સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરજબહેન પારેખ/કાંડાંની કમાણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ચહેરે કાળી અને કેશે ગોરી, જોતાં અંગઉપાંગ પણ બેડોળ ગણાય તેવી વૃદ્ધાને લઈને એક બહેન ઓચિંતાં મારે ત્યાં આવ્યાં. તેમણે કહ્યું : “તમારે માટે આ માલિશ કરવાવાળી લાવી છું. થોડાક દિવસ જોઈ જુઓ; ઠીક લાગે તો વધારે દિવસ રોકજો — નહિતર રજા આપજો.” હું કંઈ જવાબ આપું ત્યાં ડોશીમાએ કહ્યું : “તમે મારી પાસે કામ કરાવી જુઓ; રાખવા-ન-રાખવાનું પછી નક્કી કરજો. મારે કોઈના પૈસા હરામના નથી લેવા, બહેન!” મને તેની વાત વાજબી લાગી : આમતેમ દવાદારૂ માટે દાક્તરને ત્યાં દોડીએ તેના કરતાં, ઘેર બેઠાં આ બાઈ આવી છે તો શા માટે ન અજમાવી જોવું? મેં તેને રાખી લીધી. દેખાવે ડોશી હતી, પણ જોરમાં જુવાન લાગી. મારે જ કહેવું પડ્યું : “અરર, મારાથી તો ખમાશે નહિ આવું!” તે બોલી : “તમને ટેવ નથી તેમાં જ; બાકી તો માણસો એવાંય છે કે કલાકો સુધી ના ન પાડે. લો ત્યારે, ધીરે ધીરે ચોળું, હં!” પછી પૂછ્યું : “હવે કેમ લાગે છે?” “હં, બસ આમ જ; આસ્તેથી ચોળજો.” મને થયું, પાએક કલાક આ કાર્યક્રમ ચાલશે; પણ એમ ન બન્યું. એ તો વગરપૂછી કેટલીયે વાતો કરવા લાગી : “વીસ વરસથી આ ધંધો કરું છું, બહેન! દેખાવે હું ‘કંડમ’ લાગું છું. પણ કામમાં ‘કંડમ’ નથી, હોં!” બિલકુલ જૂના જમાનાની વૃદ્ધાને મોંએ પણ અંગ્રેજી શબ્દો સરતા જોઈને મને સહેજ હસવું આવ્યું. મારે કબૂલવું પડ્યું : “ના, માજી, તમારું કામ સોળ આના છે!” “તો બસ, મારી બહેન! ઘરાક રાજી તો હુંયે રાજી. મને કામનો લોભ છે એટલો પૈસાનો નથી. ને તેમાં તો મારાં જૂનાં ઘરાક મને જ બોલાવે છે ને? પણ મારાથી કેટલેક ઠેકાણે પહોંચાય, બહેન? એટલે મારે બીજાં કોઈને મોકલવાં પડે છે. પણ આજનાં લોક હાડકાંનાં એટલાં હરામ થઈ ગયાં છે કે રોટલો નભાવી જાણતાં નથી. આપણે ઓલી કે’વત છે ને — કે બ્રાહ્મણ હાથજોડ કરાવી દે, કંઈ ઘર થોડાં જ હલાવી દે!” મેં પૂછ્યું : “આવાં કેટલાંક કામ તમે ધર્યાં છે? તમે થાકી નથી જતાં આટલું બળ વાપરીને?” “થાકી તો કામ નથી હોતું ત્યારે જાઉં છું — ઊલટી માંદા જેવી થઈ જાઉં છું! આમ ચોળવા-મસળવામાં તો મારા હાથનેય કસરત મળે છે. અત્યારે આ બીજું કામ છે તમારું; અને ખાઈ કરીને પછી પાછાં ત્રણ હજુ કરવા જઈશ.” “એટલે તમને પોણોસોકનો મહિનો પડે છે?” “પોણોસો તો રોકડા. ઉપરાંત ક્યાંકથી બપોરનું ખાવાનું, સવારની ચા પણ મળે; અને જેને ઘેર લાગટ એક-બે મહિના કામ કર્યું હોય ત્યાંથી સાડી-લૂગડું પણ મળે છે.” “તો એટલી બધી સાડીઓને તમે શું કરો — વેચી નાખો?” એણે દાંત તળે જીભ દબાવીને કહ્યું : “અમે મડદાં પરનાં ખાંપણ થોડાં લઈએ છીએ કે વેચી નાખીએ? અમે તો મડદાંને