સત્યના પ્રયોગો/દુઃખદ પ્રસંગ2

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭. દુઃખદ પ્રસંગ – ૨

નીમેલો દિવસ આવ્યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્કેલ છે. એક તરફ સુધારાનો ઉત્સાહ, જિંદગીમાં મહત્ત્વનો ફેરફાર કરવાની નવાઈ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઈને કાર્ય કરવાની શરમ, આમાં કઈ વસ્તુ પ્રધાન હતી એનું મને સ્મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્યા. દૂર જઈ કોઈ ન દેખી શકે એવો ખૂણો શોધ્યો, અને ત્યાં મેં કદી નહીં જોયેલી વસ્તુ – માંસ જોયું! સાથે ભઠિયારાને ત્યાંની ડબલરોટી હતી. બેમાંથી એક વસ્તુ ભાવે નહીં. માંસ ચામડા જેવું લાગે. ખાવું અશક્ય થઈ પડયું. મને ઓકારી આવવા લાગી. ખાવું પડતું મેલવું પડયું.

મારી આ રાત્રિ બહુ વસમી ગઈ. ઊંઘ ન આવે. કેમ જાણે શરીરમાં બકરું જીવતું હોય ને રુદન કરતું હોય એમ સ્વપ્નામાં લાગે. હું ભડકી ઊઠું, પસ્તાઉં ને વળી વિચારું કે મારે તો માંસાહાર કર્યે જ છૂટકો છે, હિંમત ન હારવી! મિત્ર પણ હારી જાય તેવા નહોતા. તેણે હવે માંસને જુદી જુદી રીતે રાંધવાનું ને શણગારવાનું તેમ જ ઢાંકવાનું કર્યું. નદીકિનારે લઈ જવાને બદલે કોઈ બબરચીની સાથે ગોઠવણ કરી છૂપી રીતે એક દરબારી ઉતારામાં લઈ જવાનું યોજ્યું અને ત્યાં ખુરશી, મેજ વગેરે સામગ્રીઓના પ્રલોભન વચ્ચે મને મૂક્યો. આની અસર થઈ. રોટીનો તિરસ્કાર મોળો પડયો, બકરાની માયા છૂટી, ને માંસનું તો ન કહેવાય પણ માંસવાળા પદાર્થો દાઢે વળગ્યા. આમ એક વર્ષ વીત્યું હશે અને તે દરમિયાન પાંચ છ વાર માંસ ખાવા મળ્યું હશે, કેમ કે હમેશાં દરબારી ઉતારા ન મળે, હમેશાં માંસનાં સ્વાદિષ્ટ ગણાતાં સરસ ભોજનો તૈયાર ન થઈ શકે. વળી એવાં ભોજનોના પૈસા પણ બેસે. મારી પાસે તો ફૂટી બદામ સરખી નહોતી, એટલે મારાથી કંઈ અપાય તેમ નહોતું. એ ખર્ચ તો પેલા મિત્રે જ શોધવાનું હતું. તેણે ક્યાંથી શોધ્યું હશે તેની મને આજ લગી ખબર નથી. તેનો ઇરાદો તો મને માંસ ખાતો કરી મૂકવાનો – મને વટલાવવાનો – હતો, એટલે પૈસાનું ખર્ચ પોતે કરે. પણ તેની પાસે પણ કંઈ અખૂટ ખજાનો નહોતો. એટલે આવાં ખાણાં ક્વચિત્ જ થઈ શકે.

