વ્યાજનો વારસ/લાખિયારની ક–દુઆ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાખિયારની ક–દુઆ

જસપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા છતાં તેમનામાં ભારોભાર માણસાઈ ભરી હતી. ગરીબોનાં ગળાં લ્હોવાને બદલે તેઓ ‘મારવો તો મીર’ એવી નીતિ રાખતા અને એ અનુસાર ચપટીમૂઠીમાં જીવ બગાડવાને બદલે એકે હજારાં કરવાની એમની રસમ હતી. પણ જેમ જેમ વાર્ધક્યનાં ચિહ્નો જણાવા લાગ્યાં અને પેઢીની કામગીરીમાં તેમણે સક્રિય રસ લેવાનું ઓછું કરી નાખ્યું ત્યારથી ચતરભજનું ચલણ વધતું ચાલ્યું. આ મખ્ખીચૂસ મુનીમે મીર મારવાની નીતિ છોડીને રાંકનાં હાંડલાં ભાંગવાનું કામ શરૂ કર્યું અને પોતાના વહીવટનાં થોડાં જ વર્ષમાં એણે પેઢીના ઘણાખરાં કળને ભૂખે મરતાં કરી દીધાં

ઓછામાં પૂરું બન્યું પણ એવું કે ચતરભજના વહીવટનાં બધાં જ વર્ષો એકેકથી વધારે પ્રમાણમાં માઠાં ઊતરતાં ગયાં. પરિણામે ખેડૂતોમાં પાથરેલી ઘણીખરી મૂડી ખોટી થઈ ગઈ. પણ એમ તો ચતરભજ પણ બેઠા પછી જ સૂવે એવો હતો. અંગઉધાર ધીરધાર તો એણે જિંદગીભરમાં કરી જ નહોતી. કરજદારનાં ઘરખોરડાં, માલમિલકત, દરદાગીના અને એમાંનું કશું જ ન મળે તો છેવટે ઘરનાં ઠામવાસણ પણ એ ગીરો પેટે રાખી લેતો. ઘરખોરડાંના ​ ખત–દસ્તાવેજો ભરેલાં પતરાંનાં ભૂંગળાંઓથી પેઢીનો એક ઓરડો આખો ભરાઈ જવા આવ્યો હતો. અનેક ખેડૂતોનાં ખેતરવાડી પણ આભાશાને ત્યાં આવી પડ્યાં હતાં. સોનારૂપાના દાગીના તો હવે પટારાઓમાં સામતાં નહોતાં. સંધી, સિપાઈ, ખાંટ, તરિયા, મતવા, મિયાણા, લોધા, ખસિયા, કારડિયા વગેરે ગરીબ કોમોમાં તો વર્ષોથી આ પેઢી કામકાજ કરતી જ, એ ઉપરાંત હમણાં હમણાં તો ચતરભજે ચારણો, આહીર, ભરવાડો અને રબારીઓમાં મોટા પાયા ઉપર ધીરધાર શરૂ કરેલી તેથી એ લોકોની ઘરવખરી, ઘી–દૂધના બોઘરાં, તાંબડાં, તપેલાં, હાંડા, ઘડા, કડાઈ, બકડિયાં, ઢોરની ઘૂઘરમાળો વગેરે પણ વખારમાં ઢગલાબંધ ખડકાયાં હતાં. આમ ચતરભજ માઠાં વર્ષમાં પણ લાખના બાર હજાર નહિ પણ બાર હજારના લાખ કરી બતાવે એવો કાબેલ મુનીમ હતો.

હમણાં હમણાં આ ‘ચતિયા’એ પેઢીના ઘરાકોમાં રાડ બોલાવી હતી. બાંધી મુદ્દત દરમિયાન નાણાં પરત નહિ કરનાર એકેએક લેણદાર ઉપર એણે તહોમતનામાં બજાવ્યાં. જપ્તીઓ અને હરાજીઓ તો આ મુનીમને મન રમતવાત હતી. આભાશાના ‘પહેલા ખોળાના પુત્ર’ તરીકેનું લોકો તરફથી મળેલું બિરુદ જાણે કે સાચું ઠરાવવા માટે જ ચતરભજે કોરડો વીંઝવા માંડ્યો હતો.

કોઈ પેટે બળતું કહેતું : ‘પારકા ઘરો ભરવા સારુ ચતિયો શું કામ આટલાં પાપનાં પોટલાં બાંધતો હશે ?’

તો વળી કોઈ ઘટસ્ફોટ કરતું : ‘ના, ના, ઈ તો પારકુંય અંતે જાતાં પોતાનું કરી લિયે એવો પહોંચવાળો છે.’

