શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૩. ક્રિયાપદોને પગલે પગલે…

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૩. ક્રિયાપદોને પગલે પગલે…


જેમ માણસની તાકાત એની ચાલ પરથી તેમ ભાષાની તાકાત તેનાં ક્રિયાપદો પરથી વરતાય છે. માણસ રોજબરોજ જાતભાતની કેટકેટલી ક્રિયાઓ કરે છે! કેટલીક ક્રિયાઓ માટે તો યોગ્ય સંકેતો પણ ભાષામાં ન મળે એવું બને. આમ છતાં માણસની મુખ્ય ને મહત્ત્વની ક્રિયાઓ માટે તો કેટલીક વાર એક કહેતાં એકવીસ ક્રિયાપદો મળે એવુંયે ભાષામાં જોવા મળે છે. તમે ખાવાની જ ક્રિયાનો એક દાખલો લો. ગુજરાતીમાં ખાવાની ક્રિયાને કોઈક રીતે સૂચવતાં હોય એવાં અનેક ક્રિયાપદો તમને જડશે; જેમ કે, ‘ખાવું’, ‘જમવું’, ‘આરોગવું’, ‘ભક્ષવું’, ‘ભરખવું’, ‘ઠાંસવું’, ‘ઈચવું’, ‘ગળચવું’ વગેરે. વળી આ જ ક્રિયા નિર્દેશવા ‘ખોરાક લેવો’, ‘ભોજન લેવું’, ‘આહાર લેવો’, ‘જમણ લેવું’, જેવાયે શબ્દપ્રયોગો થાય! ‘ચાવવું’, ‘ભચડવું’, ‘ચગળવું, ‘વાગોળવું’, ‘મમળાવવું’ જેવા નિકટના સંબંધવર્તી ક્રિયાપ્રયોગો પણ ખરા! આ સર્વ ક્રિયારૂપોની પોતપોતાની અલગ તાસીર; પોતપોતાના આગવા રંગઢંગ! તમે રોજબરોજની રીતે, સ્વાભાવિક રીતે ભોજન લેતા હો તો ‘જમવું’ કહેવાય, પરંતુ ભગવાનના સંદર્ભે જમવાની વાત હોય ત્યારે ‘આરોગવું’ ક્રિયાપદ ઇષ્ટ લાગે. માણસ ભુખાળવાની રીતે. અકરાંતિયાની જેમ દાબી દાબીને ખાય ત્યારે ‘ઠાંસવું’ ક્રિયાપદ ઠીક લાગે અને જીદપૂર્વક જમવા બેસી જનારના સંબંધમાં ‘ગળચવું’ ને ‘ઈચવું’ જેવાં ક્રિયાપદો વપરાતાં રહે! રાક્ષસી રીતે, આસુરી વૃત્તિએ ખાવાના અર્થમાં ‘ભરખવું’ ક્રિયાપદ ઠીક છે. ભૂતડાકણના સંદર્ભેય એ ક્રિયાપદ વપરાય છે.

