સંકેતવિસ્તાર/સંસ્કૃત કાવ્યવિચારણાનું સમર્થ વિવરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંસ્કૃત કાવ્યવિચારણાનું સમર્થ વિવરણ

(અભિનવનો રસવિચાર અને બીજા લેખો, લે. નગીનદાસ પારેખ)

આધુનિક હિન્દી અને મરાઠીની કાવ્યચર્ચામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનું જે રીતે વિશાળ અને સઘન અનુસંધાન રહ્યું છે તેવું અને તેટલું કદાચ ગુજરાતીમાં નથી. આ હકીકતનો સાંસ્કૃતિક દૃષ્ટિએ ખુલાસો પણ થઈ શકે, પણ એ બાબત અહીં પ્રસ્તુત નથી. અહીં જે પ્રસ્તુત છે તે તો એ કે આપણી કાવ્યચર્ચામાં સંસ્કૃતની કાવ્યમીમાંસાના અનેક મહત્ત્વના ખ્યાલો હજી પૂરતું સ્થાન પામ્યા નથી. ‘અભિનવભારતી’, ‘ધ્વન્યાલોકલોચન’ કે ‘વક્રોક્તિજીવિત’ જેવા મહત્ત્વના અલંકારગ્રંથોનો મૂળ આધાર અત્યાર લગી ઝાઝો લક્ષ્યમાં લેવાયો નહોતો, એમ જણાશે. ઘણું ખરું મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’ કે વિશ્વનાથનો ‘સાહિત્યદર્પણ’ જેવા ગ્રંથો જ આપણી કાવ્યવિવેચનાને પ્રેરક રહ્યા છે. એ ખરું કે એ ગ્રંથો દ્વારાય સંસ્કૃતની કેટલીક અતિ મહત્ત્વની કાવ્યવિચારણા આપણને ઉપલબ્ધ બની હતી. પણ અભિનવ, આનંદવર્ધન કે કુન્તક જેવા સમર્થ ચિંતકોની મૂળ ચર્ચા જોવાની છેક હમણાં સુધી બાકી હતા. અને, મૂળ વાત એ છે કે, સંસ્કૃતના રસ, ધ્વનિ, વક્રોક્તિ, રીતિ અને અલંકાર આદિ મહત્ત્વના સિદ્ધાંતોને ઐતિહાસિક તેમ જ તાત્ત્વિક દૃષ્ટિએ છણાવટ કરતો આકરગ્રંથ પણ આપણને મળ્યો નથી. આ સંજોગોમાં નગીનદાસ પારેખનો પ્રસ્તુત ગ્રંથ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ એ એક ઘણું મહત્ત્વનું પ્રકાશન બની રહે છે. જો કે આકરગ્રંથની યોજના એની પાછળ નથી – અહીં તો અભિનવની રસચર્ચા ઉપરાંત રસાભાસ, કાવ્યાર્થ, વક્રોક્તિ, ઔચિત્ય અને જગન્નાથના ‘રમણીયતા’ના ખ્યાલ વિશેના કેટલાક સ્વતંત્ર લેખો એકત્ર કરવામાં આવ્યા છે – તો પણ એમાં પ્રસ્તુત પ્રશ્નોની જે સંગીન અને પ્રમાણભૂત વિચારણા એકીસાથે ઉપલબ્ધ બની છે, તેથી આ ગ્રંથનું મૂલ્ય ઠીક ઠીક વધ્યું છે. કદાચ સંસ્કૃતના કાવ્યચર્ચામાં આજના વિવેચનાત્મક સંદર્ભે આપણને જે કંઈ મૂલ્યવાન વિચારણા લાગે છે તેમાંની ઘણીએક અહીં સ્થાન પામી છે. જો કે આ સાથે એમ પણ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે અહીં ગ્રંથસ્થ થયેલાં લખાણો કંઈક સીમિત પ્રયોજનથી બંધાયાં જણાય છે. લેખકનો મુખ્ય આશય સંસ્કૃતની મૂળ કાવ્યવિચારણાને જ બને તેટલી પ્રમાણભૂત રૂપે રજૂ કરવાનો ને યથાવકાશ તેનું વિવરણ કરવાનો દેખાય છે. એટલે આ બધાં લખાણો