‘આભાશાનું તો આલાભાઈના દરબાર જેવું ખાતું છે. આવે વાય ને જાય પડવાય. એનાં તો લાખે લેખાં છે. સેંકડુ વરસની આસામી. એને જામતાંય વાર લાગે ને ઊખડી જતાંય વાર લાગે. ચતિયા જેવા ચોરટિયા ઘર ખાલી કરી જાય તોય દશવીશ વરસ સુધી કાંઈ ખબર ન પડે.’ ​ ‘ભાઈ, જેવું તેવું ખોરડું થોડું છે ? ભાંગ્યું તોય ભરૂચ. ઘરની વાંસ–વળીમાં ખોસેલી ચીંથરી ખંખેરે તોય પાનસે– હજારનો ઢગલો થઈ પડે. સંજવારીમાં સાચાં મોતી નીકળે એવી શાહુકારી…’

‘આટઆટલાં વ્યાજનો વારસો કોણ જાણે કોણ સાચવશે ? રિખવ શેઠ તો ઘરખોદિયો જાગ્યો છે. બાપનું નાણું પાણીની જેમ ઉડાડે છે.’

‘પણ ક્યાં કોઈને પરસેવો પાડવા જાવું પડ્યું છે ? વ્યાજનું નાણું તો કાચો પારો છે. રૂંવે રૂંવે ફૂટી નીકળે. સકરમીનું નાણું સોની ખાય ને અકરમીનું નાણું વૈદ્ય ખાય. વ્યાજખોરોનાં છોકરાં કાં તો અકરમી ને ઊઠેલ પાકે, ને કાં કમોતે અંતરિયાળ હાલ્યાં જાય.’

‘હાંઉ કરો, હાંઉ કરો, ભાઈ ! કોઈનું અમંગળ વાંચો મા. ભગવાન સહુને સાજાનરવાં રાખે. સંધીય ખોટ ખમાય પણ માણસની ખોટ ન ખમાય. સહુનું સારું થાય એવું બોલો.’

‘તી એમ ક્યાં આપણા કીધા ભેગું કોઈ મરી જવાનું છે ? આ તો ઘણાય વ્યાજખોર નિર્વંશ જાય છે એટલે જરાક અમથી વાત કરી.’

આવી આવી વાતો કરીને આભાશાના શોષિત કળો જરા આત્મસંતોષ અનુભવી લેતા.

આ શોષિતોની જમાતમાં લાખિયારને પણ સમાવિષ્ટ થવાનું દુર્ભાગ્ય સાંપડ્યું હતું. પહેલાં જે લેણી રકમ પેટે લાખિયારે પોતાના ખોરડાના ગીરો દસ્તાવેજ ઉપર કાંડાં કાપી આપ્યાં હતાં એ રકમનું મુદ્દલ તો શું, વ્યાજ ભરવાની પણ લાખિયારને ત્રેવડ થઈ શકી નહોતી, પરિણામે વ્યાજનું વ્યાજ અને એનું પણ વ્યાજ હરણફાળે વધતું ચાલ્યું. લાખિયાર કરજના પાણીમાં ઊંડો ને ઊંડો ઉતરતો ગયો. આભાશાના ઘર સાથેનો આ સંધી કુટુંબનો પેઢીજૂનો સબંધ બગડતો ગયો. આભાશાની ઓશરીએ લાખિયારનાં છોકરાં ​ રમવા આવતાં એ અટકી ગયાં. લાખિયારને ઘેર થતી માનવંતીની ઊઠબેસ ઓછી થઈ ગઈ. ૨હી માત્ર એક લેણી રકમ માટેની ચતરભજની સતત ઉઘરાણી, અને એ ભરપાઈ કરવાને નિઃસહાય એવા લાખિયારનાં દયાજનક ગલ્લાંતલ્લાં.

લાખિયાર આમ હતો તો સામાન્ય સ્થિતિનો આદમી પણ રોટલે બહુ પહોળો હતો. મહિનામાં ભાગ્યે જ કોઈ દિવસ મહેમાન વિનાનો ખાલી જતો. ઘણાય લોભી માણસો તો લપરા થઈને લાખિયારને ત્યાં પડ્યાપાથર્યા રહેતા. પણ આજના નાક–કટ્ટા ઉજળિયાતોને શરમાવે એવી આ વૃદ્ધ સંધીની દિલેરી અને મહોબ્બત મહેમાનોનો મારો હસતે મોંએ ખમ્યે જતી. આવક ઘટતી ગઈ તેમ તેમ આ જુનવાણી મોભાવાળું ખોરડું ઘસાતું ચાલ્યું. કરજભાર વધતો ગયો. પણ મહેમાનોના આદરસત્કાર અને સરભરામાં શાણી સંધીયાણીએ જરાય ઓછપ આપવા દીધી નહોતી.

