વ્યાજનો વારસ/મજિયારાં હ્રદયની અશ્રુત્રિવેણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મજિયારાં હ્રદયની અશ્રુત્રિવેણી

કાગને ડોળે આભાશા વેવાઈની વાટ જોઈ રહ્યા હતા.

જિંદગીભરની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો. પોતે અપુત્ર હતા તેમાંથી જ જતી જિંદગીએ એક વારસ. લાધ્યો પણ નસીબમાં એ ન સમાયો. માનવંતીની આજ્ઞાથી પોતે બીજું ઘર કર્યું અને હમેશની હૈયાહોળી ઊભી કરી. બંને બહેનો વચ્ચે જાણે કે બાપ-માર્યા વેર ઊભાં થયાં. આ પણ કરમના ખેલ જ ને ! વિમલસૂરીજી વ્યાખ્યાનમાં સાચું જ કહે છે કે માણસ પૈસાનો ગુલામ છે, પણ પૈસો કોઈનો ગુલામ નથી. એ તો માલિકનો પણ માલિક થઈ બેસે છે અને એ નચવે એ પ્રમાણે માલિકે નાચવું પડે છે. કોને ખબર છે હજીય શા ખેલ ખેલવાના નસીબમાં માંડ્યા હશે?

આટઆટલી વિષમતાઓ વચ્ચે આભાશા એક આશ્વાસન અનુભવતા હતા કે સુલેખા જેવી સંસ્કારી અને કુલીન પુત્રવધૂ પોતાને આંગણે છે. ઘણીય વાર સંતપ્ત આભાશા એટલી શાંતિ અનુભવતા : "કોને ખબર છે સુલેખાના પુણ્યનો રોટલો આપણે સહુ ખાતા હોઈએ ! એને પ્રતાપે જ હજી આ ઘરનું બારણું ઉઘાડું રહી શક્યું હોય ! એની શુભાશિષે જ મારા ખોળિયામાં પ્રાણ ટકી રહ્યો હોય !- નહિતર તો તે દિવસે મીંગોાળાના મેળામાંથી પાછા ફરતાં રિખવનું ખૂન થયું ત્યારે મેં જે માથા પછાડવા માંડેલા ત્યારે રિખવના મૃત્યુ ભેગી મારીય ચેહ ક્યારની ખડકાઈ ગઈ હોત !'

પણા એમ થયું હોત તો સારું હતું ! મારી ચેહ પણ દીકરાની ​વિદાય ભેગી ખડકાઈ ગઈ હોત તો આ દિવસો તો જોવા ન પડત ! રિખવ જાતાં તો ઘરનો મોભ તૂટી પડ્યો. ગયો અને મારું જીવતર ઝેર જેવું કરતો ગયો. આટઆટલી કમાણી પછી મારે તો દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવા જેવું થયું.

પૂર્વ ભવે પાપ કરવામાં જરાક પાછું વળીને જોયું હશે, તે આ ભવે આટઆટલાં દુ:ખ છતાં સુલેખા જેવી પુણ્યશાળી પુત્રવધૂ આ ઘરમાં આવી. લક્ષ્મી તો ચંચળ છે એમ વિમલસૂરીજી વારંવાર કહે છે. ભાગ્યશાળી માણસોના હાથમાં જ પૈસો ટકે. પવિત્ર વાતાવરણમાં લક્ષ્મીનો વાસ હોઈ શકે. સુપાત્રને ઘરે જ એ શોભે. એટલા માટે તો હું સુલેખાને આ વારસો સોંપતો જાઉં છું નહિતર મારે અમરતનો દલુ સગો ભાણેજ નથી શું ? દલુને ખોળે લેવાનું કહીકહીને તો અમરતે અને ગામ આખાએ જીભના કૂચા વાળી નાખ્યા. પણ હું એમ ભોળો થોડો છું તે ભોળવાઈ જાઉં ? સૂરજીની સલાહ લેવા ગયો તો દલિયા માટે સોઈઝાટકીને ના પાડી. બોલ્યા : ‘જોઈએ તો માલમિલકત પાંજરાપોળને સોંપી દેજો, પણ દલુને આ વંશનો વારસ ન બનાવશો. એનામાં લાયકાત નથી, અધિકાર નથી. એના સંસ્કાર વર્ણસંકર જેવા છે. એ સંકરતા તમારી સાત પેઢીનું નામ બોળશે.’

