સંજુ વાળાનાં કાવ્યો/પરિત્રાણ મૂકી
સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખુશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી
છો હીરા-માણેકનું હો, કિન્તુ એ બાજાર હૈ ના?
મૂલ્ય અંકાતાં અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને–
કૈં યુગોથી વિનવું છું નિત નવાં જોગાણ મૂકી
તેં તઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી?
જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો–
એમાં ઉમેરણ કર્યું લ્યો! વ્યાપ ’ને ઊંડાણ મૂકી
ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી-ચાંદી થઈ ઊઠ્યાં, તો–
મેં ય મરજીવાઓ પાછળ ઝંપલાવ્યું વહાણ મૂકી
જોગાણ = અશ્વોને તાકાત વધારવા ખવરાવાતા અનાજ-કઠોળ.