જ્યારે જ્યારે આવું ખાણું ખાવામાં આવે ત્યારે ત્યારે ઘેર જમવાનું તો ન જ બને. માતા જ્યારે જમવા બોલાવે ત્યારે ‘આજે ભૂખ નથી, પચ્યું નથી,’ એવાં બહાનાં કાઢવાં પડે. આમ કહેતાં દરેક વેળા મને ભારે આઘાત પહોંચતો. આ જૂઠું, તેય માની સામે! વળી જો માતપિતા જાણે કે દીકરા માંસાહારી થયા છે તો તો તેમના પર વીજળી જ પડે. આ ખ્યાલો મારું હૃદય કોરી ખાતા હતા. તેથી મેં નિશ્ચય કર્યો : ‘માંસ ખાવું આવશ્યક છે; તેનો પ્રચાર કરી હિંદુસ્તાનને સુધારશું; પણ માતપિતાને છેતરવાં અને જૂઠું બોલવું એ માંસ ન ખાવા કરતાંયે ખરાબ છે. તેથી માતપિતાના જીવતાં માંસ ન ખવાય. તેમના મૃત્યુ પછી સ્વતંત્ર થયે ખુલ્લી રીતે માંસ ખાવું, ને તે સમય ન આવે ત્યાં સુધી માંસાહારનો ત્યાગ કરવો.’ આ નિશ્ચય મેં મિત્રને જણાવી દીધો ને ત્યારથી માંસાહાર છૂટયો તે છૂટયો જ. માતપિતાએ તો કદી જાણ્યું જ નહીં કે તેમના બે પુત્રો માંસાહાર કરી ચૂક્યા હતા.

માતપિતાને ન છેતરવાના શુભ વિચારને લઈને મેં માંસાહાર છોડયો, પણ પેલી મિત્રતા કંઈ ન છોડી. હું સુધારવા નીકળેલો પોતે જ અભડાયો ને અભડાયાનું મને ભાન સરખું ન રહ્યું.

તે જ સંગને લઈને હું વ્યભિચારમાં પણ પડત. એક વેળા મને આ ભાઈ વેશ્યાવાડમાં લઈ ગયા. ત્યાં એક બાઈના મકાનમાં મને યોગ્ય સૂચનાઓ આપીને મોકલ્યો. મારે કંઈ તેને પૈસા આપવાના નહોતા. હિસાબ થઈ ચૂક્યો હતો. મારે તો માત્ર ગોઠડી કરવાની હતી.

હું મકાનમાં પુરાયો તો ખરો. પણ જેને ઈશ્વર ઉગારવા ઇચ્છે તે પડવા ઇચ્છતો છતાં પવિત્ર રહી શકે છે. આ કોટડીમાં હું તો આંધળો જ થઈ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્તબ્ધ થઈ એ બાઈની પાસે ખાટલા ઉપર બેઠો, પણ બોલી જ ન શક્યો. બાઈ ગુસ્સે થઈ ને મને બેચાર ‘ચોપડી’ને દરવાજો જ બતાવ્યો.

તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઇચ્છયું. પણ આમ ઊગર્યાને સારુ મેં ઈશ્વરનો સદાય પાડ માન્યો છે. આવા જ પ્રસંગ મારી જિંદગીમાં બીજા ચાર આવેલા છે. તેમાંના ઘણામાં, મારા પ્રયત્ન વિના, સંજોગોને લીધે હું બચ્યો છું એમ ગણાય. વિશુદ્ધ દૃષ્ટિએ તો એ પ્રસંગોમાં હું પડયો જ ગણાઉં. મેં વિષયની ઇચ્છા કરી એટલે હું તે કરી ચૂક્યો છતાં, લૌકિક દૃષ્ટિએ, ઇચ્છા કર્યા છતાં પ્રત્યક્ષ કર્મથી જે બચે છે તેને આપણે બચ્યો ગણીએ છીએ. અને હું આ પ્રસંગોમાં એ જ રીતે, એટલે જ અંશે બચ્યો ગણાઉં. વળી કેટલાંક કાર્યો એવાં છે કે જે કરવાથી બચવું એ વ્યક્તિને અને તેના સહવાસમાં આવનારને બહુ લાભદાયી નીવડે છે, અને જ્યારે વિચારશુદ્ધિ થાય છે ત્યારે તે કાર્યમાંથી બચ્યાને સારુ તે ઈશ્વરનો અનુગ્રહ માને છે. જેમ ન પડવાનો પ્રયત્ન કરતો છતો મનુષ્ય પડે છે એવું આપણે અનુભવી છીએ, તેમ જ પડવા ઇચ્છતો છતો અનેક સંજોગોને કારણે મનુષ્ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. આમાં પુરુષાર્થ ક્યાં છે, દૈવ ક્યાં છે, અથવા કયા નિયમોને વશ વર્તીને મનુષ્ય છેવટે પડે છે અથવા બચે છે, એ પ્રશ્નો ગૂઢ છે. તેનો ઉકેલ આજ લગી થયો નથી અને છેવટનો નિર્ણય થઈ શકશે કે નહીં એ કહેવું કઠિન છે.