સગા ભાણેજ માટે સૂરીજીએ ઉચ્ચારેલાં આવાં અણગમતાં વચનો યાદ આવતાં આભાશા ખિન્ન થઈ ગયા. સંકરતાના સંસ્કારો ! છિ: છિ: સંસ્કારો શાના ? કુસંસ્કાર જ કહો ને… પણ અરે ! દલુ એ તો મારું પોતાનું જ તન, માની જણી બહેનનો દીકરો. એનામાં આવી કુસંસ્કારિતા આવે જ શી રીતે ? ‘કર્મની ગતિ પણ ન્યારી છે !’ કહીને આભાશાએ નિસાસો નાખ્યો. સૂરીજીનાં બધાં જ વચનો સાચા પડ્યા છે તો આ પણ સાચું જ પડે તો ! તો મારી સાત પેઢીની સ્વર્ગમાં પણ દુર્ગતિ થાય…

‘પણ ના, ના, એમ હું દુર્ગતિ થવા નહિ દઉં. સૂરીજીનાં ​ વચનોનું બરાબર પાલન કરીશ, સુલેખાને જ બધું સોંપતો જઈશ. એની નસમાં પણ લશ્કરી કુટુંબનું લોહી વહે છે. એ મારી મિલકતનો સદુપયોગ જ કરશે. સુલેખા તો દીકરાથીય અદકી છે. દીકરીએ દીવો રહે એમ કહેવાય છે. આ તો મારા દીકરા સમાણી જ છે. શાહ કુટુંબનું નામ એ જરૂર ઉજાળશે... જરૂર ઉજાળશે.'

લશ્કરી શેઠ આભાશાના ઓરડામાં પ્રવેશ્યા ત્યારે એમના મોં ઉપર આભાશાએ મલકાટ જોયો અને પૂછ્યું :

'ફતેહ કે?'

'જી હા. સુલેખાને માંડ માંડ સમજાવી છે.'

'પાડ તમારો. સમજુ તો સાનમાં સમજી જાય. સુલેખા તો સમજુઓમાંય શિરોમણિ છે. મારી સાત પેઢીને ઊજળી કરી બતાવશે.'

આટલું કહીને આભાશાએ પોતાના ખાટલાની ચોમેર નજર ફેરવી. સામે દૂરના બારણા પાસે નંદન પહેરેગીરની જેમ ઊભી હતી, એ રખેને વીલની વાત જાણી જાય એવા ભયથી આભાશાએ રાબ પીવાની ઇચ્છા વ્યક્ત કરી અને નંદનને એ કામ માટે રસોડામાં ધકેલી દીધી.

પણ નંદનને મોટામાં મોટો ડર અમરતનો હતો. પોતાની ગેરહાજરીમાં એ આભાશાના ખાટલા પાસે પહોંચી ન જાય એની એ સાવચેતી રાખતી હતી. તેથી એક આંખ ડેલીના બારણા ઉપર રહે એવી રીતે નંદન રસોડા તરફ ગઈ. હવે નંદનને રસોઇયા ઉપર પણ વિશ્વાસ નહોતો બેસતો. રખેને કોઈની શિખવણીથી રસોઈમાં ઝેર ભેળવીને આભાશાને ખવડાવી દિયે તો ! અમરત અને ચતરભજના કાવતરાની બાતમી અફીણીની દુકાનેથી આવ્યા બાદ તો અમરત જ્યારે જ્યારે ભાઈની તબિયતના ખબર પૂછવા આવતી ત્યારે ત્યારે નંદન ખડે પગે ખાટલાના પાયા આગળ ચોકી ​ જ કરતી.

અત્યારે નંદન રાબ બનાવવા તો ગઈ, પણ એનો જીવ આ ઓરડામાં જ હતો. જિંદગીનું સત્વ લુંટાવી બેઠેલી નંદન હવે એના અવશેષોના ભંગાર-ટુકડાઓને અત્યંત કૃપણતાથી વળગી રહી હતી.

નંદન બહાર ગઈ કે તુરત આભાશાએ પોતાની પથારી તળેથી એક લાંબો દસ્તાવેજ બહાર કાઢ્યો અને એમાં સહી કરીને લશ્કરી શેઠના હાથમાં સોંપતાં બોલ્યા:

‘જીવનનું સર્વસ્વ સુલેખાના હાથમાં સોંપુ છું. સ્વીકારો !’

લશ્કરી શેઠ વીલની નકલ વાંચી ગયા. મોંના મલકાટ સાથે કાગળનું ભૂંગળું વાળીને ગજવામાં મુકવા જાય છે ત્યાં જ નંદન બારણામાં આવીને ઊભી રહી. એને લાગ્યું પેલી પારકી જણી સુલેખડીનો બાપ આ ઘરની બધી જ માલમતા લૂંટીને ગજવામાં ધાલી રહ્યો છે. કોણ જાણે કેમ પણ નંદન આપોઆપ એક જાતની અકિંચનતા અનુભવી રહી.

