સત્યના પ્રયોગો/છમકલું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૦. સત્યાગ્રહનું છમકલું

આમ ધર્મ સમજીને હું યુદ્ધમાં પડયો તો ખરો, પણ મારે નસીબે તેમાં સીધો ભાગ લેવાનું ન આવ્યું એટલું જ નહીં, પણ આવે નાજુક વખતે સત્યાગ્રહ કરવાનુંયે આવી પડયું.

જ્યારે અમારાં નામો મંજૂર થયાં ને નોંધાયાં ત્યારે અમને પૂરી કવાયત આપવાનું સારુ એક અમલદારને નીમવામાં આવ્યાનું હું લખી ચૂક્યો છું. અમારી બધાની ગરજ એવી હતી કે, આ અમલદાર યુદ્ધની તાલીમ આપવા પૂરતા અમારા મુખી હતા, બીજી બધી બાબતોમાં ટુકડીનો મુખી હું હતો. મારા સાથીઓ પ્રત્યે જવાબદારી મારી હતી, ને તેમની મારા પ્રત્યે; એટલે કે મારી મારફતે અમલદારે બધું કામ લેવું જોઈએ એવી અમારી સમજ હતી. પણ પુત્રના પગ પારણેથી વરતાય, તેમ અમલદારની આંખ અમે પહેલે જ દહાડેથી જુદી રીતે ઓળખવા લાગ્યા. સોરાબજી બહુ શાણા હતા. તેમણે મને ચેતવ્યોઃ ‘ભાઈ, જોજો. આ માણસ જેમની જહાંગીરી ચલાવવા માગતા જણાય છે. અમારે તેમના હુકમ ન જોઈએ. અમે એમને શિક્ષક માનીએ છીએ. પણ પેલા જુવાનિયા આવ્યા છે તે પણ અમારી ઉપર હુકમ કરવા આવ્યા હોય એમ જોઉં છું.’ આ જુવાનો ઑક્સફર્ડના વિદ્યાર્થીઓ હતા ને શીખવવાને સારુ આવ્યા હતા. અને તેમને વડા અમલદારે અમારા પેટાઉપરીઓ તરીકે નીમ્યા હતા. હું પણ સોરાબજીએ કહેલું જોઈ ગયો હતો. મેં સોરાબજીને સાંત્વન આપ્યું ને ફિકર ન કરવા કહ્યું. પણ સોરાબજી ઝટ માને તેવા નહોતા.

‘તમે ભોળા છો. આ લોકો મીઠું મીઠું બોલીને તમને છેતરશે, ને પછી જ્યારે તમારી આંખ ઊઘડશે ત્યારે તમે કહેશોઃ ચાલો સત્યાગ્રહ કરીએ, ને પછી તમે અમને ખુવાર કરશો,’ સોરાબજી હસતાં હસતાં બોલ્યા.

મેં જવાબ વાળ્યોઃ ‘મારો સાથ કરવામાં ખુવારી સિવાય તમે બીજું કોઈ દહાડો ક્યાં અનુભવ્યું છે? અને સત્યાગ્રહી તો છેતરાવાને જ જન્મે છે ના? એટલે ભલે આ સાહેબ મને છેતરે. તમને મેં હજારો વાર નથી કહ્યું કે છેવટ તો છેતરનાર જ છેતરાય છે?’

સોરાબજી ખડખડાટ હસી પડ્યાઃ ‘સારુ, ત્યારે છેતરાયા કરો. કોક દહાડો સત્યાગ્રહમાં મરશો, ને તમારી પાછળ અમારા જેવાને લઈ જશો.’

આ શબ્દોનું સ્મરણ કરતાં મરહૂમ મિસ હૉબહાઉસે અસહકારના પ્રસંગે મને લખેલા બોલ યાદ આવે છેઃ ‘તમારે સત્યને ખાતર કોક દહાડો ફાંસીએ ચડવું પડે તો મને આશ્ચર્ય નહીં થાય. ઈશ્વર તમને સીધે જ રસ્તે દોરો ને તમારી રક્ષા કરો.’