બેઠાં કરીને કમાણીનાં, મહેનતનાં લૂગડાં લઈએ છીએ. હું તો મારે હાથે કરું છું! જોકે તમ જેવાને પ્રતાપે પેરનારી ત્રણ ત્રણ વહુઓ આવી ગઈ છે. અને તે ઉપરાંત મારા ભાઈની દીકરીઓ છે એનેય આપું.” “તમારે ત્રણ દીકરા છે, માજી? — અને તોય તમે આવાં કામ કરો છો?” મેં નવાઈ પામીને પૂછ્યું. “તે કામ કરવામાં શી ખોટ છે, બહેન? દાણા પડ્યા સડી જાય તે કરતાં દળ્યા શું ખોટા?” ડોશીનો એકેએક જવાબ મને દંગ કરી દેતો હતો. મેં પૂછ્યું : “છોકરાના બાપ ક્યારે — હમણાં જ મરી ગયા?” “ના રે, બહેન! ઈ તો સાવ જુવાનીમાં દેવ થઈ ગ્યા છે. ઉપઉપલાં જણ્યાંને ભગવાને હેમખેમ રાખ્યાં એટલો પાડ પ્રભુનો. નીકર એને તો થ્યો’તો ટી.બી.! પૈસા રોકડા તો અમ જેવા પાસે ક્યાંથી હોય? ખેતરની પેદાશ આવે એટલી ઘરમાં જ પૂરી ન થતી, એટલે મંદવાડમાં મારે કરજ કરવું પડ્યું; તોય આવરદા નહિ તે ઊઠ્યા જ નહિ. થોડોક વખત શોક પાળવા રહી ત્યાં લેણાવાળા ઉતાવળા થવા માંડ્યા. મેં તો શોક છોડી દીધો — એટલે કે મનમાંથી મરનારાને ભૂલી ગઈ એમ નહિ. હું તો એક મોટા છોકરાને મુલકમાં તેની ફઈ પાસે મૂકીને આવી. મુંબઈ બે છોકરાને હારે લેતી આવી. નવીસવી હતી એટલે શરૂઆતમાં તો બિગારી કામ કરતી. પછી એ છોડીને લોકોનાં કપડાં-વાસણ કરવાનું શીખી. અને એકાદ વરસમાં તો એક જણીને આ ધંધામાં કમાતી જોઈને હુંય મારે આ કામ કરવા લાગી!” “મોટા દીકરાને ઘેર કેમ મૂક્યો?” મેં પૂછ્યું. “ઘેર મારી નણંદ વિધવા થઈને આવેલાં, તેને કોણ સાચવે? અને ખેતીવાડીની પણ દેખભાળ કરે ને? અમારે ફણસનાં ચાર ઝાડ છે અને બીજા આંબા છે. એનીય ઊપજ આવે અને ખેતરમાં પંદર મણ ચોખા પણ થાય છે. મારા દેરે કહ્યું : તમારી જમીનનો કર અમે ભરશું. પણ મેં ના પાડી. હવે કર ભરવાના આવે આખા દસ રૂપિયા — એટલામાં મારે એના ઓશિયાળા શું કામ થાવું જોઈએ? મારે દીકરા હતા ત્રણ! પછી લોકના હાથ સાજા કેમ કરું?” “પછી પેલા કરજનું શું કર્યું?” “અરે, એટલું બસો રૂપિયાનું કરજ તો ત્રણ જણાંનું ખાવા-ખર્ચ કાઢતાં છ મહિનામાં કર્યું પૂરું, અને બીજા છ મહિનામાં ઘર ચણાવું એટલું જમા કર્યું. પછી ઘરે જઈને ઘર ઉખેડયું અને કકડાવીને કર્યું પૂરું!” “ઘર ચણવાનો તો બહુ ખર્ચ થયો હશે, ખરું ને?” “અરે બહેન, મારે ક્યાં બંગલો ચણવો’તો કે ખરચ વધારે થાય! અમારે ઝાડવાં તો ઘરનાં બાવળ, ખેર, નાળિયેર જેવાં હોય. અને માણસોને મજૂરી નહીં આપવાની. કોઈનું ઘર ચણાતું હોય તો ફુરસદને વખતે સૌ મદદ કરવા લાગે. જે જાય દોડયાં કે જંગલમાંથી ઝાડવાં કાપી લાવે. બબ્બે ખેપ નાખે ત્યાં કાટમાળ થઈ જાય. રૂપિયા તો સુથારને જ દેવા પડે, બાકી કાંઈ નહિ.” મેં કહ્યું : “અરે વાહ! આ રીત તો બહુ સારી કહેવાય. અહીં તો કોઈ એમ સંપીને કામ કરે જ નહિ.” “આ તો શે’રગામ ગણાય, બાપુ; આંઈનાં માણસું