આ ‘ખાવું’ ક્રિયાપદ પાછું ખોરાક પૂરતું જ આપણે સીમિત રાખ્યું નથી. દાળભાતને અનુલક્ષીને ‘ખાઈએ’ એમ કહીએ એ બરોબર, પરંતુ આપણે તો કેટકેટલી બાબતોને અનુલક્ષીને ‘ખાઈએ’ ક્રિયાપદ યોજીએ છીએ! આપણે પંખો ખાઈએ છીએ ને હીંચકો પણ! આપણે રસ્તામાં ઠોકર ખાઈએ છીએ ને પેલા આનંદી કાગડાભાઈની જેમ પાણીમાં ડૂબકાં! આપણે પથારીમાં ગોલમટાં ખાઈએ છીએ ને ઑફિસોમાં ધક્કા! આપણે ગોથાં ખાઈએ છીએ ને ભૂલથાપ પણ! કોઈ વાર આપણે કોઈની મિલકત ખાઈ જઈએ છીએ ને કોઈની પાસેથી લાંચ પણ ખાઈએ છીએ. કોઈનું માથું ખાવું ને કોઈનો વખત ખાવો – એય આપણે વારંવાર કરી બેસીએ છીએ! આપણે જો કોઈનો જીવ ખાઈએ છીએ તો કોઈ વાર ગમ પણ ખાઈએ છીએ! આપણે આ રીતે અનેકખાઉ પ્રાણી છીએ! ભલે આપણે ગધેડાની જેમ પસ્તી ન ખાતા હોઈએ પણ છીંક, બગાસું, હવા ને એવું તો ઘણું ઘણું ખાઈએ છીએ! લોઢું કાટ ખાય છે તો આપણે આળસ ખાતા હોઈએ છીએ! આપણે વખત મળે થાક કે પોરોયે ખાઈએ છીએ! વળી કેટલાક તો તડકો ખાવાનું છોડતા નથી તો કેટલાક આપણી પાછળ પડવા માટે આદું ખાવાનુંયે છોડતા નથી! માણસ ભલે કહે કે ‘હું ઉપવાસ કરી શકું એવું પ્રાણી છું.’ વસ્તુતઃ એ ખાઉધરું પ્રાણી છે અને અનાજથી માંડીને ધન-સત્તા સુધીનું કેટકેટલું ખાવા માટે – ઓહિયાં કરી જવા માટે એને જોઈએ છીએ! ભલે કેટલાક વિકાસપ્રેમી મહાત્માઓને આ સાંપ્રત યુગ અવકાશવિજ્ઞાનનો યુગ કે રૉકેટયુગ લાગતો હોય, અમને તો આ યુગ – ખાસ કરીને ભારતના સંદર્ભમાં તો – ખાયકીનો જ યુગ લાગે છે! ‘જીવો અને જીવવા દો કે જિવાડો’ એમ નહીં, ‘ખાઓ અને ખાવા દો કે ખવડાવો’ એનો આ યુગ છે. ખાય તે ધાય એ તો બરોબર, હવે તો જેનું ખાય એનું જ ધાય (દોડે) એવું છે! હવે કુંભારનું ગધેડુંયે ડફણાંથી નહીં પણ ખાવા માટેનું ગાજર એના મોઢા આગળ બતાવવાથી દોડે છે. ચરુના બળે પેલો બાળવાર્તામાંનો ઉંદર કૂદતો હતો તેમ ખાયકીના બળે જ ખખડધજો ખેરખાંઓ થઈને કૂદતા હોય છે! મોગલાઈ તગારે, પેશવાઈ નગારે અને અંગ્રેજી રાજ્ય જો પગારે ગયું તો આજનું રાજ્ય ખાયકીના ભારે ખુવાર થાય તો તેમાં નવાઈ ન પામવી. જેમ ખાઈ ખાઈને બીમાર પડાય છે તેમ અનીતિનું ખાઈ ખાઈને ખુવાર થવાય છે એ તો ઉપરવાળો – પેલો હજાર હાથવાળો ને હજાર આંખોવાળો જ્યારે બતાડશે ત્યારે જ સમજાશે. ત્યાં સુધી તો બસ, બેફામપણે ખાતા જાઓ ને તન-મન ને જીવનથી ખવાતા જાઓ!

માણસ તરસ્યો હોય ને એને કોઈ પાણી પિવડાવવા નીકળે તો એ સહ્યું જાય, પરંતુ સત્તાના મદમાં અંધ થઈ કોઈ ‘માઇટ’(might)વાળો માણસ ‘રાઈટ’(right)વાળા માણસને ‘ભૂ પીતો’ કરવા નીકળે તો એ કેમ સહ્યું જાય? માણસ શરબત પીવા બેસે તો એને કંપની અપાય પણ એ જો ‘પીવા’ બેસે તો એને કેમ કંપની અપાય? આજકાલની વિપરીતતા તો જુઓ! ‘પબ’ (દારૂનું પીઠું) હોય ત્યાં પીનારાઓની મહેફિલ જામે છે અને ‘પરબ’ હોય – અને એમાંયે જો ‘જ્ઞાનની પરબ’ હોય તો તો ત્યાં કાગડા જ ઊડતા હોય છે! જ્ઞાનનું ખેંચાણ નશાના ખેંચાણ જેવું નથી! પ્રેમનું ખેંચાણ વળી ખરું! એટલે તો કોઈ કામણગારાં નેણથી દિલ ખેંચાવાના કિસ્સા બને છે! દિલ ખેંચાય ને જે દર્દ થાય એ તો મીઠું મીઠું હોય છે, એને ઊલટભેર માણવું ગમે છે; પરંતુ પગ ખેંચાય ત્યારે જે દર્દ થાય છે એ તો આપણી ઊંઘ ઉડાડી મૂકે છે! નાણાંને અભાવે ઘરમાં પડતી ખેંચ આપણને આતંકિત કરે છે પરંતુ મહેબૂબાની નજરના દોરે દિલના કનકવાને જે ખેંચ લાગે છે તે તો ખૂબ ખૂબ ઉલ્લસિત કરે છે! ‘ખેંચ’ જ્યારે ‘અછત’ના અર્થમાં હોય ત્યારે ગમતી નથી. ‘ખેંચાણ’ના અર્થમાં હોય ત્યારે કેટલીક વાર ખૂબ ગમતી હોય છે! કનૈયો ગોપીનો હાથ ખેંચે અને એ ગોપીને ગમે એમ જ!

