સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નાટ્યલેખકની સાધના
અમે નાના હતા, કાઠિયાવાડના કસ્બાતી ગામોમાં રહેતા, ત્યાં જેને ‘ખીચડી— ખાઉ’ કહેવામાં આવતી તેવી ભંગાર નાટક કંપનીઓ આવતી. ‘આ કંપની તો અહીં પડદા વેચીને જ જશે!’ એવું હરકોઈ આવનાર કંપની પરત્વે અમારા ગામનું અભિમાન હતું! મુંબઈ-અમદાવાદ-વડોદરા જેવાં નગરોમાં મોટી મોટી કંપનીઓ જે ખેલો ભજવતી તેના આછા પડઘા અમારે કાને આવતા, પણ જેમ ભણતરને માટે તેમ નાટકો માટે પણ એ નગરો અમારે મન સ્વપ્નવત્ હતાં. ગામનો અમલદાર કલાક બે કલાક મોડો હાજર થાય તે પછી જ આ ભંગાર કંપનીનું નાટક શરૂ થતું, ને અમે ચાર પૈસાની પિટ-ક્લાસ ફીથી પણ વંચિત, કાં તો રગીરગીને અંદર જતા ને નહિ તો ડેલાની તરડ દ્વારા ચોરની જેમ જોતા. તેમ છતાં પેલી નગરોની કંપનીઓનાં જે નાટકો આ ‘ખીચડી-ખાઉ’ કહેવાતી કંપનીઓ ભજવતી તેનાં ગીતો, પ્લૉટો, આછી ઝીલેલી રસિક બાની ઇત્યાદિથી અમારાં નાનકડાં હૃદયોમાં ખુમારી ભરાતી અને અમે એમાંથી સાહિત્ય-રસ પીતા. પિયુ પરદેશીને ક્હેજો પ્રણામ અમારા પ્રણામ અમારા ક્હેજો કે ગઈ તુજ દારા! ક્હેજો તને સંભારતી વિષપાન એ કરતી હતી, છેલ્લો નીકળતાં શ્વાસ તારું નામ એ જપતી હતી. ક્હેજો મને દીધી તજી ત્યમ બીજીને તજશો નહિ, કોઈ પ્રીતિવશ અબળા બિચારી ભોળીને ઠગશો નહિ! એવી ગીત-પંક્તિઓ, એ ગામઠી છતાં સુકુમાર બ્રાહ્મણ તરગાળા કિશોરોનાં ગળામાંથી વહેતી ને અમારા હૃદયમાં જે સ્પંદનો મચી રહેતાં તેની ધ્રુજારી આજેય યાદ કરીએ છીએ ત્યારે ઊઠે છે. એ ઋણ તો જીવન પર કાયમી બન્યું છે. પછી જ્યારે હું અમરેલી હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે શ્રી મૂળશંકર મૂળાણીના જમાઈ શ્રી વિશ્વનાથ ભટ્ટને અમારા ખગોળ-શિક્ષક તરીકે જોયા. એમની શિક્ષણ-છટા બીજા શિક્ષકોના કરતાં અનેરી જણાઈ. ખગોળ જેવો વિષય પણ અભિનય દ્વારા શીખવીને રસમાં તરબોળ કરી દેતા. પૂછતાં ખબર પડી કે એમના સસરા મોટા નાટયલેખક છે. બેઉએ મળીને કાઠિયાવાડી નાટક કંપની કાઢેલી, પણ હરીફોની ખટપટથી અને આ બેઉ જણાની સંસ્કારિતા તથા સરલતાને પરિણામે કંપની તૂટી ગઈ, ને વિશ્વનાથ માસ્તર વળી પાછા પોતાની મૂળ શિક્ષકની જગ્યાએ આવી બેઠા છે. પછી તો શાળામાં ભારી ઉત્સાહ પ્રકટાવી દેતી જે વાર્ષિક સોશ્યલ ગેધરિંગો થતી, તેમાં વિશ્વનાથભાઈ અમારી પાસે શ્રી મૂળાણીનાં નાટકોમાંથી ચૂંટીને પ્રવેશો ભજવાવતા. આમ શ્રી મૂળાણીની કૃતિઓના આછા લિસોટાનો જ મને પરિચય હતો અને એમણે ગુજરાતી રંગભૂમિના પ્રદેશમાં ઇતિહાસ સરજાવ્યો છે એ વાતની વિગતે જાણ તો આજે ગુજરાત સાહિત્ય સભાના આ માન-સમારંભને લીધે જ પડે છે. ૧૮૯૦થી પૂરાં ૪૦ વર્ષો પર્યંત જેમણે ઢગલાબંધ નાટકો લખી ગુજરાતી જનતાને નિર્મળ રસનું પાન કરાવ્યું તેમજ માલિકોને પુષ્કળ કમાણી કરાવી, તે માણસ મૂળે