સત્યના પ્રયોગો/મહેતાજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૨. મહેતાજી

‘સત્યાગ્રહના ઇતિહાસ’માં જે વસ્તુ નથી આવી શકી અથવા થોડા જ અંશમાં આવી છે તે જ વસ્તુ આ પ્રકરણોમાં આવે છે, એ વાંચનાર યાદ રાખશે તો આ પ્રકરણોનો અરસપરસનો સંબંધ સમજી શકશે.

ટૉલ્સ્ટૉય આશ્રમમાં બાળકો તેમ જ બાળાઓને સારુ કંઈક શિક્ષણનો પ્રબંધ આવશ્યક હતો. મારી સાથે હિંદુ, મુસલમાન, પારસી અને –િસ્તી નવયુવકો હતા, અને થોડી હિંદુ બાળાઓ પણ હતી. ખાસ શિક્ષકો રાખવા અશક્ય હતું, અને મને અનાવશ્યક લાગેલું. અશક્ય હતું કેમ કે યોગ્ય હિંદી શિક્ષકોની અછત હતી, અને મળે તોય મોટા પગાર વિના જોહાનિસબર્ગથી ૨૧ માઈલ દૂર કોણ આવે? મારી પાસે પૈસાની છોળ નહોતી. બહારથી શિક્ષક લાવવા અનાવશ્યક માન્યું, કેમ કે ચાલુ કેળવણીની પદ્ધતિ મને પસંદ નહોતી. ખરી પદ્ધતિ શી છે તેનો મેં અનુભવ નહોતો મેળવી જોયો. એટલું સમજતો હતો કે, આદર્શ સ્થિતિમાં ખરી કેળવણી તો માબાપની નીચે જ હોય. આદર્શ સ્થિતિમાં બાહ્ય મદદ ઓછામાં ઓછી હોવી જોઈએ. ટૉલ્સ્ટૉય આશ્રમ એક કુટુંબ છે અને તેમાં પિતારૂપે હું છું, એટલે મારે એ નવયુવકોના ઘડતરની જવાબદારી યથાશક્તિ ખેડવી જોઈએ એમ ધાર્યું.

આ કલ્પનામાં ઘણા દોષો તો હતા જ. નવયુવકો મારી પાસે જન્મથી નહોતા. બધા જુદાં જુદાં વાતાવરણોમાં ઊછર્યાં હતા. બધા એક જ ધર્મના પણ નહોતા. આવી સ્થિતિમાં રહેલ બાળકો અને બાળાઓને હું પિતા બનીને પણ કેમ ન્યાય આપી શકું?

પણ મેં હૃદયની કેળવણીને એટલે ચારિત્ર ખીલવવાનો હમેશાં પ્રથમ પદ આપ્યું છે. અને તેનો પરિચય ગમે તે વયે અને ગમે તેટલી જાતનાં વાતાવરણોમાં ઊછરેલાં બાળકો અને બાળાઓને ઓછાવત્તા પ્રમાણમાં આપી શકાય, એમ વિચારી આ બાળકો ને બાળાઓની સાથે હું રાત અને દિવસ પિતારૂપે રહેતો હતો. ચારિત્રને મેં તેમની કેળવણીના પાયારૂપે માન્યું. પાયો પાકો થાય તો બીજું બાળકો અવકાશ મળ્યે મદદ લઈને કે આપબળે મેળવી લે.

છતાં અક્ષરજ્ઞાન થોડુંઘણું પણ આપવું તો જોઈએ જ એમ હું સમજતો હતો, તેથી વર્ગો કાઢયા, ને તેમાં મિ. કૅલનબૅકની અને પ્રાગજી દેસાઈની મદદ લીધી.

શારીરિક કેળવણીની આવશ્યકતા સમજતો હતો. તે કેળવણી તેમને સહેજે મળી રહી હતી.