લાપસીનાં સદાવ્રતો ચલાવનાર લાખા લાપસિયાના જેવી લાખિયારની આ રહેણી ચતરભજ લાંબો સમય ચલાવી શકે તેમ નહોતો. એના તગાદા તો ચાલુ જ હતા, પણ હવે એમાં કરડાકી અને ડરામણીનો ઉમેરો થયો; એણે જપ્તીની ધમકી આપવા માંડી.

ચતરભજે લાખિયારને સપાટામાં લેવા માટે કોઠું આબાદ ઊભું કર્યું હતું. આજ દિવસ સુધી લાખિયાર અંગેની ચતરભજની વ્યૂહરચનામાં આભાશાની એ કુટુંબ પ્રત્યેની કૂણી લાગણી આડે આવતી. પણ ચત૨ભજે એની સામે સરસ નુસખો યોજ્યો. આભાશાની હવેલી તો આલીશાન હતી પણ રિખવ શેઠનાં લગ્ન પછી રહેણીકરણીમાં જરા ફેરફાર થયા. એકાદ બે ઓરડા સુલેખાએ રોક્યા. વેવાઈ પક્ષના લશ્કરી શેઠના ઘરના મહેમાનોની આવ–જા વધી ત્યારથી આ આલીશાન હવેલીમાં પણ સંકડાશ પડવા લાગી હતી – અથવા કહો કે કાંઈક અંશે ચત૨ભજે એવી અસર ઊભી કરી હતી. સ્વાભાવિક રીતે જ, આ સંકડાશ ટાળવા માટે ચતરભજે લાખિયારના ​ ઘરને ભરતીભેળણીમાં લેવાનું સૂચવ્યું. આ સૂચન સહુને સાચું અને સાહજિક લાગ્યું. આમેય લાખિયાર એના વ્યાજનાં કાંધા માટે ઠાગાઠૈયાં તો કરતો જ હતો. ધીમે ધીમે એના પ્રત્યેના આભાશાના આદરભાવને ચતરભજે પોતાના વાક્ચાતુર્યના રસાયણમાં ઓગાળી નાખ્યો.

જે દિવસે લાખિયારના ઘરનાં ગોદડાંગાભા ને ઠામઠીકરાં જસપરની ભરી બજારમાં હરાજ થયાં તે દિવસે દિલસોજીભર્યા ગામલોકોએ આભાશાના આ મુનીમને ‘ચતિયો ચંડાળ’ એવું બિરુદ બક્ષ્યું.

જે દિવસે લાખિયારના ખરડાનો કબજો લેવાવાનો હતો તે દિવસે સવારમાં લાખિયાર લાકડી ઠબકારતો ઉધરસ ન આવતી હોવા છતાં આદત પ્રમાણે ઉપરાઉપરી ખોંખારા ખાતો ખાતો આભાશાની ઓશરીમાં આવ્યો અને હાથમાં ડંગોરો પકડીને સલામ કરતો કરતો ઊભડક પગે બેઠો.

‘સાંકડા ભોણમાં આવે તંયેજ સર૫ સીધો હાલે.’ ચતરભજે પહેલી જ ટકોર કરી.

‘બાપા !’ લાખિયારે જડબું ધ્રુજાવતાં કહ્યું : ‘સરપને સાંકડા ભોણમાં લીધો એના કરતાં એના ઉપર પાણાનું ગદેલું ફેંકીને મારી નાખો તે બચાડાનો છુટકારો થાય.’

‘એલા, કાંઈ જીભ બવ વધી છે હમણાં ? જંયે આંઈ આવ છ તંયે મારી નાખવાની જ વાતુ કર છ તી તને કોણે મારી નાખ્યો ?’ ચતરભજે દમ ભરાવ્યો.

‘ભાઈશાબ, તમે મને સાચોસાચ મારી નાખ્યો હોત તો તમારો મોટો પાડ માનત. આ તો મને જીવતે મર્યા જેવો કરી મૂક્યો… જીવતું મોત……’

‘હવે મૂગો મરીશ ? હમણાં વિમલસૂરીજી ગોચરી વહોરવા ​ પધારશે. ને મારવાની વાત સાંભળશે તો ડેલીએથી જ પાછા વળશે ને કાં અમને સહુને જીવહિંસા ઉપર વ્યાખ્યાન આપશે.’ ચતરભજે આ બહાને વિમલસૂરી તેમ જ આભાશા બન્નેની મશ્કરી કરી લીધી.

