સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/આખ્યાનનું હાર્દ
પ્રહ્લાદનું આખ્યાન પ્રથમ તો એ શીખવી જાય છે કે પિતાના ઇષ્ટધર્મ કરતાં પુત્રાનો ઇષ્ટધર્મ જુદો હોઈ શકે. એ પાળવાનો પુત્રાને સંપૂર્ણ હક છે, પિતાને એ અંગે વિરોધ કરવાનો હક નથી. એવી પ્રામાણિક માન્યતાને કારણે પુત્રા પિતાની આજ્ઞાનો અનાદર કરે, તો તે પુત્રાધર્મ ચૂકે છે તેવું ન માનવું જોઈએ. આ બોધ કેવળ ધર્મના સ્થૂલ અર્થ પૂરતો મર્યાદિત રહે છે, એમ નહીં. કોઈ પણ માન્યતા અંગે પિતાપુત્રા વચ્ચે પ્રામાણિક મતભેદ ઊભો થાય, તો પુત્રાને પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ છે. તે માટે પિતાનો ખોફ વહોરવો પડે, તો વહોરવા તૈયાર રહેવું જોઈએ. એવો ખોફ ઉતારનાર વડીલોને હિરણ્યકશિપુનું પાત્રા સહિષ્ણુ થવાનો બોધ આપે છે. હિરણ્યકશિપુનું પગલું સાચું નથી એમ જો વડીલો માનતા હોય, તો પોતાના ઘરના પ્રહ્લાદના પ્રસંગ વખતે એમનાથી એવું પગલું ન ભરાય, એમ તેમણે સમજવું જોઈએ. આમ તો આપણે બધા કહીએ છીએ કે, પ્રહ્લાદનું આખ્યાન અમે સાંભળ્યું છે. એ સાંભળ્યા છતાં જો દીકરાની ભિન્ન માન્યતા વખતે એને તેમ વર્તવાની સંમતિ સહિષ્ણુતાપૂર્વક ન આપીએ, તો આખ્યાનનું હાર્દ આપણે પામ્યા છીએ તેમ ન કહી શકીએ.