પણ આપણે આગળ ચાલીએ.

પેલા મિત્રની મિત્રતા અનિષ્ઠ છે એ વાતનું ભાન મને હજુયે ન થયું. તેમ થાય તે પહેલાં મારે હજુ બીજા કડવા અનુભવો લેવાના જ હતા. એ તો જ્યારે તેનામાં ન ધારેલા દોષોનું મને પ્રત્યક્ષ દર્શન થયું ત્યારે જ હું કળી શક્યો. પણ હું બને ત્યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું તેથી બીજા હવે પછી આવશે.

એક વસ્તુ આ સમયની છે તે કહેવી પડે. અમ દંપતી વચ્ચે કેટલોક અંતરાય પડતો અને કંકાસ થતો તેનું કારણ આ મિત્રતા પણ હતું. હું આગળ જણાવી ગયો કે હું પ્રેમી તેવો જ વહેમી પતિ હતો. મારા વહેમમાં વૃદ્ધિ કરનાર આ મિત્રતા હતી, કેમ કે મિત્રની સચ્ચાઈ ઉપર મને અવિશ્વાસ જ નહોતો. આ મિત્રની વાતો માનીને મેં મારી ધર્મપત્નીને કેટલુંક દુઃખ દીધું છે. તે હિંસાને સારું મેં મને કદી માફી નથી આપી. એવાં દુઃખો હિંદુ સ્ત્રી જ સાંખતી હશે. અને તેથી મેં હમેશાં સ્ત્રીને સહનશીલતાની મૂર્તિરૂપે કલ્પી છે. નોકર ઉપર ખોટા વહેમ જાય ત્યારે નોકર નોકરી છોડે, પુત્ર ઉપર એવું વીતે તો બાપનું ઘર છોડે. મિત્ર મિત્ર વચ્ચે વહેમ દાખલ થાય એટલે મિત્રતા તૂટે. સ્ત્રી ધણી ઉપર વહેમ લાવે તો તે સમસમીને બેસી રહે. પણ જો પતિ પત્નીને વિશે વહેમ લાવે તો પત્નીના તો બિચારીના ભોગ જ મળ્યા. તે ક્યાં જાય? ઊંચ મનાતા વર્ણની હિંદુ સ્ત્રી અદાલતમાં જઈ બંધાયેલી ગાંઠને કપાવી પણ ન શકે, એવો એકપક્ષી ન્યાય તેને સારુ રહેલો છે. એવો ન્યાય મેં આપ્યો તેનું દુઃખ કદી વીસરી શકું તેમ નથી. એ વહેમનો સર્વથા નાશ તો જ્યારે મને અહિંસાનું સૂક્ષ્મ જ્ઞાન થયું ત્યારે જ થયો. એટલે કે જ્યારે હું બ્રહ્મચર્યનો મહિમા સમજ્યો, ને સમજ્યો કે પત્ની પતિની દાસી નથી પણ તેની સહચારિણી છે, સહધર્મિણી છે, બન્ને એકબીજાનાં સુખદુઃખનાં સરખાં ભાગીદાર છે, અને જેટલી સ્વતંત્રતા સારુંનઠારું કરવાની પતિને છે, તેટલી જ સ્ત્રીને છે. એ વહેમના કાળે જ્યારે સંભારું છું ત્યારે મને મારી મૂર્ખતા ને વિષયાંધ નિર્દયતા પર ક્રોધ આવે છે, ને મિત્રતાની મારી મૂર્છાને વિશે દયા ઊપજે છે.