આશ્રમમાં નોકરો તો નહોતા જ. પાયખાનાથી માંડીને રસોઈ સુધીનાં બધાં કામો આશ્રમવાસીઓને જ કરવાનાં હતાં. ફળઝાડો પુષ્કળ હતાં. નવું વાવેતર કરવાનું જ હતું. મિ. કૅલનબૅકને ખેતીનો શોખ હતો. પોતે સરકારી આદર્શ વાડીઓમાં થોડો વખત શીખી આવ્યા હતા. રોજ અમુક સમય નાનામોટા બધા જે રસોડાના કામમાં ન રોકાયા હોય તેમને બગીચામાં કામ કરવું જ પડતું. આમાં બાળકનો મોટો હિસ્સો હતો. મોટા ખાડા ખોદવા, ઝાડો કાપવાં, બોજા ઊંચકી જવા, વગેરે કામમાં તેમનાં શરીર સારી પેઠે કસાતાં. તેમાં તેમને આનંદ આવતો, ને તેથી બીજી કસરતની કે રમતની તેમને જરૂર નહોતી રહેતી. કામ કરવામાં કેટલાક અથવા કોઈ વાર બધા વિદ્યાર્થીઓ નખરાં કરતા, આળસ કરતા. ઘણી વેળા આની સામે હું આંખ મીંચતો. કેટલીક વેળા તેમની પાસેથી સખતીથી કામ લેતો. જ્યારે સખતી કરતો ત્યારે તેઓ કંટાળતા એમ પણ હું જોતો. છતાં સખતીનો વિરોધ બાળકોએ કર્યો હોય એવું મને યાદ નથી. જ્યારે જ્યારે સખતી કરતો ત્યાર ત્યારે તેમને સમજાવતો અને તેમની પાસે જ કબૂલ કરાવતો કે કામની વખતે રમત એ સારી ટેવ ન ગણાય. તેઓ તે ક્ષણે સમજે, બીજી ક્ષણે ભૂલે, એમ ગાડું ચાલતું. પણ તેમનાં શરીર ઘડાયે જતાં હતાં.

આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. તેમાં હવાપાણીનો અને સારા ને નિયમિત ખોરાકનો પણ મોટો હિસ્સો હતો એ કહેવું જોઈએ. શારીરિક કેળવણીના સંબંધમાં જ શારીરિક ધંધાની કેળવણી ગણાવી જાઉં. સહુને કંઈક ઉપયોગી ધંધો શીખવવો એ ઇરાદો હતો. તેથિ મિ. કૅલનબૅક ટ્રેપિસ્ટ મઠમાં ચંપલ બનાવવાનું શીખી આવ્યા. તેમની પાસેથી હું શીખ્યો, ને મેં જે બાળકો એ ધંધો શીખવા તૈયાર થયા તેમને શીખવ્યો. મિ. કૅલનબૅકને સુતારકામનો થોડો અનુભવ હતો, અને આશ્રમમાં સુતારકામ જાણનાર એક સાથી હતો, તેથી તે કામ પણ થોડે અંશે શીખવવામાં આવતું. રસોઈ તો લગભગ બધાં બાળકો શીખી ગયાં.

આ બધાં કામો બાળકોને સારુ નવાં હતાં. તેમનાં તો સ્વપ્નાંમાંયે આવાં કામો શીખવાનું નહીં હોય. જે કંઈ કેળવણી હિંદી બાળકો દક્ષિણ આફ્રિકામાં પામતા તે કેવળ પ્રાથમિક અક્ષરજ્ઞાનની જ હતી. ટૉલ્સ્ટૉય આશ્રમમાં પ્રથમથી જ રિવાજ પાડયો હતો કે, જે કામ અમે શિક્ષકો ન કરીએ તે બાળકોની પાસે ન કરાવવું, ને હમેશાં તેમની સાથે સાથે એ જ કામ કરનાર એક શિક્ષક હોય. એટલે બાળકો હોંશથી શીખ્યા.

ચારિત્ર અને અક્ષરજ્ઞાનને વિશે હવે પછી.