વ્યાજનો વારસ/જિંદગીઓના કબાલા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિંદગીઓના કબાલા

બીજે દિવસથી જ અમરતે નંદનનું પડખું સેવવા માંડ્યું. આજ દિવસ સુધી જે અમરત આ ભોજાઈને માટે ‘નૂગરી નંદુડી’ સિવાય બીજું સંબોધન વાપરતી નહિ એ જ અમરત ચોવીસે કલાક ‘ભાભી !’ ‘ભાભી !’ કરીને મોં ભરી દેવા લાગી..

નણંદમાં ઊભરાઈ આવેલા આટલા બધા વહાલથી ખુદ નંદનને પણ ભય લાગવા માંડ્યો.

પતિના મૃત્યુનો ઘા માનવંતી કરતાં નંદનને માટે વધારે દુ:ખકર હતો. માનવંતી ગમે તેમ તોય ખાઈ–પી ઊતરેલ હતી. પાંચ વર્ષ એણે સુખનાં માણ્યાં હતાં. ત્યારે નંદનના નસીબમાં તો સુખનો અલ્પાંશ પણ નહોતો. એના પરિણીત જીવનનાં બધાં જ વર્ષો ક્લેશ અને કકળાટમાં જ વીત્યાં હતાં. પરિણામે, બળઝળી નંદનને અમરતનો સહવાસ ધીમે ધીમે શાતારૂપ લાગવા માંડ્યો.

પોતે નિ:સંતાન હોવાથી બધી માલમિલકત સુલેખાને જશે એ જાણીને નંદન નિરાશામાં ડૂબી ગઈ હતી. આ સ્થિતિનો અમરત લાભ લઈને નંદનને એક આશાકિરણ આપ્યું.

‘બેન, મારા જીવતરમાંય હવે શું સ્વાદ રહ્યો છે ? હું તો જિંદગી હારી બેઠી છું.’ નંદન હાલતાં ને ચાલતાં આમ બોલ્યા કરતી.

એક દિવસ અમરતે એ વાક્ય પકડીને પોતાની સોગઠી અજમાવા માંડી.

‘હજી કાંઈ હારી બેઠી નથી. હારશે હારવાવાળા. તારામાં રતિ ​ જોઈએ.’ અમરતે વ્યૂહરચના પ્રમાણે શરૂઆત કરી. ‘રતિ’ શબ્દ હમણાં હમણાં એ ‘આવડત’ના પર્યાયમાં વાપરતી હતી.

‘રતિ હોય તોયે શા કામનું ? જિંદગી ખોઈ બેઠી પછી શું ? મારે તો હવે જેમતેમ કરીને જીવતર પૂરું કરવાનું. મારો તો હવે ઓશિયાળો અવતાર....’

‘ભૂખેય ઓશિયાળો અવતાર નથી, આવડત હોય તો હજીય કાંઈ હાથમાંથી બાજી નથી ગઈ.... પંડ્યમાં રતિ જોઈએ....’ અમરત આગળ વધ્યે જતી હતી.

‘એ બધું હોય તોય હવે શા કામનું ? દુનિયા તો ઊગતાને પૂજે. મારી શી ગુંજાશ ?’

‘ઈ ઊગતાનેય આથમાવી દેવા તારા હાથમાં છે. પણ આવડવું જોઈએ. બાઈ–માલીની જેમ રોવા બેઠે કાંઈ ન વળે.’

અમરત આવી રીતે ધીમે ધીમે નંદનને ઉશ્કેરતી જતી.

કાંઈક કુતૂહલ અને કાંઈક આશાથી પ્રેરાઈને નંદને એક દિવસ તો અમરતને એકાંતમાં બોલાવીને પૂછી જ નાખ્યું :

‘બહેન, તમે રોજ આવડત જોઈએ, આવડત જોઈએ, એમ કહ્યા કરો છો તો શાની આવડત એ તો જરા કહો !’

‘એમ મારે કીધે તારામાં થોડી આવડત આવી જાવાની છે ? માગ્યે તેલે મેરાયાં ક્યાં લગી બળે ? તારામાં પંડ્યમાં જ રતિ જોઈએ.'

