સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/સર્જક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક-પરિચય

જયંત કોઠારી

Jayant Kothari.jpg

કોઠારી જયંત સુખલાલ (૨૮-૧-૧૯૩૦, ૧-૪-૨૦૦૦) : વિવેચક, સંપાદક, સંશોધક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮માં મેટ્રિક. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૯-૬૨માં અમદાવાદની પ્રકાશ આટ્સ કોલેજમાં અને ૧૯૬૨થી ૧૯૭૯ સુધી ગુજરાત લો સોસાયટીની કોલેજોમાં અધ્યાપક, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન. એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (૧૯૬૦) ગ્રંથ મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ નિમિત્તે લખાયેલો બીજો ગ્રંથ ‘પ્લેટો એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ (૧૯૬૯) છે. ‘ઉપક્રમ’ (૧૯૬૯), ‘અનુક્રમ’(૧૯૭૫), ‘અનુષંગ’(૧૯૭૮), ‘વ્યાસંગ’(૧૯૮૪) આ એમના વિવેચન ગ્રંથોમાં ‘પ્રેમાનંદ તત્કાલ અને આજે’, ‘જીવનવૈભવમાં કળાનો મહેલ’, ‘કાન્તનું ગદ્ય’, ‘ગુજરાતી સાહિત્યવિવેચન: વળાંકો અને સીમાચિન્હો’, ‘કલ્પનાનું સ્વરૂપ’, ‘અખા ભગતનો ગુરુવિચાર’ વગેરે જેવા અત્યંત મહત્ત્વના વિવેચનલેખો છે. આ સંગ્રહોમાંના મધ્યકાલીન અને આધુનિક કૃતિઓ વિશેના લેખો વિવેચક કોઠારીની મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યવિવેચન તરફની ગતિ બતાવે છે. [જયંત કોઠારીના બધાં જ પુસ્તકોમાંના લેખોની વર્ગીકૃત સૂચિ આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.] ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિષદ રીતે પરિચય કરાવતું ઉત્તમ પુસ્તક છે. આ ઉપરાંત ‘સુદામાચરિત્ર’ (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ (૧૯૭૬), ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૭૭), ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ (૧૯૮૦), ‘કાન્ત વિશે’ (૧૯૮૭) ‘જૈનગૂર્જર કવિઓ’ (૧૯૮૭), ‘આરામશોભા રાસમાળા’ (૧૯૮૯), ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ (૧૯૯૫) એમના સંપાદનો અને સહસંપાદનો છે.