સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોર રાવળ/દાદાની દાદાગીરી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          બીજા ગામનાં માણસો “આ તો ભાનવગરનાં” એમ કહીને અમારી ભાવનગરિયાની ઓળખાણ આપે, ત્યારે તમે એમ માનતા હો કે જવાબમાં એક વડચકું મળશે, તો એ તમારી ધારણા પાયા વગરની છે. અમે સમજી શકીએ છીએ કે ‘વ’ અને ‘ન’ એ બે જ અક્ષર ઊલટસૂલટ કરીને આ રમૂજ કરવાની લાલચ એટલી પ્રબળ અને લોભામણી છે કે મક્કમ મનનાં જ તેનો સામનો કરી શકે. એટલે વાસ્તવમાં તો “હા, મોટાભાઈ, અમે સાવ ભાનવગરનાં”, એમ જવાબ અને એક મીઠું સ્મિત જ મળે. એ અમારા ભાવનગરની જે જમાનાની વાત કરું છું ત્યારે ગામની સીમાઓ નાની હતી. ઘોઘા દરવાજાથી ખાર દરવાજા સુધીના બે માઈલના પટમાં શહેરની મુખ્ય બજાર અને મોટા ભાગની વસ્તી. એક ફાંટો વોરા બજાર અને નાગરપોળમાં થઈ રૂવાપરી દરવાજે અને પારસીના ભસ્તા પાસે નીકળે અને ત્યાંથી રૂવાપરી મંદિર સુધી જાય. બીજો ફાંટો હેરિસ રોડથી આંબાચોક, સંઘેડિયા બજાર અને સ્ટેશન જઈ વિરમે. તેની પેલી બાજુ સ્મશાન. ઘોઘા દરવાજાની એક શાન હતી. એક બાજુ ગંગાજળિયાનું તળાવ અને તેને કાંઠે કોઈ કાબેલ શિલ્પીએ આરસમાં કંડારેલી ગંગાજળિયાની દેરી. તળાવમાં બારે માસ પાણી રહે. તળાવની બીજી બાજુએ મોતીબાગનો મહેલ જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહનો દરબાર ભરાય. દેશી ઝાડવાંઓ, આસોપાલવ, આંબા, લાલ, પીળી અને સફેદ કરેણ, જાસૂદ. ત્યાંથી જમણી બાજુ જાવ તો પિલ ગાર્ડન. પિલ ગાર્ડનમાં સાડા ચાર જાનવરનું એક ઝૂ. એક વાઘ, એક બોખો સિંહ અને રાજાએ પકડેલા બે દીપડા! અને બાકીનું અડધું કયું તે ઓળખાય નહિ એવા રૂપમાં. પિલ ગાર્ડનથી આગળ ચાલો તો રાજાનો નીલમબાગ પૅલેસ અને તેના પછી બોર તળાવ. તળાવમાં બારે માસ પાણી. ફરવા જવા માટે ગામ આખાનું એક પ્રિય સ્થાન. ઝૂલતા પુલ ઉપરથી ચાલતાં એક ટાપુ ઉપરના બૅન્ડ વગરના બૅન્ડ સ્ટૅન્ડ જઈને બેસતાં અને સાથે લઈ ગયેલ ચિનાઈ શિંગ ખાતાં. બીજું ફરવાનું સ્થાન તખ્તેશ્વર મહાદેવનું મંદિર. મોતીબાગ પૅલેસથી ડાબી બાજુ જાવ તો રસાલો આવે, ત્યાંથી જમણા વાઘાવાડી રોડ ઉપર હાલ્યા જાવ ત્યાં ટેકરી ઉપર ફરફરતા ધજાગરાવાળું મંદિર ગમે ત્યારે જઈને બેસવા જેવું સ્થાન છે. તેનું