શાહજહાં/પાંચમો પ્રવેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાંચમો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : ઉજ્જડ મેદાન. સમય : રાત્રિ.

[ઔરંગજેબ એકલો]

ઔરંગજેબ : ઘનઘોર આસમાન! કદાચ વાવાઝોડું જાગશે. એક નદી તો ઓળંગી કાઢી; આ વળી બીજી નદી : ભયાનક, ઉછાળા દેતી ને મોજાં મચાવતી. એટલો પહોળો પટ કે સામો કિનારો જ નથી દેખાતો. છતાં પાર તો ઊતરવું જ પડશે. આ જ હોડીમાં.

[મુરાદ આવે છે.]

ઔરંગજેબ : કેમ મુરાદ, શા નવીન?
મુરાદ : દારાની સાથે એક લાખ ઘોડેસવાર છે ને એકસો તોપો.
ઓરંગજેબ : સાચા સમાચાર?
મુરાદ : બરાબર સાચા. એકેએક જાસૂસની એ જ ગણતરી.
ઔરંગજેબ : [ટેલતો ટેલતો] હં — ના — એમ!
મુરાદ : દારાએ આ પહાડની પેલી બાજુ પડાવ નાખ્યો છે.
ઔરંગજેબ : આ પહાડ?
મુરાદ : હા, ભાઈ.
ઔરંગજેબ : એમ! એક લાખ અસવારો અને —
મુરાદ : આપણે પણ કાલ સવારે જ
ઔરંગજેબ : ચૂપ, બોલ ના, મને વિચાર કરવા દે. આટલી ફોજ દારાને મળી ક્યાંથી? અને એકલો! સારું, તું હમણાં જા — મુરાદ, મને વિચાર કરવા દે.

[મુરાદ જાય છે.]

ઔરંગજેબ : ત્યારે હવે તો પાછા ફર્યેયે સત્યનાશ, અને હુમલો કરવામાંયે પાયમાલી. એકસો તોપો! જો — ના — પણ એમ બને જ શી રીતે? — હં — [ઊંડો નિસાસો નાખીને] ઔરંગજેબ! અત્યારે કાં તો તારો સિતારો ચડે છે, કાં પડે છે. પડે? કદી નહિ. ચડવાનો. પણ ઇલાજ શો? કાંઈ ગમ પડતી નથી.

[મુરાદ આવે છે.]

ઔરંગજેબ : પાછો કેમ આવ્યો?
મુરાદ : ભાઈ, દુશ્મનોની છાવણીમાંથી શાયસ્તખાં તમને મળવા આવેલ છે.
ઔરંગજેબ : આવ્યો? ઠીક થયું. દબદબા સાથે તેડી લાવો. ના, હું પોતે જ જઈશ.

[ઔરંગજેબ જાય છે.]

મુરાદ : આ શું? શાયસ્તખાં અમારી છાવણીમાં શા માટે આવે! — ભાઈ ભીતરથી શી પેરવી કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. શાયસ્તખાં શું ભાઈના હાથમાં ભોળવાઈ વિશ્વાસઘાતી બનશે? જોઈએ.

[મુરાદ ટેલે છે. ઔરંગજેબ આવે છે.]

ઔરંગજેબ : ભાઈ મુરાદ, આ જ ઘડીએ ફોજ લઈને આગ્રા જવા રવાના થવું પડશે. તૈયાર થઈ જા.
મુરાદ : એ શું! આજ રાતે જ?
ઔરંગજેબ : હા, આજ રાતે, છાવણી ભલે જેમ છે તેમ પડી. આપણે દારાની ફોજ પર હલ્લો નથી કરવો. આ પહાડની બીજી બાજુ થઈને આગ્રા જવાનો એક રસ્તો છે. ત્યાં થઈને ચાલ્યા જશું, એટલે દારાને કાંઈ શક નહિ આવે. આપણે એના પહેલાં આગ્રા પહોંચવું પડશે. તૈયાર થઈ જા.
મુરાદ : આજ રાતે જ?
ઔરંગજેબ : દલીલનો વખત જ નથી. જો તખ્ત જોઈતું હોય તો પૂછાપૂછ ન કર, નહિતર સત્યાનાશ જશે. નક્કી સમજજે!

[બન્ને જાય છે.]