માણસ નિરાંતે સૂતો હોય ત્યારે ‘ઊંઘે’ છે એમ કહીએ છીએ, પરંતુ જો એ નસકોરાં બોલાવતો કુંભકર્ણની જેમ બેહદ ઊંઘતો હોય ત્યારે ‘ઘોર’ છે કહેવું ઠીક લાગે છે! કોઈ જો આવીને આપણને એમ કહે કે ‘હું ફલાણાભાઈને ગીત સંભળાવી આવ્યો’ તો આપણને એ બિરદાવવા જેવી બાબત લાગે છે. પણ જો એ એમ કહે કે ‘હું ઢીંકણાભાઈને સંભળાવી આવ્યો’ ત્યારે આપણને કશુંક ‘અબ્રહ્મણ્યમ્’ થઈ ગયાનો ભાવ થાય છે. કોઈને સંભળાવવામાં ગાળનો વહેમ જાય છે, જેમ કોઈને ચોપડાવવામાં. માણસ પેલા નળરાજાની જેમ કોઈ કદલીથંભને (કેળના થડને) બાઝે તો આપણે વાંધો ના લઈએ, પરંતુ જો બે માણસ વાતવાતમાં ‘બાઝી પડે’ તો આપણને એમાં વચ્ચે પડીને એમને છોડાવવાની વૃત્તિ થાય છે. તમે પતરું ટીપો તો એક કામ થાય. પણ તમે કોઈ માણસને વગર વાંકે ટીપો તો? માણસને મારવાના સંદર્ભમાંયે કેટકેટલાં ક્રિયાપદો મોજૂદ છે! – ‘મેં એને ઝૂડ્યો!’ ‘મેં એને ખંખેર્યો’, ‘મેં એને ધોઈ નાખ્યો’ વગેરે. વળી આ જ અર્થમાં ‘મેં એને પાંસરો કર્યો’, ‘મેં એને સીધોદોર કર્યો’, ‘મેં એને હલકો કર્યો, ‘મેં એને ખોખરો કર્યો. ‘મેં એને મેથીપાક જમાડ્યો’, મેં એની પથારી ફેરવી દીધી’, ‘મેં એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું’ જેવા ઉક્તિપ્રયોગો પણ આપણે કરીએ છીએ!

આપણે ‘ખંખેરવું’ ક્રિયાપદ જો કોઈને મારવાના અર્થમાં તો કોઈને લૂંટવાના અર્થમાં વાપરીએ છીએ! ‘અમુકબાઈને પેલા ચડ્ડીબનિયનધારીઓએ હાઈવે પર ખંખેરી લીધા!’ – અહીં લૂંટાયાની જ રામકહાણી છે! આવા જ અર્થમાં ‘હલકા કર્યા’ એવો વાક્પ્રયોગ પણ થાય છે. કોઈને ધમકાવવા, પીડવા કે ઠપકો દેવાના અર્થમાં ‘અડાવવું’, ‘ફકડાવવું’, ‘દબાવવું’, ‘છોલવું’, ‘શારવું’, ‘દઝાડવું’, ‘તાવવું’ જેવાં અનેક ક્રિયાપદો પ્રયોજાય છે. અલબત્ત, આ સર્વ ક્રિયાપદોની પોતપોતાની આગવી અર્થચ્છાયાઓ હોય છે. તમે ‘તાવવા’થી જે સૂચવો છો તેથી જુદું ‘શારવા’થી સૂચવાય છે. કોઈને વાગ્બાણથી ‘વીંધો’ને કોઈને અણિયાળાં વેણથી ‘શારો’ એમાંયે ભેદ છે! જે વીંધે છે એ તો ઘા કરીને બહાર નીકળી જાય છે જ્યારે પેલું જે શારે છે તે તો ઘા કોરતું ભીતરમાં જ ઘૂમરાયાં કરે છે!

