વિદ્યા વિનાશને માર્ગે/૧૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫

તો વિદ્યાને આપણે ફરીથી ગૌરવપૂર્વક વિદ્યાપીઠમાં પ્રતિષ્ઠિત શી રીતે કરીશું? હજી ઘણાં પ્રાચીન કાળના ઋષિઓના તપોવનમાં ચાલતી વિદ્યાપીઠનો આદર્શ સેવે છે. કેટલાક તક્ષશિલા અને નાલંદામાં હતી એવી વિદ્યાપીઠો ફરીથી સ્થપાય એમ ઇચ્છે છે. ઘણા આપણી યુનિવસિર્ટીઓ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી બની રહે એવું સ્વપ્ન જોતા હોય છે. આજની વાસ્તવિકતા સ્વીકારીને ચાલ્યા વગર છૂટકો નથી. શિક્ષણ વ્યવસાયલક્ષી જ હોવું જોઈએ, જ્ઞાન ખાતર, જ્ઞાનની વાતો આપણને આ જમાનામાં પરવડે એમ નથી એવું કેટલાક સ્પષ્ટપણે માનતા હોય છે. આપણે ત્યાં રવીન્દ્રનાથ અને ગાંધીજીએ પોતપોતાના આદર્શ મુજબ વિદ્યાપીઠો સ્થાપી પણ છે. એમ છતાં રાષ્ટ્રમાં એ પ્રભાવક બળ બની રહી શકી છે ખરી, એવો પ્રશ્ન આજે થાય છે. તો આ પરિસ્થિતિમાં શું કરવું? પશ્ચિમની વિદ્યાપીઠોની કાર્બન કોપી જેવી વિદ્યાપીઠો આપણે ત્યાં ઘણી છે. એમાં સેવા આપનારા વિદ્વદ્વર્ગ પર એની પ્રતિષ્ઠાનો આધાર રહે છે. પશ્ચિમમાં નથી એટલું ડીગ્રીનું મહત્ત્વ આપણે ત્યાં છે. આથી જેને આથિર્ક દૃષ્ટિએ પરવડે તેમ નથી એવા પણ ગતાનુગતિક ન્યાયે યુનિવસિર્ટી ભણી દોટ મૂકે છે. જેઓ પોલિટેકનિકમાં ત્રણ વર્ષમાં શિક્ષણ મેળવી આ કે તે વ્યવસાયની દક્ષતા પ્રાપ્ત કરી શકે છે તેમને પણ ડીગ્રી મેળવ્યા વગર જાણે પ્રતિષ્ઠામાં ઊણપ આવતી હોય એવું લાગે છે. ડીગ્રીને મળેલી ખોટી પ્રતિષ્ઠાને કારણે ઘણા યુવાનો શક્તિ તથા સમયનો અપવ્યય એ ડીગ્રી મેળવવા માટે કરતા હોય છે. આવી મૂલ્યોની ખોટી સમજ આપણે સુધારી લેવી જોઈએ. જેમાં જ્ઞાન ખાતર જ્ઞાનને અવકાશ છે, એવા વિષયોમાં વિદ્યાર્થીઓ સૌથી ઓછી સંખ્યામાં જતા હોય છે. વિદ્યાનું લક્ષ્ય જ આપણા સમાજમાં બદલાઈ ગયું છે. આથી સર્વાંગીણ મનુષ્યની કેળવણીવાળી વાત આજે આપણને અવ્યવહારુ લાગે છે. આથી આપણી વિદ્યાપીઠોનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. માંડ દોઢ-બે કલાક વર્ગમાં બેસીને વિદ્યાર્થીઓ આમથી તેમ ભટકતા દેખાય છે. ગ્રન્થાલયોનો ઝાઝો ઉપયોગ થતો નથી. પાઠ્યક્રમમાંનાં મોંઘાં પુસ્તકો ખરીદી નહિ શકાય, તેથી પરીક્ષા વખતે એ વિભાગ તરફ ધસારો જોવામાં આવે છે. એમાંય હવે તો પુસ્તકમાંથી ખપ પૂરતાં પાનાં ફાડી લેવાનું છડેચોક ચાલે છે. વિદ્યાપીઠોને મળતાં અનુદાન ગ્રન્થાલયોને વિકસાવવા માટે ઘણાં ઓછાં પડે છે. આમ વિદ્યાપ્રાપ્તિને માટેની અનિવાર્ય સામગ્રી વિના જ જો ચલાવી લેવું પડતું હોય તો વિદ્યાનો ઉત્કર્ષ સમ્ભવે શી રીતે? આ માટે