શાહજહાં/બીજો પ્રવેશ4

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજો પ્રવેશ

અંક પાંચમો


સ્થળ : આરાકાનનો રાજમહેલ. સમય : રાત્રિ.

[સૂજા અને પિયારા.]

સૂજા : તકદીર આપણને તગડતું તગડતું છેક આંહીં, જંગલી આરાકાનના રાજાને આશરે ફેંકી જશે એની કોને ખબર હતી, પિયારા?
પિયારા : અને હવે વળી ક્યાં ઉપાડી જશે તેની પણ કોને ખબર છે?
સૂજા : ને આ જંગલી રાજાએ કેવી અફવા ફેલાવી છે, ખબર છે?
પિયારા : શી? નક્કી કાંઈક ભારી મજા પડે તેવી હશે! જલદી બોલી નાખો ને, શી અફવા? સાંભળવા માટે મારું દિલ તલપાપડ થઈ રહ્યું છે.
સૂજા : એ જંગલીએ એવી અફવા ફેલાવી છે કે સૂજા ચાળીસ ઘોડેસવારોને લઈને આરાકાન સર કરવા આવ્યો છે!
પિયારા : હા જ તો, એનો કાંઈ ભરોસો છે? સાંભળ્યું છે કે બખ્તિયાર ખિલજીએ સત્તર માણસોથી બંગાળા જીતેલો.
સૂજા : અરે, બને નહિ. નક્કી એણે કાંઈક બૂરા ઇરાદાથી જ આ અફવા ફેલાવી છે. મને ભરોસો નથી.
પિયારા : પણ એમાં આપણું શું જાય છે?
સૂજા : પિયારા, રાજાએ શી આજ્ઞા દીધી છે, જાણે છે? આપણને કાલે સવારે આંહીંથી ચાલ્યા જવાની આજ્ઞા દીધી છે.
પિયારા : ક્યાં વળી? નક્કી એણે આપણને કોઈ સરસ સગવડવાળી જગ્યાનો બંદોબસ્ત કરી દીધો હશે.
સૂજા : પિયારા, તું શું એક વાર ભૂલથી પણ આ કઠોર સત્યજગતમાં નહિ ઊતરી આવે? આમાંયે હાંસી!
પિયારા : ત્યારે શું આમાં હાંસી કરવાની નહોતી? તો પછી આગળથી જ કહી દેવું જોઈએ ને! સારું, લો, હું ગંભીર બની ગઈ.
સૂજા : હા, ગંભીર બનીને સાંભળ. અને એક બીજી વાત કહું? જો સાંભળીશ તો તારી આંખો બહાર નીકળી પડશે, ગુસ્સામાં ગળું રૂંધાઈ જશે, આખે શરીરે આગ ઊઠશે, હો કે!
પિયારા : ઓ બાપ રે!
સૂજા : સાંભળ. એ પાપાત્મા આપણને આશરો દેવાના બદલામાં શું મૂલ્ય માગે છે ખબર છે? એ તને માગે છે — કેમ થંભી ગઈ! — લે, કર હવે હાંસી!
પિયારા : સાચે જ આ રાજા પ્રત્યે મારો પ્યાર એકદમ ઊભરાવા લાગે છે. રાજા સમજદાર ખરો!
સૂજા : પિયારા, એમ ન કર. નહિ તો હું દીવાનો બની જઈશ. તારે મન આ હાંસી હશે, પણ મારું તો કલેજું ચિરાઈ જાય છે, પિયારા. તું મારે શું થાય, જાણે છે?
પિયારા : મને લાગે છે કે — ઓરત.
સૂજા : ના, મારું રાજ્ય, મારી દોલત, મારું સર્વસ્વ, મારો આ લોક અને પરલોક! હું હાર્યો છું — પણ આટલા દિવસો એનો અભાવ મેં નહોતો અનુભવ્યો — આજે અનુભવ્યો!
પિયારા : કેમ?
સૂજા : કેમ કે મારે મન જે જીવસટોસટની વાત છે, તેની સાથે તું હાંસી રમી રહી છે.
પિયારા : અહં! તમારી વાત તો બહુ વધી ગઈ. બીજી વારની શાદી તો બીજા ઘણા કરતા હશે, પણ તમારા જેટલું તો કોઈનું ફટકી ગયું જાણ્યું નથી.
સૂજા : હં! હું સમજી ગયો — તું માત્ર મોંએથી હાંસી કરે છે. અંતરથી તો વીંધાઈ મરતી લાગે છે. તારા મોંમાં હાસ્ય છે, પણ આંખોમાં આંસુ છે.
પિયારા : ઓહો, પકડી પાડી કે! ના ના, કોણ કહે છે કે મારી આંખમાં પાણી છે! આ લો, [આંખો લૂછી નાખે છે] હવે ક્યાં છે આંસુ?
સૂજા : હવે આપણે શું કરવાનું ધાર્યું?
પિયારા : બીજું વળી શું? મને વેચી નાખવી.
સૂજા : પિયારા, જો તું મને ચાહતી હો તો આ મર્મવેધક મશ્કરી રાખી જા, સાંભળ — હું શું કરીશ, જાણે છે?
પિયારા : ના.
સૂજા : હું પણ નથી જાણતો. ઔરંગજેબના આંગણે જાઉં? — ના. એથી તો મૉત ભલું. બોલતી કેમ નથી, પિયારા?
પિયારા : ઠેરો, હું વિચાર કરું છું.
સૂજા : કર.
પિયારા : [ઘડીભર વિચારી] પણ પાછળ આ બેટા-બેટીનું શું?
સૂજા : શું?
પિયારા : કાંઈ નહિ.
સૂજા : હું શું કરીશ, જાણે છે?
પિયારા : ના.
સૂજા : કાંઈ સમજાતું નથી. આપઘાત કરવાની ઇચ્છા થાય છે, પણ તને છોડીને જઈ શકાતું નથી.
પિયારા : ને હું પણ જો સાથે ચાલું તો?
સૂજા : તો તો સુખથી મરી શકું — ના, મારે ખાતર તું શા માટે મરવા આવે?
પિયારા : ના, બસ એમ જ કરીએ. કાલે સવારે આપણે નીકળવું નથી, લડવું છે. આ ચાળીસ અસવારો લઈને આ રાજ્ય પર હલ્લો કરો અને મર્દની માફક મરો. હું પણ તમારી બાજુએ જ ઊભીને મરીશ. અને બેટા, બેટી — તેઓ પણ પોતાની ઇજ્જતની રક્ષા પોતાની મેળે કરી લેશે એમ મને આશા છે. બોલો, શું મત છે?
સૂજા : ભલે; પણ તેથી ફાયદો શો?
પિયારા : પણ બીજો ઇલાજ જ શો? તમે મરી ગયા પછી મારી કોણ રક્ષા કરે? અને તમે જો આજ સુધી વીરની માફક જ જીવ્યા છો, તો વીરની માફક જ કાં ન મરો! આ જંગલી રાજાને એની અધમ માગણીનો યોગ્ય જવાબ આપો.
સૂજા : એ બરાબર. તો હવે કાલે આપણે બન્ને પાસોપાસ ઊભાં રહીને મરશું, પિયારા! ત્યારે તો આજે શું આપણા આ જીવનમાં મિલનની છેલ્લી રાત છે? તો પછી હસો, ગુફતેગો કરો, ગાઓ જે વડે તું મને આજ સુધી છવરાવી દેતી, મને ઘેરી રાખતી! હસી લે, ગાઈ લે. છેલ્લી વાર હું એ નીરખી લઉં ને સાંભળી લઉં. તારી વીણાના તાર ખેંચી લે! ગા — ભલે સંસારમાં ઘડીભર સ્વર્ગ ઊતરતું. તારા ઝંકારથી આસમાનને છવરાવી દે. તારા સૌંદર્યથી એક વાર આ અંધકારને ઉજાળી દે. જોઉં! તારા પ્યારમાં મને લપેટી લે — ઠેર. હું મારા ઘોડેસવારોને પણ કહી આવું. આજ સારી રાત સૂવું નથી.