‘પણ તમ જેવાં નણંદ પડખામાં હોય ને એટલી આવડત આ ભોજાઈને ન શીખવો તો પછી તમે નણંદ થયાં શા કામનાં ?' નંદને અમરતને લપસાવવા માંડી : ‘તમારી આટલી આવડત ને હોશિયારીનો અમને તો કાંઈ લાભ જ નહિ ને ?’

‘એ લાભ કાંઈ મફત થોડા જડે ! દુનિયામાં સંધીય ચીજનાં નાણાં બેસે છે.’ અમરતે પેટની ચૂંક કહી બતાવી.

‘ઓય ધાડેના ! ત્યારે એમ કહોને, તો ઝટ વાતનો નિકાલ આવે. મને લાભ થતો હશે તો તમને સાવ લાભ વિનાનાં નહિ ​ રહેવા દઉં. તમ સિવાય મારું હવે છે કોણ ? તમે તો ભલભલા મુછાળા ને ચમરબંધીનેય ભૂ પાઈ દીધાં છે. દસ ભાયડા ભાંગીને તમને એકને ઘડ્યાં હોય એવાં તમે હોશિયાર છો. ઈ હેશિયારી આ નાની ભોજાઈને ખપ નહિ આવે તો પછી કોને આવશે ?’

‘તું મને ગમે તેટલું રૂડું મનવે પણ હું હવે હૈયાફૂટી નથી થવાની. આટલા દી ‘ભાઈ ! ભાઈ !’ કરીને હું વેવલી થઈ એટલે જ ભાઈએ બેનને જશને બદલે જોડા દીધા ને ? એટલે જ દલુ આજ દી લગણ વાંઢો રઝળે છે ને ?... હવે મારે હૈયાફૂટાં નથી થાવું.’

‘પણ બહેન, હું તમારા ભાઈ જેવું નહિ કરું. એને ભલે તમારી દયા ન આવી. પણ મેં તો તમને માને ઠેકાણે ગણ્યાં છે. મારા ઉપર દયા કરો !’

‘દયા તો ડાકણને ખાય... ને મારે હવે કયા ભવ સારુ આવાં સાચાંખોટાં કરીને પાપના ભારા બાંધવા ? મેં બહુ દી લગી પારકાંને પોતીકાં ગણીને કરમ બાંધ્યાં. હવે વધારે નથી બાંધવાં.’

‘બહેન, મારી હારે હજી તમે પારકાપણું રાખો છો ? હું તો...’

‘હા, હા, ઓળખી તને તો મેં. તુંય ઓલી માનવંતીની માની જણી જ કે બીજી કોઈ ?’ બેય કામણગારીઓએ ભેગી થઈને મારા ભાઈનો જીવ લીધો.’

‘બહેન, એનું આયખું આવી રિયું હશે, એમાં આપણે આડા હાથ થોડા દઈ શકીએ છીએ ? તમે પોતે જ ઓલી સઝ્ઝાયમાં ગાવ છો કે આયખું તૂટ્યાનો સાંધો કો નહિ… રે....’

‘હવે જોઈ મોટી ધરમની ઢીંગલી થાવા માંડી છે તે !’ અમરતથી ટાઢું કે ઊંનું એકેય સહેવાય તેમ નહોતું. બોલી : ‘મોટા મહાત્માની જેમ આયખા આવી રહ્યાની વાતો કરે છે તે મારો ભાઈ જીવતો હતો ત્યારે પણ તમે ક્યાં ઓછાં કરતૂક કર્યાં હતાં ? બિચારાને ઘૂડપંખ જેવો તો કરી મૂક્યો તો....’ ​ ‘બહેન, એ બધા કરમના ખેલ....’

‘કરમબરમ શું, તમે બેય જડ–કઢી બહેનોએ આવીને આ ઘરની જડ કાઢી. બિચારા ભાઈને કોઈ દી સુખે રોટલો ખાવા ન દીધો. રોજ ઊઠીને કંકાસ, કંકાસ ને કંકાસ સિવાય બીજી વાત જ નહિ. ક્લેશ હોય ત્યાંથી લક્ષ્મીનો વાસો ચાલ્યો જાય, તમે બેય જણીઓએ આવીને આ ઘરની રિધિસધિ ટાળી.....’

