરી ત્રાંસા અક્ષરે લખતા અ ૨ બી સ મુ દ્ર વગેરે. આંબા તળાવથી અરબી સમુદ્ર!

પછી મોટી લડાઈનાં વર્ષો આવેલાં. જાપાન અને જર્મની, ઇંગ્લૅન્ડ અને ફ્રાંસ એવાં નામ આવ્યાં. અમે જર્મનોના પ્રશંસકો હતા. જર્મનો આપણા દેશની વિદ્યામાંથી બૉમ્બ બનાવતાં શીખ્યા છે, એવું અમે દૃઢપણે માનતા. ભૂગોળમાં ચિત્રવિચિત્ર નામ આવે અને રોમાંચ થાય. એવું એક નામ છે ટિમ્બક્ટુ. જાતજાતનો ઉચ્ચાર કરીને બોલીએ.

ધીમે ધીમે ગામની સીમમાંથી બહાર નીકળવા મળ્યું. નદીઓ જોવા મળી, નગરો જોવા મળ્યાં. ઉત્તર ભારતની યાત્રાએ તો જાણે બધી બંધ દિશાઓનાં દ્વાર એકાએક ખોલી દીધાં. તેષાં દિક્ષુ… નદી જોઈ તો ગંગા, પહાડ જોયો તો હિમાલય, નગર જોયું તો દિલ્હી. ચિતોડ અને ઉદેપુર, નાથદ્વારા અને એકલિંગજી, હરદ્વાર અને હૃષીકેશ, ગોકુળ અને વૃન્દાવન, દહેરાદૂન અને મસૂરી, આગ્રા અને જયપુર,

તક મળતી ગઈ, તેમ તેમ નાનાં-મોટાં ભ્રમણો થતાં ગયાં. અનેક નદીઓ જોઈ. કાશ્મીરની જેલમ અને છેક દક્ષિણની કાવેરી, ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રને કિનારે તો સતત બાર દિવસ રહ્યો. તેમાંય ડિબ્રુગઢનો બ્રહ્મપુત્ર તો રિવરવ્યૂ હોટેલની બારી બહાર જ વહી જાય. ગુવાહાટીમાંય ઓસરીમાં બેઠાં બેઠાં તેનાં દર્શન થાય. અનેક પહાડો જોયા. ઉત્તર અને પૂર્વ હિમાલય, અરવલ્લી અને વિંધ્ય, અનેક અરણ્યો જોયાં. કેટલાંય નગરોમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયા. કેટલાય સમુદ્રતટોનાં મોજાંની મસ્તી જોઈ. રાંબોની ‘ડ્રંકનબોટ’ની જેમ તેમના પર ઊછળ્યો છું.

ગાડીના ડબ્બામાં બારી પાસે બેસી કલાકોના કલાકો પસાર થતાં ગામ, ખેતર, નદી, નગર જોયાં છે. બારી પાસે બેસવાનું બહુ ગમે. લાંબાં અંતરો કાપતી ગાડી દોડી જતી હોય. સવાર પડે, બપોર થાય, સાંજ આથમે અને ગહન અંધારામાં ગાડી જતી હોય. સ્ટેશન આવે, ક્યારેક ઊભરાતું પ્લૅટફૉર્મ હોય, ક્યારેક નિર્જન. બસ, ટ્રક, વિમાન બધાંયની ગતિ આકર્ષતી રહી છે. અનેક દિવસો બહાર રહીએ પછી ઘર બોલાવતું હોય. પણ ઘેર આવ્યા પછી ભમવા જવાની વૃત્તિ પાછી થયા કરે. મન ચંચલ થઈ ઊઠે. રવિ ઠાકુરની પંક્તિઓ સળવળી ઊઠે, હુંય જાણે ‘બાસાછાડા’ પંખીની જેમ બહાર જવા તડપું છું :

‘હેથા નય, અન્ય કોથા, અન્ય કોથા, અન્ય કોન ખાને,– અહીં નહીં, બીજે ક્યાંક, બીજે ક્યાંક, બીજે કોઈ ઠેકાણે.

કેવડો મોટો દેશ છે આપણો આ! આખો જનમારો ભમીએ તોય પાર ના આવે. એકલા હિમાલય માટે જાણે એક જન્મારો ઓછો પડે. પછી કેટલા પહાડ, નગર, સમુદ્રતટ! કેટલો ભવ્ય અતીત! થાય કે બધું જ બધું ભમીએ.