આકર્ષણ આજે પણ એવું ને એવું જળવાયું છે. તળેટીથી રસ્તો ગોળાઈમાં આરસનાં પગથિયાં સુધી પહોંચાડે. ત્રીસ-ચાળીશ પગથિયાં ચડો તો આરસનું એક લંબગોળ આંગણ. એ આંગણની વચ્ચે નાના મંદિરનું શિખર એ જમાનામાં ગગનચુંબી લાગતું હતું. વાઘાવાડી રોડ પર હાલ્યા જાવ તો ગધાડિયું ખેતર અને તેની પાછળ ગોળીબારની ટેકરી. રાજાના સિપાઈઓ રોજ ગોલંદાજીની તાલીમ લે. સીધા જાવ તો ભવ્ય શામળદાસ કોલેજ અને વાઘજીભાઈની વાડી. આ ભાવનગરમાં જઈને મારા દાદા વસેલા. ચાર ચોપડી ભણેલા અને નોકરીની ચટપટી લાગેલી. કોઈનું પાઘડું માગી, લોટામાં કોલસા નાખીને ડગલાને અસ્ત્રી મારી, હતી તેના કરતાં વધુ ઉમ્મર દર્શાવી એક નોકરીના ઇન્ટર્વ્યૂમાં પાસ થયા અને પોસ્ટ ઓફિસમાં કામ મેળવ્યું. ખંત અને નિષ્ઠાથી પ્રગતિ કરી. એક વખત કોઈ બળવાખોરની ટપાલ હાથવગી કરવા એક ગોરા સાહેબે તેમના ઉપર ગેરકાયદે દબાણ કર્યું. તેનો અડગ રહીને સામનો કર્યો, તે બદલ તો બીજા ગોરા સાહેબે પ્રશંસા કરી અને મોટું બિરુદ અપાવ્યું અને દાદાનું નામ ભાવનગરમાં ઝળહળતું થયું. ભાવનગરના રાજાને એક બેંક ખોલવા વિચાર આવ્યો અને મારા દાદા તેમની નજરમાં આવ્યા. તેમને મૅનેજર બનાવ્યા. દાદાએ પોતાના ગોઠિયાના દીકરા જગજીવનને એસિસ્ટન્ટ મૅનેજર બનાવ્યો. જગુ એક તો બ્રાહ્મણ અને તરવરાટ ઘણો, એટલે સરસ મેળ જામ્યો. તેમાં ભાવનગરમાં વાત ઊડી: “ઇંગ્લૅન્ડથી ઓલી રાણીએ સીધો દિલ્લી વાઇસરોય લિનલિથગોને તાર કરી ઘઘલાવ્યો કે એલા આટલા વખતથી ન્યાં પડ્યો છ અને રૂડું ભાવનગર જોવા નથ ગ્યો!” એટલે વાઇસરોય એની પલટન લઈને ભાવનગર આવે છે. ધૂમ તૈયારીઓ થવા લાગી. મોટી બજારનો રસ્તો તો સમજ્યા પણ પીરછલ્લાની ગલી અને ભા દેવાની શેરીના ખાડાખબડા એક રાતમાં પુરાઈ ગયા. સાવરણીએ સાવરણીએ ગામ આખું વળાયું. મોતીબાગ પૅલેસને નવો ડિસ્ટેમ્પરનો રંગ લાગી ગ્યો. ગંગાજળિયાની દેરીની બગલમાંથી વર્ષોના જામેલા લીલના પોપડા નાળિયેરનાં કાચલાંથી ઘસીને સાફ કર્યા. તાર-ઓફિસ અને પોસ્ટઓફિસને પીળી માટીથી અને બેંકને ગળિયલ ચૂનાથી ધોળ્યાં. સવાર, સાંજ, બપોર, દિવસમાં ત્રણ વાર ફુવારાવાળા બંબા ધોરી મારગ ઉપર નીકળે. આજના માર્કેટિયરો મોંમાં આંગળાં ઘાલી દે તેવું એક કૌતક થયું. પારિસ હૅર કટિંગ સલૂનમાં, ન્યૂ ફાઈન કોલ્ડ-ડ્રિંક