વિશેષે તો સારગ્રાહી રહ્યાં છે. એ ખરું કે કેટલેક પ્રસંગે સંસ્કૃત વિચારણાને સમાંતર જતા આધુનિક કળામીમાંસાના ખ્યાલો તેમણે પાદટીપમાં નોંધ્યા છે, પણ એથી વિશેષ પ્રાચીન-અર્વાચીન કે પૂર્વ-પશ્ચિમની મીમાંસાનો તુલનાત્મક અભ્યાસ કરી તેનું અર્થઘટન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન તેમણે કર્યો જણાતો નથી. એ છતાં આપણે એમ પણ નોંધવું જોઈએ કે અહીં સંસ્કૃતની કાવ્યચર્ચાના સૂક્ષ્માતિસૂક્ષ્મ મુદ્દાઓ જે રીતે રજૂ થયા છે તેથી આવા તુલનાત્મક અભ્યાસ માટેની સંગીન ભૂમિકા રચાય છે જ. આજે આપણે ત્યાં સંસ્કૃતનું વ્યુત્પન્ન પાંડિત્ય એ વિરલ વસ્તુ બની રહી છે ત્યારે નગીનદાસ પાસેથી તેમની પ્રૌઢ પક્વ વિદ્વત્તાનાં ફળ જેવાં જે લખાણો પ્રાપ્ત થયાં છે તેનું મૂલ્ય કોઈ રીતે ઓછું ન ગણાય. પ્રસ્તુત ગ્રંથના આરંભે મુકાયેલો વિસ્તારી લેખ ‘અભિનવનો રસવિચાર’ એ માત્ર નગીનદાસની જ નહિ, આપણી અત્યાર લગીની કાવ્યવિવેચનાની એક નોંધપાત્ર સિદ્ધિ જેવો છે. એમાં અભિનવની રસવિચારણને સમગ્રતયા રજૂ કરવાનો યશસ્વી પ્રયત્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ની રસસિદ્ધાંત વિશેની મૂળની ભૂમિકા, ‘અભિનવભારતી’માંની તે વિશે અભિનવની વ્યાખ્યાવિચારણા, ઉપરાંત ‘ધ્વન્યાલોક’ પરની ટીકા ‘લોચન’નો અહીં આધાર લેવાયો છે. વળી અભિનવની ચર્ચાવિચારણામાં જે જે બીજભૂત સંજ્ઞાઓ મળે છે તેને તેના ઈશ્વરપ્રત્યભિજ્ઞાવિવૃત્તિવિમર્ષિણી’ અને ‘તન્ત્રાલોક’ જેવા દાર્શનિક ગ્રંથોના પ્રકાશમાં સ્પષ્ટ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. અભિનવના ઉપાધ્યાય ભટ્ટ તૌતની રસચર્ચા ખાસ તો તેના ‘અનુવ્યવસાય’ના સિદ્ધાંતનું અહીં નોંધપાત્ર વિવરણ મળે છે. આથી આપણી વિવેચનામાં ભારતીય રસસિદ્ધાંતની આ પહેલાં નહોતી મળી એવી એક સંગીન અને પ્રમાણભૂત ભૂમિકા અહીં પ્રાપ્ત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે રમણભાઈ નીલકંઠ, રસિકલાલ પરીખ, રામપ્રસાદ બક્ષી, રામનારાયણ પાઠક અને જ્યોતીન્દ્ર હ. દવે જેવા સમર્થ વિદ્વાનોએ આપણે ત્યાં રસનું સ્વરૂપ અને રસનિષ્પત્તિની પ્રક્રિયા વિશે ફરી ફરીને ચર્ચાઓ કરેલી છે, પણ અભિનવની રસચર્ચાનું આટલું સર્વાંગી નિરૂપણ કદાચ અગાઉ નહોતું થયું. અભિનવની રસચર્ચા વિશેનું આ લખાણ કેવું સંગીન અને સબળ બન્યું છે તે એક-બે વિશિષ્ટ મુદ્દાઓનો નિર્દેશ કરી જોઈ લઈએ. ભટ્ટ લોલ્લટની રસચર્ચામાં ‘નિષ્પત્તિ’નો અર્થ રસની ‘ઉત્પત્તિ’ એમ સૌ વિદ્વાનો ઘટાવતા આવ્યા છે. આને અનુલક્ષીને નગીનદાસે મમ્મટ અને અભિનવ એ બંનેના આધારો