સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કલાપી/‘કાન્ત’ પર પત્રો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વ્હાલા બંધુ, મારી કથા કહું? મને ખાતરી છે—તમારી દયા પામીશ. સ્પષ્ટ કહીશ, પણ ટૂંકામાં કહીશ. હૃદય હૃદયને એટલાથીયે સમજી જશે. હું ક્યારે પરણ્યો તે તમે જાણો છો. લગ્ન પછી બીજે જ દિવસે મારા મકાન નીચે ચાલી જતી છસાત વર્ષની એક છોકરી મેં જોઈ. મારા માસ્તર જાની પણ તેને જ જોઈ રહેલ. તે દૃષ્ટિ બહાર થઈ. પણ હૃદય તે મધુર નિર્દોષતાની મૂતિર્થી દૂર ત્યારે જ થઈ શકતું ન હતું. મને કાંઈ શરમ આવી. પણ જે લાવણ્યે મારા હૃદયને રોક્યું હતું તેણે જ મારા માસ્તરને પણ કાંઈ અસર કરી હતી. તેણે તેને બોલાવી. તે રમાની નાની દાસી—આ મારી શોભના જ હતી. અમે તેની સાથે કાંઈ વાતચીત કરી. તે કઠોર કચ્છી ભાષા બોલતી હતી—પણ એ મોંમાં એ શબ્દો કેવા મધુર! એ આંખો ડરતીડરતી કાંઈ મારી સામે જોતી હતી. હું તેની સામે જ જોઈ રહ્યો હતો. મેં કોઈ પણ બાલકમાં એવું માધુર્ય જોયું ન હતું. મારું હૃદય ત્યારથી જ તેના વડીલ પિતા જેવું બન્યું હતું. તે ગઈ. એક અજાણી છોકરી, માત્ર પાંચ મિનિટના સહવાસવાળી, અજાણ ખવાસની છોકરી ગઈ અને મારું હૃદય કોણ જાણે કેવી રીતે સાથે લેતી ગઈ. વાત્સલ્ય શું એ હું આ પહેલી જ વખતે સમજ્યો હતો. મારી સ્વર્ગવાસી માતા મને સાંભરી આવવા લાગી. તેનું હૃદય મારા પ્રતિ શું હતું એ હું આ પહેલી જ વખતે ખરું સમજ્યો. મારી આંખમાં અશ્રુ ભરાઈ આવ્યાં. હું સોળ વર્ષનો હતો. પણ હજુ હું સ્ત્રીપુરુષના પ્રેમને સમજતો ન હતો. માતાની કેળવણીની એ અસર હતી. લગ્ન થયાં પણ મને મારા અભ્યાસમાં નડનાર ને અરુચિકર હતાં. એ અરુચિ આ છોકરીને જોયા પછી ઊડી ગઈ. લગ્ને મને બે સ્ત્રીઓ આપી હતી, જેને હું સમજી શકતો નહીં. એમને ન્યાય આપવામાં—પ્રેમ કરતાં વધારે—મારું હૃદય રોકાયું હતું. પણ લગ્ને મને આ બાલકી પણ આપી હતી. રાજાના કુટુંબની એકથી વધારે સ્ત્રીઓના પરિણામરૂપે નીપજતી ખટપટ, મારા ગૃહમાં, મારી સંપ તરફની અભિરુચિને લીધે જ અને વ્યવહારકુશળતાના અભાવે વહેલી આવી. ભલે આવી. રમાને હું સમજી શક્યો અને આનંદ થયો. K (બીજી સ્ત્રી)ને પણ સમજી શક્યો અને કાંઈ ખેદ થયો. પણ હવે રમાને ત્યાં જમવા વગેરેની ગોઠવણ થતાં એ ખેદ અને એ આનંદ એ બન્ને પેલી નાની શોભના વિશેષ નિકટ આવવાથી ઊડી ગયાં. રમામાં ગુણ હતા, કાંઈ સૌંદર્ય પણ હતું, પણ સૌથી વિશેષ કાંઈ એ તેની દાસીમાં હતું. તે મારી પુત્રી બની. કેવો નિર્મલ સ્નેહ! હું તેને ગુજરાતી શીખવવા લાગ્યો. કેવું ચાલાક બાલક! ત્રણ માસમાં તો તેની વાણીમાં કચ્છી પથ્થરની એક કાંકરી પણ ન રહી. તેને જોવામાં, તેને રમાડવામાં, તેને ભણાવવામાં, તેની નાનીનાની હોંશો—માગણીઓ પૂરી પાડવામાં મારો બધોે આનંદ હતો. બે વર્ષ આમ વીતી ગયાં. હું પ્રવાસે ગયો. રમાના પત્રો સાથે તેના પત્રો પણ આવવા લાગ્યા. મારી શિષ્યાનું પવિત્ર હૃદય વાંચતાં મને બહુ આનંદ થતો. તેનો અભ્યાસ જારી રાખવા હું તેને અને રમાને લખતો. પ્રવાસ પૂરો થયો. તે કન્યામાં હવે શરમ આવી હતી એમ દેખાતું હતું. પરંતુ એ શરમ અમારી પવિત્ર ભાવના પાસે આવી શકતી નહીં. માધુર્ય વધ્યું હતું. ખેંચાણ વધ્યું હતું. રાતદિવસ જ્યારે હું શયનગૃહમાં હોઉં ત્યારે તે મારી પાસે પડી રહેવા લાગી. તેને કાંઈ વાંચતાં અને વાર્તાના કરુણ ભાગોમાં રોતાં હું કેવા આહ્લાદથી જોઈ રહેતો! પણ મારા મનમાં એક ચિંતા જન્મી હતી. આ રત્ન તેની જ્ઞાતિમાં ક્યાં આપવું? મેં એક છોકરો બોલાવ્યો અને તેને અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું, કેમકે તેણે ગુજરાતી પાંચ ચોપડીઓ પૂરી કરી હતી. પણ વિદ્યા મૂળ સ્વભાવ ભાગ્યે જ ફેરવી શકે છે. તે છોકરો નિમકહલાલ પણ સખ્ત દિલનો હતો તેવો જ હમણાં પણ અહીં મોજૂદ છે, અને હજુ અહીં ભણ્યા કરે છે. એ બે વચ્ચે કાંઈ લાગણી જાગી શકી નહીં. ઊલટોે તે છોકરાના મનમાં અમારા સંબંધ વિશે કાંઈ વહેમ આવવા લાગ્યો. એકાદ વખત શોભનાને કાંઈ બહાનું કાઢી ધમકાવી—ગાળો દીધી. પહેલી જ વખત તે સમજી કે દુનિયા પવિત્રતાને અપવિત્ર માની શકે છે. બંધુ, તે બાલાનાં તે દિવસનાં આંસુ હું ભૂલી શકીશ નહીં. મેં તે અશ્રુ ચૂમી લીધાં. તેને શાંત કરી. પણ હજુ હું તેને એક પુત્રી જેવી જ જાણતો હતો અને તેના મનના ભાવ પણ તેવા જ નિર્મલ હતા. આવી રીતે પણ કેટલાય દહાડા ચાલી ગયા. પણ હવે વાતને ટૂંકી કરીશ. આજથી પાંચ વર્ષ પહેલાં મારો પગ મરડાઈ ગયો હતો. મને તાવ ચડી આવ્યો હતો. રાત્રીએ રમા કોઈ મે’માન પાસે બેઠી હતી. શોભના અને હું એકલાં જ એક ઓરડામાં હતાં. તે મારું માથું ચાંપતી હતી. તે હવે છેક બાલક ન હતી—બહુ કાલથી ન હતી. હું તે સમયનું વર્ણન આપી નહીં શકું. આપ સમજી શકશો. જ્યાં વિશેષ જાણવાનું હોય ત્યાં હવે પછીની વાત ‘હૃદયત્રિપુટી’ કહેશે. મેં એ હાથ ઝાલ્યો અને મારાં નેત્ર એ મુખમાંથી કાંઈ નવીન જ ગ્રહવા લાગ્યા. એક ચુંબન. હૃદય હૃદયને તુર્ત સમજી ગયું અને બન્ને વૃત્તિ એકબીજીને આધીન બની. પણ આ શું? હૃદયમાં દાહ લાગ્યો. અમે જુદાં થયાં અને સૂઈ રહ્યાં. હૃદયે નીતિનો ભંગ કર્યો હતો તે અગ્નિપ્રભા દરેક અંગને સળગાવી દેતો હતો. પણ નીતિ અને પ્રેમના ખેંચાણમાં—કાંઈ પણ નિર્ણય વિના—બે વર્ષ વીતી ગયાં. નીતિ જીતી હતી અને અમે પવિત્ર જ રહ્યાં છીએ. અંતે તો ત્યાં બારી એક ગૃહની ઊઘડે જરાક, ડોકાય છે સ્મિતભર્યું મુખડું રમાનું. એ સમય આવી પહોંચ્યો અને અમે વિખૂટાં થયાં. પણ જે વહેલું સમજવાની જરૂર હતી તે માત્ર વધારે દુ:ખ દેવા હવે સમજાયું કે પ્રેમમાં બધી નીતિ સમાઈ જાય છે, હૃદયના ઐક્યમાં શરીરનો સ્થૂલ સંબંધ પણ પુણ્યરૂપ જ બની રહે છે. મેં તે બાલાને બહુ દુ:ખ આપ્યું હતું. અને વ્યર્થ આપ્યું હતું એ સમજાયું. તે દિવસને પણ હવે તો ત્રણ વર્ષ વીતી ગયાં. તે બાલા અન્યની પણ થઈ—કરાઈ. આ સમયમાં આ હૃદય પર શું શું વીતી ગયું તે લખવાની જરૂર છે? મારી કવિતાઓ બસ નથી? કશો સંકોચ નથી, કશો ભય નથી—આ વાત કહેવામાં કશું જ છુપાવવાની ઇચ્છા નથી, પણ આ વાત કહેતાં હું મારા વિચારોને બરાબર ગોઠવી શકતો નથી. દર્દ રોવામાંથી જે કાંઈ આરામ મળતો તે પણ હવે તો ગયો જ છે. હવે તો સંસારને કોઈ પણ એક કિનારે આ હૃદય આવી પહોંચ્યું છે. સૌંદર્યનો ભોગ ખોવાઈ જતાં દરેક ભોગવિલાસના ત્યાગ તરફ હૃદય ખેંચાઈ જાય છે. એક ઘા, એક ટકોરાની જ અપેક્ષા છે. કુદરતે પક્વ કરી રાખેલ ફલ લતાને જરા જ કંપ આપતામાં ખરી પડશે. તે કોઈ ચાખનાર નથી, પોતાની મેળે સડી જશે અને ધૂળ સાથે ધૂળ બની ભળી જશે. એ નિર્માણ પણ બહુ સુંદર છે. પૂછવાનું રહેતું હોય તે હવે પૂછશો. મારે પોતાની મેળે તો આટલું જ કહેવાનું છે, પણ તે બહુ છે. લખવા કરતાં બોલવું કોઈ કાળે વધારે કહેશે—કદાચ.

