શાંત કોલાહલ/યાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
યાદ

આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર,
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર !
કંઈ તો એની કાળવી છાયા,
કંઈ રેલાતી રંગની માયા,
નવલે રૂપે રમતી કાયા,
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર !
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર !

એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત;
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આંખની આગળ આવતું રે દૂર,
નજરે એનાં સાંભળું નેપુર,
તાલમાં એના તરસે છે ઉ૨,
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત !
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !

આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ?
એકલાની આ ઊડતી ધૂળે
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે;
ભૂર ભરાયું ઉર તે ઝૂરે !
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ.
પાછળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ !