વ્યાજનો વારસ/ગરનાળાને ત્રિભેટે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગરનાળાને ત્રિભેટે

મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અહીં મેળામાં દુકાનો નાખી છે. પ્રાંતેપ્રાંતના કારીગરો પોતપોતાના કસબની ચીજો અહીં વેચવા આવ્યા છે. અમદાવાદી રંગરેજો છે, સુરતી જરીભરતના કસબીઓ છે, લખનૌના ધાતુકામ કરી જાણનાર કારીગરો છે, લાકડા તેમ જ પથ્થરમાંથી કોતરકામ કરનાર શિલ્પીઓ ૫ણ છે. પાટણના પટોળાં, કચ્છની અજરખ, નગરની બાંધણી, શિહોરનાં વાસણો, ધોરાજીના ઢોલિયા, મહુવાનાં રમકડાં બધું જ અહીં વેચાવા આવ્યું છે.

એક જોઈને બીજીને ભૂલીએ એવી આ મેળામાંની દુકાનોની સમૃદ્ધિ છે. માટીથી માંડીને સોનારૂપા સુધીના પદાર્થો ઉપર કરાયેલાં નકશીકામ અહીં જોવા મળે છે. પીરનો ઉરસ હોવા છતાં હિન્દુ વેપારીઓ અને કારીગરોએ પણ આમાં હરખભેર ભાગ લીધો છે. અહીં હાથચાલાકી અને જાદુમંતરના ખેલ કરી જાણનાર ગોરબજાણિયાઓ છે, અંગકસરતના પ્રયોગો કરનાર ખેલાડીઓ છે તેમ જ પક્ષીઓ વગેરેની બોલીની નકલ કરી જાણનાર ઉસ્તાદો પણ છે. મેળામાં એક ખૂણે અઢી ફૂટ ઊંચો પચાસ વરસનો ભિખારી છે, આબેહૂબ માણસ જેવા મોઢાવાળો એક વાંદરો છે, અને એક છેડે દોઢ માથાવાળો બળદ પણ છે. જેના પગમાં લાખોની મિલક્ત ​

આળોટે છે એવા લક્ષ્મીનંદનો આ મેળામાં પધાર્યા છે અને ટુકડો રોટી માટે કલાક કલાક સુધી કવાલીઓના બરાડા ખેંચનાર અંધ ફકીરફકરા પણ અહીં આવ્યા છે.

રાતના બે વાગવા આવ્યા હોવા છતાં નદીના બન્ને કાંઠા ઉપર માણસોની હાક બોલ છે. ખરી રીતે તો હવે જ મેળો જામવાનો છે એટલે માણસો વધતા જાય છે. તંબૂઓની સામસામી કતારો વચ્ચેનો પહોળો રસ્તો પણ અત્યારે હૈયેહૈયું દળાતું હોવાથી સાવ સાંકડો લાગે છે. આમ આડે દિવસે તો બિહામણાં લાગતાં નદીનાં ભેંકાર ખોયાણો અત્યારે રળિયામણાં લાગે છે.

બન્ને બાજુના તંબૂઓમાં ગાયિકાઓના તવાયક્‌ ઊતર્યા છે. દિલ્હી જેટલે દૂરદૂરને સ્થળેથી ખ્યાતનામ ગાયિકાઓ અહીં આવી છે. સામટા તંબૂઓમાંથી સંભળાતા સારંગીના સ્વરો એકરસ થઈને વાતાવરણને આહ્‌લાદક બનાવી રહ્યા છે. નદીના ખળખળિયા પ્રવાહનો હળવો કલકલ અવાજ પણ આ સારંગીસૂરો સાથે મૈત્રી સાધી રહ્યો છે.