તમારો

સુરસિંહ


લાઠી, ૨૬-૧૨-૧૮૯૭

પ્રિય ભાઈ કાન્ત, મારે માત્ર સહેવાનું રહ્યું છે એ બહુ લાગતું નથી. પણ કાંઈ લાગે છે તે જુદું જ છે. જે બાલા કોઈ વખતે મારી શિષ્યા હતી, કોઈ વખતે પ્રિયા હતી, તેના આત્માનો વિકાસક્રમ શી રીતે ચાલે છે તે જોવાની અને તેમાં કાંઈ મદદ કરવાની, તેને મારી સાથે દોરી જવાની મારી બધી આશાઓ તૂટી પડી છે એ બહુ લાગે છે. તે બિચારી શી રીતે સહન કરી શકશે? તેની પાસે પુસ્તકો નથી કે નથી કોઈ હૃદયને ઉપાડનાર મિત્ર. જે ઔષધ મને મળે છે તે તેને કોણ આપે? મેં તો જે તમે બતાવો છો તે જ શરૂ કરેલ છે અને પ્રથમ ‘ગીતા’ લીધી છે. ધર્મના સત્ય સંબંધે તો જે તમને લાગે છે તે જ મને લાગે છે. કદાચ મને શાન્તિ મળશે ખરી. પણ જ્યાં હું ઊભો હોઉં ત્યાં તે ન હોય, જ્યાં તે હોય ત્યાંથી એક તસુ પણ ઉપર લેવાને મારી પાસે કશું સાધન ન મળે—અરે! તે નિરંતર સળગતી જ રહે એ તો મને ગમે ત્યારે એ કામ લાગ્યા વિના રહેશે? તમારો સુરસિંહ


[‘કલાપી: સ્મરણમૂર્તિ’ પુસ્તક: ૧૯૯૮]