શાંત કોલાહલ/૧૮ રૂપને મ્હોરે
નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ,
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ,
જવાની જોઈ ઘણી નખરાળ,
એની તો એ જ ભલી રખવાળ.
સુખડકેરી સોડમાં છાનો
ગુંજતો એનો બોલ,
માંહ્યલી સૂઝે અણધીઠની
ઓળખી લેવી ઓલ,
ફાવે તો ચડવી એની ડાળ...
પ્હાડના પાષાણ બંધની ભીતર
પાથરેલી મલમલ,
હરિયાળીનો હાવ ને હેઠળ
પાતાળ ઘેરાં જલ;
શેવાળે ભરવી તે શી ફાળ?....
કેટલા ધરે વેશ ને
કરે કેટલાં નવાં છલ !
ચાલ જો લેતાં આવડી તો ભાઈ
ખેલિયે પલે પલ.
– તો સ્હેલી શેરની સા’વી યાળ...