શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૮. જલને જાણે…

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૮. જલને જાણે…


જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
એનો ઊઘડ્યો અઢળક વાન. –

જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો,
જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
આંખ માણતું સમણું. –

જલ તો મીઠા તડકે નાહ્યું,
કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
હસતું દડબડ દોડ્યું! –

ટપ ટપ ટીપાં ટપકે,
જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
મોતી મનમાં સીધાં સરકે. –

ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્‌હેતા ગોતી.

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૧)