શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૨. ખાખરાની ખિસકોલીઓ!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. ખાખરાની ખિસકોલીઓ!



ખાખરાની ખિસકોલીઓ!
સાકરના પહાડની તો વાત જ ન્યારી!
ખરબચડી છાલથી ટેવાયેલ તમારી ચાલ
લપસી પડશે એના લિસ્સાલટ ઢાળ પરથી.
તમારી સિસોટીથી કોઈ ગાડી નથી આવવાની
ને કોઈ નથી પહોંચાડવાની તમને એ પહાડ પર.
તમારી રામાયણની કારકિર્દીનું પ્રમાણપત્ર
નહીં ચાલે આજે.
કરન્સી બદલાઈ ગઈ છે
ને સાકરના પહાડની આસપાસ સ્થપાઈ ગઈ છે અનેક કો-ઑપરેટિવ્ઝ.

ખિસકોલીઓ!
હે પવિત્ર ખિસકોલીઓ!
કદાચ તમે જાઓ તો પહાડની તળેટીમાં ટોલનાકે જ બગડી જાય
તબિયત તમારી!
વિના સાકર ખાધે
તમારા લોહીમાં અઢળક સાકર ભળ્યાના
સરકારી દાક્તરના અહેવાલે
અટકવું પડે પહાડની તળેટીમાં જ!

તો હે શાણી આજ્ઞાંકિત ખિસકોલીઓ!
ખાખરાનાં પાન જ સારાં છે – એમાં ભેળસેળ નથી
ને તેથી ક્વૉલિટી-કન્ટ્રોલનો પ્રશ્ન નથી!

આમેય આયુર્વેદની દૃષ્ટિએ તો
તમારા જીવનની સલામતી સજ્જડ છે
લીંબોળીના ઠળિયામાં જ.

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૪)