સંજુ વાળાનાં કાવ્યો/એવાય દિવસો આવશે
દૃષ્ટિમાં અંધારા દ્રવે એવાય દિવસો આવશે
સંધાય, તૂટે અનુક્રમે એવાય દિવસો આવશે
બુઠ્ઠા પ્રયત્નોની અણી બટકે છતાં છેદાય ના –
’ને અર્થ તળમાં ત્રમત્રમે એવાય દિવસો આવશે
વિસ્ફોટ પેલી પાર થાશે ’ને અહીં હારાકીરી –
– મચવી જશે સૌનાં દ્રગે એવાય દિવસો આવશે
સૈકાઓના કોલાહલોને ભેદતા મારા સ્વરો
હું સાંભળું આ સાંપ્રતે એવાય દિવસો આવશે
ભાગું શરીરી સખ્ય છોડી બહાર તે પહેલાં મને
કો’ અન્ય આવીને ગ્રસે એવાય દિવસો આવશે
ક્ષણ-ક્ષણના ફૂંકાતા પ્રલય વચ્ચે નર્યા નિરાંતવાં
બેસાય જેના આશ્રયે એવાય દિવસો આવશે
ચાલો સુગંધી સૃષ્ટિમાં મળશું ફરી સુગંધ થઈ
તું કાનમાં એવું સ્રવે એવાય દિવસો આવશે
હારાકીરી : સામુહિક આત્મહત્યાથી ફેલાતા ત્રાસનું વાતાવરણ