બઉ પાકાં! ગામડાંનાં માણસુંમાં કળજગ હજુ આવ્યો નથી!” “તમારા દીકરાને પરણાવ્યા કોણે?” “આ કાંડાંની કમાણી ઉપર દીકરાને મેં જ પરણાવ્યા છે. અમારા ધારા પ્રમાણે વહુઓને બધું જ ઘરેણું કરાવ્યું છે મેં.” ચોળવા-મસળવાથી અંગો ઊલટાં અકળાયાં હતાં, પરંતુ મારા હૈયામાં અપાર આનંદ થતો હતો. વચમાં તે પૂછતી : “થાકી ગયાં, બહેન?” મેં કહ્યું : “ચોળવાનું બંધ કરો ભલે, પણ વાત તો કર્યા જ કરો. મારે તમારી બધી જ વાત સાંભળવી છે.” તે બોલી : “મારી વાતમાં શું માલ બળ્યો છે, બહેન? વાતું તો ઓલ્યા રસિયાના રાજા આવ્યા છે એની સાંભળવા જેવી હોય!” “તમે હમણાં ક્યાં રહો છો?” “હું મારા ભાઈની છોકરી ભેગી રહું છું. મારા દીકરા બે માટુંગામાં રે’ છે. હમણાં જ આવી. છ મહિનાથી મુલકમાં ગઈ’તી. મારાં જૂનાં કામ બે બાઈઓને વેંચી દીધાં’તાં; હવે હું આવી એટલે એ લોક મને કહેવા મંડયાં : ડોસી, તમે જ આવો! પણ બહેન, આપણને ગરજ હોય ત્યારે કોઈને રાખીએ અને આવતાંવેંત ખસેડી મૂકીએ એ કંઈ રીત ગણાય? મને તો દેવ દઈ રે’શે. કોઈના રોટલા પર પાટુ મરાય થોડી? મને પૈસાની એવી હાયવરાળ નથી. વળી મારા દીકરા ક્યાં ના પાડે છે? ત્રણ જણા પાંચ-પાંચ આપે તોય બે મહિના ખેંચી કાઢું. પણ એ બચારા હવે થયા બાળબચ્ચાંવાળા; એને નડવા હું નથી જાતી.” “પણ તમે એની સાથે કેમ નથી રે’તાં? વહુઓ કેવીક છે?” “વહુઓ તો આ જમાનાની બધીય સરખી. કોઈનાં વખાણ થાય તેમ નથી. પણ મારા છોકરા તો છોકરા જ છે, હોં! હું મુલકમાં ‘સિક’ પડી હોઉં ને કાગળ લખાવું, કે તરત ત્રણેય દોડે. એ તો કે’ છે ને કે, અમારી મા એટલે મા જ છે! એની હારે રે’વા જાઉં તો મારાં જૂનાં ઘરાક ટળી જાય; અને વળી મારા ભાઈની છોકરીને મારાં જેવાં માણસની જરૂર છે.” “એને તમારે પૈસા આપવા પડે છે?” “ના રે, એક પાઈ પણ નહિ. એ બીજાંનાં કામ કરવા જાય ત્યારે હું સાથે તેને કામ કરાવવા લાગું ને પાછી! વળી ઘરમાંય કાંઈ બેસી થોડી જ રહું છું? એનાં છોકરાંને રાખું, કચરો કાઢું, સાંજે રસોઈ કરું…” મેં કહ્યું : “આટલી ઉંમરે તમે જે કામ ગણાવો છો એ સાંભળતાં જ મારાં તો હાજાં ગગડી જાય છે, માજી!” “સાચું કહું? આ કમર કસીને કામ ન કરવાથી જ તમારા સાંધા ઝલાઈ જાય છે! હમણાં ઘંટી ફેરવવાની હોય, છાશ તાણવાની હોય કે કૂવેથી પાંચ બેડાં પાણી તાણવાનું હોય ને, તો કોઈ રોગ પાસે ઢૂંકવાય નો આવે!” મારે કબૂલવું પડ્યું કે, “તમે ગણાવ્યું તેવું કામ જ્યારે હું કરતી ત્યારે માથું કેમ દુઃખે એની મને ખબરેય નહોતી.” તે આપમેળે કહેવા લાગી : “મારે બળદ હતા બે, મેં જ કમાઈને લીધા’તા. પણ મોટો છોકરો નોખો થયો ત્યારે એક બળદ તેણે લઈ લીધો. લઈનેય પાસે ન રાખ્યો; વેચી નાખ્યો રૂપિયા સાઠમાં. હવે એક બળદથી અમે ક્યાંથી ખેતી ખેડીએ? તરત જ વાણિયાના રૂપિયા કરજે