ગાણાની અકેક તરજ ઉપર સેંકડો રૂપિયાની ન્યોછાવરી કરનાર લક્ષ્મીનંદનો દરેક તંબૂમાં ઊભરાતા હતા. શેઠિયાઓની કદરસનાશી જોઈને ગાનારીઓ બમણા ઉત્સાહથી ગાણાં ગાતી જતી હતી. દૂરદૂરની ઠકરાતો અને જાગીરોના ઠાકોરો અને દરબારો આ જલસો માણવા આવી પહોંચ્યા હતા. શ્રીમંત શેઠિયાઓનો તો પાર નહોતો જ, પણ તે ઉપરાંત રિખવ શેઠ જેવા અનેક રસિકો પણ આવી ચડ્યા હતા.

એક સાવ નાનકડા પણ ઘાટીલા અને દબદબાભર્યા તબૂમાં રિખવ શેઠનો મુકામ હતો. એક આગ્રાની અને એક બનારસની એમ બે ગાયિકાઓએ અહીં ગાણું જમાવ્યું હતું. દેશભરમાં નામી એવા સારંગી બજાવનારાઓ તેમની તહેનાતમાં હતા અને આટઆટલા પંથકમાં નામચીન એવા પ્રેક્ષકો એમની કદરસનાશીમાં હતા પછી શી કમીના રહે ? રિખવ શેઠ રૂપિયાની કોથળીઓ લઈને ​આવ્યા હતા. એકેકી શેર ઉપર રિખવ શેઠ આફરીન થાય છે અને રૂપિયાની મુઠ્ઠી ભરીભરીને ગાયિકાના હાથમાં ઠલવે છે.

શૃંગારરસથી છલોછલ એ તરજો સાંભળતાં સાંભળતાં રાત સારી પેઠે ભાંગી ગઈ. પણ રિખવ શેઠને એનું જરાય ભાન નથી, હસીન નાજનીના સૌન્દર્યના તેમ જ મદ્યપાનના બેવડા નશામાં એ ચકચૂર છે.

બાજુના એક નાનકડા તંબૂમાં એક અંધ કવાલે ગઝલ અને કવાલીઓની રમઝટ જમાવી હતી. ત્યાંથી આવતી એક શેર રિખવ શેઠના કાન સોંસરવી ઊતરી ગઈ :

બાગ ક્યા ? અલ બહાર ક્યા ? અય બાગબાં !
યાદ ક્યું કરતે હો બુલબુલ કી ઝબાં ?
સાજ દેખો હૈ ખીજાં કા બજ રહા,
કલ ન હોગા કલ કા થા જો દબદબા…

નશાથી ચકચૂર રિખવ શેઠના મગજમાં પણ આ બેતનાં વેણો તીર જેમ ઊતરી ગયાં. ગાયિકાઓ તરફથી આવતાં ઇશ્કી ગીતોની ટુકો ભુલાઈ ગઈ અને એની જગ્યાએ કોઈ મિસ્કીન કવાલની તેજાબ સમી દાહક પંક્તિઓ દઝાડી રહી. ‘સાજ દેખો હૈ ખીજાં કા બજ રહા.’ આ શું કહે છે ? કલ ન હોગા કલ કા થા જો દબદબા.’ સાચી વાત છે ? કાલે આવું જ બનશે ? કવાલી ગાનારા આવી કાળવાણી કાં બોલે ?

રિખવ શેઠ બેચેની અનુભવી રહ્યા. આજ દિવસ સુધી એમણે જિંદગીને એક મોજ રૂપે જીવી જાણી હતી. પોતે અત્યંત લાગણી પ્રધાન હોવાથી આવતી કાલનો કશો વિચાર કરવો એ એમના સ્વભાવની વિરુદ્ધ હતું. ‘આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે ?’ એ રિખવ શેઠની જીવનફિલસુફી હતી. એ જીવનફિલસુફીના શાંત પાણીમાં આ ગીતની લીટીઓએ આવી કાંકરા ફેંક્યા હતા અને વમળો ઊભાં કર્યાં હતાં. ​આ રિખવ શેઠની સાથે દલુ અને ઓધિયો તો હોય જ. અકળામણ અનુભવતાં રિખવ શેઠ ઊભા થઈ ગયા અને પોતાના પાસવાનો દલુ – ઓધિયાને સાબદા કર્યા. પણ એ રસિયા જીવોએ અત્યારે જસપર જવાના સૂચનને આવકાર્યું નહિ. તેમણે રસ્તામાંનો ભય આડકતરી રીતે રિખવ શેઠને કહી સંભળાવ્યો અને આટલી મોડી રાતે એ જોખમ ન ખેડવા માટે સમજાવી જોયું; પણ રિખવ શેઠ એકના બે ન થયા.

