સંકેતવિસ્તાર/આત્યંતિકતાથી મુક્ત વિવેચના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આત્યંતિકતાથી મુક્ત વિવેચના

(ઉપક્રમ, લે. જયંત કોઠારી)

આપણી અત્યારની તરુણ પેઢીના અભ્યાસીઓમાં જયંત કોઠારીને હવે ચોક્કસપણે અગ્રિમ સ્થાન આપવું પડે. ઈ. સ. ૧૯૬૦માં તેમણે પ્રા. નટુભાઈ રાજપરાના સહયોગથી ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ નામે પ્રથમ પુસ્તક પ્રગટ કરેલું. એ પછી, લગભગ એક દાયકાને અંતે, આપણને તેમની કનેથી બે મહત્ત્વના ગ્રંથો મળે છે : એક ‘પ્લેટો એરિસ્ટોટલની કાવ્યવિચારણા’, અને બીજે ‘ઉપક્રમ’. પ્લેટો એરિસ્ટોટલ વિશેના ગ્રંથમાં તેમણે પશ્ચિમની કાવ્યમીમાંસાના બે આદ્ય આચાર્યોની કાવ્યભાવનાનું સમર્થ રીતે વિવરણ કર્યું છે, તે ‘ઉપક્રમ’માં તેમનાં આ દાયકાના ગાળામાં લખાયેલાં કેટલાંક મહત્ત્વનાં અભ્યાસલક્ષી વિવેચનો ગ્રંથસ્થ થયાં છે. આ સર્વે વિવેચનોનો નિકટ જઈને વિચાર કરતાં એવો અભિપ્રાય બંધાય છે કે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે તેમણે આગવી એવી ચોક્કસ દૃષ્ટિ કેળવી છે, અને આગવો અભિગમ સ્વીકાર્યો છે. ‘મેઘાણીની વિવેચનપ્રવૃત્તિ’ લેખમાં તેઓ આરંભમાં પ્રસંગોપાત્ત જે એક વાત નોંધે છે તે લક્ષમાં લેવા જેવી છે : “બૌદ્ધિક તાર્કિક વિવેચન માટે આપણે હજુ નરસિંહરાવ કે રામનારાયણ પાઠક જેવા આગલી પેઢીઓના વિદ્વાનો તરફ જ નજર કરવી પડે છે. મને લાગે છે કે વિવેચનને આપણે જાણ્યે-અજાણ્યે કંઈક કળા તરીકે અથવા બહુ બહુ તો પરીક્ષાના સવાલના જવાબ તરીકે ખેડીએ છીએ, એના વિજ્ઞાનસ્વરૂપની ઝાંખી આપણને થઈ નથી.” અહીં કોઠારીએ આપણી અત્યારની વિવેચનાની સીમાઓ સ્પષ્ટપણે દર્શાવી છે, અને તેમના આ અવલોકનમાંથી તેમની પોતાની વિવેચનદિશાનો નિર્દેશ મળી રહે છે. આપણી વિવેચનાને ‘વિજ્ઞાન સ્વરૂપની ઝાંખી’ થઈ નથી, એમ તેઓ કહે છે તે ખૂબ જ સૂચક છે. બૌદ્ધિક અભિગમવાળી તર્કકઠિન વિવેચના માટેનો તેમનો આ આગ્રહ ખરેખર ધ્યાનપાત્ર છે. સંભવતઃ આ પ્રકારની દૃષ્ટિને પરિણામે, અંગ્રેજીમાં જેને academic criticism કહે છે તેવાં, સંગીન વિદ્વતાપૂર્ણ વિવેચનો આ૫ણને તેમની કનેથી મળ્યાં. આ લખાણોની આંતરબાહ્ય મુદ્રા આપણી વર્તમાન વિવેચનામાં ઘણી નોખી ઊપસતી દેખાય છે. વિષય મધ્યકાલીન ફાગુ હોય કે આધુનિક ચરિત્રસાહિત્ય હોય, તેમણે જે જે વિષય અભ્યાસ માટે સ્વીકાર્યા છે તેમાં તેમણે સૌ પ્રથમ તો પ્રમાણભૂત માહિતી મેળવી લીધી હોય જ છે. અને એ વિષયની શક્ય તેટલી સર્વાંગી, ઝીણવટભરી, અને વિશ્લેષણાત્મક પદ્ધતિએ ચર્ચાવિચારણા કરવાનો તેમનો સતત પ્રયત્ન રહ્યો જણાય છે. એ રીતે કોઠારીની વિવેચનાનું આપણી સાક્ષરયુગની વિવેચના જોડે