સત્યના પ્રયોગો/શરમાળપણું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૮. શરમાળપણું – મારી ઢાલ

અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચૂંટાયો તો ખરો, અને ત્યાં દરેક વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઉપડે. મને દા. ઓલ્ડફિલ્ડ કહે, ‘તું તારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજ્યો. માખીઓ નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતોપીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા સૌ પોતપોતાના અભિપ્રાયો દર્શાવે ત્યારે હું મૂંગો જ બેસી રહું એ કેવું? મને બોલવાનું મન ન થતું એમ નહીં, પણ શું બોલવું? બધા સભ્યો મારા કરતાં વધારે જાણનારા લાગે. વળી કોઈ બાબતમાં બોલવા જેવું લાગે અને હું બોલવાની હિંમત કરવા જતો હોઉં તેવામાં તો બીજો વિષય ઊપડે.

આમ બહુ વખત ચાલ્યું. તેવામાં સમિતિમાં એક ગંભીર વિષય નીકળ્યો. તેમાં ભાગ ન લેવો એ મને અન્યાય થવા દીધા બરોબર લાગ્યું. મૂંગે મોઢે મત આપી શાંત રહેવું એ નામર્દાઈ લાગી. મંડળના પ્રમુખ ‘ટેમ્સ આયર્ન વર્કસ’ના માલિક મિ. હિલ્સ હતા. તેઓ નીતિચુસ્ત હતા. તેમના પૈસા ઉપર મંડળ નભતું હતું એમ કહી શકાય. સમિતિમાંના ઘણા તો તેમની છાયા નીચે નભતા હતા. આ સમિતિમાં દા. એલિન્સન પણ હતા. આ વખતે પ્રજોત્પત્તિ ઉપર કૃત્રિમ ઉપાયોથી અંકુશ મૂકવાની હિલચાલ ચાલતી હતી. દા. ઍલિન્સન તે ઉપાયોના હિમાયતી હતા ને મજૂરોમાં તેનો પ્રચાર કરતા. મિ. હિલ્સને આ ઉપાયો નીતિનાશ કરનારા લાગ્યા. તેમને મન અન્નાહારી મંડળ કેવળ ખોરાકના જ સુધારાને સારું નહોતું, પણ તે એક નીતિવર્ધક મંડળ પણ હતું. અને તેથી દા. ઍલિન્સનના જેવા સમાજઘાતક વિચારો ધરાવનારા તે મંડળમાં ન હોવા જોઈએ એવો તેમનો અભિપ્રાય હતો. તેથી દા. ઍલિન્સનને સમિતિમાંથી બાતલ કરવાની દરખાસ્ત આવી. આ ચર્ચામાં હું રસ લેતો હતો. દા. ઍલિન્સનના કૃત્રિમ ઉપાયોવાળા વિચારો મને ભયંકર લાગેલા. તે સામે મિ. હિલ્સના વિરોધને હું શુદ્ધ નીતિ માનતો હતો. તેમના પ્રત્યે મને ખૂબ માન હતું. તેમની ઉદારતાને વિશે આદર હતો. પણ એક અન્નાહારસંવર્ધકમંડળમાંથી શુદ્ધ નીતિના નિયમોને ન માનનારાનો, તેની અશ્રદ્ધાને કારણે, બહિષ્કાર થાય એમાં મને ચોખ્ખો અન્યાય જણાયો. મને લાગ્યું કે અન્નાહારી મંડળના સ્ત્રીપુરુષસંબંધ વિશેના મિ. હિલ્સના વિચાર તેમના અંગત હતા. તેને મંડળના સિદ્ધાંત સાથે કશો સંબંધ નહોતો. મંડળનો હેતુ કેવળ અન્નાહારનો પ્રચાર કરવાનો હતો, અન્ય નીતિનો નહીં. તેથી બીજી અનેક નીતિનો અનાદર કરનારને પણ મંડળમાં સ્થાન હોઈ શકે એવો મારો અભિપ્રાય હતો.