પહેલાં તો ખુદ રિખવ શેઠનો જ વિચાર એવો હતો કે આખી રાત ગાણાં સાંભળી, સવારે એમીનું મોં જોઈને પછી જસપર જવું. પણ અત્યારે પરિસ્થિતિ બદલી ગઈ હતી. ક્યાંય નહોતી ત્યાંથી સુલેખાની મુખાકૃતિ રિખવ શેઠના માનસમાં સણકા બોલાવી ગઈ. લગ્ન પછીના પ્રથમ મિલને જ તરછોડેલી એ મુખાકૃતિએ અત્યારે ઓચિંતો જ રિખવ શેઠના માનસનો કબજો લઈ લીધો; અને એના પુનર્મિલનની અદમ્ય ઝંખનાએ એમના અણુએઅણુને ઉશ્કેરી મૂક્યું.

બે વિવિધ પ્રકારની લાગણીઓએ મળીને રિખવ શેઠને પશ્ચાત્તાપમાં ડુબાડી દીધા હતા. તડકામાં ધુમ્મસ આગળ એમ રિખવ શેઠના અહમ્ અને અકડાઈ પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં ઓગળી રહ્યા હતા. કયું અદૃશ્ય બળ આજે પોતાને સુલેખા તરફ ખેંચી રહ્યું હતું એ તો ખુદ રિખવ શેઠનેય નહોતું સમજાતું. પણ સુલેખાના પવિત્ર ચરણકમળમાં માથું ઝુકાવીને માફી માગવાનું એમને મન થઈ આવ્યું હતું. ક્ષણિક ગુસ્સાના આવેશમાં પોતે તરછોડેલી એ મંગલમૂર્તિ અત્યારે જાણે કે પોતા તરફ તુચ્છકારનું હાસ્ય વેરતી, પતિની પામરતાનો ઉપહાસ કરતી હતી.

રિખવ શેઠ માટે એ ઉપહાસ અસહ્ય હતો. હર ક્ષણે એમનો જીવ ગૂંગળાતો હતો. ક્ષમાયાચના વિના એ ગૂંગળામણ ઓછી નહિ થાય એમ લાગતાં એમણે જસપર પહોંચવાની ઉતાવળ કરવા ​ માંડી. પણ દલુ અને ઓધિયાનો જીવ ઉરસમાં હતો. તેમને ગાણાંનો ચસકો લાગ્યો હતો. આવું આહ્‌લાદક અને ઉત્તેજક વાતાવરણ છોડીને ચાલ્યા જવાનું જેને મન થાય એ વ્યક્તિ કાં તો અબુધ, અરસિક અને જડ જેવી હોય, ને કાં હોય ક્ષુદ્ર વાસનાઓનું ઊર્ધ્વીકરણ કરીને સાત્ત્વિકતાની પરમાવધિએ પહોંચેલો કોઈ રસયોગી.

રિખવ શેઠ રસયોગી હતા પણ તપોભ્રષ્ટ થયેલા – ઉર્ધ્વગમનની ક્ષણે અવનતિની ગર્તામાં ગબડી પડેલ એક કમનસીબ રસાત્મા. એ પતન અને અધોગતિની પણ એક અવધ આવી રહી અને અત્યારે ફરી એનું ઊર્ધ્વગમન થવાનું હોય એમ લાગતું હતું. સુલેખા પ્રત્યે પાષાણ – સમ બની ગયેલું રિખવ શેઠનું દિલ પાશ્ચાત્તાપમાં પીગળી રહ્યું હતું.