દેખીતું અનુસંધાન છે. અને છતાં એમ નોંધવું જોઈએ કે એમની વિવેચનદૃષ્ટિમાં અભિનવ કળામીમાંસાને અભિમત અનેક પાયાના ખ્યાલોનો સૂક્ષ્મ સ્તરે વિનિયોગ થતો રહ્યો છે. વિવેચ્ય વિષય તરફનો કોઠારીનો અભિગમ અત્યંત ઉદાર અને સમભાવપૂર્વકનો રહ્યો છે. સાહિત્યકૃતિ(કે તેના કર્તા)ની સાહિત્યિક સિદ્ધિ-અસિદ્ધિઓનો વિચાર કરતી વેળા તેઓ કોઈ ચુસ્ત સિદ્ધાંતો કે આગ્રહો (અથવા પૂર્વગ્રહો) લઈને જતા નથી. કૃતિ (કે કર્તા) જે રૂપમાં ઉપલબ્ધ બને છે તે રૂપે ઓળખવાનો તેમનો આશય હોય છે. વળી કૃતિનો માત્ર નિરપેક્ષ વિચાર ન કરતાં તેને તેઓ ઐતિહાસિક-સાંસ્કૃતિક પરિબળોની વચ્ચે મૂકીને તપાસે છે. એ રીતે તેમની ચર્ચા પ્રસ્તુત વિષયને અનેક બિંદુએથી સ્પર્શતી જણા. દરેક સમર્થ કળાકૃતિ જો સંકુલ પદાર્થ છે (અથવા દરેક સાહિત્યિક પરિસ્થિતિ જો સંકુલ પરિબળોની નીપજ છે), તો તેનો યથાર્થ વિચાર તેનાં અંગઉપાંગોનો (અથવા તેનાં સ્થૂળ સૂક્ષ્મ બળાબનોનો) ઝીણવટભર્યો ખ્યાલ કરવાથી જ શક્ય બને. એટલે કોઠારીએ ઘણુ ખરું વિગતોનાં ઝીણવટભર્યાં અવલોકનો કરતાં કરતાં અને તેનો વિવેક કરતાં કરતાં સમગ્ર વિશેનો પ્રતિભાવ બંધાવા દીધો છે. આનું સુખદ પરિણામ એ આવ્યું છે કે તેઓ ઘણુંખરું આત્યંતિક અભિપ્રાયોથી વેગળા રહી શક્યા છે. આ પ્રકારના અભિગમને કારણે વળી, તેમની વિવેચનામાં કૃતિનાં સૌંદર્યતત્ત્વો માર્મિક રીતે પકડાયાં છે. અને તેથીય વિશેષ તો તેમનો આખો ઉપક્રમ ઘણો સ્વસ્થ સમતોલ દૃષ્ટિનો બની શક્યો છે. ‘મેઘાણીની વિવેચનપ્રવૃત્તિ’, ‘પ્રેમાનંદ : તત્કાલે અને આજે’, ‘સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુ કાવ્યો’, ‘જીવનના વૈભવમાં કળાનો મહેલ’ ‘વિશિષ્ટ અને વિરલ કૃતિ’ જેવાં સર્વ અભ્યાસલક્ષી લખાણોમાં તેમનો વિવેચનાત્મક અભિગમ આમ અનેક રીતે બારીક દૃષ્ટિથી જોવા જેવો છે. જયંત કોઠારીની વિવેચકપ્રતિભાનું પ્રતિબિંબ કદાચ સૌથી વધુ સ્વચ્છ, સુરેખ અને સમગ્ર રૂપે ઝિલાયું હોય તો તે પ્રેમાનંદ-વિષયક લેખમાં. પ્રસ્તુત લેખની માંડણી તેમણે આપણા વિદ્વાનોના પ્રેમાનંદની પ્રતિભા વિશેના પરસ્પરવિરુદ્ધ અને આત્યંતિક કોટિના અભિપ્રાયોની ફેરતપાસ રૂપે કરી છે. અને એ નિમિત્તે તેમણે આ આખ્યાનકવિની સર્જકતાનાં તત્ત્વોને યથાર્થ રૂપમાં ઓળખાવવાનEે, તેની સિદ્ધિ-અસિદ્ધિઓને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં વિચારવાનો, અને એ રીતે તેના કાર્યનું પુનર્મૂલ્યાંકન કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. આ વિષયની સમગ્ર ચર્ચા જોતાં સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે તેમનો આ લેખ માત્ર તેમની જ નહિ, આપણી અભ્યાસલક્ષી વિવેચનાની એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. આપણા અનેક પીઢ વિદ્વાનોએ પ્રેમાનંદને અતિગૌરવ કરતા ‘મહાકવિ’ અથવા ‘મહાકવિની પ્રતિભાવાળો કવિ’ તરીકે બિરદાવ્યો છે, તો વળી કવિ કાન્ત જેવા સાહિત્યકારે માત્ર ‘પદ્ય જોડનાર’ તરીકે ગણી નાખવાનું વલણ પ્રગટ કર્યું છે. એટલે આરંભમાં આ બે આત્યંતિક અભિપ્રાયોની સમીક્ષાત્મક રજૂઆત કરી. તેઓ પોતાનો પરિપ્રેક્ષ્ય સ્પષ્ટ કરી આપે છે : “પ્રેમાનંદને ‘મહાકવિ’ કે ‘મહાકવિની પ્રતિભાવાળો કવિ’ કહેવાથી એ સંજ્ઞા પૂરેપૂરી અન્વર્થક રહેતી નથી. કેમ કે, પ્રેમાનંદનો સાંસ્કૃતિક વ્યાપ પ્રમાણમાં સંકુચિત છે. એની દૃષ્ટિ જીવનની અંદર ઊંડે સુધી અને જીવનની પાર ગતિ કરતી નથી. એનાં રસરુચિને સ્થળકાળની રજ લાગેલી છે. અવારનવાર એ આત્મનિર્ભર આત્મરત કવિને સ્થાને જનમનરંજક બની બેસે છે.” આમ ‘મહાકવિ’ લેખે પ્રેમાનંદની ઘણી મર્યાદાઓ છે, તો આખ્યાનકવિ તરીકે તેની કેટલીક આગવી સિદ્ધિઓ પણ છે : “...પ્રેમાનંદ સમકાલીન જીવનની છબી બીજા કોઈ પણ આખ્યાનકવિ કરતાં વધારે તાદૃશતાથી અને માર્મિકતાથી ઝીલે છે; આપણાં મનને હરે એવી પ્રત્યક્ષતા ઉપજાવે છે; પ્રસંગે તીવ્ર હૃદયસ્પર્શી ભાવાલેખન કરે છે, અને વાણીમાં પ્રાસાદિકતા ઉપરાંત વ્યંજના અને વક્રતા પણ સિદ્ધ કરી બતાવે છે.” આ રીતની ભૂમિકા પર ચાલીને કોઠારીએ પ્રેમાનંદની કવિ પ્રતિભા તત્કાલીન પરંપરાઓને કેવી કેવી રીતે ઝીલતી રહી, એ પરંપરાનાં કયાં કયાં તત્ત્વોનું કેટલું કળામાં રૂપાંતર કર્યું અને એ જ પરંપરામાં તેની પ્રતિભા કેવી રીતે જકડાઈ ગઈ. એ બધા મુદ્દાઓનું માર્મિક નિરીક્ષણ કર્યું છે. તેમાંયે આજના વિવેચનના સંદર્ભમાં પ્રેમાનંદની કૃતિઓનું અવલોકન કરતાં આખ્યાનરીતિની સંકલના અને તેમાંની વક્રોક્તિઓ, પ્રસંગોનાં નાટ્યતત્ત્વો અને તેનું મૂર્તિકરણ, માનવલાગણીઓનું વિશિષ્ટ નિરૂપણ અને પાત્રવિચાર, રસવૈવિધ્ય અને તેની રસમર્યાદાઓ – આદિનો તેમણે જે ઝીણવટભર્યો વિચાર કર્યો છે, તે ખરેખર પ્રશસ્ય છે. પ્રેમાનંદની સર્જકતાને ઓળખવાનો આ અભિનવ દૃષ્ટિકોણ આપણે માટે વિશેષ મહત્ત્વનો છે. જૈન પરંપરાના – માલદેવ, જિનપદ્મસૂરિ અને જયવંતસૂરિ – એ ત્રણ કવિઓએ પ્રચલિત સ્થૂલિભદ્રવૃત્તાંતનો આશ્રય લઈ જે ફાગુ રચનાઓ કરી તેમાં તેમની દરેકની વિભિન્ન રચનાદૃષ્ટિ અને તેમના ઓછાવત્તા પ્રતિભાસામર્થ્યને લીધે જે વિભિન્ન ગુણવત્તાવાળું કાવ્ય નિર્માણ થઈ શક્યું તેનો ‘સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુ કાવ્યો’માં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર થયેલો જોવા મળે છે. એ સાથે જૈન પરંપરાના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ અને ફાગુના કાવ્યસ્વરૂપનોયે તેમણે કેટલોક આવશ્યક વિચાર રજૂ કર્યો છે. અહીં ત્રણ મુનિકવિઓની કૃતિઓની તુલનાદૃષ્ટિએ સમીક્ષા કરતાં જયવંતસૂરિ જેવો આંતરસૂઝવાળો કવિ સાંપ્રદાયિકતાના તત્ત્વને ઓળંગીને જે રીતે સાચું કાવ્ય નિર્માણ કરી શક્યો છે તે પ્રત્યે કોઠારીએ ખાસ લક્ષ ખેંચ્યું છે. ‘મેઘાણીની વિવેચનપ્રવૃત્તિ’ લેખના આરંભમાં જ તેઓ પત્રકાર મેઘાણીની વિવેચનાનું સ્વરૂપ કેવું તો વ્યવહારુ પ્રયોજનથી બંધાતું રહ્યું હતું, તેમની દૃષ્ટિ શુદ્ધ સાહિત્યતત્ત્વની ચર્ચા કરતાં વિશેષતઃ તેને લગતા વ્યવહારુ પ્રશ્નો પર કેવી ઠરી હતી, અને તેમની રુચિને કેવી મર્યાદાઓ હતી આદિ બાબતોનો નિર્દેશ કરી લે છે; અને એ રીતે મેઘાણીની વિવેચનાની મર્યાદાઓ દર્શાવીને તેઓ તેમની કનેથી જે કંઈ સિદ્ધિ રૂપે મળ્યું તેનો વિચાર કરે છે. ખાસ તો, મેઘાણીની આવી પ્રકૃતિગત મર્યાદાઓ છતાં તેમની સાહિત્યવિષયક સૂઝ અને આંતરપ્રતીતિઓ કેટલી સાચી અને પ્રામાણિક હતી તેનું તેમણે ઝીણવટભર્યું દર્શન કરાવ્યું છે. વળી સાહિત્યમાં જાતીય પ્રશ્નોના નિરૂપણ પરત્વે મેઘાણી કેટલી સ્વસ્થ તંદુરસ્ત દૃષ્ટિ પ્રગટ કરી રહે છે એ, અને ગ્રંથોનાં અવલોકનોમાં તેઓ પોતાનાં વળગણો રુચિમર્યાદા વગેરેને અતિક્રમી જઈને કૃતિનાં રસસૌંદર્યને કેવી રીતે માણી રહે છે એ, એમ અનેક મુદ્દાઓનો વિચાર પણ ધ્યાનપાત્ર બની રહે છે. ‘જીવનના વૈભવમાં કળાનો મહેલ’ એ શીર્ષક હેઠળ તેમણે કાકાસાહેબનાં વિવેચનાત્મક લખાણોની વિસ્તૃત સમીક્ષા કરી છે. કાકાસાહેબનો સાહિત્ય પરત્વેનો જીવનવાદી અભિગમ, તેમની નીતિવાદી દૃષ્ટિ અને રુચિ આદિ મુદ્દાઓને લક્ષમાં લઈ તેમણે અહીં તેમનાં સાહિત્ય અને કળાવિષયક મંતવ્યોનું અવલોકન કર્યું છે. આ અંગે એક મુદ્દો નોંધવાનો રહે છે કે કાકાસાહેબની સૌંદર્યવિષયક ચર્ચાવિચારણાઓના પરીક્ષણમાં જયંત કોઠારીએ પાશ્વાત્ય કળામીમાંસાના આકૃતિના સિદ્ધાંતને જે રીતે ઘટાવવા ચાહ્યો છે તેમાં ક્યાંક મુશ્કેલી વરતાય છે. એમાં ખાસ તો, કોઠારીએ વ્યવહારજગતના પદાર્થો(અથવા તેમાંની ઘટનાઓ)ના સૌંદર્યનું રહસ્ય સ્પષ્ટ કરતાં આકૃતિના સિદ્ધાંતનો જે રીતે વિનિયોગ કર્યો છે તે ભાગ કંઈક ચિંત્ય જણાય છે. મુનશીનાં બે પ્રસિદ્ધ પાત્રો કાક અને મંજરીના વૃત્તાંતનો આધાર લઈ કોઠારીએ આ મુદ્દો જે રીતે સ્પર્શ્યો છે તે જરા જોઈએ : “સાગરને મળતી સાબરમતીનો પ્રવાહ જોઈ મંજરી સૌંદર્યદર્શનનો આનંદ અનુભવે છે; કાકને તો કાદવવાળી તોફાની નદી, છૂટાંછવાયાં ઝાડ અને ઊડતાં ધોળાં પક્ષીઓ સિવાય બીજું કંઈ દેખાતું નથી. તટસ્થ બંને છે. વિષયમાં રસ એકેને નથી. છતાં મંજરી વિષયની આકૃતિ, વાતાવરણમાં એકત્વ કલ્પી શકે છે, કળાત્મક ભાવ અનુભવી શકે