સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/તોશિયો ઇશી/રોજ ઊઠીને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          કો’ક કો’ક દી જ હું નિશાળે જાઉં છું. રોજ મારે ડુંગરામાં કામે જવું પડે છે. ડુંગરામાં હું લાકડાં વીણું છું ને કોલસા પાડું છું. બીજા બધા છોકરાની જેમ મનેય રોજ નિશાળે જવાનું બહુ મન થાય છે. પણ હું કેમ કરીને જાઉં? બાપા હતા તે ગુજરી ગયા છે; બા મામાને ઘેર જતી રહી છે. દાદાજી તો બહુ ઘરડા, એટલે એનાથી શું કામ થાય? પછી કામ કરનારો રહ્યો હું એકલો. રોજ ઊઠીને હું ડુંગરામાં જાઉં છું, ને લાકડાં ફાડીને તૈયાર કરું છું. પછી હું કાળજીથી ભઠ્ઠી ગોઠવું છું. પહેલાં ભઠ્ઠીની નીચલી બારી બંધ કરીને ઉપરના બાંકામાંથી દેવતા પેટાવું છું. પછી લાકડું સળગવા માંડે એટલે ઉપલું બંધ કરીને નીચલું બાકું ઉઘાડી નાંખું છું. એને લીધે લાકડાં ધીમે ધીમે બળે છે, ને સારા કોલસા પડે છે. પછી ભઠ્ઠીને સળગતી મૂકીને વળી પાછો ઊંચે ડુંગરામાં જઈને લાકડાં ભેગાં કરું છું. લાકડાંને ઢસડીને ભઠ્ઠી સુધી લાવવાં પડે છે. ત્યાં લાવીને એને ફાડવાનાં, ને વળી પાછાં ભઠ્ઠીમાં નાખવાનાં. ડુંગરો ચડું, ને લાકડાં ઢસડીને નીચે લાવું : એવા છ ફેરા કરું ત્યાં રોંઢાની વેળા થઈ જાય. ભૂખેય બહુ લાગી હોય, એટલે ભાતનો લચકો ને ખાટું અથાણું બહુ મીઠાં લાગે. ખાઈને બે ઘડી જંપીને બેસું, ભઠ્ઠી ઉપર નજર નાખું, ને વળી પાછો ડુંગરો ચઢવા માંડું. સાંજના પાંચેક વાગ્યા સુધી લાકડાં લાવવાના ફેરા કર્યા કરું. પછી ભઠ્ઠીને વળી એક વાર તપાસી-કરીને કોલસાનો એક થેલો ખભે નાખીને હું ઘરની વાટ પકડું. કોલસા ભારે વજનદાર હોય છે; એટલે હજી હું અડધે રસ્તે પહોંચું ત્યાં તો, ગમે તેવી ટાઢ પડતી હોય તો પણ, આખું ડિલ પરસેવે રેબઝેબ થઈ જાય છે. શિયાળામાં સાડાછ વાગ્યે ને ઉનાળામાં સાંજે સાતે હું ઘેર પહોંચું. વાળુ કરી લઉં પછી ખડકલોએક ઘાસ ખાંડવાનું હોય છે. દાદાજી બેઠા બેઠા એનાં દોરડાં વણે છે. આમ ખૂબ મહેનત કરી કરીને બે-ત્રણ દીના રોટલા જેટલું હું રળી લઉં છું. બસ, ઘરમાં એટલી જણસ ભેગી થઈ જાય એટલે દાદાજી કહેશે કે, “બેટા, હવે કાલ તું તારે નિશાળે જાજે!” એટલાં વેણ સાંભળું ત્યાં તો હું હરખમાં અડધો અડધો થઈ જાઉં. આમ કો’ક કો’ક દી જ મારે નિશાળે જવાય, એટલે ભણવામાં બીજાં છોકરાંની હારે તો હું ન રહી શકું. તોય વર્ગમાં બેઠાં બેઠાં માસ્તરની જે વાત કાને પડે તેને ચિત્તમાં ઉતારી લઉં. ને પછી, વળતે દી, ડુંગરા ઉપરથી લાકડાં ઢસડી લાવતો હોઉં ત્યારે એ વાતના જ વિચાર મને આવ્યા કરે. એમ કરતાં કરતાં ક્યારેક વળી ઉપરાઉપરી બે દી સુધી હું નિશાળે જઈ શકું. પણ બે દી સુધી ન જવાય તો ય વાંધો નહિ. સમૂળગા ન જવાય તેના કરતાં તો એક દી યે સારો ને? તોશિયો ઇશી (છોકરો : ૧૫ વર્ષ)