નદી કાંઠેનો રૂખડો વટાવતાં સહુના દિલમાં ભયની એક આછી ધ્રુજારી પસાર થઈ ગઈ.

રિખવ શેઠને ભૂતકાળનાં સ્મરણો સતાવતાં હતાં. કેસરિયાજી ઉપર ભોગાસનનાં શિલ્પનું નિરીક્ષણ કરતાં પકડી પાડેલી સુલેખા અત્યારે કેમે કરી મનમાંથી ખસતી નહોતી. તરંગધ્રૂભંગા ક્ષુભિત વિહગ શ્રેણિરસના… વિકર્ષન્તી ફેનં……

એક પછી એક દૃશ્ય ઝડપભેર બદલતાં જાય છે. પદ્માપયોધરતટી પરિરંભ્રલગ્ન… કાશ્મીર મુદ્રિત્તમુરો મધુસૂદનસ્ય… રસકવિની એ પંક્તિઓ ઉપર થયેલી પરસ્પર રસચર્ચા……

…અને છેલ્લે ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિતં મધુ’ માટેનો પોતાનો દુરાગ્રહ યાદ આવ્યો. એ અકેકી યાદ દિલમાં હુતાશન પ્રગટાવતી હતી. એ ઉરદાહનું શમન તો સુલેખા જ કરી શકે, બીજું કોઈ નહિ, નહિ એમી, નહિ કોઈ હસીન નાજની, નહિ કોઈ કિન્નરકંઠી ગાયિકા…

આવી સમજથી રિખવ શેઠ જસપરને મારગે આગળ વધી રહ્યા છે. મેઘલી રાત જામી છે. માણસનાં માથેમાથાં ને સૂઝે ​ એવું અંધારું પથરાઈને પડ્યું છે. વાતાવરણ પણ ભય પમાડે એવું છે. કાળા માથાના માણસનો ક્યાંય સંચાર સંભળાતો નથી. ફક્ત મારગની બન્ને બાજુએ જામેલી બાવળની ઘટાટોપ કાંટ્યમાં ઊંડે ઊંડે બેસી રહેલાં તમરાનાં તમ તમ તમ અવાજો, ક્યાંક ક્યાંક પાણીના ખાબોચિયામાંથી આવતા દેડકાંના ડ્રાંઉં ડ્રાંઉં બરાડા વાતાવરણની ભયાનકતા વધારી રહ્યા છે.

ઘોર અંધારામાં વોંકળાના ત્રિભેટા પાસે પહોંચતાં રિખવ શેઠે કાળી ચીસ પાડી. દલુ અને ઓધિયો આભા બની ગયા અને શેઠને કાંઈ જીવજનાવર કરડ્યું કે શું એની તપાસ કરવા પગ તરફ નજર કરી. પણ ત્યાં તો રિખવ શેઠે એવી જ બીજી તીણી ચીસ પાડી, અને શાંત નીરવ વાતાવરણમાં કોઈ અચ્છી રવાલ ચાલના ઘોડાના ડાબલા ગાજી ઊઠ્યા.

રિખવ શેઠની પહેલી ચીસ, એમના કાળજામાં ભાલા જેવી અણીયાળી છરી ભોંકાતી વેળાની હતી. અને બીજી ચીસ, છરી બહાર ખેંચાઇ આવી એ વખતની હતી.

શું બની ગયું એ સમજવાની પણ કોઈને તક મળી શકી નહિ. રિખવ શેઠ લથડિયું ખાતાં દલુની કોટે બાઝી પડ્યા ત્યારે છાતીમાંથી દડદડ વહેતા લોહીના દરોડાએ દલુને ભીંજવી મૂક્યો. ઓધિયો એને ટેકો દેવા ગયો તો એ પણ લોહીથી નાહી રહ્યો.

