સત્યના પ્રયોગો/સભ્ય વેશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૫. ‘સભ્ય’ વેશે

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી. સૉલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલાં પુસ્તકો મળ્યાં તે ખરીદ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું ‘આહારનીતિ’ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિશેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાઇથાગોરસ, ઈશુ ઇત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. દા. મિસિસ ઍના કિંગ્સફર્ડનું ‘ઉત્તમ આહારની રીત’નું પુસ્તક પણ આકર્ષક હતું. વળી આરોગ્ય ઉપરના દા. ઍલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દરદીને સારો કરવાની પદ્ધતિનું તે સમર્થન કરે છે. દા. એલિન્સન પોતે અન્નાહારી હતા અને દરદીઓને સારુ કેવળ અન્નાહારની જ સલાહ આપતા. આ બધાં પુસ્તકોના વાચનનું પરિણામ એ આવ્યું કે મારી જિંદગીમાં ખોરાકના અખતરાઓએ મહત્ત્વનું સ્થાન લીધું. તે અખતરાઓમાં પ્રથમ આરોગ્યની દૃષ્ટિએ પ્રધાન સ્થાન હતું. પાછળથી ધાર્મિક દૃષ્ટિ સર્વોપરી બની.

દરમ્યાન પેલા મિત્રની મારે વિશેની ચિંતા દૂર નહોતી થઈ. તેમણે પ્રેમને વશ થઈને માન્યું કે, હું જો માંસાહાર નહીં કરું તો નબળો થઈશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તકના વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની જઈશ, અખતરાઓમાં મારો જન્મ એળે જશે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લો પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઈ જવાને નોતર્યો. ત્યાં જતાં પહેલાં મારે તેમની સાથે હૉબર્ન ભોજનગૃહમાં ખાવાનું હતું. આ ગૃહ મારી નજરે મહેલ હતો. એવા ગૃહમાં જવાનો વિક્ટોરિયા હોટેલ છોડ્યા પછી આ પહેલો અનુભવ હતો. વિક્ટોરિયા હોટેલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં તો હું બેભાન હતો એમ ગણાય. સેંકડોની વચ્ચે અમે બે મિત્રોએ એક ટેબલ રોક્યું. મિત્રે પહેલું પિરસણ મંગાવ્યું. તે ‘સૂપ’ હોય. હું મૂંઝાયો. મિત્રને શું પૂછું? મેં તો પીરસનારને પાસે બોલાવ્યો.

મિત્ર સમજ્યા. ચિડાઈને મને પૂછયું:

‘શું છે?’

મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું :

‘મારે પૂછવું છે, આમાં માંસ છે કે?’

‘આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય તો તું બહાર જઈ કોઈ નાનકડા ભોજનગૃહમાં ખાઈ લે ને બહાર મારી વાટ જોજે.’

હું આ ઠરાવથી રાજી થઈ ઊઠયો ને બીજી વીશી શોધી. પાસે એક અન્નાહાર આપનારું ભોજનગૃહ હતું, પણ તે તો બંધ થઈ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભૂખ્યો રહ્યો. અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિશે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. મારે કંઈ બોલવાનું હોય જ શેનું?

પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્રયુદ્ધ હતું. અમારો સંબંધ ન તૂટયો, ન કડવો બન્યો. હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વરતી શક્યો હતો, તેથી વિચારની અને આચારની ભિન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો.

પણ મારે તેમની ભીતિ ભાગવી જોઈએ એમ મને લાગ્યું. મેં નિશ્ચિય કર્યો કે જંગલી નહીં રહું. સભ્યનાં લક્ષણો કેળવીશ, ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નાહારની વિચિત્રતા ઢાંકીશ.

મેં ‘સભ્યતા’ કેળવવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો.

જોકે વિલાયતી પણ મુંબઈના કાપનાં કપડાં સારા અંગ્રેજ સમાજમાં ન શોભે તેથી ‘આર્મીને નેવી’ સ્ટોરમાં કપડાં કરાવ્યાં. ઓગણીસ શિલિંગની (આ કિંમત તે જમાનામાં તો બહુ જ ગણાય) ‘ચીમની’ ટોપી માથા ઉપર ઘાલી. આટલેથી સંતોષ ન પામતાં બૉન્ડ સ્ટ્રીટમાં જ્યાં શોખીન માણસોનાં કપડાં સિવાતાં ત્યાં સાંજનો પોશાક દસ પાઉન્ડમાં દીવાસળી મૂકી કરાવ્યો. ભોળા ને બાદશાહી દિલના વડીલ ભાઈની મારફતે ખાસ સોનાનો અછોડો, જો ખીસાંમાં લટકાવાય તેવો, મંગાવ્યો અને તે મળ્યો પણ ખરો. તૈયાર બાંધેલી ટાઈ પહેરવી તે શિષ્ટાચાર ન ગણાય, તેથી ટાઈ બાંધવાની કળા હાથ કરી. દેશમાં તો અરીસો હજામતને દહાડે જોવાને મળતો. પણ અહીં તો મોટા અરીસાની સામે ઊભા રહી ટાઈ બરોબર બાંધવામાં અને વાળને પટિયાં પાડી બરોબર સેંથો પાડવામાં રોજ દસેક મિનિટનો ક્ષય તો થાય જ. વાળ મુલાયમ નહીં, એટલે તેને ઠીક વળેલા રાખવાને સારું બ્રશ (એટલે સાવરણી જ ના!)ની સાથે રોજ લડાઈ થાય. અને ટોપી ઘાલતાં ને કાઢતાં હાથ તો જાણે કે સેંથો સંભાળવાને માથે ચડ્યા જ છે. વચમાં વળી સમાજમાં બેઠા હોઈએ ત્યાં સેંથા ઉપર હાથ જવા દઈ વાળને ઠેકાણે રાખવાની જુદી જ અને સભ્ય ક્રિયા તો ચાલ્યા જ કરે.

પણ આટલી ટાપટીપ જ બસ નહોતી. એકલા સભ્ય પોશાકથી થોડું સભ્ય થવાય છે? સભ્યતાના બીજા કેટલાક બાહ્ય ગુણો પણ જાણી લીધા હતા ને તે કેળવવા હતા. સભ્ય પુરુષે નાચી જાણવું જોઈએ. તેણે ફ્રેંચ ઠીક ઠીક જાણવું જોઈએ. કેમ કે ફ્રેંચ ઇંગ્લંડના પાડોશી ફ્રાંસની ભાષા હતી, અને આખા યુરોપની રાષ્ટ્રભાષા પણ હતી, ને મને યુરોપમાં ભમવાની ઇચ્છા હતી. વળી સભ્ય પુરુષને છટાદાર ભાષણ કરતાં આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના ત્રણેક પાઉન્ડ ભર્યા. ત્રણેક અઠવાડિયામાં છએક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે, પણ તે શું કહી રહેલ છે તે ખબર ન પડે. ‘એક, બે, ત્રણ’ ચાલે, પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે. ત્યારે હવે? હવે તો બાવાજીની બિલાડીવાળું થયું. ઉંદરને દૂર રાખવા બિલાડી, બિલાડીને સારુ ગાય, એમ બાવાજીનો પરિવાર વધ્યો; તેમ મારા લોભનો પરિવાર પણ વધ્યો. વાયોલિન વગાડતા શીખું, એટલે સૂરની ને તાલની ગમ પડશે. ત્રણ પાઉન્ડ વાયોલિન ખરીદવામાં હોમ્યા ને તેના શિક્ષણને સારું કંઈ આપ્યા! ભાષણ કરતાં શીખવાને સારું ત્રીજા શિક્ષકનું ઘર શોધ્યું. તેને પણ એક ગીની તો આપી જ. બેલનું ‘સ્ટેન્ડર્ડ એલોક્યુશનિસ્ટ’ લીધું. પિટનું ભાષણ શરૂ કરાવ્યું!

આ બેલસાહેબે મારા કાનમાં ઘંટ વગાડયો. હું જાગ્યો.

મારે ક્યાં ઇંગ્લંડમાં જન્મારો કાઢવો છે? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનો હતો? નાચ નાચીને હું સભ્ય કેમ બનીશ? વાયોલિન શીખવાનું તો દેશમાંયે બને. હું તો વિદ્યાર્થી છું. મારે વિદ્યાધન વધારવું જોઈએ. મારે મારા ધંધાને લગતી તૈયારી કરવી જોઈએ. મારા સદ્વર્તનથી હું સભ્ય ગણાઉં તો ઠીક જ છે, નહીં તો મારે એ લોભ છોડવો જોઈએ.

આ વિચારની ધૂનમાં મેં ઉપલી મતલબના ઉદ્ગારોવાળો કાગળ ભાષણશિક્ષકને મોકલી દીધો. તેની પાસે મેં બે કે ત્રણ પાઠ જ લીધા હતા. નાચશિક્ષિકાને પણ તેવો જ પત્ર લખ્યો. વાયોલિનશિક્ષિકાને ત્યાં વાયોલિન લઈને ગયો. જે દામ આવે તેટલે તે વેચી નાખવાની તેને પરવાનગી આપી. તેની સાથે કાંઈક મિત્ર જેવો સંબંધ થઈ ગયો હતો, તેથી તેની પાસે મારી મૂર્છાની વાત કરી. મારી નાચ ઇત્યાદિની જંજાળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી.

સભ્ય બનવાની મારી ઘેલછા ત્રણેક માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી. પણ હું વિદ્યાર્થી બન્યો.