પરિણામે, નંદન બમણી કૃપણતાથી આભાશાના શેષ જીવનની રક્ષા કરવા લાગી.

આભાશાના જીવનાશેષો ઉપર માનવંતીનો પણ સરખો જ હક્ક હતો, પણ નંદન એ બાબતમાં શિરજોરી કરીને પોતાનું સુવાંગ શાસન સ્થાપી રહી હતી. ઘરની પરસાળમાં પણ જેણે મજિયારાપણું ન સહેવાતાં આડી વંડી ચણાવી લીધી, એ આપ-૨ખી નંદન પતિહૃદયમાં તો સહિયારાપણું શું સાંખી શકે? આ બાબતમાં તો એ આડી વંડી ચણીને પણ માનવંતીને પતિ હૃદયનો ટુકડો સરખો આપવા તૈયાર નહોતી. માનવંતી ભૂલેચૂકેય આ બાજુ આવી ચડે તો નંદન હડકાઈ કૂતરીની જેમ એની સામે ઘૂરકત:

‘આંહી તારો કયો ડાબલો દાટ્યો છે તે લેવા આવી છો?’

‘ડાબલો નથી દાટ્યો પણ મારો ધણી તો છે ને? મારા માથાનો મોડ....’ ​ ‘હાલતી થા હાલતી. માથાના મોડવાળી ! તારે હવે માથું કેવું ને મોડ કેવો ! હું પરણી તે દીથી જ તારા માથાનું તો મૂંડામણ થઈ ગયું છે....’

‘જીભ સખણી રાખ વંતરી !’

‘જા હવે જા, વંતરીવાળી ! જો મને શિખામણ આપવા આવી છો !’

‘પણ તું આવું ન બોલવા જેવું બોલે પછી આટલુંય ન કહું ?’ માનવંતી નરમાશથી ઉત્તર આપતી.

‘એમાં ન બોલવા જેવું છે શું એ કહીશ મને ? તારા માથાનું મૂંડામણ થઈ ગયું. થઈ ગયું, થઈ ગયું. લે હાંઉં હવે ?’ નંદન આવેશમાં આવી જતી.

‘સગી બહેન ઊઠીને આવું બોલતાં...’

‘બહેન–ભાંડરડાંનાં સગપણ તો કેદુનાં નાહી નાખ્યાં છે.’ નંદન કહેતી : ‘જો હું તારી સગી બહેન હતી તો આંહી મારો ભવ બગાડવા શા માટે ઢસરડી આવી ?’

‘સહુ સારી આશાએ બધું કરે, પણ કરમની ગતિની કોઈને થોડી ખબર છે ? કરમ અગાઉથી વંચાતાં હોય તો માણસ હાથે કરીને આવું...’

‘તે હાથે કરીને જ નાની બહેનને કૂવામાં ઉતારી છે. હવે તું બહેન શેની ગણાય ? મારી સાત ભવની શોક્ય ! નીકળ અહીંથી. તારું ડાચું બાળ !’

સાંભળીને માનવંતીના કાનમાંથી જાણે કે કીડા ખરતા હતા. પણ ગમ ખાઈને એ ફરી વિનવણી કરતી :

‘મને તારી શોક્ય ગણવી હોય તો ભલે શોક્ય ગણજે. પણ આ ખાટલે પડેલાની તો જરાક દયા ખા ! એનો આતમો બાળીને તું કિયે ભવે સુખી થાઈશ ? પરણ્યા ધણીના જીવને તો જરીક જંપવારો લેવા દે ! એને તો સંતોષ આપતી જા !’ ​ ‘જા હવે જા. મોટી સંતોષ આપવાવાળી ન જોઈ હોય તો ! બહુ પેટમાં બળતું હોત તો ધણીને બીજો દીકરો તેં આપ્યો હોત !’ નંદન સંભળાવતી.

માનવંતી કહેતી : ‘તારા કરતાં મેં વધારે સંતોષ આપ્યો છે, વંતરી ! મેં એક દીકરો તો દીધો પણ નસીબમાં ન સમાણો. તારી જેમ મારી કૂખ વાંઝણી નથી, સમજી ને ?’

સાંભળીને નંદન ઊભી ને ઊભી સળગી ઊઠતી. કહેતી : ‘એ… તારી જીભના કટકા થાય !... વાંઝણી તો તું છો. હું તો હજી નાની બાળ છું... કાલ સવારે ફૂખ ઊઘડશે ને ખોળામાં છોકરું રમશે…’

‘વાટ જોઈ રહેજે, વાંઝણી !’ માનવંતી સામું ફેંકતી.

