વેળા વેળાની છાંયડી/૪૪. મોંઘો મજૂર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૪. મોંઘો મજૂર

શારદાને ઘેર ચંપા, નરોત્તમ અને શારદાની ત્રિપુટી વચ્ચે સરસ ગોષ્ઠી ચાલી રહી હતી. અગાઉ વાઘણિયામાં વાસ્તુમુહૂર્ત પ્રસંગે નવી મેડીના માઢિયામાં ત્રણ મુગ્ધ હૃદયોની ત્રિપુટી વચ્ચે જે મિજલસ જામેલી, એવી જ આ મિજલસ હતી. માત્ર એમાં જસીનું સ્થાન અત્યારે શારદાએ લીધું હતું, એટલો જ ફેર.

⁠આ હૃદયત્રિપુટી વચ્ચેની ચર્ચાનો વિષય પણ પ્રણયકલહ જેવો ઉગ્ર છતાં હૃદયંગમ હતો. નરોત્તમ સામે ચંપાની ફરિયાદ એ હતી કે ‘તમે સ્ટેશન ઉપરથી મારો સરસામાન શા માટે ઊંચક્યો?’

⁠નરોત્તમનો બચાવ એ હતો કે ‘મજૂર માણસને કોઈ પણ ઉતારુની મજૂરી કરવાનો અધિકાર છે.’

⁠‘પણ તમે ખરેખર મજૂર તો હતા જ નહીં?’ ચંપાએ કહ્યું.

⁠‘મજૂરમાં વળી ખરો મજૂર ને ખોટો મજૂર હોઈ શકે?’ નરોત્તમે સામી દલીલ કરી.

⁠‘જો તમે ખરા મજૂર હતા, તો ફરી કોઈ દિવસ સ્ટેશન ઉપર કેમ દેખાયા નહીં?’

⁠‘તમને શી રીતે ખબર પડી કે હું ફરી કોઈ દિવસ સ્ટેશન ઉપર નહીં દેખાયો હોઉં?’

⁠‘અમે રોજ સવારમાં જ છાની તપાસ કરતાં. હું ને મામી —’

⁠ચર્ચાના આવેશમાં ચંપાથી બોલતાં તો બોલાઈ ગયું, પણ પછી એને તુરત ખ્યાલ આવ્યો કે આ ‘છાની તપાસ’ની વાત આમ ખુલ્લી કરી દેવામાં ઔચિત્ય નથી જળવાતું, તેથી તે શ૨માઈ ગઈ.

⁠નરોત્તમે કહ્યું: ‘એવી છાનીછપની તપાસ કરનારાઓની આંખે અમે ચડીએ એટલા સસ્તા નથી, સમજ્યાં ને!’

⁠‘જાણીએ છીએ, કેવાક મોંઘા છો એ તો?’ હવે ચંપાએ પણ હળવી ઢબે જ આગળ ચલાવ્યું, ‘મજૂરી તો મામા પાસેથી રોકડી બે આના લીધી હતી, કે વધારે?’

⁠‘ને મામાના ખિસ્સામાંથી સરી પડેલા બસો રૂપિયા ભરેલા પાકીટ ઉપર થૂથૂકારો કરીને પાછું આપ્યું, એનો હિસાબ નહીં ગણો?’

⁠નરોત્તમે આ વાક્ય ઉચ્ચાર્યું હતું તો મજાકમાં, પણ ચંપા માટે એ સહજ રીતે જ એક અસહ્ય મહેણું બની રહ્યું. પાકીટ પાછું સોંપીને ગર્વભેર ચાલ્યો ગયેલો એ મજૂર મનસુખમામા માટે જ હીણપતભ૨ી નામોશી સર્જતો ગયેલો એની શરમમાંથી તો ચંપા આજ સુધી મુક્ત થઈ શકી નહોતી. અને અત્યારે જે વિનોદપૂર્ણ વાર્તાલાપ જામ્યો હતો, એમાં આ ટોણો સાંભળીને મૂંગી થઈ ગઈ.

⁠‘અમે એટલા બધા સસ્તા નથી, સમજ્યાં ને!” નરોત્તમે ફરી સંભળાવ્યું.

⁠સાંભળીને ચંપાએ વધુ ક્ષોભ અનુભવ્યો.

⁠આ ત્રિપુટીનું મૌન અસહ્ય લાગવાથી અને ચંપાનો ક્ષોભ ઓછો કરવાના ઇરાદાથી આખરે શારદાએ જ બોલવું પડ્યું:

⁠‘નરોત્તમભાઈ તો બસો રૂપિયા, ને માથે બે આના જેટલા મોંઘા છે; સમજ્યાં ને?’

⁠‘બસ ?’ ચંપાએ હવે હિંમતભેર ઉત્તર વાળ્યો, ‘મૂલ આંકી આંકીને આટલું જ આંક્યું ને? – બસો રૂપિયા ને માથે બે આના જેટલું જ?’

⁠આ વળતા ટોણાનો હવે શી રીતે પ્રતિકાર કરવો એ નરોત્તમ વિચારતો હતો, ત્યાં શારદા જ એની મદદે આવી પહોંચી.

⁠‘આ તો તમારા સરસામાન ઉપાડના૨ મજૂરનું અમે મૂલ આંક્યું છે, બાકી નરોત્તમભાઈનું પોતાનું મૂલ તો લાખે લેખાં માંડીએ તોય થઈ શકે એમ નથી —

⁠‘બહુ સારું, લો!’ ચંપાએ પ્રસન્ન ચિત્તે છતાં કૃત્રિમ વિરોધ દાખવતાં કહ્યું.

⁠‘કેમ વળી? ભૂલી ગયાં? – ’ નરોત્તમે સંભળાવી: ‘પાકીટ પાછું સોંપ્યું, એનું નામ તમે કીલાભાઈ હારે મોકલાવેલું એ મેં પાછું કાઢેલું એ ભૂલી ગયાં? ને એ વખતે જે સંભળાયેલું એ યાદ છે?’

⁠‘હા, બરાબર યાદ છે. તમારું એકેએક વેણ યાદ છે —' ચંપાએ આખરે પરાજિત થઈને કહ્યું, ‘અમને પજવવામાં તમે કાંઈ બાકી નથી રાખ્યું—’

⁠‘એમાં પજવણી શાની ભલા?’ નરોત્તમે કહ્યું, ‘મનસુખભાઈએ મોટે ઉપાડે મને બક્ષિસ મોકલવા પહેલાં વિચાર કરવો જોઈતો હતો! મને શું માગણ-ભિખારી માની લીધો?’

⁠‘માગણ-ભિખારી તો નહીં, પણ મજૂર તો ખરા જ ને!’ ચંપાએ ટકોર કરી.

⁠ફરી શારદાએ નરોત્તમ વતી ઉત્તર આપ્યો: ‘મજૂર ખરા પણ ગામ આખાના નહીં, તમારા એકલાના જ, ચંપાબેન!’

⁠‘હા, એ તો હું જાણું જ છું,’ કહીને ચંપાએ એનો બેવડો અર્થ ઘટાવી લીધો. ‘હું જાણું જ છું, કે એ મારી એકલીના જ છે.

⁠‘મજૂર જ હોં, બીજું કાંઈ સમજી ન બેસતાં!” નરોત્તમે સુધારો કર્યો.

⁠‘જોયા હવે મોટા સમજાવવાવાળા!’ ચંપાએ પહેલી જ વાર ભ્રૂભંગ કરીને કહ્યું, ‘હું જોઈશ, હવે પછી મારી કેવીક મજૂરી કરો છો એ!’