ડેપોમાં, બેંકમાંં, સ્ટેશન પર, નવરાબાગની બાજુમાં સિનેમાનાં પાટિયા પર લોર્ડ લિનલિથગો અને મહારાજા કૃષ્ણકુમારસિંહના ફોટાઓ ચોંટી ગયા. કાચની ભૂંગળીમાં ઝીણી વરિયાળીની પિપરમીટ ભરી બે છેડે બૂચ મારી અને એક છેડે ગુંદરથી ચોંટાડેલા યુનિયન જેક ઘરે ઘરે વહેંચવામાં આવ્યા. વાઇસરોયનો વરઘોડો ક્યાંથી અને ક્યારે ઊપડશે અને કયે માર્ગે જશે તેની ચારે બાજુ જાહેરાત કરવામાં આવી. ભાવનગરના બધા બૅન્ડવાળાઓને નવાં કપડાં આપવામાં આવ્યાં. પિત્તળિયા પાવા, બ્યૂગલો અને ભૂંગળોને બ્રાસો લગાડી ચકમકતાં કરવામાં આવ્યાં. કિટ્સન લાઇટોમાંનાં જળી ગયેલાં રેશમી મેન્ટલો બદલાવવામાં આવ્યાં. મહારાજાની બે બગીઓ પર ઉકા મિસ્ત્રીનાં, અમરત દરજીનાં અને ફીરોઝ મિકેનિકનાં નજર અને હાથ ફરી વળ્યાં. નવી ગાદિયું સિવડાઈ ગઈ અને એને ભળતાં, કપડે મઢેલાં બટનો ટંકાઈ ગયાં. રસાલામાંથી છ અરબી કાળા ઘોડાઓ ધમારીને સજ્જ કરવામાં આવ્યા. ગફુર મિયાં અને તખુભાને વાઇસરોય દીપી ઊઠે એવાં નવાં કપડાં અને વિલાયતથી મગાવેલી, ક્યાં લાકડી પૂરી થાય અને ક્યાં દોરી શરૂ થાય તે ખબર ન પડે તેવી સફેદ ચાબુકો મળી. ગાડીની પાછળ ઊભા રહેવાવાળા પસાયતા પોતાનો નવો ગણવેશ પહેરીને કુટુંબીજનો અને મિત્રો આગળ પ્રદર્શન કરતા. મંદિરોની ધજાઓ ધોવાણી—અને જે વર્ષોનાં સૂર્યસ્નાન કરીને જળી ગઈ હતી તેને રાતોરાત જે મળે તે રંગનાં કપડાંમાંથી નવી સિવડાવીને બદલાવી દીધી. પોલીસની બંદૂકુંને પાલીસ થઈ ગયા અને પોલીસલાઇનમાં દિવાળીની યાદ આપે એવા ધડાકાભડાકા ચાલુ થયા. ભાવનગર સ્ટેટ રેલવેને લોકો બ્રાહ્મણોની ગેરહાજરીમાં ‘બામણ સંકટનિવારણ રેલવે’ કહેતા. જેને ડાબે ખંભે જનોઈ હોય તેને ત્યાંની નોકરીમાંથી કોઈ દિ’ જાકારો નથી મળ્યો. મહારાજાને ગૌ-બ્રાહ્મણ-પ્રતિપાળ અમથા નહીં કીધા હોય! રેલવેનાં એન્જિનોનો ચકચકાટ વધી ગયો. મોટા ઉપરીએ પોતે આવીને રંગની પોપડી ઊખડી ગયેલા, જુવાની વટાવી ગયેલા ડબ્બાઓને નોખા કરી થોડા દિ’ ગઢેચીના યાર્ડમાં દેશનિકાલ કર્યા. અને બધી ટ્રેનો નવોઢા જેવી કરી મૂકી. રાજના બધા અમીર, ઉમરાવ, ઓફિસરો, ગામના નગરશેઠ, તેલના ઘાણાના માલિક આબિદભાઈ, લોખંડ બજારના બેતાજ બાદશાહ સી. ચંપકલાલ, “આઢુનિક આઇસ ફૅક્ટરી”ના માલિક પેસ્તનજી પસ્તાકિયા વગેરેને મોતીબાગ પૅલેસમાં વાઇસરોયના રિસેપ્શન માટે આમંત્રણ આપ્યું કે નવને ડંકે મોતીબાગ મહેલમાં આવી જવું. “એક મિનિટ મોડું થાય તો સામુકું માંડી જ વાળજો—પછી જોયું જશે. વાઇસરોય તમારી વાટ નો જોવે”, એમ મોઢેથી સમયની ‘અગત્ય’ ગળે ઉતારવામાં આવી. દાદા અને જગુભાઈને પણ એ કંકોત્રી મળી હતી. સામાન્ય રીતે દાદા કામે જાય ત્યારે એક ધોતિયું, ઉપર એક પૂરી બાંયનું, લિવરપૂલના શટિંર્ંગમાંથી જેરામ દરજી પાસે સિવડાવેલું પહેરણ, ઉપર એક છપ્પન ઇંચનો બંધ ગળાનો ડગલો, માથે મલમલનો ફેંટો. પગમાં પરમાણું આપીને મેપા મોચી પાસે બનાવેલા, ખબ દઈને પહેરાય અને ખબ દઈને કઢાય તેવા જોડા. પહેરણના ખિસ્સામાં એક ભગવા રંગની પારકર પેન, ડગલાના અંદરના ખિસ્સામાં સાંકળીથી બાંધેલું ૨૭ હીરાવાળું સ્વિસ ઘડિયાળ. ગળે રુદ્રાક્ષની માળા. બધાં કપડાં સફેદ. રોજ ધોવાઈને દોરી ઉપર સુકવાય. ત્યાંથી સીધાં પહેરી લેવાનાં. જગુભાઈએ માંડ ગળે ઉતાર્યું કે આ પ્રસંગે ઇસ્ત્રીવાળાં કપડાં જરૂરી છે. હા પડી એટલે જગુભાઈએ ચક્રો ચાલુ કર્યાં. કપડાંને ગળી નાખી ધોવરાવ્યાં. ધોતિયું અને સાફાને ભાતના ઓસામણમાં ઝબોળી આર ચડાવરાવી. ધોબી અને તેની સાથે ઇસ્ત્રીનો પ્રબંધ થઈ ગયો. ગઈ સાલ દાદાનો હજામ જશલો ગુજરી ગયો અને તેની વહુ લખુ રાત દાદા પાસે પોશ પોશ આંસુએ રડી કે જો દાદા બીજો હજામ ગોતે તો પોતે અને બે બાળકો રખડી પડશે એટલે મે’રબાની કરીને એવું નો કરતા. “પણ તે તારા છોકરાં મારું વતું કરશે?” “ના બાપુજી, એ તો બચાડાં નાનાં છે. હું જ હજામત કરી આપીશ. રોજ જશલાની દાઢી હું કરતી એટલે મને આવડે છે....” રકઝક કરી દાદાએ દયાદૃષ્ટિ કરી અને લખુને એ નિત્યકર્મ સોંપ્યું. આજ સુધી કંઈ ફરિયાદ કરવા જેવું નહોતું લાગ્યું. આદેશ પ્રમાણે સવારમાં, લખુ વહેલી આવી ગઈ. લાજ કાઢી, સાડલો સંકોરી સામે ઉભડક બેઠી અને દાદાની આંખો ન દેખાય એટલે છેડો ઊચો કરી, જેમ એક્લવ્યે ખાલી પક્ષીની આંખ ઉપર મીટ માંડી હતી તેમ દાઢી ઉપર કેંદ્રિત થઈ. પાણી લગાડ્યું અને સાબુનો કૂચડો લગાડી ફીણ ફીણ કરી અસ્ત્રો ઉપાડ્યો. સબાકામાં હજામત પૂરી થઈ અને દાઢી ઉપર ફટકડીનો ગાંગડો ઘસી ઊભી થઈ, “લ્યો મોઢું જુઓ.” સામે બટકી ગયેલી ધારવાળી આરસી ધરી અને લખુ રાતે દુકાન વધાવી. દાદાએ ચમચમતી દાઢી ઉપર હાથ ફેરવી ચકાસી અને ગજવામાં તૈયાર