મોટાં ઉદ્યોગ સંકુલો તથા વાણિજ્ય પ્રતિષ્ઠાનોએ મદદ કરવી જોઈએ. પછાત વર્ગને આથિર્ક મદદ કરીને શિક્ષણ પામવાની સુવિધા કરી આપવામાં આવી છે પણ એનોય વિવેકપૂર્વક ઉપયોગ થતો નથી. સાચી પરિસ્થિતિ તો એ છે કે વિદ્યાર્થી વિદ્યાપીઠમાં ઝાઝું ભણતો જ નથી. આ કે તે નિમિત્તે, વર્ષમાં અમુક સમય, યુનિવસિર્ટીઓ બંધ રહેતી હોય છે. આખા વર્ષમાં ભાગ્યે જ બે મહિના જેટલા સમયનું સઘન શિક્ષણ વિદ્યાર્થી પામતો હોય છે. આટલા અધૂરા જ્ઞાને તે દીક્ષિત થઈને બહાર નીકળે છે એનાં પરિણામ દેશ તથા સમાજને માટે ખતરનાક આવે તે દેખીતું છે. આટલો બધો સમય વેડફી નાખવાનું આપણા ગરીબ દેશને પરવડે નહિ આથી સમયનો પૂરેપૂરો ઉપયોગ થાય અને શિક્ષણ માટેની સઘન પ્રવૃત્તિ થઈ શકે એવી વ્યવસ્થા થવી જોઈએ. આજની વિદ્યાપીઠોની કાર્યપદ્ધતિ તથા બંધારણીય માળખાને બદલવાનો સમય થઈ ચૂક્યો છે. ‘ધીમે ધીમે સુધારાનો સાર’ માનનારા લોકો તરત જ આમૂલ ક્રાન્તિકારી પરિવર્તન લાવી દેશે એથી આશા રાખવી અસ્થાને છે, હજી સ્થાપિત હિતો તો ‘સ્થિતસ્ય સમર્થન’ની નીતિને જ પકડી રાખે છે. સરકાર કાયદાઓ સુધારે એની આશા રાખીને બેસી રહેવાનો કશો અર્થ નથી. કાયદા સુધારાની પ્રક્રિયા ધીમી અને જટિલ હોય છે. તો કરવું શું? સૌ પ્રથમ તો વિદ્યાપીઠોમાં વિકેન્દ્રીકરણ થવું ઘટે. નાનાં નાનાં વિદ્યાસંકુલો હોય તે વધારે હિતાવહ છે. હવે ‘એફિલિયેટિંગ’ યુનિવસિર્ટીને સ્થાને ‘રેસિડેન્શિયલ’ યુનિવસિર્ટીની સંખ્યા વધારવી જોઈએ. આવું દરેક વિદ્યાસંકુલ એની આગવી વિશિષ્ટતા ધરાવતું અને બીજાં વિદ્યાસંકુલોનું પૂરક બની રહેવું જોઈએ. દેશના શ્રેષ્ઠ તજ્જ્ઞોનો લાભ આ વિદ્યાસંકુલોને, અધ્યાપકોના આદાન-પ્રદાનની વ્યવસ્થા દ્વારા, મળતો રહે તેવી યોજના થવી જોઈએ. અભ્યાસક્રમના વિષયોની પસંદગી આડે જે જડ નિયમો છે તે ફેરવવા જોઈએ. કેમ્બ્રિજ જેવી રૂઢિચુસ્ત ગણાતી વિદ્યાપીઠમાં એરોનોટિક્સના એન્જિનિયર, વિટગેન્સ્ટાઇન, ફિલસૂફીના વિષયમાં સંશોધન કરવા માટે સીધો પ્રવેશ મેળવી શકે, પણ આપણે ત્યાં એવી ઉદાર દૃષ્ટિનો અભાવ છે. આથી ઘણાં સાચો રસ ધરાવનારા વિદ્યાર્થીઓને, ધારાધોરણને કારણે, એ વિષયમાં પ્રવેશ મેળવવાનું અશક્ય બની રહે છે. વળી ફિલસૂફી ભણતો વિદ્યાર્થી વિજ્ઞાન ભણે તો એને લાભ થાય એ દેખીતું છે. વિદ્યાપીઠોમાં અપાતા શિક્ષણને પૂરક એવી પ્રવૃત્તિ હવે તો લગભગ થતી જ નથી. અભ્યાસવર્તુળો ચાલતાં હોતાં નથી. સેમિનારનો સાચો અર્થ સમજાયો નથી. આથી સેમિનારોથી થતો લાભ આપણે મેળવી શકતા નથી. કશું પારિશ્રમિક સ્વીકાર્યા વિના સ્વેચ્છાએ પોતાના જ્ઞાનનો લાભ વિદ્યાપીઠોને આપનારો નિવૃત્ત અધ્યાપકોનો