સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અજિત ઠાકોર/કંકુવરણો શ્વાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

         રતિલાલ ‘અનિલ’ મારા કાવ્યગુરુ. એમના હાથે જ હું ઘડાયો. ૧૯૬૮માં સાહિત્યસંગમવાળા નાનુભાઈ નાયકે ‘અનિલ’ની દિશામાં આંગળી ચીંધી. ‘ખુવાર થવાની તૈયારી હોય તો સાહિત્યમાં પગ મૂકજો!’ એવું વેધક હાસ્ય સાથે એમણે કહેલું. એ કસોટી પર ચડવાની ઝાઝી હામ કેળવી શક્યો નથી. પણ એમણે તો એ ચરિતાર્થ કરી બતાવ્યું. પહેલાં મહાગુજરાત ગઝલમંડળની બધી પ્રવૃત્તિઓની ધરી બની જઈને ને પછી ’૭૧થી ‘કંકાવટી’ને જીવનનું કેન્દ્ર બનાવી દઈને. ૧૯૪૦ પછીનાં પંદરેક વરસ સુરત ગઝલનું મક્કા બની ગયેલું. અમીન આઝાદની સાઇકલની દુકાન સુરતી શાયરોનો અડ્ડો બની ગયેલી. ‘અનિલ’ મુશાયરાનાં આયોજન કરતા, ગઝલના અંકોનું સંપાદન કરતા, ગઝલના અરુઝની માથાફોડ કરતા, શાયરોના ગઝલસંગ્રહો એમની રચનાઓને કાચીપાકી મઠારીને પ્રગટ કરતા… મહાગુજરાતમાં મુશાયરા પ્રવૃત્તિ ધમધમે એ માટે સાથીઓ સાથે મથતા રહેતા. ‘અનિલે’ પૂર્વાર્ધે ગઝલ માટે ભેખ ધરેલો પછી ’૭૧થી ‘કંકાવટી’ માટે ભેખ ધર્યો. તે જ એમનો શ્વાસ બની રહ્યું, એ જ કંકુવરણો શ્વાસ. મેં ‘અનિલ’ને આકંઠ પીધા છે. ભરૂચ કોલેજ કરવા નીકળું, પણ પહોંચું સુરત ‘ગુજરાતમિત્ર’ના કાર્યાલયે. મને જોઈ હસે. એમના જાડા કાચનાં ચશ્માં ને ખાદીનો પાયજામો-પહેરણ. વચ્ચે તપખીરના સડાકા. લખવાનું બાજુ પર મૂકી દે. સાહિત્ય ને સાહિત્યકારોની વાતો ચાલે. પાંચ વાગ્યે બહાર નીકળી સામે મોતીલાલમાં ચા પીએ. ચાલતાં ચાલતાં સગરામપરાના આનંદનગરે આવીએ. તેઓ ઉપલા માળે રહે. દાદરને અડીને જ લોબીમાં શેતરંજી પાથરી બેસીએ. સાત વાગ્યે ગાડી પકડવા ઊંચોનીચો થાઉં. એટલે : ‘આજે સોસા આવવાનું કહેતા હતા. રોકાઈ જાવ.’ એમ કહેતા રોકી પાડે. રાત્રે બારેક સુધી વાતો-વાચન ચાલે. સંપાદનની તાલીમ મને ‘કંકાવટી’ના સામગ્રીચયનમાંથી મળેલી. આવેલી સામગ્રી સૌ મિત્રો સાથે વાંચીએ. એમ કરતાં જ ‘અનિલે’ અમારી રુચિ ઘડેલી. ‘જે લાગે તે જ લખવું’-‘આપણે ખોટા હોઈ શકીએ પણ જૂઠા નહીં’-એ મંત્ર હું પણ એમની પાસેથી શીખ્યો.

[‘કંકાવટી’ માસિક : ૨૦૦૬]