રાખેલી બે આની લખુને આપી. રોજ તો કાયમની ઠેરવેલી ઘોડાગાડી દાદાને લેવા આવે. પણ આજે મહારાજાએ વિક્ટોરિયા મોકલી આપી. ટાપટીપ કરીને દાદા બેઠા અને રસ્તામાંથી જગુભાઈને ઉપાડ્યા. સંઘ દુવારકે પહોંચ્યો. નિશ્ચિત જગ્યાઓ પર બધા ગોઠવાવા લાગ્યા હતા. બામણિયા ચાની વ્યવસ્થા શિવશંકર મહારાજની ઉપર હતી. તેમને ખબર કે દાદા કોફી જ પીએ છે એટલે ‘પેશિયલ કોફી’ બનાવીને લાવ્યા, જગુભાઈ માટે ચા. આમ તો બહારનું કોઈ દિ’ કંઈ દાદા પીએ નહીં પણ આ તો બ્રાહ્મણના હાથની કોફી એટલે સતેજ રહેવા ખાતર પી ગયા. વાજાં, બેંડના અવાજો દૂરથી સંભળાયા અને વરઘોડો પાસે આવતો લાગ્યો. મને સુરવાળ, કફની ને ઉપર આભલે ભરેલી બંડી પહેરાવી, પફ પાઉડર અને કોકા કરી, ગાલે મેશનું એક ટીલું લગાડી, બે હાથમાં પહોંચી અને પગમાં લાલ મોજડીઓ પહેરાવી, હાથમાં પિપરમીટવાળો ધજાગરો પકડાવી મારાં બા અને બાપાજી બીજા દોસ્તો સાથે તળાવે લઈ ગયાં. વરઘોડામાં આગળ ઘોડા, પછી ઝૂલતો હાથી, પોલીસની કતારો, પછી વાજાંવાળાઓ “મારાં ભાભી કેવાં સોહામણાં” વગાડતા વગાડતા આવ્યા. નવા પડેલા નાટક ‘બિંબિસાર’નું એ લોકપ્રિય ગીત હતું અને તેણે ભાવનગરની પ્રજાને ગાંડી કરી મૂકી હતી. એટલું જોયું અને મારી આંખો ઘેરાણી. વાઇસરોયને જોયાનું યાદ નથી. પોલીસનું બેંડ મોતીબાગમાં આવી એક ખૂણામાં ગોઠવાઈ ગયું. વાઇસરોય, અને તેનો એક હાથ પકડી તેની મઢમ, ધીમે ધીમે પગથિયાં ચડી હોલમાં દાખલ થયાં. તેની પાછળ રાજકોટથી એજન્સીનો એક ગોરો આવ્યો. રાજા તેના મોભામાં સિંહાસને બેઠા રહ્યા. દીવાનસાહેબે સામા જઈને વાઇસરોયને આવકાર આપ્યો અને રાજા પાસે લઈ ગયા. રાજાએ ઊભા થઈને હસ્તધૂનન કર્યું. પછી પટ્ટણી સાહેબ હોલ ફરતા વાઇસરોય અને તેની મઢમને લઈ ગયા અને એક પછી એક બધા માણસોની સાથે પરિચય કરાવ્યો. પેલા પેસ્તનજીનો વારો આવ્યો એટલે એમણે વાઇસરોય સાથે હસ્તધૂનન કર્યું અને પછી પેલી મઢમ સામે હાથ ધર્યો. પેલી બેશરમ મઢમે પણ જરાય અચકાટ વગર પેસ્તનજીનો હાથ પકડી હસ્તધૂનન કર્યું. પેસ્તનજી પછી આબિદભાઈએ અને બીજા એક-બે જણાએ મઢમ સાથે હસ્તધૂનન કર્યું. ત્યાં દાદાનો વારો આવ્યો. દાદાએ વાઇસરોયની સાથે હાથ મિલાવ્યા અને તેની વહુ સામે બે હાથ જોડી નમન કર્યું. એણે, મારી વા’લીએ, પણ સામે નમસ્તે કર્યા. ક્યાંથી