‘બહેન, તમારે એક પડખે જ ખતવ્યે જવું છે એમાં હું શું બોલું ? તમારે જેમ કહેવું હોય એમ કહી લિયો.’

અમરત વધારે ઉશ્કેરાઈ ગઈ. બોલી :

‘આ બધુંય હું નથી કહેતી પણ તમારાં કરેલાં કામો જ કહી દિયે છે. આવા મજાના ઘાટીલા ઘરની પરસાળ ને ફળિયા વચ્ચોવચ્ચ બેય બહેનોએ બાપના હજીરા જેવો ઊભો વંડો ચણાવ્યો એ જ તમારાં કરેલાં કામોની સાક્ષી દિયે છે.’

‘બહેન, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે કહેતા હો તો વંડો પડાવી નાખીએ.’

નંદન વધારે ને વધારે વિનમ્ર બન્યે જતી હતી, ત્યારે અમરત વધારે ને વધારે ઉગ્ર બનતી જતી હતી.

‘હા, હવે ખાટલો ઉખેડીને વાણ ભરવા જેવું કરો. વંડીને પાડીને પાણા નીકળશે એ તમને બેય બહેનોને સામસામી છાતી ફૂટવા કામ લાગશે. પછી એકબીજીનાં છાજિયાં લીધા કરજો....’

મહેણાંના આટલા મારા ખમ્યા પછી નંદન ૨ડી પડી. એ વધારે કશું ન બોલી શકી.

અમરતની કાળવાણી અસ્ખલિત વહેતી હતી.

‘હવે તો આંખમાંથી પીલૂડાં પડશે પીલૂડાં. પોતાનાં જ કર્યાં પોતાને જ ભોગવવાનાં છે....’

આવી આગાહીથી નંદન વધારે ગભરાઈ ગઈ. તદ્દન નિખાલસતાથી એણે પૂછ્યું : ​ ‘બહેન, મારે શું હવે આમ ને આમ જ અવતાર પૂરો કરવાનો ? મારે હવે સુલેખાનો ભીખ્યો રોટલો જ ખાવાનો ?’

અમરતને લાગ્યું કે મેણાંટોણાંનો આટલો આકરો તાપ આપ્યા પછી લોઢું તપીને લાલચોળ થયું છે. લાવ, ઘણ લગાવું ! બોલી :

‘તારે શું કામ ભીખ્યો રોટલો ખાવો પડે ભલા ? તારામાં જો સકરવાર હોય તો સુલેખા જ તારી પાસે રોટલો ભીખતી ન આવે ?... પણ પંડ્યમાં રતિ જોઈએ. કોકનું શીખવ્યું શિખાય નહિ.’

‘બહેન, તમે મારા ઉપર એટલો ઉપકાર પણ નહિ કરો ?’ નંદને યાચના કરી.

‘બાપુ, મેં તને કહી દીધું નહિ કે ઉપકાર કાંઈ અમથા ન થાય.’

નંદન સમજી ગઈ, બોલી :

‘બહેન, હું તમને રાજી કરીશ.’

‘મને રાજી કરવાનું તારું ગજું નથી.’

નંદનને મનમાં હસવું આવ્યું. એને બોલવાનું મન થયું કે ‘બહેન, તમને વધારે લાકડે બાળશું’ પણ અત્યારે આ તપેલ દારૂગોળા જેવી નણંદને મશ્કરીનો તિખારો અડાડવો એ સલાહભર્યું ન લાગતાં એણે ગંભીરતાથી જ દરખાસ્ત મૂકી :

‘હું કહું છું ને, કે તમને રાજી કરીશ. તમે કહેશો એટલાં નાણાં આપીશ; જો એમ કરતાંય મારો ભવ સુધરતો હોય તો.’

‘હવે બેસ બેસ નાણાં આપવાવાળી ! તારી ગુંજાશ શી ? આ અમરતે શું નાણાં નથી દીઠાં ? તું તો હજી કાલ સવારે આ ઘરમાં આવી છો, હું તો આ ઘરમાં સોનાને ઘૂઘરે રમી છું. આ અમરતને નાણાંની ભૂખ નથી....’

‘ત્યારે શેની ભૂખ છે ? તમે પેટછૂટી વાત કરો તો ખબર પડે ને !’