ટાંક્યા છે, ઉપરાંત ‘પ્રદીપ’ ટીકાના કર્તા ગોવિંદનું અર્થઘટન પણ રજૂ કર્યું છે. ગોવિંદે નોંધ્યું છે કે, લોલ્લટના મતે ભરતના સૂત્રના ‘નિષ્પત્તિ’ શબ્દનો અર્થ રસની ‘ઉત્પત્તિ’, ‘અભિવ્યક્તિ’ અને ‘પુષ્ટિ’ એમ ત્રણેય અર્થને સમાવી લે છે. આ એક વિશિષ્ટ અર્થઘટન છે. એ પછી ગોવિંદે લોલ્લટના મતનો જે રીતે વિરોધ કર્યો તેના મુદ્દાઓ પણ અહીં પાદટીપ રૂપે મુકાયા છે. શ્રી શંકુકના અનુકરણ – અનુમિતિવાદ વિશેની ચર્ચા વળી એથીયે વધુ વિસ્તૃત અને સૂક્ષ્મ દૃષ્ટિની છે. ખાસ કરીને શ્રી શંકુકની સામે ભટ્ટ તૌત અને અભિનવે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે તે બધી ચર્ચા ખૂબ જ મૂલ્યવાન બની છે. શ્રી શંકુકે એમ પ્રતિપાદન કરેલું કે અનુકર્તા નટ મૂળ ઐતિહાસિક પાત્રના (એટલે કે અનુકાર્યના) સ્થાયીભાવનું અતિ કુશળતાથી અનુકરણ કરતો હોય છે, અને નટનો અનુકૃત સ્થાયીભાવ જ સામાજિકને રસતત્ત્વ રૂપે પ્રતીત થતો હોય છે. શ્રી શંકુકે આ સંદર્ભમાં એમ સ્પષ્ટ કર્યું છે કે નટનો અનુકૃત સ્થાયી એ તેનો પોતાનો ખરેખરો અંગત ભાવોદ્રેક નથી જ – એ તો આભાસી કે મિથ્યા ભાવપ્રગટીકરણ છે, અને અભિનયના કૌશલના બળે એવો (સ્થાયીનો) આભાસ તે ઉત્પન્ન કરી શકે છે. વળી આભાસી હોવાને કારણે જ તો એ રસ રૂપે આસ્વાદ્ય બને છે. આના સમર્થનમાં, મિથ્યા વસ્તુને પણ કેટલીક વાર ક્રિયાકારિત્વ હોય છે એમ શ્રી શંકુક કહે છે. વળી ‘નાટ્ય’બોધને ‘ચિત્રતુરગન્યાય’ના દૃષ્ટાંતથી એક વિલક્ષણ પ્રતીતિ તરીકે શ્રી શંકુકે એાળખાવી છે. તેમના આ સિદ્ધાંતમાંથી ‘અનુકરણ’ અને ‘અનુમાન’ એ બંને વ્યાપારોની ભૂમિકા ભટ્ટ તૌત અને અભિનવના આક્રમણનો વિષય બની છે. નટનો અનુકૃત સ્થાયીભાવ જે આભાસ માત્ર છે, તે રસનું અધિષ્ઠાન કેવી રીતે બની શકે એમ આ આચાર્યો પ્રશ્ન કરે છે. આ આખી ચર્ચા, આમ જોઈએ તો, રસના અધિષ્ઠાનની ભૂમિકા – અને તેની સાથે સંલગ્ન કાવ્યના વાસ્તવ અને તેના સત્યાસત્યને લગતા પ્રમાણભૂત પ્રશ્નો પર કેન્દ્રિત થઈ છે, અને ભારતીય કળામીમાંસાની કેટલીક અતિ માર્મિક ચર્ચા તેથી અહીં આપણને પ્રથમ વાર ઉપલબ્ધ બની છે. વળી શ્રી શંકુકની ચર્ચાના સંદર્ભમાં ‘રસપ્રદીપ’ના કર્તા પ્રભાકરનો ટૂંકો આક્ષેપ પણ ઘણો માર્મિક છે. ભટ્ટ તૌતના ‘અનુવ્યવસાયવાદ’નો સિદ્ધાંત પણ ‘અનુકરણ’ના સિદ્ધાંત પર સંશોધિત વિચાર રૂપે જોવા જેવો છે. ખાસ તો સર્જનાત્મક વ્યાપાર વિશેની એમાંની વિચારણા મૂલ્યવાન છે. ભટ્ટ નાયક અને અભિનવની રસવિચારણા પણ અહીં વિગતે વ્યાખ્યા પામતી દેખાય છે. ‘અભિનવનો રસવિચાર’ લેખમાં રસશાસ્ત્રની ઘણી બીજભૂત