ભાઈબંધો બનાવને પામી ગયા, કોઈ જાણભેદુ દુશ્મન લાગ ગોતીને ઘા કરી ગયો હતો. છરી ભોંકનારો જણ ઘોડા ઉપર તબડાક તબડાક કરતો દૂર નીકળી ગયો હતો. બન્ને પક્ષ વચ્ચે આઘાં પડી ગયાં હોવા છતાં હિમ્મતબાજ ભાઈબંધો ધારે તો ભાગેડુને પાતાળ ફોડીનેય પકડી પાડે એવા અટંકી હતા. પણ અત્યારે એમની ફરજ દુશ્મન પાછળ રઝળવા જવાની નહિ પણ રિખવ શેઠને આશાએશ પહોંચાડવાની હતી.

દલુને રિખવ શેઠના રખેવાળ તરીકે મૂકીને ઓધિયો ઝડપભેર ​ જસપરને મારગે દોડતો ઊપડ્યો. એનો ઉદ્દેશ આભાશાને બનાવની જાણ કરીને તાબડતોબ વાહન અને દવાદારૂનો બંદોબસ્ત કરવાનો હતો.

આ અણધારી આપત્તિથી ડઘાઈ જઈને દલુ રિખવ પાસે બેઠો.

ઊંડા જખમને કારણે રિખવ શેઠને કશી વાતચીત કરવાના હોશ રહ્યા નહોતા. અસહ્ય વેદનાને લીધે તેઓ આછા આછા ઊંહકારે કણસી રહ્યા હતા.

મેઘલી અંધારી રાતે કાચી છાતીનો દલુ થરથર કંપતો આ ઘાયલ માણસની પહેરેગીરી કરતો હતો.

રિખવ શેઠના વેદનાભર્યા ઉંહકારામાંથી થોડી વારે અસ્પષ્ટ અક્ષરો સંભળાયા :

‘પા……ણી’

બનેલા બનાવથી ડઘાઈ ગયેલો દલુ કશું સમજી શક્યો નહિ.

કણસતા રિખવ શેઠનો ફરી વધારે વેદનાભર્યો સ્વર સંભળાયો :

‘પાણી……પાણી……’

હેબતાઈ ગયેલો દલુ હવે સમજી શક્યો. પણ પાણી લાવવું ક્યાંથી ? વોંકળાના ગરનાળાને કાંઠે જ રિખવ શેઠ પડ્યા હતા પણ સૂકા વોંકળામાં વેકુર સિવાય બીજું કાંઈ નહોતું. સદ્‌ભાગ્યે આ ત્રિભેટેથી જ મીંગોળાની નદીનો માર્ગ ફંટાતો હતો. જઈને પાણી લાવવાનો વિચાર કર્યો.

‘જરાક ખમો તો ગામમાં જઈને પાણી ભરી આવું.’ દલુએ કહ્યું : ‘ઓધિયો મામાને તેડવા જસપર ગયો છે. હમણાં ગાડું કે ઘોડાં લઈને બધાં આવી પૂગશે. હું ગામમાં જઈને કળશિયો ભરી આવું.’

બીકણ અને બાયલો ગણાતો દલુ પણ આપદ સમયે કાઠી ​ છાતી કરીને નદીને મારગે પડ્યો.

અર્ધ બેશુદ્ધ અવસ્થામાં રિખવ શેઠ ‘પાણી… પાણી’ રટણ કર્યા કરતા હતા.

થોડી વારે ઉપરગામના મારગ ઉપરથી પાછલી રાતની નીરવ શાંતિમાં સમૂહગાનનો આછો આછો અવાજ સંભળાવા લાગ્યો :

જાગી શકો તો નર જાગજો…
         હો જી એકાંત ધરોને આરાધ…
ગરવો આલા ગતને બેસણે હો…જી..

સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો :

હનુવો જતિ વાયક ફેરવે…
         અંજની પુતર આગેવાન,
એ… જી… વીરા પાંચ ક્રોડે પ્રહલાદ આવશે
         ને સાત ક્રોડે હરચંદ રાય :
નવ ક્રોડે જેસલ જાનૈયો
         ને બાર ક્રોડે બળરાય.
જાગી શકો તો નર જાગજો…
         હોજી એકાંત ધરોને આરાધ…

યાત્રાળુઓના સંઘનું એ સમૂહગાન વધારે ને વધારે નજદીક આવતું જતું હતું.

એ… જી લીલુડે ઘોડે સાયબો આવશે
         ને ઉપર સોનેરી પલાણ :
માતા કુન્તા ને સતી ધ્રુપતિ
         બેઠાં દેવને દુવાર……

હજી છેક શુદ્ધિ ન ગુમાવી બેઠેલ રિખવ શેઠને કાને આ ઘેરે રાગે ગવાતા સ્વરો અથડાતા હતા : ​

એ… જી બતરીસ–હથ્થો નર જાગશે…
         એનું ખાંડુ હાથ અઢાર,
બાર મણની કમાનું ચડાવશે…
         એનાં બેડાં ભરાસે બાર.

પણ હવે રિખવ શેઠ શુદ્ધિ ગુમાવી બેઠા હતા. કોઈ પલટન કૂચ કરતી હોય એવા તાલબદ્ધ પગલે થતી કૂચનો અને નજીક આવી રહેલ ભજન–ગાનનો અવાજ સંભળાવની એમણે શુદ્ધિ નહોતી રહી. માત્ર બેભાન અવસ્થામાં પાણીના પોકાર સિવાય બીજું કશું બોલવાના એમને હોંશ નહોતા. સાધુઓની જમાત સાવ નજદીક આવી ગઈ હતી, આરાધનું ગાન આગળ વધતું હતું :

એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
         વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
         પરણે રવિ ઊગમતે ભાણ.

હલકભેર ગવાતા આરાધના સંવાદી વાતાવરણમાં ક્યાંકથી વિસંવાદી સ્વર સંભળાતાં ગાયકો ચોંક્યા. ગાન થંભાવીને એ સ્વર સાંભળવા કોશિશ કરી. કણસતા આદમીનો અવાજ અછતો રહી શકે એમ નહોતો. અવાજની દિશામાં કાન માંડ્યા અને તરત જમાતની મોખરે ચાલતા બેચાર સાધુઓ ગરનાળાની બાજુએ આવીને થંભ્યા.

કણસતા ઘાયલ માણસને જોઈને સાધુઓએ અચંબો અનુભવ્યો. તરત મહંતજીને જાણ કરવામાં આવી. મ્યાનો થંભાવીને ખુદ મહંતજી નીચે ઊતરી આવ્યા અને રિખવ શેઠની નાડ તપાસી.

‘અબ તક ઝિન્દા હૈ. જલપાન કરાઓ !’ મહંતજીએ આદેશ આપ્યો. ​ સાધુઓએ મહંતજીના ચંબુમાંથી રિખવ શેઠના મોંમાં ચાપવે ચાપવે પાણી ટોયું,

મહંતજીનો એક હાથ રિખવ શેઠની નાડીના ધબકારા પકડવા મથતો હતો. બીજો હાથ તાળવા પર બ્રહ્મરંધ્રમાં ચેતનની શોધ કરતો હતો. હરહમેશ પ્રફુલ રહેનાર મહંતજીના મોં ઉપર ચિંતાની રેખાઓ વધતી જતી હતી. ઓચિંતા જ એમના પગ તળે ભીનો સ્પર્શ થયો. જોયું તો ઘાયલ આદમીના જખમમાંથી વહેતા લોહીનો એ પ્રવાહ હતો.

