સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દોલતભાઈ દેસાઈ/આક્રમણના વમળમાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          આજનો વિદ્યાર્થી ચોમેરથી એક પ્રકારની ભીંસમાં સપડાયો છે. અને તેની એને જ ખબર નથી. ચારે તરફથી જ્ઞાનતંતુ પર આક્રમણ થાય છે. ફિલ્મની જાહેરાતોનાં પાટિયાં, ફિલ્મનાં ગીતો અને ખુદ ફિલ્મો, એક મોટું આક્રમણ છે. અસલ ફિલ્મનો ‘હીરો’ ચાહનાનું કેન્દ્ર બનતો, પણ આ દાયકામાં ફિલ્મનો વિલન પ્રશંસાનું, ચાહનાનું અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે! વિદ્યાર્થીની અતૃપ્ત અને વિધ્વંસક કામનાઓને આ વિલનમાં પોષાતી જોવા મળે, તેથી વિદ્યાર્થીઓ (કે પછી મોટેરાંઓ પણ) એના પ્રત્યે આકર્ષાતા હશે. બે પ્રશ્નો થાય : એક, આ વિલન પ્રત્યે વધતી જતી ચાહના યુવાનોને ક્યાં લઈ જશે? બીજું, ફિલ્મ કેટલું જબરદસ્ત મોટું અસરકારક માધ્યમ છે! બીજું આક્રમણ તે સ્વાદનું. પાનની દુકાને, ભજિયાં કે પાંઉ-ભાજીની લારીએ યુવાનો ઊભેલા જોવા મળે. જે ઉંમરે પૌષ્ટિક આહારની જરૂર પડે તે ઉંમરે આ જાતનો ખોરાક યુવાનોને ક્યાં લઈ જશે? ત્રીજું આક્રમણ તે કર્ણેન્દ્રિયપર. રસ્તા પર જાતજાતના અવાજો. અવાજો માપવામાં આવે તો ‘ડેસીબલ’નું યંત્રા તૂટી જાય. એ સાથે રેસ્ટોરાંમાં વાગતા ‘જ્યૂક-બોક્સ’માંથી નીકળતો તમ્મર આવે એવો અવાજ. અવાજ એટલો તો મોટો કે પાસેની ખાલી ખુરશી થથરે! ચોથું આક્રમણ ગતિનું છે. યુવાનને સ્કૂટર પર પસાર થતો જુઓ. એની ગતિ, અવાજ, ડ્રાઇવિંગની વાંકીચૂકી દિશા ઘણી વાતો કહેશે. તેમાંયે હમણાં તો ‘બુલેટ’ સ્કૂટર પર યુવાનોની ચાહના વધી છે; કેમ કે એ ધ્યાન ખેંચતો અવાજ કરે છે. ગતિ કેફ બક્ષે છે. આ અસર નીચે યુવાન પીડાય છે. આ સાથે, વિલનટાઇપ મારામારી, બૂમબરાડા, સસ્તી બીભત્સતા… બધુંય આપણને વિચારતા કરી મૂકે તેમ છે. તો શું યુવાનો ખરાબ છે? મને તો એવું નથી લાગતું. સમાજે યુવાનનો ‘યોગક્ષેમ’ જાળવ્યો નથી. એને માટે સારાં નાસ્તાગૃહો ખોલ્યાં નથી, તેથી ભજિયાંની લારીવાળો ફાવે છે. એને માટે દૂધ કેન્દ્રો ખૂલ્યાં નથી. સમાજે યુવાનો માટે સારા મનોરંજનવાળી ફિલ્મ ક્લબો સ્થાપી નથી, તેથી એ રઘવાયો થઈ ‘શોલે’ પાછળ દોડે છે, અને એને ખબરેય ન પડે તે રીતે દાઝે છે. સમાજે યુવાન માટે નવી પ્રતિમાઓ સર્જી નથી, અસરકારક વ્યક્તિઓને સમાજે યુવાન સમક્ષ મૂકી નથી, તેથી પડદાના પડછાયા પાસે એ શિર ઝુકાવે છે. એ યુવાનની ગતિને ટેબલટેનિસમાં, કબડ્ડીમાં, કે રમતોમાં ગૂંથવા સમાજે વેગવાન પ્રયાસો શેરીએશેરીએ કર્યા નથી, તેથી સ્કૂટરની ગતિ આપણને મૂંઝવે છે. સમાજે યુવાનને સૂર્યોદય, સૂર્યાસ્ત કે આકાશના રંગો જોતાં શીખવ્યું નથી, તેથી એ ફિલ્મના પોસ્ટરના રંગો જોઈ ખેંચાય છે.

[‘નૂતન શિક્ષણ’ માસિક : ૧૯૭૬]