શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૧૧. ત્રણ પ્રભાતી કાવ્યો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧૧. ત્રણ પ્રભાતી કાવ્યો


૧.

હું તો નીકળ્યો હતો શિયાળાની સવારે…
સોનેરી તડકાથી
મારે કરવી હતી પ્રફુલ્લિત મારી અંદરની
કમલવેલને,
અને થવું હતું મારેય પ્રફુલ્લિત!
સવારે પધારતો સૂરજ
ઝાકળની મોતનમાળ સજીને તૈયાર થયેલી
વાસકસજ્જા વનશ્રીને કેમ સત્કારે છે તે મારે જોવું હતું.

એ રમતિયાળ સૂરજ
પુષ્પોને કાને કાને કેમ કરે છે કૂક તે મારે સાંભળવું હતું.

એ મસ્તાનો સૂરજ
પ્હાડ ને ઝરણાં સાથે, પંખીઓ ને પવન સાથે,
વૃક્ષો ને વેલીઓ સાથે, વાદળ ને આકાશ સાથે,
કેમ જમાવે છે મહેફિલ તે મારે જાણવું હતું.

મનેય એ મહેફિલ માણવામાં
કેમ કરીને નોતરે છે એનું કૌતુક હતું.

મેં મારાં બધાંયે બંધ બારીબાર ઉઘાડી દીધાં હતાં.
મેં એક મજાની છડીયે તૈયાર રાખેલી
સૂરજના સોનેરી આગમનને વધાવવા!

પણ… પણ… આ શું?
કોઈ એકાએક ઓકવા માંડ્યું છે ધુમાડા,
આકાશને ડખોળવા,
કોઈ ફૂંકી રહ્યું અગન, કલરવની દુનિયાને પ્રજાળવા.
કોઈ પાથરી રહ્યું છે ઉજ્જડતાની ઓઘરાળી ભાત,
કોઈ છોડી રહ્યું છે મારા કમળવનમાં લીલૂડા નાગ!
એ નાગને નાથવા,
એ અગનને ઠારવા,
એ ધુમાડાને ડામવા,
એ ઉજ્જડતાને નિવારવા,
અચાનક જ મને મળી આવી છે એક અમયિલ કૂંપી –
કદાચ કવિતાની!

૨.

આ વૃક્ષો
ત્યારે જ પોઢ્યાં હશે,
જ્યારે પોઢ્યાં હશે તેમનાં પંખીઓ.
રાત્રિ ઓસરતાં
પંખાળાપણું ફડફડતાં
માળે માળે કલકલ્લોલ ફૂટતાં
ડાળે ડાળે
પાને પાને
પ્રકૃતિની પમરવા માંડી છે પ્રેમાળ પ્રસન્નતા!
ચમકવા લાગ્યો છે ઊઘડતા આકાશનો આનંદ
પુષ્પોની આંખે આંખે!
ઝાકળ ભીની શીળીમીઠી લહેરખીઓના સ્પર્શે
ઝંકૃત થઈ રહી છે વૃક્ષતા આસપાસ ને અંદર!
એ વૃક્ષતા જ
જ્યારે ઊગવા કરતા સૂરજને પોંખવા
પગની પાનીએથી ઊંચી થાય છે ત્યારે
મારામાંયે ફૂટવા માંડે છે સપ્તરંગી કૂંપળો પ્રભાતિયાંના સૂરોની!
કોઈ સુવાસમય કેસરી ઉપરણો ફરકાવતું
બોલાવી રહ્યું છે મને…
હવે તો
માટીસોતા મારાં મૂળિયાં લઈને
પહોંચવું જોઈશે ઊંચે પેલા ઉદયાચળે.

૩.

આ વૃક્ષની ટોચે ટોચે પંખીઓ!
વૃક્ષની જ કૂંપળોનો સળવળાટ એમની પાંખોમાં.
એમણે જ હવે વિસ્તારવો છે
વૃક્ષનો ઘટાટોપ નીલ ગગનમાં
કલરવનાં કિનખાબી પીંછે પીંછે!

વૃક્ષ પર પલપલતાં પાંદ,
ડાળ પર ફરફરતી પંખીઓની પાંખ!
વૃક્ષનાં મૂળ ને થડ,
ડાળ ને પાન,
ફૂલ ને ફળ
સૌમાંથી સ્રવતો રહે છે
સવારનો શરબતી સ્વાદ!
કોઈ સ્પર્શે છે મને મૂળથી,
કોઈ ગ્રહે છે મને ડાળથી,
કોઈ રોમેરોમમાં ઘૂંટે છે આસવ તાજપનો!
લીલાં લીલાં કૂણાં કૂણાં પાનપાંદડે
હું થતો જાઉં છું લીલોછમ!
વૃક્ષની કાયામાં હું કે વૃક્ષ મારી કાયામાં!
કશુંક મધ જેવું મીઠું ઊતરે છે મારી નસોમાં!
કોઈ ગગનપરીની હથેલીઓથી બિડાય છે મારી આંખો
ને મારી હથેલીમાં ચમકવા માંડે છે
પ્રભાત-રસે પમરતું ધરતીનું એક અમરફળ!

ઑગસ્ટ, ૨૦૧૪

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૯૬)