શીખી હશે તે રામ જાણે! જગુભાઈનો વારો આવ્યો. બહુ ઉત્સાહથી તેણે વાઇસરોય સાથે હાથ મેળવ્યા અને પછી હાથ લાંબો કરી તેની મઢમને ધર્યો. સ્મિત આપી મઢમે પણ હાથ લંબાવી હસ્તધૂનન કર્યું અને ધીમેથી બોલી “પ્લીઝ્ડ.” દાદા કતરાતી આંખે તાલ જોઈ રહ્યા અને અંદરથી ધૂંઆપૂંઆ થઈ ગયા. ગુસ્સો માંડ દાબી રાખ્યો. પ્રસંગ પૂરો થયો અને માણસો વીખરાયા એટલે “મારે ગામમાં જવું છે. તું તારે ગાડીમાં ઘરે પહોંચી જા. હું મેળે આવી જઈશ. અને જગુભાઈ, સાંજે તું જરા આવીને મળી જજે.” તેમ કહી દાદા જગુભાઈથી છુટ્ટા પડ્યા. સાંજે સાડા ચારે દાદાનો રોજનો કાર્યક્રમ કે ઘરમાં કોફી પી, ‘ટાઇમ્સ ઓવ્ ઇંડિયા’ લઈ બહાર બાવરની બાજુમાં, પીપળા નીચેના બાંકડે જઈને બેસે. અંગ્રેજી ભાષાની આંટીઘૂંટીઓ સમજવા પ્રયત્ન કરે. તેમાંથી અંગ્રેજી સરકારની કાબેલિયત પર અચંબો પામતા. આ માળાં સાળાં જાતે નીચાં વરણનાં પણ કેટલાં આગળ વધ્યાં છે? એમના અનુભવમાં જે જે ખ્રિસ્તીઓ આવેલા તે બધા હિંદુ ધરમ તજીને વટલાયેલા જ મળ્યા હતા, અને બધા અંગ્રેજો ખ્રિસ્તી. તેમાંથી તેમને ચોખ્ખું ફલિત થયું કે બધા અંગ્રેજો મૂળમાં હલકાં વરણના જ. જગુભાઈ આવી ગયા અને બાજુમાં બેઠા. બેઠા એટલી વાર. દાદાએ આખી બપોર શું કહેવું અને કેવી રીતે તેના શબ્દો ગોઠવવામાં ગાળી હતી. “જગુ, ચોરાશી લાખ જન્મે માંડ માનવીની યોનિમાં જનમ મળે છે. તો તેમાંથી બ્રાહ્મણ કુટુંબમાં જનમ બહુ જ ભાગ્યશાળીને જ મળે. આવેલી આ એક તક કોઈ ઓળવી નાખે તેને શું કહેવું? તને જરાય શરમ નો આવી કે તારો બાપ જાણશે તો કેટલો કચવાટ થશે? કુટુંબનાં પુણ્યો બધાં એક નબીરાએ પળમાં વેચીસાટી ખાધાં? આપણી આખી જ્ઞાતિને મોઢે મેશ ઢળી ગઈ!” ભવાં ઉપર ચડી ગયાં, રોષ પૂરો પ્રજ્વલિત દેખાતો હતો. જગુને ખબર ન પડી કે તેનાથી એવો તો શું કાળો કામો થઈ ગયો હતો. “પણ, બાપુજી, મને ખબર નથી પડતી કે મારાથી શી ભૂલ થઈ ગઈ.” “કીકલો છો તે ખબર ન પડે? બે છોકરાનો બાપ થ્યો અને ખબર નો પડે કે શું કર્યું, એ છોકરાંને શો ઉછેર આપવાનો? બીજાની બાયડીને હાથ લગાડે તે બ્રાહ્મણના સંસ્કાર કહેવાય?” હવે જગુભાઈને સમજાણું. “પણ બાપુજી, આ તો એ લોકોની રસમ છે.” “એ તો હલકાં વરણનાંં છે. ખ્રિસ્તી થઈ જા પછી વાંધો નહીં. ડંકો વગાડીશ કે ઇતિહાસમાં આ પહેલો બામણ ખ્રિસ્તી થઈ ગ્યો. બહુ રૂપાળો લાગીશ!” પછી એક નવો વિચાર આવ્યો. “આ નાતમાંથી કાઢી મૂકશે તો તારા છોકરાને કોઈ કન્યા નહીં આપે ઈ ખબર છે?” જગુભાઈ સમજી ગયા કે મામલો બગડ્યો અને વધુ બિચકે તે પહેલાં જરા મોડવી લેવો રહ્યો. ઊભા થયા અને બાપુજીના પગ પકડી લીધા, “બાપુજી, ભૂલ થઈ ગઈ. હું મારગ ભૂલ્યો. મને માફ કરો. હવે તમે કહો તે કરું. બાપુજી, બાપુજી!” ધ્રુસકે ધ્રુસકે પોક મૂકી. “આમ બાયડીની જેમ રડવા કેમ માંડ્યો? છાનો રે!” ધોતિયાને છેડે જગુએ આંખો લૂછી. દાદાએ બૂમ મારી, ભીખાને બોલાવ્યો અને પાણીનો પ્યાલો મગાવ્યો. જગુભાઈ સ્વસ્થ થયા, દાદાનો ગુસ્સો જરા ઓસર્યો. “જગુ, પ્રાયશ્ચિત્ત કરી નાખ. ન્યાતને જમાડી દે, એટલે સૌ સારા વાનાં થઈ જશે. અને જો, બહુ ડાયો થઈને શેનું પ્રાયશ્ચિત્ત છે તેનો ઢંઢેરો નો પીટતો. શંભુરામ ગોરને કહેવું કે જરા મનશુદ્ધિની જરૂર છે એટલે કરું છું. ન્યાતમાં કહેવું તેં પગારવધારા માટે બાધા રાખી તે ફળી, એટલે યજ્ઞ કરાવ્યો અને સૌને જમાડ્યા એટલે બધું બરોબર થઈ જશે.” જગુ આ તક છોડે? “બાપુજી, બીજાં તો ઠીક પણ આ મંછી તો કહેતી ફરે કે, નાત જમાડી પણ મેં કાંઈ કોઈ પગારવધારો જોયો નથી, તો તકલીફ થાય....” દાદા ખડખડ હસી પડ્યા, “મારો બાપ નીકળ્યો હોં! જો, પાણી મૂક કે કોઈ દિ’ કોઈ મઢમડીનો હાથ નહીં પકડું.” પાણી હાજર હતું. જગુએ પાણી હાથમાં લઈ શપથ લીધા. “કાલે બેંકમાં પગારવધારાના કાગળની યાદ દેજે. ભૂલતો નહીં” જગુ એ ભૂલે? “વાઇસરોયના રિસેપ્શનમાં ભાવનગર ગામની સારી છાપ પાડવા માટે જગજીવન ત્રિવેદીને મહિને પાંચ રૂપિયાનો પગારવધારો કરવામાં આવે છે.” એવો તુમાર લખાણો. ગોર મારાજનું તરભાણું ભરાણું, બ્રાહ્મણો લાડુ જમ્યા, મંછા ગામમાં પહોળી પહોળી થતી ફરતી કહે, “એમણે એવો તો છાકો વાઇસરોય અને એની મઢમ ઉપર બેસાડ્યો કે બાપુજી મોઢામાં આંગળાં નાખી ગ્યા કે કો’ક દિ’ આ મારી ગાદી લેશે.” “અને ઓલા વાઇસરોયે,” ભાવનગરમાં વાત ઊપડી કે, “રાણીને રિપોટ મોકલાવ્યો કે આંઈ ફાંફળ છે, દોમદોમ સાયબીથી રે છે, અને વાંદરાએ કીધું કે જકાત વધારીએ તો વાંધો નહીં. તો મારે બેટે, બંદર ઉપર નાકાબંધી કરી અને દીવાન સાહેબ બેઠાં બેઠાં રોવે છે કે ક્યાં આ બલાને આટલાં માનપાન આપ્યાં!” [‘અમે ભાનવગરનાં’ પુસ્તક: ૨૦૦૫]