સંજુ વાળાનાં કાવ્યો/સખીરી-૭
આપું ઋત દિશા ’ને નક્ષત્રોનાં નામ.......
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ
મેં કહ્યું : તું આરસ અથવા
ઝીણી જળવત્ ઘટનાઓની છબી
તેં પવનમાં આળેખીને
ચીંધી પળવત ઘટનાઓની છબી
સખીરી, ભૂરા—તૂરા—આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ
ચાર પ્રહરનું જળ ડ્હોળીને
નીલમિણ શી આંખ બની ગઈ કોડી
અલ્લપ ઝલ્લપ અણસારાવત્
તેજ લકીરે અધમણ મૂર્છા તોડી
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ
આપું ઋત દિશાને નક્ષત્રોનાં નામ.......