સોરાબજી સાથેની ઉપલી વાત તો અમલદાર ગાદીનશીન થયા પછીના આરંભકાળમાં થયેલી; આરંભ ને અંત વચ્ચેનું અંતર થોડા જ દિવસનું હતું. પણ તે દરમિયાન મને પસલીઓનો સખત વરમ ઊપડી આવ્યો. ચૌદ દિવસના ઉપવાસ પછી મારું શરીર બરોબર બંધાયું તો નહોતું જ, પણ કવાયતમાં મેં પૂરો ભાગ લેવા માંડયો હતો, અને ઘણી વેળા ઘેરથી કવાયતની જગ્યાએ ચાલીને જતો. તે અંતર બે માઈલનું તો ખરું જ. આને અંગે છેવટે મારે ખાટલાનું સેવન કરવું પડયું.

મારી આ સ્થિતિમાં અમારે કૅમ્પમાં જવાનું હતું. બીજાઓ ત્યાં રહેતા ને હું સાંજે પાછો ઘેર આવતો. અહીં સત્યાગ્રહનો પ્રસંગ ઊભો થયો.

અમલદારે પોતાનો અમલ ભજવ્યો. તેમણે સ્પષ્ટ સંભળાવ્યું કે બધી બાબતોમાં તે અમારા મુખી છે. પોતાની મુખત્યારીના બેચાર પદાર્થપાઠો પણ અમને ભણાવ્યા. સોરાબજી મારી પાસે પહોંચ્યા. તે આ જહાંગીરી સાંખવા તૈયાર નહોતા. તેમણે કહ્યું: ‘બધા હુકમો તમારી મારફતે જ મળવા જોઈએ. અત્યારે તો આપણે તાલીમી છાવણીમાં છીએ, અને દરેક બાબતમાં બેહૂદા હુકમો નીકળે છે. પેલા જુવાનો અને અમારી વચ્ચે ઘણી બાબતોમાં ભેદ રાખવામાં આવે છે. આ સહ્યું જાય તેમ નથી. આની ચોખવટ તુરત થવી જોઈએ, નહીં તો આપણું કામ ભાંગી પડવાનું છે. આ બધા વિદ્યાર્થીઓ અને બીજા જે આ કામમાં જોડાયા છે તે એક પણ બેહૂદો હુકમ સાંખવાના નથી. સ્વમાન સંગ્રહ કરવા ઉપાડેલા કામમાં અપમાન જ સહન કરવાં એ નહીં બને.’

હું અમલદારની પાસે ગયો, મારી પાસે આવેલી બધી ફરિયાદો તેમને સંભળાવી. તેમણે એક કાગળ લખી મને બધી ફરિયાદો લેખી રીતે જણાવવા કહ્યું, અને સાથે પોતાના અધિકારની વાત કરી. તેમણે જણાવ્યું ‘ફરિયાદ તમારી મારફતે ન થાય, ફરિયાદ તો પેટાઉપરીઓ મારફતે મને સીધી જ કરવી જોઈએ.’

મેં જવાબમાં જણાવ્યું ‘મારે અધિકાર નથી ભોગવવો. લશ્કરી રીતે હું તો સામાન્ય સિપાહી જ કહેવાઉં; પણ અમારી ટુકડીના મુખી તરીકે તમારે મને તેમના પ્રતિનિધિ તરીકે સ્વીકારવો જોઈએ.’ મેં મારી પાસે આવેલી ફરિયાદો પણ જણાવીઃ ‘પેટાઉપરીઓ અમારી ટુકડીને પૂછયા વિના નીમવામાં આવ્યા છે, અને તેમને વિશે ઘણો અસંતોષ ફેલાયો છે; એટલે તેમને ખસેડવામાં આવે, અને ટુકડીને પોતાના ઉપરીઓ ચૂંટવાનો અધિકાર આપવામાં આવે.’

આ વાત એમને ગળે ન ઊતરી. એમણે મને સંભળાવ્યુ કે આ ઉપરીઓની ટુકડી ચૂંટે એ વાત જ લશ્કરી નિયમની વિરુદ્ધ છે, અને એ ઉપરીઓને ખસેડવામાં આવે તો આજ્ઞાપાલનનું નામનિશાન ન રહે.

અમે સભા ભરી. સત્યાગ્રહનાં ગંભીર પરિણામો સંભળાવ્યાં. લગભગ બધાએ સત્યાગ્રહના શપથ લીધા. અમારી સભાએ એવો ઠરાવ કર્યો કે, હાલના ઉપરીઓ ને ખસેડવામાં આવે અને ટુકડીને નવા ઉપરીઓ ન પસંદ કરવા દેવામાં આવે, તો અમારી ટુકડી કવાયતમાં જવાનું અને કૅમ્પમાં જવાનું બંધ કરશે.

મેં અમલદારને એક કાગળ લખી મારો સખત અસંતોષ જાહેર કર્યો, અને જણાવ્યું કે મારે અધિકાર નથી ભોગવવો, મારે તો સેવા કરવી છે, અને આ કામ સાંગોપાંગ ઉતારવું છે. મેં તેમને એ પણ જણાવ્યું કે, બોઅર યુદ્ધમાં મેં અધિકાર કશો ભોગવ્યો નહોતો, છતાં કર્નલ ગેલવે અને અમારી ટુકડી વચ્ચે કદી કાંઈ તકરારનો પ્રસંગ આવ્યો નહોતો, અને તે અમલદાર મારી ટુકડીની ઇચ્છા મારી મારફતે જાણીને જ બધી વસ્તુ કરતા. મારા કાગળ સાથે અમારી ટુકડીએ કરેલા એક ઠરાવની નકલ મોકલી.

અમલદારની ઉપર આની કશી અસર ન થઈ. તેમને તો લાગ્યું કે અમારી ટુકડીએ સભા ભરીને ઠરાવ કર્યો એ જ લશ્કરી નિયમનો ગંભીર ભંગ હતો.

આ પછી મેં હિંદી વજીરને એક કાગળ લખીને બધી હકીકત જણાવી અમારી સભાનો ઠરાવ મોકલ્યો.

હિંદી વજીરે મને જવાબમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાની સ્થિતિ જુદી હતી; અહીં તો ટુકડીના વડા અમલદારને પેટાઉપરીઓ નીમવાનો હક છે, છતાં ભવિષ્યમાં તે અમલદાર તમારી ભલામણ ધ્યાનમાં લેશે.

આ પછી તો અમારે ઘણો પત્રવ્યવહાર થયો, પણ બધા કડવા અનુભવો આપી આ પ્રકરણ લંબાવવા નથી ઇચ્છતો.

પણ આટલું તો કહ્યા વિના ન જ ચાલે કે, જે અનુભવો આપણને રોજ હિંદુસ્તાનમાં થાય છે તેવા તે હતા. અમલદારે ધમકીથી, કળથી અમારામાં ફૂટ પાડી. કેટલાક શપથ લીધા છતાં કળને કે બળને વશ થયા. આટલામાં નેટલી ઇસ્પિતાલમાં અણધારેલી સંખ્યામાં ઘાયલ સિપાહીઓ આવી પહોંચ્યા, ને તેમની સારવારને સારુ અમારી આખી ટુકડીની જરૂર પડી. અમલદાર જેમને ખેંચી શક્યા હતા તે તો નેટલી પહોંચ્યા. પણ બીજા ન ગયા એ ઇન્ડિયા ઑફિસને ન ગમ્યું. હું તો પથારીવશ હતો. પણ ટુકડીના લોકોને મળ્યા કરતો હતો. મિ. રૉબર્ટ્સના સંબંધમાં હું સારી રીતે આવ્યો હતો. તે મને મળવા આવી પહોંચ્યા, ને બાકી રહેલાને પણ મોકલવાનો આગ્રહ કર્યો. તેમણે નોખી ટુકડીરૂપે જવું એવી તેમની સૂચના હતી. નેટલી ઇસ્પિતાલમાં તો ટુકડીએ ત્યાંના મુખીને તાબે રહેવાનું રહેશે એટલે તેમની માનહાનિ નહીં થાય, સરકારને તેમના જવાથી સંતોષ થશે, ને મોટા જથામાં આવી ગયેલા જખમીઓની સારવાર થશે. મારા સાથીઓને અને મને આ સૂચના ગમી, અને રહી ગયેલા વિદ્યાર્થીઓ પણ નેટલી ગયા. એક હું જ દાંત પીસતો પથારીમાં પડયો રહ્યો.