આ વખતે બન્ને બહેનોના મજિયારા એવા આભાશાને દરમિયાનગીરીની જરૂર સમજાતી અને કહેતા :

‘હવે બસ કરો બેય બહેનો. બહુ બોલ્યાં, હવે વધારે બોલવું હોય તો પહેલાં મારા ગળાનો હૈડિયો દાબી દિયો એટલે હું આ હોળીમાંથી છૂટું; પછી તમે બેય જણીઓ પેટ ભરીને ગાળાગાળી કરજો. પછી મારે ક્યાં જોવા આવવું છે ?’

માનવંતી આ મહેણાના અનુસંધાનમાં નંદનને વધારે સંભળાવતી : ‘મને તો ઠીક પણ તારા ધણીના જીવને તો જરાક જંપવારો લેવા દે. એનાં કાળજાં બાળીને કયે ભવે સુખી થાઈશ ?’

‘તેં એનાં કાળજાં બહુ ઠાર્યાં છે તે હવે તું એકલી જ સુખી થાજે ને ! હું ભલે દુઃખી થાઉં.’

‘અરે ભગવાન ભગવાન ! સાવ અવળચંડો સભાવ થઈ ગયો એની સાથે વાત પણ શું કરવી ને શિખામણેય શી દેવી ?’ માનવંતી કંટાળીને કહેતી.

માંદગીને બિછાનેથી આભાશા બન્ને પત્નીઓને ઉદ્દેશીને એટલું બોલતા :

‘મારા નસીબમાં ટાઢાં લાકડાં નથી લખ્યાં. મારી ચેહ ઉપર ગમે એટલા ઘડા પાણી રેડશો તોય ટાઢી નહિ થાય. એ ઊની ને ​ઊની જ રહેવાની. ખોળિયું આખું ભડભડ બળી જાશે તોય આવડું આટલું કાળજું કાચું રહી જશે. એ કેમેય કર્યું ટાઢું નહિ થાય. ટાઢી ઠારનારો દીકરો ભગવાને માંડ કરીને એક આપ્યો, તો એ તો અધવચ રઝળાવીને હાલ્યો ગયો, હવે તમારા – પારકી જણીઓના – શા ઓરતા કરવા....?’

‘કોઈના આયખાની દોરી આપણા હાથમાં થોડી છે ?’ રિખવની યાદ તાજી થતાં માનવંતી રડી પડતી. ‘એમ હોય તો તો એવા જુવાનજોધને કમોતે શેનો મરવા દેત ? સંધીના ગામનો મેળો જોવા અસૂરી રીતે જાવાની શી જરૂર હતી ? પણ કેતા નથી કરમમાં સોમવાર માંડ્યો હોય તો એનો મંગળવાર નથી થાતો.’

‘સંધીનું ગામ’ શબ્દ સાંભળીને આભાશા થરથરી ઊઠતા. તરત એમના મગજમાં વર્ષો પહેલાંનું મેડીના માઢમાં ઊભેલી એમીનું દૃશ્ય સણકો લાવી જતું. ખુન્નસભર્યાં એમીનાં સાસરિયાં યાદ આવતાં આભાશા કમ્પી ઊઠીને કહેતા :

‘મીંગોળાની ધરતી એને ધા નાખતી હશે. એનું મોત પારકી ભોમકામાં માંડ્યું હશે. ઘરનાં માણસોનો શાતા દેતો હાથ માથે ફરવાનું પણ એના નસીબમાં નહિ લખાયું હોય તે દુશ્મને લાશ પણ હાથમાં આવવા ન દીધી. એનું મોત એને મીંગોળે બરકી ગયું. પારકી ભોંય એને પોકારતી હોય એમાં આડા હાથ ક્યાંથી દેવાય...?’

આટલું બોલતાં આભાશાનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. એમની ઊંડી ગયેલી આંખોમાંથી અસ્ખલિત અશ્રુધારા વહેવા માંડી. અને મજિયારા હૃદયની સરખી માલેકણો – માનવંતી અને નંદન પણ માનવજીવનની ભયંકર વિફળતાથી ત્રાસી ઊઠીને લાગણીશીલતાની ઉત્કટ ક્ષણે પીગળી ગયાં. અને પતિના પુનિત અશ્રુપ્રવાહમાં બન્ને બહેનોએ પોતપોતાની અશ્રુધારાઓ ઠાલવી.

ઓરડાની ઈંટો ને જો હૃદય હોત તો મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણીમાં એણે પણ જરૂર સાથ પુરાવ્યો હોત.

*