વ્યાજનો વારસ/ઓશિયાળી અમરત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઓશિયાળી અમરત

આભાશાના મૃત્યુ પછી પણ અમરતની આકાંક્ષાઓ ફળીભૂત ન થઈ. કમનસીબે લશ્કરી શેઠ જસપરમાં હાજર હોવાથી ચતરભજ પેઢીની અંદર જેટલી ઘાલમેલો કરવાની આશા રાખતો હતો તેટલી ઘાલમેલો ન થઈ શકી.

લશ્કરી શેઠે તાબડતોબ પેઢીનો કબજો લઈ લીધો, ચોપડા જોઈ લીધા, પુરાંતો તપાસી લીધી. હૂંડી–બુકમાં જોઈને ધીરધાર તેમ જ બજારમાં ફરતી હૂંડીઓની રકમ મેળવી લીધી. આભાશાએ સોંપેલ ખાનગી અંગત ચોપડા પ્રમાણે કેટલીક મેલમૂકના અસ્તિત્વની ખાતરી કરીને એનો જાપ્તો મજબૂત બનાવી લીધો.

અમરત તો સાવ હાથ ઘસતી જ રહી ગઈ. ચતરભજ જે થોડું ઘણું પોતાના ઘર ભેગું કરી શક્યો તેમાંથી પણ અમરતને રાતી પાઈ ન મળી; એટલું જ નહિ, પણ જે પેઢીના મોટા મખુદા ઉપર બિરાજવાનાં દલુ સપનાં સેવી રહ્યો હતો એ પેઢીના પગલૂછણિયાને અડવાનો પણ દલુને અધિકાર ન રહ્યો. લશ્કરી શેઠે દલુને પેઢીના ઉંબરામાં દાખલ થવાની મનાઈ ફરમાવી હતી.

અમરતની સ્થિતિ તો પેલી કહેવત પ્રમાણે ચોરની મા જેવી થઈ હતી; પણ એથીય વધારે વિષમતા તો એ હતી કે કોઠીમાં પેસીનેય અમરત રડી શકે એમ નહોતી, પોતાના છેક બાલવયના સ્નેહી ચતરભજે આટલે વર્ષે એને છેહ દીધો હતો. ચતરભજે પોતાની સિફતથી આભાશાના મૃત્યુનો લાભ લઈને પેઢીમાંથી ઠીક ઠીક ​ પ્રમાણમાં મતા હાથ કરી લીધી હતી છતાં અમરતને એમાંથી તાંબિયું પરખાવવા એ તૈયાર નહોતો. એની સઘળી યોજના લશ્કરી શેઠે ઊંધી વાળી હોવાથી એ ધૂંઆપૂંઆ થઈ ઉઠ્યો હતો અને એનો બધો દોષ અમરત ઉપર ઠાલવી રહ્યો હતો !

ચચરભજ અને અમરતને પ્યાદાં બનાવીને આભાશાની પેઢી પચાવી પાડવાની પિત્રાઈ જીવણશા અને નેમીદાસની યોજના ઊંધી વળી.

થોડા દિવસ તો અમરતનું માનસ અસ્થિર જેવું થઈ ગયું. નહિ કે આભાશાના મૃત્યુનો એને શોક લાગ્યો હતો; પણ પોતાની કરી–કરાવી મહેનત એળે ગઈ, ધમ્યું સોનું ધૂળમાં મળ્યું એનો એને વસવસો થતો હતો. દલુની સ્થિતિ તો સુધરવાને બદલે ઊલટી બગડી હતી. પેઢીમાં આવરાજાવરાને કારણે જે ચપટીમૂઠી આવક થતી હતી તેય લશ્કરી શેઠના વહીવટમાં ટળી ગઈ.

લશ્કરી શેઠે સુલેખાનાં વીલની વાત જાહેર કરીને પેઢીનો સઘળો વહીવટ સુલેખાને નામે ચલાવવા માંડ્યો. એને માટે ખાસ વીસપુરથી બે હોશિયાર અને વિશ્વાસુ વાણોતરોને બોલાવીને પેઢીના મુનીમ તરીકે બેસાડ્યા, અને ચતરભજ પાસેથી ભૂતકાલીન ગેરવહીવટનો હિસાબ માગવાની ધમકી આપી.

આમાં કશામાં અમરતનો ગજ વાગતો નહોતો તેથી તે અકળાઈ ઊઠી.

દલુની સ્થિતિ વધારે ને વધારે દયાજનક થતી ગઈ. મામાના જીવનકાળ દરમિયાન પેઢીના માણસોમાં દલુનું ભાણાશેઠ તરીકેનું જે નાનું સરખું પણ સ્થાન હતું, સ્વમાન હતું, તેય વીસપુરના નવા વાણોતરો આવ્યા પછી જતું રહ્યું.

લશ્કરી શેઠે સહુને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે વીલમાં લખાયેલી રકમો સિવાય આ ઘરમાં કશો વધારે અધિકાર તમને નથી.

અમરતે દળીદળીને છેવટે ઢાંકણીમાં ઊઘરાવવા જેવું કર્યું હતું. ભાઈ જેવા ભાઈની પોતે હત્યા કરી, પણ પરિણામમાં તો ​ પોતાને વીલમાં લખાયેલી મામૂલી રકમ જ મળી શકશે એમ જણાતાં લાગ્યું કે આ તો દીવો બાળીને કાંત્યા જેવો ધંધો કર્યો.

ચતરભજના હાથમાં અલબત્ત, ધાર્યા કરતાં ઘણો નાનો લાડવો આવ્યો હતો, પણ એ નાના તો નાના લાડવામાંથીય અમરતને અર્ધો તો શું પણ એક કટકીય પરખાવવા એ તૈયાર નહોતો.

