શાંત કોલાહલ/જાગ, જાગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જાગ, જાગ

ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?

ઉત્તરની તવ બારી ઉઘાડી સાવ પડી નોધાર,
અંધકારમાં
ચાંપી ચાંપીને ચરણ ધરે કોઈ, હવા મહીં સંચાર,
એમને અંગ ન હિમનો ઠાર;
સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો,
ભૂર ભમર પર ભાર,
ઘોર તવ નિદ્રા દારુણ ઘોર!
જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ?

સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી :
“જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ,
એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ”
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્‌ભુત વા ભયની ભ્રાન્તિ ?
જો કોણ ધરીને દર્પ
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
કરે કામના સ્પર્શ?
રે જાગ બંધવા !
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
કો ન કરે નાદાની,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.

જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ;
તસ્કરનું મન લોભી, લૂંટની લેશ ન એને તૃપ્તિ.
તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી;
એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ દે ઢાળી;
જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
તું ખૂંદ હિમાચલ-ચોટી.
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.