સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધનવંત શાહ/અવિરત જ્ઞાનયાત્રા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ૧૯૩૧માં પ્રારંભાયેલી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા ૨૦૦૬માં પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કરે છે. વચ્ચે ૧૯૩૩-૩૪-૩૫ અને ’૪૨માં આ વ્યાખ્યાનમાળાનું આયોજન થઈ શક્યું ન હતું, એ ધ્યાનમાં લઈએ તો, એ ચાર વર્ષને બાદ કરતાં, આ વર્ષની વ્યાખ્યાનમાળાનો મણકો ૭૧મો થયો. વૈચારિક સમાજે આ પ્રવૃત્તિને આવકારી એટલું જ નહિ, તેની પ્રેરણા લઈ દર વરસે ભારતના અન્ય પ્રદેશોમાં આવી વ્યાખ્યાનમાળાનું આયોજન થવા લાગ્યું. આવો ઉત્તમ વિચાર કે કલ્પના જેમને આવી એ મહાનુભાવ છે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી. સૌ પ્રથમ ૧૯૩૦માં આવી વ્યાખ્યાનમાળાનું આયોજન એમની પ્રેરણાથી અમદાવાદમાં થયું. ત્યાર પછી ૧૯૩૧માં આ વ્યાખ્યામાળાનો આરંભ મુંબઈમાં મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા થયો. આ વ્યાખ્યાનમાળાને દશ વર્ષ પૂરાં થયાં પછી ૧૯૪૦માં ‘પ્રબુદ્ધ જૈન’માં ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા શા માટે’ શીર્ષકથી પ્રગટ થયેલા પંડિત સુખલાલજીના લેખના કેટલાક શબ્દો જોઈએ : “આ વ્યાખ્યાનમાળાનો ઉદ્દેશ ગુરુપદ મેળવવાનો અગર તો કોઈનું વાસ્તવિક ગુરુપદ નષ્ટ કરવાનો નથી. એ જ રીતે આનો ઉદ્દેશ પૂજા-પ્રતિષ્ઠા મેળવવાનો અગર અર્થપ્રાપ્તિનો પણ નથી. જે લોકો શ્રદ્ધાળુ છે અને આદરભક્તિથી પજુસણની ચાલતી પરંપરામાં રસ લે છે તેમને ક્રિયાકાંડથી અથવા તો વ્યાખ્યાન-શ્રવણમાંથી છોડાવવાનો પણ આ વ્યાખ્યાનમાળાનો ઉદ્દેશ નથી. ત્યારે આનો ઉદ્દેશ શો છે? “આજે વિશ્વ સાથેના સંબંધની દૃષ્ટિએ, રાષ્ટ્રીય દૃષ્ટિએ અને સમાજ તેમજ કુટુંબની દૃષ્ટિએ કેટલાય પ્રશ્નો ઊભા થયા છે અને ઊભા થતા જાય છે અને એ પ્રશ્નો ધાર્મિક સંબંધ વિનાના પણ નથી. એટલે તેની વ્યવહારુ દૃષ્ટિએ અને ધાર્મિક દૃષ્ટિએ ચર્ચા કરવી પ્રાપ્ત થાય છે. આ માટે વિચારજાગૃતિ જોઈએ. વિવિધ જાતનું વાચન અને મનન જોઈએ. નિર્ણયશક્તિ જોઈએ. આ પ્રશ્નો તરુણ અને વૃદ્ધ વર્ગમાં આજે ચર્ચાઈ રહ્યા છે. જમાનો જ્યારે વિચારજાગૃતિ અને જ્ઞાનનું ખેડાણ માંગે ત્યારે એને યોગ્ય રીતે એ વસ્તુ પૂરી પાડવામાં જ લાભ છે.” ૧૯૩૧થી ૧૯૬૦ સુધી આ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને સતત ૩૦ વર્ષ પંડિત સુખલાલજી બિરાજ્યા, ત્યાર પછી ૧૯૬૧થી ૧૯૭૧ પ્રમુખસ્થાન પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલાએ શોભાવ્યું, ત્યાર બાદ એમના જ શિષ્ય રમણલાલ ચી. શાહ ૧૯૭૨થી ૨૦૦૫ સુધી સતત તેત્રીશ વર્ષ પ્રમુખસ્થાને બિરાજ્યા. પ્રથમ બે પ્રમુખના સમયકાળમાં વિદ્વાન વ્યાખ્યાતાઓને શોધવાનું અને પસંદ કરવાનું પરમાણંદ કુંવરજી કાપડિયાએ પાર પાડ્યું. રમણભાઈએ તો પ્રમુખસ્થાન અને વક્તા-આયોજનની બેઉ જવાબદારી સ્વીકારી. પ્રારંભથી અત્યાર સુધીના ચિંતક વ્યાખ્યાનકારોનાં નામોની સૂચિ લખવા બેસું તો પાનાનાં પાનાં ભરાય, છતાં કેટલાંક નામોનો ઉલ્લેખ કરવાની ઇચ્છા રોકી શકતો નથી : પંડિત સુખલાલજી, કાકા કાલેલકર, કનૈયાલાલ મુનશી, જગદીશચંદ્ર જૈન, સરલાદેવી સારાભાઈ, સ્વામી અખંડ આનંદ, મોતીલાલ કાપડિયા, મોરારજી દેસાઈ, ઉષા મહેતા, દલસુખભાઈ માલવણિયા, હરિભાઈ કોઠારી, મોરારિબાપુ, સ્વામી આનંદ, જિનવિજયજી, ઝવેરચંદ મેઘાણી, મહાસતી ઉજ્જ્વળકુમારી, કિશોરલાલ મશરૂવાળા, કેદારનાથજી, બ. ક. ઠાકોર, ઉમાશંકર જોશી, ભદંત આનંદ કૌશલ્યાયન, મૌલવી મકબુલ અહમદ, ભોગીલાલ સાંડેસરા, પુરુષોત્તમ માવળંકર, જ્યોતીન્દ્ર દવે, વિમલાતાઈ, મુનિ સંતબાલજી, પાંડુરંગ શાસ્ત્રી, જયપ્રકાશ નારાયણ, ઉછરંગરાય ઢેબર, વિજયાલક્ષ્મી પંડિત, ગુરુદયાલ મલ્લિક, સ્વામી રંગનાથાનંદ, એરચ જહાંગીર, ન્યાયમૂર્તિ હિદાયતુલ્લા, મધર ટેરેસા, ફાધર વાલેસ, ચં. ચી. મહેતા, વિજય મર્ચન્ટ, મુનિ પુણ્યવિજયજી, નારાયણ દેસાઈ, ‘દર્શક’, સુરેશ જોષી, અગરચંદજી નાહટા, કુમારપાળ દેસાઈ. આજ સુધી ૫૦૦થી વધુ વ્યાખ્યાતાઓએ લગભગ ૧,૦૦૦થી વધુ વ્યાખ્યાન આ વ્યાખ્યાનમાળામાં આપ્યાં. ચીમનલાલ ચ. શાહનાં કુલ ૪૪ વ્યાખ્યાનોનો અને રમણલાલ ચી. શાહનાં લગભગ ૪૦ વ્યાખ્યાનોનો લાભ આ વ્યાખ્યાનમાળાને મળ્યો. ૧૯૫૯માં માત્ર સ્ત્રી વ્યાખ્યાતાઓએ જ વ્યાખ્યાન આપ્યાં. આ રીતે ૧૬ સ્ત્રી વ્યાખ્યાતાઓનો એક સાથે લાભ મળ્યો. ૧૯૫૭માં એક જ વિષય ‘અહિંસાની વિકાસશીલતા’ ઉપર દાદા ધર્માધિકારીએ છ વ્યાખ્યાનો આપ્યાં. ૧૯૮૫માં રમણભાઈને એક વિચાર આવ્યો. ગુજરાતના પછાત વિસ્તારમાં અનેક એવી ઉત્તમ સામાજિક સંસ્થાઓ છે જે ધનના અભાવે આગળ વધી શકતી નથી. આવી સંસ્થાના કાર્યકરો સરકાર કે અન્ય સ્થળે દાનની વિનંતી કરવામાં સંકોચ અનુભવતા હોય છે. રમણભાઈને વિચાર આવ્યો કે પર્યુષણ પર્વ દરમિયાન જ્ઞાન ઉપાર્જન સાથે આવી સંસ્થા માટે દાનની ટહેલ નાંખવી, જેથી મધ્યમવર્ગ પણ યથાશક્તિ દાન આપી પોતાની કરુણાની ભાવનાને સંતોષી શકે. આ હેતુ માટે સંઘની કારોબારી સમિતિના સભ્યો સાથે રમણભાઈ એવી સંસ્થાની મુલાકાત લેતા. ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી સંસ્થાની યોગ્યતાની ખાતરી કરી આવી સંસ્થા માટે શ્રોતાઓને દાનની વિનંતી કરાતી અને એકઠી થાય એ રકમ આપવા દાતાઓ અને સંઘના સભ્યો સાથે જતા. સર્વ પ્રથમ ધરમપુર આદિવાસી વિસ્તાર કેન્દ્રને ૧૯૮૫માં રૂ. ૨,૮૦,૦૦૦ની રકમ અપાઈ અને આજ સુધી ૨૧ સંસ્થાઓને કુલ લગભગ ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ આ વ્યાખ્યાનમાળાના માધ્યમથી પહોંચી છે. હીરાબાગમાં પ્રારંભાયેલી આ વ્યાખ્યાનમાળા જેમ જેમ શ્રોતાઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ કાંદાવાડી દશાશ્રીમાળી વણિક વાડી, આનંદ ભુવન, ભાંગવાડી થિયેટર, મહાવીર જૈન વિદ્યાલય, ભારતીય વિદ્યા ભવન, બ્લેવેટસ્કી હોલ, બિરલા ક્રીડા કેન્દ્ર, પાટીદાર વાડી અને આજે પાટકર હોલમાં સ્થિર થઈ છે. વ્યાખ્યાનમાળા પ્રગતિ કરતી ગઈ તેની સાથોસાથ મોંઘવારી વધતાં ખર્ચા પણ વધ્યા. પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ ૧૯૮૨માં સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના પ્રતિનિધિ જયંતીલાલ શાહે એ ટ્રસ્ટમાંથી માતબર રકમ આપી સંઘને ચિંતામુક્ત કર્યો. ત્યાર પછી પણ દર વરસે મોંઘવારી વધે એમ ખોટ વધે, પણ આજ સુધી આ ટ્રસ્ટ સંઘને ચિંતામુક્ત કરતો રહ્યો છે. વ્યાપકપણે જીવનને સ્પર્શે એવા વિષયોની તલસ્પર્શી છણાવટ કરે, વિવિધ વિષયોને પૂરો ન્યાય આપે અને વિચારપ્રેરક ચિંતન પ્રસ્તુત કરે એવા વિદ્વાન વ્યાખ્યાતાઓને કારણે આ વ્યાખ્યાનમાળાની ઊંચી પ્રતિષ્ઠા સ્થાપિત થઈ. આ વ્યાખ્યાનમાળામાં વક્તવ્ય આપવું અને વ્યાખ્યાનમાળામાં શ્રોતા તરીકે જવું એ પણ એક મોભારૂપ બની ગયું. વ્યાખ્યાતાની પસંદગી માટે રમણભાઈએ એક વિશેષ વિચારને કેન્દ્રમાં રાખ્યો. દર વર્ષે પ્રસિદ્ધ વ્યાખ્યાતાઓની સાથોસાથ નવા અભ્યાસી વ્યાખ્યાતાઓને પણ નિમંત્રણ આપવું, જેથી સમાજને નવા વ્યાખ્યાતાઓ પ્રાપ્ત થાય. રમણભાઈના આ આદર્શને કારણે સમાજને ઘણા વ્યાખ્યાતાઓ મળ્યા છે. એક સમય એવો હતો કે શ્રોતાઓથી સભાગૃહ છલકાઈ જતું, બહાર ક્લોઝ સરકીટ ટી.વી. મૂકવું પડતું, પણ આજે એ પરિસ્થિતિ નથી. પ્રૌઢ વર્ગ કાળને અર્પણ થતો જાય છે અને અન્ય મનોરંજન માધ્યમો તેમજ અંગ્રેજી માધ્યમોને કારણે થોડો યુવાવર્ગ જ આવી વ્યાખ્યાનમાળા તરફ પગલાં ભરે છે.

[‘પ્રબુદ્ધ જીવન’ માસિક : ૨૦૦૬]