આ પરિરિથતિ અમરત માટે અસહ્ય હતી. આજ દિવસ સુધી એણે ચતરભજને સ્નેહી કરતાંય વધારે તો એક ચપરાસી તરીકે ગણ્યો હતો, જે આ સામ્રાજ્ઞીનો હુકમ માથે ચડાવવા હર ક્ષણે તૈયાર રહેતો. આજે એ ચપરાસી મટીને ચમરબંધી બની બેઠો એ અમરતથી જીરવાતું નહોતું.

અલબત્ત, સુલેખા પોતાના આજન્મ સંસ્કારો વડે અમરત પ્રત્યે પૂરતા પ્રમાણમાં આદર દાખવતી, છતાં અમરતને એથી સંતોષ નહોતો થતો. એના માનસનું ઘડતર જ એવા પ્રકારનું હતું કે કોઈની ઓશિયાળી થઈને એ રહી જ ન શકે. બીજાઓને ઓશિયાળાં બનાવવામાં જ એને આનંદ આવતો. વર્ષોથી આભાશા અમરતના ઓશિયાળા હતા. ત્યાર પછી માનવંતીને તો અમરત પોતાની મુઠ્ઠીમાં જ રાખતી. રિખવ પણ, એના હાથમાં વહીવટ નહોતો આવ્યો ત્યાં સુધી વિલાસી જીવનના બેફામ ખરચાઓ માટે ફઈનો ઓશિયાળો હતો. નંદનને તો આ ઘરનો ઉંબરો દેખાડવાની આખી યોજના જ મૂળ અમરતના મગજમાંથી ઉત્પન્ન થઈ હતી તેથી એ તો અમરતના હાથનું રમકડું હતી. સુલેખાને તો શરૂથી જ આ દુનિયાદારીમાં રસ નહોતો એટલે અમરત સામે માથું ઊંચકવાને એણે કદી પ્રયત્ન જ નહોતો કર્યો. દુકાનના માણસો પણ અમરતના કહ્યાગરા હતા. સામાન્ય ગામલોકો પણ આભાશાની બહેનને ‘ગામ–ફૈબા’ ગણીને અમરતની આમન્યા જાળવતાં.

આમ, પહેલેથી જ અમરત શાસન કરવાને ટેવાયેલી હતી. અન્યને ઓશિયાળાં બનાવવાની આદતવાળી અમરતને પોતાને જ્યારે ઓશિયાળા બનવાનું આવે ત્યારે એ કેમ કરીને પોસાય ? કેમ ​ જીરવાય ? પોતે સુલેખાનો દીધો રોટલો ખાઈ રહી છે એમ જ્યારે અમરતને લાગ્યું ત્યારે એ રોટલો જાણે કે કડવો ઝેર થઈ પડ્યો. એનો સ્વભાવ જ એવો હતો કે આ ઘરમાં જ્યાં સુધી ધણી–રણી તરીકેની જોહુકમી ન ચલાવે ત્યાં સુધી એને ચેન ન પડે.

અમરત વિચારે ચડી ગઈ. ચતરભજે મને સોંપેલું કામ મેં શા માટે કર્યું ? અને કર્યું તો પછી વીલ થઈ ચૂક્યા પછી કર્યું એ શા ખપનું ? ફક્ત વીલ ન થયું હોત તો આજે ચતરભજ પેઢીનો ધણી થઈ બેઠો હોત અને મારો દલુ પણ માણસની હારમાં આવત, કોક સારા કુટુંબની દીકરી પામત અને એનું ઘર બંધાત, પણ નખોદિયા લશ્કરી શેઠે પોતાની છોકરીના નામનું વીલ લખાવી લઈને મારા દલુના પેટ ઉપર પાટું મરાવ્યું. ભાઈને પણ સગા ભાણેજ કરતાં ઓલી પારકી જણી વધારે વહાલી લાગી ત્યારે આવા દિવસો જોવાના આવ્યા ને ? અને નૂગરો ચતરભજ ! એણે પણ મને વૃદ્ધાવસ્થામાં તરછોડી ! અને આ વેંત–એકની સુલેખડી ઘરની ધણિયાણી થઈને બેઠી છે. એ તો હજી સારું છે કે હું હાકેમ જેવી બેઠી છું તે દલુને બે ટંક રોટલો જડે છે; પણ કાલે સવારે મારી આંખ મીંચાય તો પછી દલુને પાછળથી કોઈ આ ઘરમાં ઊભવા પણ શાના દિયે ? બિચારાને વાંઢો ગણીને ઘરમાંથી તગડી મેલે. પણ ના, ના, એમ હજી આ અમરત મરી પરવારી નથી. આ ભર્યુંભાદર્યું ઘર હાથ કરી લેવું એ કાંઈ હથેળીનો ગોળ નથી. ભલેને ભાઈ બધી મિલકત સુલેખાને નામે ચડાવી ગયા; એ તો જ્યારે કુટુંબમાં કોઈ પુરુષ વારસ ન હોય ત્યારે જ એનો હક લાગે, પણ, હું ખરી તો હજીય એક પુરુષ વારસ ઊભો કરું, તો જ મારું નામ અમરત !

અને અમરતમાં રહેલો સત્તાવાંચ્છુ શાસનકર્તા અત્યારે બહાર આવીને એના મોંની પ્રૌઢ રેખાઓની નીકો વચ્ચે પણ ભરજુવાનીની જોહુકમી અને જોમનાં દીપ્તિ–પૂર રેલી ગયો.

*