છે, કાકમાં એ દૃષ્ટિ, વૃત્તિ, શક્તિ નથી. પરિણામે એને માટે એ સૌંદર્યનો અનુભવ નથી બની શકતો.” અહીં એમ દેખાય છે કે પ્રકૃતિના પદાર્થોમાં મંજરી ‘આકૃતિ’ અને ‘એકત્વ’ અનુભવી શકી અને તેથી તેને સૌંદર્યબોધ થયો. હવે આ ખ્યાલને આપણા વ્યવહારના સૌન્દર્યના અનુભવ જોડે બરાબર મેળ ખાતો નથી. કળાકૃતિના સૌન્દર્યનિર્માણમાં ‘આકૃતિ’નું આગવું રહસ્ય છે, પણ એવી કોઈ ‘આકૃતિ’નો બોધ પ્રકૃતિના સૌન્દર્યદર્શનમાં સર્વત્ર થાય જ અને થવો આવશ્યક હોય એવું તો જણાતું નથી. આ પ્રશ્ન એ રીતે ફેરવિચારણા માગે તેવો છે, અને કાકાસાહેબની સૌન્દર્યમીમાંસાને એ ભૂમિકા પર ચકાસી જોવામાં દેખીતી રીતે જ જોખમ પણ છે. ‘વિશિષ્ટ અને વિરલ કૃતિ’ એ લેખમાં આપણા આધુનિક સાહિત્યની એક અલ્પજ્ઞાત કૃતિનો પણ સરસ અને સવિસ્તર પરિચય મળે છે. કવિ કાન્તે મણિલાલના અદ્વૈતવાદ અને ધર્મચર્ચાના વિલક્ષણ ગ્રંથ ‘સિદ્ધાંતસાર’નું (કલ્પિત પ્રિયાને લખેલા રસિક પત્રો રૂપે) જે અવલોકન કરેલું તેની અહીં વિગતે સમીક્ષા થઈ છે. આ અભ્યાસ-વિષય એવો છે કે એમાંથી આપણે માટે મણિલાલ અને કાન્ત એ બેય ધર્મચિંતકોની વિશિષ્ટ આધ્યાત્મિકવૃત્તિનો એકીસાથે પરિચય શક્ય બન્યો છે. જો કે સમીક્ષક લેખે કાન્તનું માનસ અને વ્યક્તિત્વ અહીં વધુ ઉઠાવદાર બન્યું હોય એ પણ સ્વાભાવિક છે. મણિલાલના ધર્મતત્ત્વવિષયક વિચારોને કાન્તે જે રીતે કસી જોયા તેમાં તેમની (કાન્તની) બૌદ્ધિક સજ્જતા, વિલક્ષણ હાસ્યવૃત્તિ અને તેમનાં ધાર્મિક વૃત્તિવલણોનો સાદ્યંત પરિચય થાય છે. આ લખાણોની તુલનામાં આપણા નવલકથાસાહિત્યની વ્યાપક ચર્ચાવિચારણાઓનો લેખ ‘ગુજરાતી નવલકથા વિશે વિચારવિમર્શ’ એટલો સમર્થ અને સંગીન લાગતો નથી. મૂળ તો સુરેશ જોષીનાં આપણી નવલકથાપ્રવૃત્તિ વિશેનાં કડક અવલોકનોની ફેરતપાસ રૂપે આ લખાણ નીપજ્યું છે, અને કોઠારીનો આશય આપણી નવલકથાઓનું ઉદાર ગુણગ્રાહી અને સમભાવભર્યું દર્શન કરાવવાનો જણાય છે. આરંભમાં સુરેશ જોષીનાં મંતવ્યોને તેમણે પૂર્વ પક્ષ રૂપે ટૂંકમાં મૂકી આપ્યાં છે, અને એ મુદ્દાઓની છણાવટ રૂપે પોતાની ચર્ચા વિકસાવી છે. એટલે એમનો દૃષ્ટિભેદ ક્યાં છે તે સમજવાનું સરળ બન્યું છે. મૂળ મુદ્દા પર આવીએ તો સુરેશ જોષીએ આપણી નવલકથાઓને અનુલક્ષીને જે જે ત્રુટિઓ દર્શાવેલી તેમાંની કોઈ ને કોઈ ત્રુટિ આપણી અમુક અમુક કૃતિઓ પૂરતી તો જયંત કોઠારીને સ્વીકાર્ય છે, અને જોષીએ નવલકથાના મૂલ્યાંકનનાં જે ધોરણો’ રજૂ કરેલાં તે પણ પોતા પૂરતાં તો ‘નિર્દોષ’ છે એમ કોઠારીએ નોંધ્યું છે. એટલે, એમને જો કોઈ વાંધો હોય તો તે સુરેશ જોષી આ ‘બધાં ધોરણોને’ આપણી નવલકથાઓને અનુલક્ષીને જે રીતે ‘વ્યાપકપણે અને સાર્ત્ર, કેમ્યૂ, દોસ્તોએવ્સ્કી