સમિતિમાં બીજા પણ મારા વિચારના હતા. પણ મને મારા વિચારો પ્રગટ કરવાનું શૂર ચડયું હતું. તે કેમ જણાવાય એ મહાપ્રશ્ન થઈ પડયો. બોલવાની મારી હિંમત નહોતી. તેથી મેં મારા વિચાર લખીને પ્રમુખની પાસે મૂકવાનો નિશ્ચય કર્યો. હું મારું લખાણ લઈ ગયો. મને યાદ છે તે પ્રમાણે એ લખાણ વાંચી જવાની પણ મારી હિંમત ન ચાલી. પ્રમુખે તે બીજા સભ્યની પાસે વંચાવેલું. દા. ઍલિન્સનનો પક્ષ હારી ગયો. એટલે આવા પ્રકારના મારે સારુ આ પહેલા યુદ્ધમાં હું હારનાર પક્ષમાં રહ્યો. પણ તે પક્ષ સાચો હતો એવી મને ખાતરી હતી, તેથી મને સંપૂર્ણ સંતોષ હતો. મારો કંઈક એવો ખ્યાલ છે કે મેં ત્યાર પછી સમિતિમાંથી રાજીનામું આપેલું.

મારું શરમાળપણું વિલાયતમાં છેવટ સુધી રહ્યું. કોઈને મળવા જતાંયે જ્યાં પાંચસાત માણસનું મંડળ એકઠું થાય ત્યાં હું મૂંગો બની જાઉં.

એક વખત હું વેંટનર ગયેલો. ત્યાં મજમુદાર પણ હતા. અહીં એક અન્નાહારી ઘર હતું ત્યાં અમે બન્ને રહેતા. ‘એથિક્સ ઑફ ડાયટ’ના કર્તા આ જ બંદરમાં રહેતા હતા. અમે તેમને મળ્યા. અહીં અન્નાહારને ઉત્તેજન આપવાની એક સભા મળી. તેમાં અમને બન્નેને બોલવાનું આમંત્રણ મળ્યું. બન્નેએ કબૂલ રાખ્યું. લખેલું ભાષણ વાંચવામાં કંઈ બાધ ન ગણાતો. એમ મેં જાણી લીધું હતું. પોતાના વિચારો કડીબદ્ધ ને ટૂંકામાં મૂકવાને સારુ ઘણા લખેલું વાંચતા એમ હું જોતો. મેં મારું ભાષણ લખ્યું. બોલવાની હિંમત નહોતી. હું વાંચવા ઊભો થયો ત્યારે વાંચી પણ ન શક્યો. આંખે સૂઝે નહીં ને હાથપગ ધ્રૂજે. મારું ભાષણ ભાગ્યે ફૂલ્સકૅપનું એક પાનું હશે. તે મજમુદારે વાંચી સંભળાવ્યું. મજમુદારનું ભાષણ તો સરસ થયું. સાંભળનારા તેમનાં વચનોને તાળીઓના અવાજથી વધાવી લેતા હતા. હું શરમાયો ને મારી બોલવાની અશક્તિને લીધે દુઃખ પામ્યો.