આપણે કોઈને જ્યારે છેતરીએ છીએ ત્યારે એમાં આપણને આપણી હોશિયારી લાગે છે! આપણે તુરત બોલી ઊઠીએ છીએઃ ‘જોયું. મેં એને કેવો બનાવ્યો!’ આપણને એ ‘બનાવ્યો’ ક્રિયાપદની આગળ ‘મૂરખ’, ‘બેવકૂફ’ કે ‘ઉલ્લુ’ જેવા શબ્દો મૂકવાની જરૂરિયાત જણાતી નથી. વળી આવા વાત વાતમાં બની જનારા લોકો જ પેલા ધુતારાઓથી ‘મૂંડાતા’ હોય છે. એમને જ ખંધા લોકો ફોલી ખાતા હોય છે અને આ રીતે ઉલ્લુ થનારાઓને જ પેલો ટીખળી વર્ગ બરોબરના ‘ઉઘલાવતો’ હોય છે! આવા ભલાભોળા લોકોને જ ‘ઉડાવવા’માં, એમનું ‘વાટવા’માં, એમને ‘ઉતારી પાડવા’માં અનેકને બ્રહ્માનંદસહોદર આનંદ મળતો હોય છે!

જેમ કોઈને બાળવામાં – દઝાડવામાં – ગરમ કરવામાં કે ઉપરતળે કરવામાં કેટલાકને આસુરી મજા આવે છે તેમ તેમને નવડાવવામાં ને તક મળ્યે પૂરા ડુબાડવામાંયે એમને મોજ આવે છે! આવા લોકોથી તો નવ ગજ દૂર રહેવું જ સારું. ભૂંડાથી ભૂત નાસે, એમ આવાઓથી વેગળા રહેવામાં જ સાર! જેમને આપણે પહોંચી ન વળીએ એની સાથે આપણે નકામું શીદ બગાડવું?!

આપણે એટલું સમજવું જોઈએ કે કોઈનું બગાડવા કરતાં કોઈનું બગડેલું સુધારી આપવામાં આપણી માણસાઈ છે. કોઈની આંતરડી ઠારીએ, કોઈને ટાઢા પાડીએ, કોઈને હેતપૂર્વક હૂંફ આપીએ એમાં જ આપણી વશેકાઈ. આપણે ઊખડેલા ન હોઈએ, કોઈને ડંખીએ નહીં, કોઈને કનડીએ કે કરડીએ નહીં. વાત વાતમાં ચઢી જઈને ફાવે તેમ ઓકીએ નહીં, બેજવાબદારપણે વરતીને કશું બાફીએ નહીં તો કોઈને આપણા તરફ શા માટે આંગળી ચીંધવી પડે? આપણે જ ભારમાં રહીએ તો કોણ આપણને ઉથલાવે? આપણે જો ખાલી ખાલી મન ફાવે તેમ છાંટવામાં અને આનું ને તેનું છોલવામાં ને ઇધરઉધર ફરવામાં સવારથી સાંજ સુધી લાગ્યાં જ રહીએ તો પછી તો કરડકણું કૂતરુંયે આપણા પડખે ઊભું રહે?

આપણું ખરું કામ તો મનમર્કટને બરોબર સકંજામાં રાખવાનું છે. એ બહુ કૂદાકૂદ કરે એ ઠીક નહીં. આ દુનિયા છે; કાંટાય વાગે ને ઠોકરોય લાગે. એથી મગજ ગુમાવવું નહીં, હરકતોને હસી કાઢવી. ‘સાંઈયાંસે સબ કુછ હોત હૈ, મુજ બંદેસે કછૂ નાહીં’ – એમ સમજી આપણને આપણો માંહ્યલો જેમ ચીંધે એમ જ કરવું. કોઈના નચાવ્યા આપણે શા માટે નાચીએ? આપણે કોઈનાં પાણી શું કરવા ભરીએ? પાણી ભરીએ તો નંદકુંવરના ઘરનાં શું કામ ન ભરીએ? એ કરાવે એમ કરીએ, એ ફેરવે એમ ફરીએ અને એ તરાવે એમ તરીએ! આપણી દરેક ક્રિયા સત્‌ક્રિયા થાય તો બીજું શું જોઈએ? આપણું તો દરેક ક્રિયાપદ સત્‌ક્રિયાપદ બને એટલે થયું!

(હળવી કલમનાં ફૂલ, પૃ. ૧૧૬-૧૨૦)