આદિના સાહિત્યના સંદર્ભ’માં લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે તેની સામે છે. પ્રસ્તુત વિવાદનો બારીકાઈથી વિચાર કરતાં જણાશે કે અહીં આ બે વિવેચકો નવલકથાના મૂલ્યાંકનનાં ‘બધાં ધોરણો’ લાગુ પાડી બતાવવાની બાબતમાં જે રીતે જુદા પડે છે એની પાછળ એમની બંનેની ભિન્ન દૃષ્ટિ રુચિ અને ભિન્ન વિવેચનાત્મક અભિગમ રહેલો છે. સુરેશ જોષીએ ઉપરોક્ત પાશ્ચાત્ય નવલકથાકારોના અભ્યાસમાંથી આ સાહિત્યસ્વરૂપની કળાત્મકતાનો ઉચ્ચ આદર્શ સ્વીકાર્યો છે. અને એના પ્રકાશમાં એ એમણે આપણી નવલકથાઓની ત્રુટિઓ અને મર્યાદાઓ બતાવી છે. આથી ભિન્ન, જયંત કોઠારી નવલકથાના આવા કોઈ કળાત્મક આદર્શને સ્વીકાર કરતાં છતાં આપણી નવલકથાના ઐતિહાસિક વિકાસક્રમને અવગણવા માગતા નથી. આપણી નવલકથાએ ટોલ્સ્ટોય આદિની સીધી નિરૂપણશૈલીએ કાર્ય કર્યું હોય અને તેમાંયે જ અમુક કળાત્મક સિદ્ધિ સંભવી હોય તો તેનો તેઓ સમભાવપૂર્વક અને ગુણગ્રાહીવૃત્તિથી પુરસ્કાર કરવા ઇચ્છે છે. પણ અહીં આપણને કંઈક મૂંઝવતો પ્રશ્ન આ છે કે આપણી નવલકથાઓ વિશેની વિવેચનવિચારણા અહીં એટલી સબળ દેખાતી નથી. ખાસ કરીને આપણી કેટલીક ઉત્તમ નવલકથાઓમાં જે કળાત્મક તત્ત્વો પાંગર્યાં છે તે વિશે કદાચ અહીં પૂરતી પ્રતીતિકર રજૂઆત થઈ શકી નથી. ક્યારેક તો આપણા કથાસાહિત્યની ત્રુટિઓ અને નિર્બળતાઓનો બચાવ કરવાનું વલણ કેળવ્યું હોય એવું જોવા મળે છે. નહિ તો, “આપણી નવલકથાનું સ્વરૂપ જ એવું રહ્યું છે કે એને સંકેતમય પ્રતીકાત્મક ભાષાની બહુ જરૂર ન રહે” એવા વિધાનને અવકાશ ક્યાં? કોઠારીની ભાષાશૈલી કોઈ પણ અવલોકનકારનું ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહિ. તેમણે આગવી મુદ્રા ઉપસાવતી વિવેચનાત્મક ગદ્યની આગવી શૈલી નિપજાવી લીધી છે એમ કહેવું જોઈએ. વિવેચ્ય વસ્તુ વિશે બારીક ચિંતનમનન કરીને તેમણે જે કંઈ લખ્યું તેમાં પાંડિત્યનો એવો કોઈ બોજ નહિ, પરિભાષાની કોઈ જટાજાળ નહિ, ઘણું ખરું તેઓ સ્પષ્ટ સુરેખ ગતિએ ચાલ્યા છે, અને તેમની સ્વચ્છ પારદર્શી વિશદ શૈલીમાં તેમના વિચારની પ્રક્રિયા ઝિલાતી રહી છે. વળી પ્રસંગે પ્રસંગે બોલચાલની વાણીના વિવિધ લય, કાકુઓ અને ભાષામરોડના વિનિયોગથી તેમની શૈલીમાં તાજગી અને પ્રાણ પુરાયાં છે. હવે આપણે કળા અને સાહિત્યવિષયક તત્ત્વચર્ચાનાં બે લખાણો પર દૃષ્ટિપાત કરી લઈએ. ‘કળા એટલે શું?’ એ પ્રથમ મુકાયેલા લેખમાં કોઠારીએ પશ્ચિમની આધુનિક કળામીમાંસાના કેટલાક વિશિષ્ટ ખ્યાલેને આધારભૂમિ લેખે સ્વીકારીને કળાવિષયક ચર્ચાવિચારણા કરવાનો એક સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે. પોતાનો અભિગમ સ્પષ્ટ કરતાં તેમણે નોંધ્યું છે કે કળાકૃતિનો એકલીનો નિરપેક્ષ રીતે વિચાર કરવામાં અમુક મર્યાદાઓ સંભવે છે. કૃતિની સાથે તેના સર્જકની મૂળ સંવેદના અને ભાવકના રસાસ્વાદનો વિચાર પણ થવો ઘટે. કૃતિ, સર્જક અને ભાવક – એ ત્રણ મળીને જ કળાવિષયક ‘પૂર્ણ પરિસ્થિતિ’ નિર્માણ થાય છે. એટલે તેમણે ભાવકના આસ્વાદથી આરંભી, એ પછી કળાકૃતિના વસ્તુગત સ્વરૂપને લગતો અને અંતના ભાગમાં સર્જકના સંવેદનના તાત્ત્વિક સ્વરૂપને લગતો વિચાર કર્યો છે. આ ક્રમે ચાલતાં તેમણે પાશ્ચાત્ય કળામીમાંસાના સિદ્ધાંતોમાંથી અમુક અમુક ખ્યાલો પુરસ્કાર્યા છે અથવા અમુક ઉપાદેય તત્ત્વોને પોતાના વિચારસૂત્રમાં વણી લેવાનો પ્રયત્ન કર્યો છે, અને એ રીતે કળાતત્ત્વની શક્ય તેટલી વ્યાપક ભૂમિકા શોધવાનો આશય રાખ્યો છે. પરંતુ કળાનો વ્યાપક સર્વગ્રાહી વિચાર શોધવાના આ પ્રયત્નમાં થોડી મુશ્કેલીઓ વરતાય છે. એમ લાગે છે કે ભિન્ન ભિન્ન સિદ્ધાંતોને સાંકળીને વિચારવિકાસ કરવા જતાં સૌંદર્યમીમાંસા કે કળામીમાંસાના ક્ષેત્રના અનેક કૂટ પ્રશ્નોની પૂરતી માંડણીને અહીં અવકાશ રહેતો નથી, અથવા એવા પ્રશ્નો સરળતાથી અતિક્રમી જવાયા હોવાનું સમજાય છે. આ મુદો સ્પષ્ટ કરવા એક ભૂમિકાની થોડી ચર્ચા જોવી ઘટે. પૃ. ૧૦ પર તેમણે “કલાકૃતિ સૌન્દર્યમય હોય છે તેથી આનંદ આવે છે” એ ભૂમિકા સ્વીકારી છે. એના અનુસંધાનમાં તેમણે તરત જ ‘સૌંદય’ની વિભાવના સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને અહીં તેમણે ‘સૌન્દર્ય’નાં ઘટક તત્ત્વો લેખે ‘ભાત’ (pattern), ‘સંવાદ’ (harmony) અને ‘સંતુલન’ (balance)–નો મુખ્યત્વે વિચાર કર્યો છે. દેખીતી રીતે જ ‘સૌન્દર્ય’ની આ વ્યાખ્યા પર્યાપ્ત નથી. સાહિત્યાદિ કળાઓનાં સૂક્ષ્મતર સૌન્દર્યને એ રીતે ઘટાવી દેવામાં મને મુશ્કેલી લાગે છે. વળી ‘સૌન્દર્ય’ નિર્માણ કરનાર ‘સંવાદિતા’ને ‘આકૃતિ’ના ખ્યાલ જોડે સાંકળવાનો કોઠારીનો પ્રયત્ન પણ ચિંત્ય છે. “કલાકૃતિ પોતાની આગવી રીતે સંવાદિતા સિદ્ધ કરે છે એમ કહેવું, એટલે કલાકૃતિને સ્વયંસિદ્ધ સ્વયંપર્યાપ્ત આકૃતિ હોય છે એમ કહેવા બરાબર થયું” – અહીં તેમણે ‘સંવાદિતા’ના લક્ષણને પુરસ્કારી તરત જ તેને ‘સ્વયંસિદ્ધ સ્વયંપર્યાપ્ત આકૃતિ’ જોડે સાંકળી લેવાનો જ પ્રયત્ન કર્યો છે તેમાં ઘણી ગૂંચો રહી જતી હોવાનું સમજાશે. કદાચ વિવિધ સિદ્ધાંતોને આ રીતે સાંકળવામાં ઘણી મુશ્કેલી રહી છે. એ ખરું કે કળામીમાંસાના વિવિધ ખ્યાલો જેટલા દેખાય છે તેટલા પરસ્પરવિરોધી નહિ હોય, પરંતુ તેના સમન્વયની પ્રક્રિયા પણ એટલી સરળ નથી. પ્રસ્તુત લેખની મુશ્કેલી અહીં છે એમ મને લાગે છે. ‘નાટકમાં રસ અને ક્રિયા’ લેખમાં નાટકના કળાસ્વરૂપને લગતો એક મહત્ત્વનો મુદ્દો સ્પર્શાયો