નંદન પણ આ સોદાગર નણંદના લાંબા સહવાસ પછી સોદાગરી શબ્દપ્રયોગો શીખી ગઈ હતી. ​ અમરતને લાગ્યું કે તપાવેલ લોઢા ઉપર પોતે જે પહેલો ઘણ માર્યો હતો એની કામગીરી પૂરી થઈ છે. એણે બીજો ઘા ઝીંક્યો

‘અમરતને નાણાંની નહિ પણ માણસની ભૂખ છે – માણસની ખોટ છે...’

‘બહેન, તમે મારા કરતાં નસીબદાર છો. તમારે તો દલુભાઈ જેવા દીકરા છે તો કાલ સવારે સંધુય સારું થઈ રહેશે. માણસની ખોટ તો મને અભાગણીને છે. મારી જેમ તમારે ખાલી કુખ તો નથી !’

અમરતને લાગ્યું કે પોતાના કથનનો મર્મ હજી નંદન સમજી નથી અને સહેજ આડા ઊતરવા જેવું થઈ ગયું છે. એણે વધારે સ્ફોટ કર્યો :

‘હું મારી વાત નથી કરતી, તારા ભાણેજ દલુની વાત કરું છું. દલુને માણસની ખોટ રહી ગઈ છે એ તું ક્યાં નથી જાણતી ?’

‘બહેન, કોઈનું બે વરસ વેલું તો કોઈનું બે વરસ મોડું ઘર બંધાય. એના ઓરતા ન હોય. દીકરા કોઈના કુંવારા રહે છે ?’

‘પણ મારો દલુ તો કુંવારો નહિ, વાંઢો રહી ગયો. પાંચમાં પુછાતા દેશ – પટેલ જેવા મામાએ પોતે બે ઘર કર્યાં પણ ભાણેજને આછુંપાતળું એક ઘર પણ ન બંધાવ્યું. સગા ભાઈને મારું પેટમાં ન બળ્યું પછી ભોજાઈના ક્યાં દખધોખા કરવા ? દલુનાં પુણ્ય એટલાં ઓછાં...’ અમરતે આછું ડૂસકું પણ ખાઈ બતાવ્યું.

‘સમતા રાખો બહેન ! દલુભાઈની પણ હજી જિંદગી વહી નથી ગઈ. ગોતશું તો કોક જડી રહેશે. દીકરા કોઈના કુંવારા ન રહે...’

અમરતને લાગ્યું કે ત્રીજો ઘણ લગાવવાનો સમય થઈ ગયો છે. બોલી :

‘એમ તો ગોતવા જાવું પડે એમેય નથી. નજર સામે જ છે.’

‘સાચું કહો છો ?’ ​ ‘હા. સાવ સાચું. નાકના ટેરવા સામે જ ઊભું છે. જોતાં આવડવું જોઈએ.’ અમરતે આંખો નચાવી.

નંદન થોડી વાર તો વિચારમાં પડી ગઈ. પણ કશું ન સૂઝતાં પૂછ્યું :

‘કોણ ? નામ કહો તો ખબર પડે...’

‘અરે રામ ! એટલીય ખબર નથી પડતી હજી ? તારી નાની બહેન ચંપા હવે મોટી થઈ રહી છે ને ?’

‘હા આ બે વરસમાં ભારે ગજું કરી ગઈ છે.’

‘તે એને મોટી કરીને ભ્રામણને ભદ્રાસણમાં દેવી છે ?’

‘એવું તે હોય ! કોક મુરતિયો જડે એટલે...’

‘તું તો સાવ આંધળી જ રહી !’ અમરતે ફરી અવાજને ઊંચો કર્યો : ‘આ તારી નજર સામે મુરતિયો ફર્યા કરે છે તોય…’

નંદન બધું સમજી ગઈ. નણંદની નજર પોતાની નાની બહેન ચંપા ઉપર છે તે જાણીને નંદનને આશ્ચર્ય તેમ જ ભય બન્ને ઊપજ્યાં. પોતાનો ભવ સુધારી આપવાના બદલામાં નણંદ ચંપાનું સાટું કરવા માગે છે એ જાણીને તેને અમરત પ્રત્યે ઘૃણા ઊ૫જી; પણ તરત તેને પોતાના વર્તમાન નિરાધાર૫ણાનો ખ્યાલ આવ્યો અને અમરત સિવાય બીજું કોઈ આ નિરાધારપણામાંથી ઉગારનાર નથી એની પ્રતીતિ પણ થઈ. અત્યારે નંદનને અમરત અધમોદ્ધારક જેવી લાગી. અને એ ઉદ્ધાર કરવા બદલ એની કિંમત તરીકે ચંપાને ચૂકવવી પડે તો એ કિંમત પણ નંદનને સાવ મામૂલી લાગી.

‘અરેરે બહેન ! હું કેવી સાવ અક્કલમઠી છું, કે આ સામે માણસ ઊભું હોય તોય મને યાદ ન આવે ! દલુભાઈ ને ચંપાની તો જુગતે જોડી જામે ! પણ મને આંધળીને આજ દી લગણ સૂઝ્યું જ નહિ !’

‘પણ હજીય કાંઈ મોડું નથી થઈ ગયું. સારાં કામ તો ગમે ત્યારે કરી શકાય.’ અમરતે ઉદારતાથી છૂટછાટ આપી. ​ ‘એ તો છે જ ને બહેન ! ચંપાનાં ઘરણપાણી દલુભાઈ હારે લખ્યાં જ હશે ને !’

‘હા. ઘરણપાણી વિના કાંઈ થોડું થાય છે ?’

‘પણ કેવો જોગેજોગ જડી ગયો ! મારા બાપ મને કાગળ ઉપર કાગળ લખ્યા કરતા’તા કે ચંપા સારુ સારો મુરતિયો ધ્યાનમાં રાખજે પણ હું મૂઈ સાવ અકલ વગરની તે દલુભાઈ જેવા કલૈયાકુંવરને ભૂલીને આડાંઅવળાં ફાંફાં મારતી’તી ! હવે તો મારા બાપને લખું એટલી જ વાર !’

‘અલી, પણ ઝટ લખજે હો ! સારાં કામ આડાં સો વિઘન...’

‘એમાં મને કહેવું ન પડે બહેન !’ નંદને કહ્યું. અને પછી થોડી વાર વિચાર કરીને પૂછ્યું : ‘પણ હેં બહેન મને તમે ખરેખર આ ઘરની ધણિયાણી બનાવી દેશો ?’

‘ખરેખર નહિ તો શું ખોટેખોટ ?’

‘પણ કેવી રીતે ? મને તો કાંઈ સૂઝતું નથી. પછી તો તમે જાણો —’

‘તને તો કાંઈ જ નહિ સૂઝે. દલિયોય તને ક્યાં સૂઝતો’તો ? તારામાં એટલી રતિ જ નથી. નહિતર જો સૂઝતું હોય તો તો સાવ આકડે મધ છે – ને પાછું મધમાખી વિનાનું અકબંધ ઉતારી લેવાય એમ છે. પણ આવડવું જોઈએ.’

‘આવડતવાળાં તો તમે બેઠાં છો ને હાજરાહજૂર !’

‘બાઈ, ગોર તો બહુ બહુ તો પરણાવી દિયે, એ કાંઈ ઘરસૂતર થોડું હલાવી દિયે ? હું તને બહુ બહુ તો રસ્તો ચીંધાડું કે આમ નહિ ને આમ કર, પછી તો તારામાં પહોંચ જોઈએ...’

‘તમે રસ્તો ચીંધાડો એટલે બસ પછી એમાં તમારે કહેવાપણું હું નહિ રહેવા દઉં. કાંઈક જુક્તિ સુઝાડો.’

‘જુક્તિ સુઝાડું તો ખરી, પણ એનું મહેનતાણું ન જડે તો ?’ અમરતે શંકા વ્યક્ત કરી. ​ ‘અરે એવું તે બને બહેન ? આ નંદનના વેણ ઉપર વિશ્વાસ રાખો. આ ઘડીથી જ ચંપા દલુભાઈની થઈ ગઈ એમ સમજી લ્યો.’

‘સાચું કે’ છે ?’

‘હા. આ ભાદરવો મહિનો જાય છે. આસો, ને કારતક મહિને ચંપાના લગન કરાવી દઉં, પછી છે કાંઈ ? કારતક મહિને ચંપા તમારા કબજામાં.’