[જાય છે.]

પિયારા : મૃત્યુ! ભલે આવે! મૃત્યુ — જ્યાં તમામ સંસારી આશાઓનો અંત ને સુખદુઃખની સમાપ્તિ આવે છે; જે ઘેરી નીંદમાંથી આંહીં ફરી જાગવાનું જ નથી; જે અંધકાર ઉપર અહીં ફરી પ્રભાત પડવાનું નથી; જે શાંતિ આંહીં કદી તૂટવાની નથી — એવું એ મૃત્યુ! શું ખોટું? એક દિવસ તો આવવાનું જ છે ને! તો પછી દિવસ બાકી છે ત્યાં જ કાં ન મરવું? ભલે — ભલે આજ આ સૌંદર્ય, ઓલવાતા દીવાની માફક, પોતાની આખરી જ્યોત ઝળહળાવી મૂકે; ભલે આ ગાન તીવ્ર સૂરે આસમાન સુધી પહોંચી આભામંડળને લૂંટી લે; આજનું સુખ ભલે આફતની માફક કાંપી ઊઠે; આજનો આનંદ ભલે દુઃખની માફક આક્રંદ કરી મૂકે; સમસ્ત જીવન ભલે આજે એક જ ચુંબન સાથે ખતમ થઈ જાય. આજે અમારા મિલનની છેલ્લી રાત છે.

[જાય છે.]