સંજ્ઞાઓને ભારતીય દર્શન કે ન્યાયશાસ્ત્રના પ્રકાશમાં સ્પષ્ટ કરવાનો નગીનદાસે પ્રયત્ન કર્યો છે એથી, આ લેખનું મહત્ત્વ ઘણું વધ્યું છે. ‘સ્થાયીભાવ’ ‘અર્થક્રિયા’ ‘માનસપ્રત્યય’ ‘અનુવ્યવસાય’ ‘સજાતીય’ ‘સદૃશ’ ‘સાધારણ્ય’ ‘સત્ત્વોદ્રેક’ ‘વિશ્રાન્તિ’ ‘સાક્ષાત્કાર’ ‘એકઘનતા’ ‘સ્પંદ’ ‘અનુભવ’ આદિ અનેક સંજ્ઞાઓ વિશે અહીં પ્રમાણભૂત વ્યાખ્યા મળે છે. આથી રસસિદ્ધાંતની તાત્ત્વિક ભૂમિકા વધુ વિશદ અને સુગ્રાહ્ય બની છે. પ્રસ્તુત લેખના ઉત્તર ભાગમાં સ્થાયીભાવ અને રસના સંબંધને લગતી કેટલીક વિશેષરૂપની ચર્ચા મળે છે. તે પછી શૃંગાર, હાસ્ય અને શાન્ત એ ત્રણ રસવિશેષોને લગતા મુદ્દાઓ છણાયા છે. લેખને અંતે વળી એમાંથી જ ઊભા થતા કેટલાક પાયાના સંપ્રત્યયો – વિભાવાદિની અલૌકિકતા, કાવ્યનો શબ્દ, વિતત સાધારણ્ય, ચમત્કાર અને આનંદ એ બધા વિશે કેટલીક વિશેષ ચર્ચા પરિશિષ્ટો રૂપે મૂકી છે. ઉપરાંત, પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન રોન્યેરો નોલીના જાણીતા ગ્રંથ ‘Aesthetic Experience according to Abhinavagupta’ની સંગીન પ્રસ્તાવનાનો અનુવાદ પણ અહીં ગ્રંથસ્થ થયો છે. એમ અભિનવની રસચર્ચા અહીં અનેક બિંદુએથી સ્પર્શાઈ છે અને ભારતીય રસસિદ્ધાંતને યથાર્થ રૂપમાં ઓળખવાને નવો પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે. રસસિદ્ધાંત જોડે સંકળાયેલા ‘રસાભાસ’ના વિલક્ષણ પ્રશ્ને પણ આ વિદ્વાનનું ધ્યાન ખેંચ્યું છે. તેમનો ‘રસાભાસ : તેનું સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન’ એ વિસ્તારી સંશોધનાત્મક લેખ પણ ધ્યાનપાત્ર છે. એમાં મમ્મટ, અભિનવ અને જગન્નાથ આદિ આચાર્યોને એ સંજ્ઞાથી ખરેખર કયો ખ્યાલ અભિપ્રેત હતો તેમ જ આપણી વિવેચનામાં એ વિશે જુદા જુદા વિદ્વાનોએ કેવી સમજણ પ્રગટ કરી છે તે વિશેનું સારું એવું સર્વેક્ષણ પ્રાપ્ત થાય છે. ડોલરરાય માંકડે પ્રસ્તુત લેખમાંથી જે કેટલાક ચર્ચાના મુદ્દાઓ ઉપસ્થિત કરેલા તેના પ્રત્યુત્તર રૂપે લખાયેલો ‘રસાભાસ : થોડી ચર્ચા’ લેખ અને એ વિશેનું એક પરિશિષ્ટ પણ અહીં છે. ખરેખર સંસ્કૃત અલંકારશાસ્ત્રનો આ વિલક્ષણ ખ્યાલ આધુનિક વિવેચનાના પ્રકાશમાં ધરમૂળથી તપાસી જોવાનો રહે છે. ખાસ તો નગીનદાસ અને ડોલરરાય માંકડે જે વિવાદ કર્યો છે તેની મૂળની ભૂમિકા એથી સ્પષ્ટ થશે. અહીં એ પ્રશ્નને વિગતે જોવાને અવકાશ નથી, પણ એમાં કેવા તો ચર્ચાસ્પદ મુદ્દાઓ સંકળાયા છે તેનો કંઈક ખ્યાલ આવે એ દૃષ્ટિએ માત્ર એક મહત્ત્વના કોયડા પર ધ્યાન ખેંચવા ચાહું છું. અભિનવના મતે વિભાવના આભાસથી ‘રસાભાસ’ જન્મે છે. રામાયણમાં રાત્રણને સીતા માટે આસક્તિ છે, પણ સીતાને રાવણ માટે જરાયે અનુરાગ નથી. એટલે રાવણનો આસક્તિભાવ તે સાચો રતિભાવક નહિ પણ ‘રત્યાભાસ’ માત્ર છે, અને એવા ‘રત્યાભાસ’માંથી નિષ્પન્ન થતો રસ પણ ‘રસાભાસ’ માત્ર છે, એમ તેઓ કહે છે. મને લાગે છે કે અભિનવની આ ચર્ચા જ કંઈક ચિંત્ય લાગે છે. રાવણનો સીતા માટેનો રતિભાવ એકપક્ષી છે, એટલે રાવણ-સીતાના વૃત્તાન્તમાંથી રસ નહિ પણ ‘રસાભાસ’ જન્મે એમ કહેવું સયુક્તિક લાગતું નથી. એક રીતે ‘રસાભાસ’ની સંજ્ઞા સંદિગ્ધ રહી ગઈ જણાશે. કેટલાક આચાર્યોના મતે ‘રસાભાસ’ પણ રસનો જ અનુભવ માત્ર છે, રસાનુભવ પછીની ક્ષણોમાં વિભાવાદિનો વિચાર કરતાં તેમાં જો અનૌચિત્ય લાગે તો તે રસાભાસ કહેવાય, એમ તેઓ કહે છે. આ દલીલનો ખરો અર્થ શો? જો ભાવકને કાવ્યનાટકાદિના અનુસંધાનની ક્ષણે ખરેખર ‘રસ’નો અનુભવ થતો હોય, તો તે પછીની ક્ષણની વિચારણામાં વિભાવાદિના ઔચિત્યની ચર્ચા સૌંદર્યશાસ્ત્રની ભૂમિકાએ કેટલે અંશે પ્રમાણભૂત ગણાય? ‘વિભાવાભાસ’ કે તેના સ્થાયીના ‘આભાસ’ની વિચારણા કાવ્ય-નાટકના ‘રસ’-ના અનુભવની પછીથી થાય તો તેને રસાનુભવની જોડે સરખાવી શકાય ખરી? ‘રસાભાસ’ જો (કાવ્યનાટકના અનુપ્રવેશવેળા) રસનો જ અનુભવ કરાવે તો પાછળથી તેને ‘આભાસ’ ગણવાનો શો અર્થ? આ લેખમાં આવા બીજા મુદ્દાઓ પણ વિચારણા માગે છે. આ ગ્રંથમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના જે બીજા સિદ્ધાંતો રજૂ થયા છે તેમાં ‘વક્રોક્તિ અથવા કુંતકનો કાવ્યવિચાર’ ‘રમણીયતા : જગન્નાથનો કાવ્યવિચાર’ અને ક્ષેમેન્દ્રની ચર્ચામાંથી ‘ઔચિત્યવિચાર’ એ ત્રણ લખાણો ઠીક ધ્યાનપાત્ર છે. એમાં ‘વક્રોક્તિ’ અને ‘રમણીયતા’ વિશેની ચર્ચા તો ગુજરાતીમાં કદાચ પહેલી વાર આટલી વિસ્તૃત વ્યાખ્યા પામી હશે. નગીનદાસે અહીં પણ સંસ્કૃત ગ્રંથોમાંથી વિવેકપૂર્વક મહત્ત્વના વિચારો સારવી લીધા છે. આમ તો સંસ્કૃતની અલંકારચર્ચામાં ઘણુંબધું કૃત્રિમ કૈશિક પૃથક્કરણ મળે છે, પણ આ વિદ્વાને તેમાંથી માર્મિક મુદ્દાઓને યોગ્ય રૂપે રજૂ કર્યા છે. આથી આ લખાણો વધુ અર્થસભર બન્યાં છે. ‘કાવ્યમાં અર્થ’ એ લેખ અને તેની સાથેની ‘વ્યંજના’ વિશેની પરિશિષ્ટરૂપ ચર્ચા પણ એટલી જ ઉપયોગી નીવડે એમ છે. આપણે એમ કહી શકીએ કે સંસ્કૃતની કાવ્યચર્ચામાંથી ઘણી પ્રમાણભૂત સામગ્રી હવે સાંપડતી જાય છે. નવીન સૌંદર્યમીમાંસા અને આધુનિક વિવેચનાના સંદર્ભમાં એનું અર્થઘટન ને મૂલ્યાંકન કરવાની ભૂમિકા હવે રચાતી આવે છે. એટલે કોઈ અધિકારી અભ્યાસી આવું કાર્ય ઉપાડી લે તો સારું એમ જ ઇચ્છીએ.