વિલાયતમાં જાહેરમાં બોલવાનો છેલ્લો પ્રયત્ન મારે વિલાયત છોડતાં કરવો પડયો હતો. વિલાયત છોડતાં પહેલાં અન્નાહારી મિત્રોને હૉબર્ન ભોજનગૃહમાં ખાણા સારુ નોતર્યા હતા. મને લાગ્યું કે અન્નાહારી ભોજનગૃહોમાં તો અન્નાહાર મળે જ, પણ જ્યાં માંસાહાર થતો હોય તેવા ભોજનગૃહમાં અન્નાહારનો પ્રવેશ થાય તો સારું. આવો વિચાર કરી આ ગૃહના વ્યવસ્થાપક સાથે ખાસ બંદોબસ્ત કરી ત્યાં ખાણું આપ્યું. આ નવો અખતરો અન્નાહારીઓમાં પંકાયો, પણ મારી તો ફજેતી જ થઈ. ખાણાંમાત્ર ભોગને અર્થે જ થાય છે. પણ પશ્ચિમમાં તો તેને એક કળા તરીકે કેળવેલ છે. ખાણાને વખતે ખાસ શણગાર, ખાસ દમામ થાય છે. વળી વાજાં વાગે, ભાષણો થાય. આ નાનકડા ખાણામાંયે એ બધો આડંબર હતો જ. મારો ભાષણ કરવાનો સમય આવ્યો. હું ઊભો થયો. ખૂબ વિચારીને બોલવાનું તૈયાર કરી ગયો હતો. થોડાં જ વાક્યો રચ્યાં હતાં. પણ પહેલા વાક્યથી આગળ ચાલી જ ન શક્યો. ઍડીસન વિશે વાંચતાં તેની શરમાળ પ્રકૃતિને વિશે વાંચેલું. આમની સભાની તેના પહેલા ભાષણને વિશે એમ કહેવાય છે કે, તેણે ‘હું ધારું છું,’ ‘હું ધારું છું,’ ‘હું ધારું છું,’ એમ ત્રણ વાર કહ્યું, પણ પછી તે આગળ ન વધી શક્યો. અંગ્રેજી શબ્દ જેનો અર્થ ‘ધારવું’ છે તેનો અર્થ ‘ગર્ભ ધારણ કરવો’ પણ છે, તેથી જ્યારે ઍડીસન આગળ ન ચાલી શક્યો ત્યારે આમની સભામાંથી એક મશ્કરો સભ્ય બોલી ઊઠયો કે, ‘આ ગૃહસ્થે ત્રણ વાર ગર્ભ ધારણ કર્યો, પણ કંઈ ઉત્પન્ન તો ન જ કરી શક્યા!’ આ કહાણી મેં વિચારી રાખી હતી અને ટૂંકું વિનોદી ભાષણ કરવા ધાર્યું હતું. તેથી મેં મારા ભાષણનો આરંભ આ કહાણીથી કર્યો, પણ ત્યાં જ અટક્યો. વિચારેલું બધું વિસરાઈ ગયું ને વિનોદ તથા રહસ્યયુક્ત ભાષણ કરવા જતાં હું પોતે વિનોદનું પાત્ર બન્યો. ‘ગૃહસ્થો, તમે મારું આમંત્રણ સ્વીકાર્યું તેને સારું આભાર માનું છું,’ એમ કહીને મારે બેસી જવું પડયું!

આ શરમ છેક દક્ષિણ આફ્રિકામાં છૂટી એમ કહેવાય. તદ્દન છૂટી છે એમ તો હજુયે ન કહેવાય. બોલતાં વિચાર તો થાય જ. નવા સમાજમાં બોલતાં સંકોચાઉં. બોલવામાંથી છટકાય તો જરૂર છટકી જાઉં. અને મંડળમાં બેઠો હોઉં તો ખાસ વાત કરી જ શકું અથવા વાત કરવાની ઇચ્છા થાય એવું તો આજે પણ નથી જ.

પણ આવી શરમાળ પ્રવૃત્તિથી મારી ફજેતી થવા ઉપરાંત મને નુકસાન થયું નથી, કાયદો થયો છે, એમ હવે જોઈ શકું છું. બોલવાનો સંકોચ મને પ્રથમ દુઃખકર હતો તે હવે સુખકર છે. મોટો ફાયદો તો એ થયો કે, હું શબ્દોની કરકસર શીખ્યો. મારા વિચારો ઉપર કાબૂ મેળવવાની ટેવ સહેજે પડી. અને હું એવું પ્રમાણપત્ર સહેજે આપી શકું છું કે, મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યે જ કોઈ શબ્દ નીકળે છે. મારા ભાષણ કે લખાણમાંના કોઈ ભાગને સારુ મને શરમ કે પશ્ચાત્તાપ કરવાપણું છે એવું મને સ્મરણ નથી, અનેક ભયોમાંથી હું બચી ગયો છું, ને મારો ઘણો વખત બચી ગયો છે એ વળી અદકો લાભ.

અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્યે ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગરવિચારે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી કયા પ્રમુખને નહીં મળી હોય? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો, વધારે બોલવા દેવા માગણી કરે છે, ને છેવટ રજા વિના પણ બોલ્યા કરે છે! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે, જોકે આરંભમાં મારું શરમાળપણું મને ડંખતું છતાં આજે તેનું સ્મરણ મને આનંદ આપે છે. એ શરમાળપણું મારી ઢાલ હતી. તેનાથી મને પરિપક્વ થવાનો લાભ મળ્યો. મારી સત્યની પૂજામાં મને તેથી સહાય મળી.