સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંપકલાલ વ્યાસ/‘ક. વિ.’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          “દીવાલો દૂર્ગની તૂટે, તમારી આત્મશ્રદ્ધા તો — ” જેવી જેમની અનેક ગીતપંક્તિઓ લોકજીભે રમતી થઈ ગઈ હતી, તે ‘ક. વિ.’ — કલ્યાણજી વિ. મહેતા — મૂળમાં શિક્ષક અને કવિ. સ્વતંત્રતાની લડતમાં એમની શક્તિઓ સોળે કળાએ વિકસી. સભાઓ ગોઠવવી, સભા માટે પાથરણાં વગેરેની વ્યવસ્થા કરવી, સભામાં ગાવા માટે ગીતો લખવાં, પ્રવચનો કરવાં — લગભગ બધું જ કામ એ જાતે કરતા. સરસ ઢાળમાં ગાઈ શકાતાં એમનાં સાદા ધ્વનિસભર ગીતો લોકહૃદયને ડોલાવી મૂકતાં : કોની હાકે મડદાં જાગે, કાયર કેસરી થઈ તડૂકે? ખેડૂતોના તારણહાર, જય સરદાર! જય સરદાર! ગામઠી છતાં સંસ્કારી, ગ્રામજીવનમાંથી રૂપકો અને ઉપમાઓ શોધતી એમની વેધક વાણી જનસમુદાયને મંત્રામુગ્ધ કરતી. તળપદી વાણીમાં આટલાં પ્રાણવાન અને રસભરપૂર ભાષણો કોઈનાં સાંભળ્યાં નથી. રાજકારણમાં પડેલા મોટા ભાગના વક્તાઓનાં પ્રવચનો નિરર્થક, શિથિલ અને મેળ વગરનાં હોય છે. કલ્યાણજીભાઈનાં પ્રવચનોમાં જનસમુદાય રસતરબોળ થતો, એના મૂળમાં એનું કવિત્વ હતું. ઉદ્યોગપરાયણતા, સાદાઈ, કરકસર, દેશનિષ્ઠા, કર્તવ્યપરાયણતા વગેરે અનેક ગાંધી— દીધા ગુણો એમનામાં સહજ હતા. અનેક સંસ્થાઓ ચલાવનાર, આટલું વ્યાપક જાહેર જીવન ખેડનાર કલ્યાણજીભાઈએ વાચન અને લેખનનો શોખ છેવટ સુધી જાળવ્યો. નવસારીના એક શિક્ષકે ‘જ્યોત અને જ્વાળા’ નામની પોતાની આત્મકથા પ્રસિદ્ધ કરી. તેમાં લેખકે પોતાની માતાનું અદ્ભુત પાત્રાલેખન કર્યું છે. વિપત્તિ અને વેદનાની પરંપરા વચ્ચે એ આર્ય સન્નારી જે રીતે જીવી, તેનું શબ્દચિત્રા હરકોઈને મુગ્ધ કરી નાખે એવું છે. એ પુસ્તક વાંચીને કલ્યાણજીભાઈ જાતે નવસારી ગયા, એ બીમાર માતાને પ્રણિપાત કર્યાં અને જતાં જતાં પેલા શિક્ષકને કહ્યું, “તમારી માતાનું અવસાન થાય તો ખાંધ દેવા મને બોલાવજો!” [‘નયા માર્ગ’ પખવાડિક : ૧૯૭૩]