‘શાબાપા !’ લાખિયારે આભાશાને ઉદ્દેશીને કહ્યું : ‘મારી નાતમાં મારું નાક કપાઈ ગયું.’

‘હવે તમારે કાંટિયાં વરણને નાકબાક શું ? ઈ તો ઓલી વાળંદની વારતામાં આવે છે એમ નવે નાકે દિવાળી.’

મજાકને લાયક પ્રસંગે નહોતો છતાં ચતરભજે મજાક કરી અને લાખિયારને એ હાડોહાડ ઊતરી ગઈ. બોલ્યો : ‘ચતા બાપા, તમે તમારી મોટપ હાથે કરીને કાં ઓછી કરો ! આવાં વેણ તમ જેવા સાજાની માણહના મોંમાં ન શોભે. મને બળઝળી રહેલ ડોસાને ઠાલા વધારે શું કામ બાળો છો ?’

‘ઓ… હો…હો…’ ચતરભજે લાંબે લહેકે શબ્દ લંબાવીને કહ્યું : ‘આને તો રાણાને કાણો ન કહેવાય ! ભલા, અમે તને શું કાળો–ગોરો કહી નાખ્યો ?’

‘બાપા, તમે મને બે ભૂંડી ગાળ્ય દઈ લીધી હોત તો હું સાંખી લેત. પણ તમે નાકની ઠેકડી કરી. મારી આબરૂ લજવી. સંધીની નાત્ય આખીમાં લાખિયારની આબરૂ લાખની છે. તમે આ ઘરખોરડાં વેંચીને ઈ આબરૂ કાંકરાની કરી મેલી. મારું જીવતર કડવુંવખ થઈ પડ્યું.’

‘શાવકારના દીકરાવ, એવું હોય તો પછી ગજું માપીને ખરચ કરીએ ને ?’ ચતરભજે સંભળાવી જ.

‘બાપા, હવે આજુ ફેરો જરાક રહેમ રાખો ને ખોરડું બચાવો.’

‘એલા, તું પણ ગધેડાને તાવ આવે એવી વાતું કરે છ, તી અમે તી આયાં કણે વેપાર કરવા બેઠા છીએ કે ધરમાદા ખાતું હલાવવા ?’

‘મારા અદા, તમે તો ધરમાદાય ઘણાય કર્યા છે ને કરો છો. ​ આભાશા તો ઇલાહી આદમી છે. મારા જેવા એકાદ ઉપર થોડીક…’

‘હવે ગાલાવેલો થા માં, ગાલાવેલો !’ ચતરભજે ઠઠ્ઠાસૂચક સ્વરમાં, વચ્ચે વચ્ચે જોશભેર ડચકાં ખાતાં કહ્યું : ‘અમારા ઘરમાં તી શું નાણાંની ટંકશાળ પડે છે ? કે રૂપિયાનાં ઝાડ ઊગે છે ? પાડોશમાં રહીને એવું કાંઈ ભાળી તો નથી ગ્યો ને ?’

‘માબાપ, તમારે તો ભર્યા દરિયામાંથી ચાપવું પાણી ઓછું થયા જેવું…’

‘હવે બેહ, બેહ, એમ સંધાયને ચાપવું ભરી ભરીને આપવા બેહીએ તો સાંજ મોર અમારું દીવાળું નીકળે ને આ પેઢીને બદલે સદાવ્રતી ધરમશાળા થઈ જાય…’ ચતરભજે કહ્યું.

લાખિયારની જીભે વેણ આવીને અટકી ગયા ? ‘બાપા, સાચે જ એવું થશે. શેઠના કુંવરનાં લખણ તો સંધાય એવાં જ છે.’ પણ એ શબ્દો ગળી ગયો અને જ્યારે લાગ્યું કે આ તો વેકુર પીલીને તેલ કાઢવા જેવું દુર્ઘટ કાર્ય છે ત્યારે એ કિસ્મતને દોષ દેતો લાકડી ઠબકારતો અને ખોંખરા ખાતો આવ્યો હતો એવી રીતે જ ડેલી બહાર નીકળી ગયો.

પોતાના ખોરડા તરફ વળતાં અનાયાસે જ લાખિયારના મોંમાંથી કદુઆ નીકળી ગઈ :

‘તારી પેઢી પડીને ધરમશાળા જ થાશે, ને એમાં વેપારને બદલે સદાવ્રત હાલશે.’

*