વર્ગ ઊભો થવો જોઈએ. હું તો આ સમ્બન્ધમાં કશુંક સક્રિય કરવાને ઉત્સાહી છું. વિદ્યાપીઠો ભલે ચાલે, એને સમાન્તર બીજી વિદ્યાકીય પ્રવૃત્તિ શરૂ થવી જોઈએ. શેઠાશ્રય કે રાજ્યાશ્રય વિના, કેવળ વિદ્યાના ઉત્કર્ષ માટે, આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ. ફંડફાળાની અને પૈસાના વહીવટની વાત પેચીદી હોય છે. એમાંથી ઘણાં અનિષ્ટો પ્રવેશે છે. વિદ્યાપીઠો જે જ્ઞાનની શાખાઓને જોડી આપતી નથી. તેમ છતાં જેમની વચ્ચેનો પારસ્પરિક સમ્બન્ધ જ્ઞાનપ્રાપ્તિની ગુણવત્તા વધારવામાં ઉપકારક નીવડે તેમ છે તેવા વિષયોના એકમો નક્કી કરીને એને માટેના ક્રમિક અભ્યાસક્રમની ત્રીસ વ્યાખ્યાનોમાં આવરી લઈ શકાય, એવા ‘કેપ્સ્યુલ’ અભ્યાસક્રમની વ્યવસ્થા કરી શકાય. આવા ક્રમિક અભ્યાસક્રમ માટેના સત્ર દશથી પંદર દિવસના હોય, એમાં તે તે વિષયના વિદ્વાનો નિ:શુલ્ક શિક્ષણ આપે, એમનું આતિથ્ય મિત્રો કે પરિચિતો દ્વારા થાય. રજાઓના ગાળામાં આ સત્રો ચાલે તો ઘણી શિક્ષણસંસ્થાઓનો આ સત્ર ચલાવવા માટે ઉપયોગ થઈ શકે. આવાં સમાન્તર કેન્દ્ર જે સ્થળોને વિદ્યાપીઠનો લાભ નહિ મળ્યો હોય ત્યાં ખાસ શરૂ કરવાં જોઈએ. વિદ્વાનોનું સમાજ પ્રત્યે ઋણ છે જ, એ ઋણ ચૂકવવા માટે, વિદ્યાવ્યાસંગ વધારવા માટે, કેવળ પરમાર્થવૃત્તિથી એમણે આ પ્રવૃત્તિનું સક્રિયપણે સંચાલન કરવું જોઈએ. આવાં ક્રમિક વ્યાખ્યાનોની શ્રેણીનું હું આયોજન કરી રહ્યો છું. મને આશા છે કે મારા વિદ્વાન અધ્યાપક મિત્રો આમાં સક્રિય સહકાર આપશે જ. મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચંડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઈ છે.

To reconstitute one's self is for a man to remake the world in which he is defined. To know what we might become is not a simple act of the intellect; it requires that we engage in such committed action as can destroy the deforming boundaries of our lives. So action and thought require each other, inform each other, and complete each other. The obligation imposed on the intellectual, as it is imposed on any one man, is not merely to speak against the world but refashion it. It is not a violation of the purpose of a university that some parts of the activity serve society; but the university must determine through its own critical agencies that the society it is to serve is a place in which the spirit of man may be nurtured and advanced. Richard Lichtman