શાંત કોલાહલ/અબોલ હેત
જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
આથમણે નભ ઓસર્યો
આખિર કિરણનો કલશોર,
તારલે મઢી સુજની શ્યામલ
ઓઢતી રે અંગોર;
અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
ક્યાંકથી રે કોઈ ઉછળી
ઘેરાં ગહને ડૂબે મીન,
આવરતાં અંધારનું ધીમું
રણકી રહે બીન;
લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ,
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
જેમ રે અજાણ ઊઘડે
કમલ ફૂલનાં દલે દલ,
તેમ રે હોડી, હંસની ચાલે
ચાલતી અચંચલ;
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.