છે. ‘રસ’ તત્ત્વના પ્રાધાન્યવાળાં સંસ્કૃત નાટકો અને ‘ક્રિયા’પ્રધાન પાશ્ચાત્ય નાટકો વચ્ચે કોઈ સમાન ભૂમિકા, સમાન તત્ત્વ જ નથી એવા એક નાટ્યકાર સજ્જનના મંતવ્યની નિરીક્ષા રૂપે આ લખાણ થયું છે. આ સ્થાને કોઠારીએ એવી ભૂમિકા સ્વીકારી છે કે નાટકમાં ‘ક્રિયા’ અને ‘રસ’ કંઈ પરસ્પરવિરોધી તત્ત્વો નથી. નાટકમાં ‘ક્રિયા’ તત્ત્વનો સ્વીકાર કરો, અથવા તેનું પ્રાધાન્ય સ્વીકારો, એટલે ‘રસ’ તત્ત્વને અવકાશ જ ન હોય એવું તો કંઈ નથી. વિશિષ્ટ પદ્યજાતિરૂપ કવિતાની જેમ જ નાટકમાંયે ‘રસ’ની નિષ્પત્તિ સંભવે છે. આ રીતે કોઠારીની ‘રસ’-વિષયક વિભાવના વ્યાપક રૂપની છે. સમસ્ત લલિત સાહિત્યનો જે પ્રાણ છે તે ‘રસ’ જ નાટકનોયે પ્રાણ છે એ ભૂમિકા જોતાં એમનું વક્તવ્ય તર્કસંગત અને પ્રતીતિકર છે. પણ આ લેખના વિવાદનું કદાચ સાચું સ્વરૂપ અહીં પ્રગટ થતું રહી ગયું હોય એમ લાગે છે. ખાસ તો ‘રસ’ની સંજ્ઞા, તેનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્વરૂપવિચાર-આદિનો વિગતે વિચાર કરવાની અહીં અપેક્ષા રહે છે. સંસ્કૃત નાટકો અને મહાકાવ્યોમાં ‘રસ’ના પ્રયોજન નિમિત્તે માનવલાગણીઓનું જે રીતે નિરૂપણ થયું, રસવૈવિધ્યના હેતુથી તેમાં જે રીતે વિભિન્ન વિભાવાદિનો પુરસ્કાર થયો, અને એ સાહિત્યમાં વિવિધ રસસિદ્ધિ નિમિત્તે શૈલી અને રચનાબંધમાં જે જે મરોડો આવ્યા તેની ચર્ચાનેય અવકાશ રહે છે. અને વળી સંસ્કૃત આલંકારિકોએ રસની અનુભવદશાને વર્ણવતાં તેને જે પ્રકારે લોકોત્તર રૂપની ગણાવી એ બધી હકીકતોય સ્પર્શાવી આવશ્યક લાગે છે. જે વિદ્વાનો અને સાહિત્યકારો ‘રસ’પ્રધાન નાટકોને ‘ક્રિયા’પ્રધાન નાટકોથી ભિન્ન લેખવે છે તેમના ચિત્તમાં, સંભવતઃ ‘રસ’નો આગેવો સંકેત સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપમાં પડ્યો હોય છે. (હિંદી-મરાઠીના વિદ્વાનોએ રસના સ્વરૂપની તાત્ત્વિક અને મનોવૈજ્ઞાનિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તે સાથે સંઘર્ષ અને તણાવયુક્ત અદ્યતન કવિતામાં અને વ્યાપકપણે સાહિત્ય માત્રમાં ‘રસ’ની ઉપલબ્ધિ શક્ય છે કે નહિ, અથવા રસનો સિદ્ધાંત આધુનિક સાહિત્યના વિવેચનમાં ઉપયોગી બની શકે કે કેમ, એ પ્રશ્ને તેમનું ઠીક ઠીક ધ્યાન રોક્યું જણાય છે.) ટૂંકમાં, અહીં ‘રસ’ની સંજ્ઞાને સર્વસ્પર્શી તાત્ત્વિક વિચાર થયો હોત તો પ્રસ્તુત વિવાદના મૂળમાં રહેલા પ્રશ્નનું વધુ સાચું સ્વરૂપ ઓળખવાનું શક્ય બન્યું હોત એમ લાગે છે. આ રીતે આ સંગ્રહનાં લખાણોમાં ક્યાંક ચિંત્ય પણ છે, છતાં સમગ્રતયા આ વિવેચનોની સિદ્ધિઓ ઘણી સંતર્પક છે. આપણી આજની વિવેચન પ્રવૃત્તિમાં જયંત કોઠારીની વિવેચનદૃષ્ટિ સ્થિરદ્યુતિરૂપ ઝળકતી દેખાય છે.