નંદને પોતાની નાની બહેનનો કાર્તકનો કબાલો કર્યો. સાટામાં અમરતે પોતાની મૌલિક યોજના નંદનના લાભાર્થે વેચવાનું કબૂલ કર્યું. એણે પોતાની વિલક્ષણ આંખે ઓરડાની ચારે દિશાએ ફેરવી લઈને ખાતરી કરી લીધી કે ભીંતોને કાન નથી. પછી અવાજને સાવ ધીમો કરી નાખીને નંદનના કાનમાં ફૂંક મારી :

‘તારે હવે એમ કહેવાનું કે મહિના છે. બે પૂરા થયા છે ને આ ત્રીજો જાય છે, પણ હજી નાવણ આવ્યું નથી, એમ વાત વહેતી મૂકી દે…’

‘વાત તો વહેતી મૂકી દઉં. પણ પછી શું કરવું ?’

‘એની ફિકર તારે કરવાની નથી. એની બધીય ચિંતા કરનારી તો હું બેઠી છું ને બાર વરસની !’

છેલ્લા બે શબ્દો બોલતાં અમરતે આંખો નચાવી — થોડા રોજ પહેલાંના ચતરભજ સાથેના પ્રેમપ્રલાપો દરમિયાન નચાવી હતી એવી રીતે જ.

‘પણ પછી... ?....’ નંદનને હજી અનેક આશંકાઓ થયા કરતી હતી.

‘પછી પછી શું કર્યા કરે છે ? પછી તારો બેડો પાર ! આ ઘરની ધણીરણી તું. સુલેખડી ને માનવંતી બેય જણીયું તારા ડાબાજમણા પગ દાબવા આવે. તારી પાસેથી રોટલો ભીખીને એ ખાય.’

‘ખરેખર ?’ આટલા બધા સુખનો ખ્યાલ હજી નંદનથી ​ જીરવાતો નહોતો.

‘હા રે હા, તું જોજે તો ખરી આ અમરતના સપાટા ! તને આ ઘરની શેઠાણી બનાવીને સંધાયને પાંસરા દોર કરી દઈશ. પણ પછી આ નણંદને જશ સાટે જોડાં તો નહિ જડે ને ?’ અમરતે અગાઉથી ખાતરી માગી.

‘એવું તે બને બહેન ? તમે જ મને નવો અવતાર આપો છો. તમ થકી તો હું ઉજળી છું. તમારા ઉપકાર તો ભવોભવ સાંભરશે. હું તમારી જનમભર ઓશિયાળી રહીશ.’

‘તો ઠીક ! તારી મોટી બહેન જેવી ન–ગુણી ને નૂઘરી થઈશ મા. માનવંતીનું તો મેં વાંઝિયામેણું ખોટું ઠરાવ્યું. દીકરાની આશા નહોતી. ત્યાં મેં રિખવ જેવો દીકરો અપાવ્યો. પણ એ તો બધાય ઉપકાર ભૂલી ગઈ…’

‘પણ એમ કરતાં એ શું સુખી થઈ ?’ નંદને કહ્યું : ‘અહીંનાં કર્યાં અહી જ ભોગવવાનાં છે’

‘તને ભગવાને એટલી સદ્‌બુદ્ધિ આપી છે, તો તું સુખી થઈશ’ અમરતે આશીર્વાદ આપ્યા.

‘તો બહેન, ત્રીજો મહિનો જાય છે. એમ વાત તો બહાર પાડું; પણ પછી મારે કરવું શું ? ફજેતો થાય તો... તો…’

ઓ...હો...હો ! ડાહ્યલી કાંઈ ડાહ્યલી ! તારે તો અટાણથી જ બધી પંચાત માંડવી છે ! એ બધી ચિંતા ને ગોઠવણ કરનારી તો અમરત બેઠી છે બાર વરસની ! હું કહેતી જાઉં એમ કરતી રહીશ તો બેડો પાર છે.’

તે રાતે નંદને મીઠો અજંપો અનુભવ્યો. વખતોવખત એના કાનમાં ‘બેડો પાર !’ ‘બેડો પાર !’ના ભણકારા વાગતા હતા.

*