સંકેતવિસ્તાર/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિપરિચય : ‘સંકેતવિસ્તાર’

‘વિભાવના’ (૧૯૭૭) અને ‘શબ્દલોક’ (૧૯૭૮) પછીનો આ ત્રીજો વિવેચનગ્રંથ ‘સંકેતવિસ્તાર’ (૧૯૮૦) પ્રમોદકુમાર પટેલની વિવેચનસાધનાના સાતત્યનો અને સઘનતાનો પરિચય આપે છે. પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્ય અને વિવેચનનું એમનું પરિશીલન આ પુસ્તકમાં પણ ચરિતાર્થ થયું છે. એ કૃતિવિવેચનનાં વિવિધ પરિમાણોને આલેખેે છે, પ્રતીકસંવિધાન અને એના અર્થઘટનને તપાસે છે. પછી રસસિદ્ધાંત વિશે લઘુગ્રંથ કરનાર પ્રમોદભાઈ અહીં ‘સ્થાયી ભાવ’ના સ્વરૂપને તપાસી લે છે. ને ગુજરાતીના ત્રણ વિવેચકોના વિવેચનમૂલ્યને આલેખી આપે છે. હાથ પર લીધેલા કોઈપણ તાત્ત્વિક મુદ્દાને ચોપાસથી તપાસતી અને એના ઊંડાણમાં ઊતરતી પ્રમોદભાઈની તત્ત્વનિષ્ઠા આ બધા લેખોમાં ઉપર તરી આવે છે. એ ઉપરાંત, આ પુસ્તકમાં વિવેચનનું વિવેચન આપતી કૃતિચર્ચાના છ લેખો છે. ગુજરાતીના મહત્ત્વના વિવેચકોનાં સમર્થ વિવેચનપુસ્તકોની પ્રમોદભાઈએ કરેલી આ સમીક્ષાઓ જાણે કે આપણી તત્ત્વલક્ષી વિવેચનપ્રવૃત્તિનો આલેખ બની રહે છે. પ્રત્યક્ષ વિવેચનામાં પણ તત્ત્વદૃષ્ટિએ કરેલાં નિરીક્ષણો પ્રમોદકુમારની ગરવી વિવેચકમુદ્રાને દૃઢ કરે છે. આ બધા જ લેખોમાં વિગતવાર છણાવટ અને એની અસંદિગ્ધ પણ વિશદ રજૂઆત વિદ્વાન અધ્યાપકનું સ્વાધ્યાયતપ કેવું હોઈ શકે એના દૃષ્ટાંતરૂપ છે.

– રમણ સોની