તે સાથે પૉમ્પી, રોમનાં પ્રાચીન ખંડિયેરોમાં અને ઍથેન્સની ટેકરીઓ પર ભટકવાની હોંશ છે. જર્મનીની રાઈન નદીને કિનારે પુરાણા દુર્ગોમાં અને આલ્ડેનવાલ્ડ – પુરાણાં જંગલોમાં ભટકવાની હોંશ છે. હોંશ છે પૅરિસ અને વિયેનાના રાજમાર્ગો પર ચાલવાની, લુવ્ર અને બ્રિટિશ મ્યુઝિયમોમાં દિવસો સુધી ગોંધાઈ રહેવાની, કાબુલ- કંદહાર અને સમરકંદ બુખારા જવાની. પણ તેથીય વધારે આકર્ષણ છે તિબેટ-ચીનનું. તિબેટ તો હવે રહ્યું નહીં. હવે નામશેષ થઈ ગયેલા ત્યાંના કોઈ પ્રાચીન મઠમાં બેસી જૂના ગ્રંથો ઉકેલવાનું જો મળ્યું હોત! મધ્ય એશિયાના ગોબીના રણમાં એકાદ રણદ્વીપમાં કોઈ બૌદ્ધ વિહારમાં જો જીવવાનું મળ્યું હોત! અને જાવા બાલિ સુમાત્રા! બોરોબુદરનું પેલું વિરાટ મંદિર! કલ્પનામાં ઘણી વાર બધે પહોંચી જવાય છે. કલ્પનાને સ્થળકાળનાં બંધનો ક્યાં નડે છે? ક્યારેક કાલિદાસના મેઘની સાથે યક્ષની અલકાનગરીમાં ગયો છું, સ્વપ્નનગરી અલકા, કૈલાસના ઉત્સંગમાં પ્રેમિકાની જેમ બેઠેલી અલકા. આ સ્વપ્નનગરીમાં આનંદનાં આંસુ વિના બીજાં આંસુ નથી. કામદેવના તાપ વિના બીજો તાપ નથી, પ્રણયનાં કલહ વિના બીજો કલહ નથી, યૌવન સિવાય બીજી કોઈ અવસ્થા નથી. ત્યાં મંદાકિનીનાં પાણીથી ઠંડકવાળા પવનો વાય છે અને મંદારની છાયામાં કન્યાઓ સુવર્ણની રેતમાં મણિ સંતાડી શોધી કાઢવાની રમત રમે છે. અહીં કલ્પવૃક્ષ માગ્યું આપે છે. અહીં કોઈ અભાવ નથી, અજંપો નથી. અહીં માત્ર સુખ છે. આ સ્વપ્નનગર છે – સ્લારાફનલાન્ડ, રવિ ઠાકુર કહે છે જેને ‘સબ પેયેછિ૨ દેશ.’ સંસારના કલકોલાહલ વચ્ચે માણસ મનોમન ત્યાં કદા કદા રહી આવતો હોય છે. દરેકની પોતાની એક અલકાનગરી હોય છે.

પણ બધે ફરીને ઘણી વાર હું મારા પેલા ગામની ભાગોળે પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈ ઊભો રહું છું. નાના હતા અને નિશાળમાં ભણતા ત્યારે ચોપડી પર નામની સાથે આખું સરનામું લખતાં. આખું એટલે? નામ, પિતાનું નામ, દાદાનું નામ, પછી અટક; પછી શેરી, મહોલ્લો, ગામ; પછી તાલુકો, જિલ્લો, રાજ્ય. પછી લખીએ દેશ – હિન્દુસ્તાન, ખંડ – એશિયા પછી પૃથ્વી અને છેલ્લે આવે બ્રહ્માંડ. હવે ઊલટે ક્રમે બધું વટાવી ગામની ભાગોળે.

ત્યાં પેલું આંબા તળાવ છે. ચોમાસામાં એ ઊભરાઈ જાય છે અને ઉનાળામાં એ સુકાઈ જાય છે. શિયાળામાં પોતાનામાં વીંટળાઈને પડયું રહે છે. એ આંબા તળાવની ઝાંખરીમાં મારું શૈશવ ખોવાઈ ગયું છે. ત્યાં જાતે લાકડું કાપી ભમરડા ઘડ્યા છે અને ફેરવ્યા છે, લખોટીઓની રમત રમી છે, ગેડીદડો અને ગિલ્લીદંડા રમ્યા છીએ, બાવળને છાંયડે બેસી બાવળના કાંટા પગેથી કાઢયા છે, નાગડા થઈને નાહ્યાં છીએ. એ જ તળાવની જરા ઇશાન ભણી ગામનું સ્મશાન છે. આંબા તળાવમાં વર્ષોથી અનેક ચિતાઓની આભા ઝિલાતી આવી છે. એ સ્મશાન પાસેથી જ મારા ખેતરનો રસ્તો. નાનપણમાં અંધારું થયે ખેતરમાંથી ઘેર આવતાં સળગતી ચિતા પાસેથી પસાર થતાં છળી મર્યો છું. ઘણી વાર ડાઘુઓ ચાલ્યા ગયા હોય, સ્મશાનમાં માત્ર તિખારા હોય. ઝાંખરાના ઓછાયામાં ભૂતની ભ્રમણાથી છાતીના ધબકારા વધી ગયા છે. એ સ્મશાનમાં મારા વડવાઓ ભસ્માવશેષ થઈ ગયા છે. એમની ભસ્મ આંબા તળાવની આજુબાજુમાં જ પથરાઈ આજુબાજુનાં વૃક્ષોમાં ઊગી આવી છે. શું હુંય છેવટે અહીં આવીશ? આ મારું ગામ. ભલે અહીં નદી નથી, પહાડ નથી, જંગલ નથી, સાગર નથી, સરોવર નથી, પણ હવે એ બધુંય મારામાં છે – બધુંય.

પણ ત્યાં ઝાઝું રહેવાનું થતું જ નથી. પેલા ગજરામારૂની જેમ બાપના ગામમાંથી નિર્વાસન પામ્યો છું. સ્વેચ્છયા. મહાનગરના માર્ગો પર ઉનાળાની કોઈ બપોરે ચાલતાં ચાલતાં એ નિર્વાસનનો બોધ તીવ્ર થઈ આવ્યો છે. પણ સંસારનું રોજબરોજનું કામ બધાં સાથે જોડી દે છે. વળી પાછો સણકો ઊપડે – હેથા નય, હેથા નય…

ત્યારે મન ‘તેષાં દિક્ષુ’ની પવનપાવડી પહેરી લે છે.