‘ઉઠા લો. ઔર મેરે સાથમેં મ્યાનેમેં રખ દો.’ મહંતજીએ સાધુઓને આદેશ આપ્યો : ‘ઔર ઓષધકી પેટી ભી મ્યાનેમેં રખ દો.’

ગોમતીતીરે, રણછોડરાયનાં દર્શન કરીને દ્વારકાથી પાછી ફરતી જમાત ચાર ધામની યાત્રામાં બદરી–કેદાર જવાની ઉતાવળમાં હોવાથી અહીં અંતરિયાળ થોભી શકે તેમ નહોતી તેથી બેશુદ્ધ રિખવ શેઠને મ્યાનામાં પોતાના ખોળામાં સુવડાવીને મહંતજીએ આદેશ આપ્યો :

‘આગે બઢો.’

જમાતના ડંકા–નિશાન ગગડ્યાં અને ફરી આરાધ ગાતો ગાતો સંઘ આગળ વધ્યો.

થોડી વારે ગરનાળાને ત્રિભેટે ફરી પહેલાના જેવી જ નીરવ શાંતિ છવાઈ ગઈ.

અંધારામાં અથડાતોકુટાતો દલુ પાણી લઈને આવી પહોંચ્યો અને જોયું તો ગરનાળા ઉપર કોઈ ન મળે, એને નવાઈ લાગી. આગળપાછળ આંટા માર્યા પણ ક્યાંય રિખવ શેઠનો પત્તો ન લાગ્યો ત્યારે એ હેબતાઈ ગયો. હાથમાંથી પાણીનું વાસણ પડી ગયું અને રઘવાયો થઈને એ મીંગોળાના મારગ ઉપર દોડ્યો. ​ દલુ અર્ધેક પહોંચ્યો હશે ત્યાં જ સામેથી અધ્ધર શ્વાસે આભાશા, ઓધિયો, મકરાણી, ચાઉસ વગેરે સિગરામ જોડીને મારમાર ઝડપે આવતા હતા એનો ભેટો થયો.

‘એલા ક્યાં જાછ ? ભાઈનું શું થયું ? ક્યાં પડ્યા છે ?’ દલુને ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા.

પણ બઘામંડળ જેવો બની ગયેલ દલુને કશું બોલી શકવાના હોશ રહ્યા નહોતા.

સિગરામ ગરનાળા સુધી આવી પહોંચ્યો ત્યારે દલુ માંડ માંડ આખી ઘટના સમજાવી શક્યો.

હુમલો કરનારે સ્થળ પણ ગણતરીપૂર્વક શોધ્યું હતું એમ સહુને સમજાયું. ત્રણ સડકોના ત્રિભેટા અને બે રાજ્યોની સરહદોના મિલનસ્થાને જ ગરનાળું આવેલું હતું. બે રાજ્યોની હકૂમત જુદી પાડવા આ વોંકળો સીમારેખા આંકતો હતો. લૂંટફાટ અને ખૂનખરાબી કરીને એક સરહદમાંથી બીજીમાં છટકી જવાની અનુકૂળતાને કારણે આ સ્થળે અનેક ગુના બનતા રહેતા.

ગરનાળાની બખોલમાં, વોંકળાના વાંકઘૂંકમાં તેમ જ આસપાસમાં લાંબી ગોતાગોત કર્યા પછી લાગ્યું કે દલુ પાણી ભરવા ગયો એ દરમિયાન, ખૂન કરનારાઓ જ રિખવની લાશ ઉઠાવી ગયા હશે.

લાંબી ગોતને પરિણામે લગભગ પરોઢ થવા ટાણે ભગ્નહૃદય આભાશા અને રસાલો જસપરને મારગે પાછો આવતો હતો ત્યારે દલુને એની ગફલત બદલ સહુ ઠપકો આપતા હતા.

*