તો નોન-મૅટ્રિક. મુંબઈની નાટક-કંપનીમાં માસિક રૂ. પાંચના પગારે નોકરીએ રહે છે, નાટકના પાઠની નકલ કરવાની એને કામગીરી અપાય છે. પણ એ તો એ પાઠોના કાવ્ય વિભાગમાં પિંગળના માત્રમેળ વગેરેની ખામીઓ પકડી પાડી ઉપરીનું ધ્યાન ખેંચવા લાગે છે. એની એ શક્તિ જોઈ માલિક પાંચના માસિક પચીસ કરી આપે છે, ને પોતે નાટકના કાવ્યભાગ લખવા લાગે છે. એની કાવ્યરચના જનતાને વશીભૂત કરે છે, ને ચાળીશ વર્ષોના વિશાળ જીવન પર એ પચાસેક નાટકોની નકશી પાથરી આપે છે. એટલું બધું સાધી શકવા પાછળ કદાચ કોઈ પ્રકૃતિદીધું વિભૂતિમત્ સત્ત્વ એમનામાં હશે એ ખરું, પણ એના વિજયની ચાવી તો એમણે આ કાર્યમાં જે યોગ સાધેલો તે છે. योगः कर्मसु कौशलम् એ સૂત્રાને સાચું પાડતી જે કર્મકુશલતા કવિ મૂળશંકરે બતાવી છે તે તો આ, કે છેક એ જમાનામાં પોતે કાલિદાસ, માઘ ઇત્યાદિ પ્રાચીન ગીર્વાણોની સંસ્કૃત નાટયકૃતિઓનું અને શેક્સ્પિયર, બાલ્ઝાક વગેરે પાશ્ચાત્ય નાટકકારોનાં ઉત્તમોત્તમ નાટકોનું પરિશીલન કરી એની ખૂબીઓને પોતાની કૃતિઓમાં પકડવા મૌલિક યત્ન કરતા; અને પોતાની કૃતિ ભજવાતી વેળા પોતે છેક પિટક્લાસમાં છાનામાના બેસી જઈ ખામીઓનું નિરીક્ષણ કરતા, ને ભૂલો જણાય તે સુધારી લેતા. એમની ન ભુલાય તે વિશિષ્ટતા તો ગુજરાતી વાણીની જે રમ્યતાને પોતે ઉપાસી તે છે. તે કાળનાં ઉર્દૂ નાટકોના ધમધમતા જમાનાની વચ્ચે એમણે ગુજરાતી નાટકોને બંકી બાની આપી. ગુજરાતી વાણીને જે માધુર્ય વડે એમણે શણગારી તે આજે પણ ચકિત કરે છે. એટલી જ ધન્યવાદને પાત્રા સિદ્ધિ એમણે પોતાની પાસેના બાલ-નટોને ઉચ્ચ સંસ્કારે વિભૂષિત કર્યા તે છે. નટો એમની સામે મસ્તક નમાવતા. બાપુલાલભાઈ, જયશંકરભાઈ જેવા નટમણિઓ એમની પાસે બાળકો પેઠે ઊછરેલા. માણસને માનના અધિકારી બનાવવા માટે ધંધાદારી સફળતા જ બસ નથી. મૂળશંકરભાઈમાં તો ઊંડો આત્મસંસ્કાર છે. વિશાળ મનોરાજ્ય, ટૂંકી કમાણી છતાં દિલની દિલાવરી અને પોતે ગુપ્ત રહીને પણ જગતને સુગંધ આપ્યા કરવાની આત્મવિલોપન વૃત્તિ, એ આંતરિક ગુણો પણ એમની સફળતાના કારણરૂપ છે. ને એમણે શું શું નથી સહ્યું? જખમો સહ્યા છે, નિષ્ફળતાયે વેઠી છે, પ્રપંચો ખટપટોના સપાટા અનુભવ્યા છે, માનહાનિ ને મહેણાં પણ ભોગવ્યાં છે અને છેવટે પોતાનો કાળ પૂરો થયો સમજીને શાંતિથી પોતાના ઘરમાં બેસી ગયા છે. આપણો જમાનો આજે જે આગળ વધ્યો છે તે એમના જેવા પુરુષો તરફથી મળેલા તૈયાર વારસાને આભારી છે. આપણે આજે ‘અવેતન રંગભૂમિ’નું સૂત્રા ઊભું કરીને ‘ધંધાદારી રંગભૂમિ’ શબ્દ પર કાળી શાહી રેડી દીધી છે. પણ આપણને ધીરેધીરે આ ભાન ઊગ્યું છે, કે રંગભૂમિની જે સાધના ધંધાદારીઓએ કરી છે તે નમવા લાયક છે. મૂળશંકરભાઈને આપણે પ્રણામ કરીએ. તેઓ સો વર્ષના થાય. [નાટ્યલેખક મૂળશંકર મૂળાણીના ગુજરાત સાહિત્ય સભાએ યોજેલા સન્માન-સમારંભમાં : ૧૯૪૬]