કાઢ્યા અને બળદ લાવી બીજો. છોકરાએ કહ્યું : જમીન વહેંચી આપ. પણ હજુ બે કુંવારા હતા ત્યાં જમીન ક્યાંથી વહેંચું, બહેન? એને પાંચ મણ ડાંગર પાકે એટલો કટકો આપ્યો, બીજી ન આપી. હા, ત્યાર કેડે બે પરણાવ્યા એ પણ ઉધાર કરીને જ. હવે એનાં દેણાં આપું છું.” “તે તમારા દીકરા નથી ભરતા પૈસા, કે તમારે ભરવા પડે?” “એય ભરે, પણ એને વધે જ શું? અત્યારના છોકરાના હાથ બઉ પો’ળા. જોઈએ ત્યાં ન ખરચે, ન જોઈએ ત્યાં વાપરે; પછી વધે શું? અને મારે ભેળું કરીને એના સાટુ મૂકી જાવું, તેના કરતાં દેણું જ ન દઈ દઉં!” “વહુઓ તમારું અપમાન કરે કે કોઈ વાર, માજી?” “ભેગી રે’વા જાઉં તો કોઈ ભૂલે એવીયું નથી — અને એની દાઢ તળે બોલતાં કાંકરોય ન આવે. પણ આપણે આબરૂને લીધે કાંઈ ન બોલી શકીએ. તેના કરતાં જીવું ત્યાં સુધી આમ કમાઈ ખાવા દેજે, પ્રભુ! — એવું હું તો માગું છું, બહેન! કેમ બોલતાં નથી?” મેં ઘડિયાળમાં જોયું ત્યારે બરાબર એક કલાક થઈ ચૂક્યો હતો, છતાં ડોશી ચોળવાથી થાક્યાં નહોતાં. મેં કહ્યું : “બસ કરો, માજી, હવે.” તે બોલી : “લાવો ચણાનો લોટ, હું પીઠે ચોળીને નવડાવીયે દઉં!” એક આઠઆનીમાં તેની પાસેથી આટલું બધું કામ લેવાની મને શરમ આવતી હતી, પણ તે એમ છોડે? તેણે સ્નાન કરાવ્યું; ઉપરાંત કપડું પણ ધોઈને સૂકવી નાખ્યું. આવીને પાછું તેણે પૂછ્યું : “મારું કામ પસંદ પડ્યુંને, બહેન? કોઈ નવું ઘરાક હોય તો બતાવજો, જેથી મારે પેલી બાયુંને આપવા થાય અને હું મારાં જૂનાં ઘરાક પાછાં લઈ શકું. વીસ-વીસ વરસની માયા થઈ ગઈ છે ને, એટલે તેને કે મને નવાં માણસ ઝટ દઈને ન ફાવે.” “પણ માજી, તમે અહીં આવ્યાં તે હવે ત્યાં ખેતી કોણ કરશે?” “એક છોકરાવહુને ત્યાં જ રાખ્યાં છે. એ ઊપજ આવે ત્યારે ત્રણ સરખા ભાગ પાડી નાખે છે. મારી નણંદ ખેતરમાં જ ઝૂંપડી બાંધી છે ત્યાં રે’ છે. એને છોકરો ભાતું દઈ આવે રોજ. મારે હમણાં આવવું નો’તું, પણ એક બળદ મરી ગયો એટલે બીજો લીધા વગર છૂટકો થોડો જ થાય? આ છ-આઠ મહિના કામ કરીશ ત્યાં બળદ માટે લીધેલા રૂપિયા ભરાઈ જાશે.” “તે રૂપિયા તમે કોની પાસેથી લીધા છે? વ્યાજે લીધા?” “ના બાપુ, વાણિયાના ચોપડામાં માથું મૂકવા હું ન જાઉં! મેં તો એક ખેડૂતને ફણસનાં ચાર ઝાડ ચડાણે આપ્યાં છે. જ્યાં સુધી રકમ ન ભરું ત્યાં સુધી ફણસની ઊપજ એ ખાય. પછી મને પાછાં આપશે.” “એમ કરવામાં તકરાર ન થાય? લખતબખત કરાવ્યું છે?” “અરે મારી બાઈ, લખત ને બખતનું કામેય શું? ગામડાંના અને વળી સાવ ત્રાહિત માણસું એવી તકરાર ન કરે. હા, સગાંને આપ્યાં હોત તો વળી કદી હક્ક કરી બેસત ખરાં!… લો, ત્યારે, હું હવે જાઉં કે? કાલે ક્યારે આવું? જો તમારી મરજી હોય તો જ બોલાવજો, હોં! હું પૈસા માટે પરાણે નથી કહેતી.” મેં એને બીજા દિવસનો સમય આપ્યો અને તે ગઈ.