શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી


૪. મસાઇમારાના આકાશમાં ચંદ્ર

ઓ રહ્યો પેલો રૂપેરી દડો
કોઈ શ્યામાંગનાના લાવણ્યસર-શા
વ્યોમ-પટમાં તરતો-સરતો!
મસાઇમારાના કોઈ જિરાફે
ઊંચી ડોકે ફંગોળ્યો હશે એને અહીંયાં
કે
કોઈ તોતિંગ ગજરાજે
લાંબી સૂંઢે લપેટીને
ઉછાળ્યો હશે એને અહીંયાં?

એ દડાનો મીઠો માંસલ પિંડ જોતાં
પેલી ઝાડીમાંના સિંહશાવકના પંજા
સળવળતા હશે
પોતાના તીખા નહોર એમાં ખૂંપાવી દેવાને,
આ તરફ શ્યામ અશ્વો-સમા
હબસી તરુણોના ચરણ પણ
થનગનતા હશે
પેલા દડાને ક્ષિતિજની ઓ પાર પહોંચાડવાને.

મૂર્તિમંત અમાવાસ્યા-શી
કોઈ સ્નિગ્ધ શ્યામાંગના
પોતાના શ્યામ સ્તનની જેમ
ગૌર ચંદ્રનેય
ચુસ્તીથી, હથેલી આડે દબાવતી,
ખુલ્લંખુલ્લા લલકારે છે
પેલા તીખા તરુણોના દેહને
માઝમરાતે – મઝધારે!

કમ્પાલા,
૮-૬-૨૦૦૨

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪૨)

 

૫. ચાંદની પ્રવાહી મોગરા-શી

આ ચાંદની
પ્રવાહી મોગરા-શી,
શ્યામાંગનાના મત્ત મનને લહેરાવતી,
ઉત્કટ આવેગે માટીને મહેકાવતી,
વહી જાય છે આ નીલશ્યામ ધરા પર!
ધરતીની અંધાર-આંજી કામણગારી
આંખોનો ચમકાર હવામાં!
ઝરણાંની નકશીદાર રેખાઓના
નમણા ચહેરે ઝળહળતો
અવકાશ ભીતરનો!

જિરાફની ડોકે ચડીને
આ છાકટું મન ધોધ જેમ
ખાબકે છે
ખડકાળી શ્યામ ચટ્ટાનો તોડી
ગહનગંભીર ધરાઓમાં.
આટઆટલા લીલાછમ ઘાસમાં ફરતાં લોહી પણ લીલુંછમ!
એનો ફિણોટાતો છાક
છલકાય છે આ ચાંદનીની છોળોમાં!
ભીતરની ગહ્‌વરોમાં હવે એકાકાર
પૂનમ અને અમાસ,
અમાસ અને પૂનમ!

નાઇરોબી,
૩૧-૫-૨૦૦૨

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪૩)