સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/આ સંપાદન વિશે–

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ સંપાદન વિશે–

ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના પહેલા વિવેચક નવલરામનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે. એ લેખોને ૩ વિભાગોમાં રજૂ કર્યા છે : કાવ્યશાસ્ત્રની તથા સાહિત્યનાં રૂપો-સ્વરૂપોની ચર્ચા કરવા સાથે પિંગળ અને નાટકશાળા(થિયેટર) પર પણ નવલરામનું ધ્યાન ગયેલું છે, વળી સાહિત્યના શિક્ષણમાં, તથા સ્વ-ભાષામાં એક શિક્ષક-વિવેચક તરીકે એમને રસ પડે એ પણ સ્વાભાવિક હતું. પહેલા વિભાગમાં એવા લેખોમાંથી કરેલું ચયન મૂક્યું છે. બીજા વિભાગમાં ગ્રંથકારોના પ્રદાન વિશેના લેખો છે. નવલરામનું જે પ્રધાન વિવેચક-કર્મ એ ગ્રંથાવલોકનો. એમણે બહોળા પ્રમાણમાં કરેલાં અવલોકન/સમીક્ષામાંથી અહીં મૌલિક ગ્રંથો પરના લેખો સાથે અનુવાદગ્રંથો પરના એમના લેખો પણ પસંદ કર્યા છે. પસંદગીનાં ટૂંકાં અવલોકનો પછી, તત્કાલીન પુસ્તક-પ્રકાશનનું એક વ્યાપક પણ ચિકિત્સક ચિત્ર આપતો લેખ ‘ગુજરાતી પુસ્તકવૃદ્ધિ’ મૂક્યો છે તથા નવલરામની હાસ્ય-કટાક્ષની શક્તિનો પરિચય કરાવતું – પણ સમજ-સજ્જતા વિનાની લખવા-વૃત્તિની ચિકિત્સા કરતું એક જાણીતું ચર્ચાપત્ર ‘ઓથારિયો હડકવા’ પણ મૂક્યું છે. એ જાણે કે કાલિદાસકથિત ‘મન્દઃ કવિયશઃપ્રાર્થી’ એવા સર્વ કાળના ને આજના લેખકોને પણ લાગુ પડે છે! કથા અને ચરિત્રકેન્દ્રી કેટલાંક પુસ્તકો પરના લેખોમાં નવલરામે, એમના સમયના વ્યાપક વાચકવર્ગ માટે, વિસ્તૃત કથાસાર આપ્યા છે. એવા થોડાક લેખોમાંથી સાર-ભાગો સંપાદિત કરી લીધા છે.એ સ્થાનો [...] એવી સંપાદકીય નિશાનીથી દર્શાવ્યાં છે. નવલરામના પૂર્વ-સમકાલીન નર્મદે પણ વિવેચન અંગે અભિજ્ઞતા દાખવેલી. એ ઐતિહાસિક તથ્યને જાળવવા, પરિશિષ્ટરૂપે નર્મદનો એક જાણીતો લેખ ‘ટીકા કરવાની રીત’ નવલરામના કાર્યના પૂર્વસંદર્ભ તરીકે મૂક્યો છે. છેલ્લે, નવલરામના વિવેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ જોડી છે. આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ(૨૦૦૬)નો ઉપયોગ કર્યો છે. કેટલીક વિગતોની વધુ સ્પષ્ટતા અને ઉમેરણ માટે ગોવર્ધનરામ ત્રિપાઠીના સંપાદન(૧૮૯૧)ની મદદ લીધી છે.

વડોદરા; ૨૦મી મે, ૨૦૨૪
– રમણ સોની