સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દશરથલાલ શાહ/ત્રણ મીરાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          એમ કહેવાયું કે ગુજરાતમાં ત્રણ મીરાં થઈ. (૧) મીઠુબહેન પીટીટ, જેમણે મરોલી આશ્રમ મારફતે આદિવાસીઓની સેવા કરી, (૨) મણિબહેન પટેલ, જેમણે પોતાના પિતા સરદાર વલ્લભભાઈ પટેલની સેવા મારફતે નિરંતર દેશસેવા કરી અને (૩) કુસુમબહેન પટેલ જેમણે વિઠ્ઠલ કન્યાવિદ્યાલય મારફતે સેંકડો બહેનોમાં સંસ્કારસિંચન કર્યું. ત્રણેએ આજીવન કૌમાર્યવ્રત ધારણ કરી સમગ્ર જીવન દેશસેવા અને સમાજસેવામાં સમર્પિત કર્યું. પિતા હરિભાઈ પટેલ અને માતા મૂળીબહેનની કૂખે ૧૯૧૮માં સુરત જિલ્લાના કતાર ગામે કુસુમબહેનનો જન્મ થયો હતો. દાદીમાએ એમની માતા પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે, દીકરીઓને દીકરાની જેમ જ ઉછેરજે. કુસુમબહેન ગ્રેજ્યુએટ થઈને વિઠ્ઠલ કન્યાવિદ્યાલય(નડિયાદ)માં શિક્ષિકા તરીકે રહેવા જાય છે ત્યારે ત્યાંના આદ્ય આચાર્યશ્રી દેસાઈભાઈ કહે છે, “ગ્રેજ્યુએટ છો, પણ આશ્રમી જીવન નથી જીવ્યાં, એટલે વેડછી જઈ જુગતરામભાઈ પાસે રહો. તે જો તમારે માટે પ્રમાણપત્ર આપે તો પછી અમે તમને અહીં કામ આપીએ.” કુસુમબહેન પહોંચ્યાં વેડછી અને જુગતરામકાકા પાસે તમામ કામોમાં પાવરધાં બની નડિયાદ આવ્યાં અને વિઠ્ઠલ કન્યાવિદ્યાલયમાં એવી પલાંઠી વાળી બેઠાં કે ૧૯૪૨થી ઠેઠ અવસાન સુધી પૂરાં ૫૯ વર્ષ એ માટે આપ્યાં! આ વિદ્યાલયમાં ગૃહમાતા, શિક્ષિકા, આચાર્યા, મંત્રી અને છેલ્લે મંડલનાં અધ્યક્ષા સુધી પહોંચ્યાં. [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૫]