સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુ પરીખ/મોતીભાઈ અમીન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મોતીભાઈ અમીને, વડોદરા રાજ્યના પુસ્તકાલય ખાતામાંથી નિવૃત્તિ લીધી ત્યારે પોતાના સાથીદારોને આ સંદેશો આપેલો : “મને ચાહતા હો તો મારા કામને ચાહજો.” હજુ યુવાનીને ઉંબરે પગ માંડતા હતા ત્યારે જ એમણે પોતાના કર્મયોગનો આરંભ કરી દીધેલો. એ વર્ષ ૧૮૮૮નું. વાચન, મનન અને ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ સ્થાપ્યો. આ અવિધિસરના સંઘનું નામ આપ્યું ‘વિદ્યાર્થી સમાજ’. ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં નવી નીકળેલી અંગ્રેજી શાળાના બીજા ધોરણમાં એ ત્યારે અભ્યાસ કરતા. એ વખતના હેડમાસ્તર શ્રી મગનભાઈ ચતુરભાઈ અમીને એમનામાં સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, દૃઢતા, સત્ય વગેરે ચારિત્ર્યગુણો ખીલવ્યા. વળી, એ જ અરસામાં પોતાના મિત્ર લાલાજીની સાહિત્યપ્રિયતાનો તથા તેમના ય મિત્ર મગનલાલ ભટ્ટનો મોતીભાઈને વધુ પરિચય થયો. પરિણામે મોતીભાઈને પણ વાચનનો નાદ લાગ્યો. રજાઓ પડે અને આ વાચનરસિયાઓ નવાં પ્રગટ થયેલાં પુસ્તકો શહેરમાંથી લાવે. એ વંચાય ને એની ચર્ચા થાય. શિક્ષણપ્રેમ અને શિષ્ટ વાચનપ્રવૃત્તિનાં બીજ અહીંયાં વવાયાં. ૧૮૭૩માં પોતાના મોસાળ અલંદ્રાિમાં જન્મેલા મોતીભાઈનું ભાવિ આમ સ્વપ્રયત્ને નિર્માણ થતું જતું હતું. વિશાળ દિલના અને હેતાળ મનના પિતા નરસિંહભાઈ પેટલાદની વહીવટદાર કચેરીમાં કારકુન હતા. એમનું મૃત્યુ થયું ત્યારે મોતીભાઈનું આયુ નવ વર્ષનું. હવે કાકા હરિભાઈ અને માતા જીબા તથા અપરમા હરખાબાના હાથમાં એણનો ઉછેર રહ્યો. હરિકાકા દૃઢાગ્રહી જીબા દુનિયાદારીથી અલિપ્ત અને હરખાબા વ્યવહારકુશળ મોતીભાઈમાં આ બધા જ અંશો સમરસ થયા. મોટા થયા પછી એમણે બાળલગ્નની જે પ્રથાનો વિરોધ કરેલો તેના જ પોતે છ વર્ષની વયે ભોગ થઈ પડેલા! છ વર્ષના બાળક મોતીભાઈને સાત વર્ષનાં રૂપબા સાથે પરણાવીને કુટુંબીઓએ લગ્નનો લહાવો લીધો હશે! આઠ વર્ષની ઉંમરે વસોની પ્રાથમિક શાળામાં જવાનું શરૂ કર્યું. ૧૮૮૮માં નવી અંગ્રેજી શાળામાં ‘વિદ્યાર્થી સમાજ’ની સ્થાપના કરીને ભાવિ કારકિર્દીના અજ્ઞાતપણે શ્રીગણેશ માંડ્યા. ૧૮૮૯માં હાઈસ્કૂલનાં અભ્યાસ માટે એ વડોદરા ગયા, ત્યાં કમાટીબાગના ખૂણે આવેલા રામજીમંદિરમાં ધામો નાખ્યો. અહીં પણ એમણે અન્ય છાત્રોને પુસ્તકવાચન માટે પ્રેર્યા. પરિણામે વસોના વિદ્યાર્થીઓએ દર મહિને એક રૂપિયાની બચત કરી તેનાં પુસ્તકો ખરીદી ત્યાં પોતાના ‘વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય’ની સ્થાપના કરી. પણ આવી ઇતર પ્રવૃત્તિમાં આગળ પડતા મોતીભાઈ અભ્યાસમાં કાચા પડતા હતા. એ મૅટ્રિકમાં બે વાર નાપાસ થયેલા! ૧૮૯૪માં ત્રીજા પ્રયત્ને એમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને રૂપિયા પાંચની શિષ્યવૃત્તિ પણ મેળવી. મૅટ્રિકની પરીક્ષા આપવા તેઓ અમદાવાદ ગયેલા. રાયપુરમાં આકાશેઠ કૂવાની પોળને નાકે એમનો ઉતારો. સામે જ ગોપીલાલ ધ્રુવ રહે. સુધારાવાદી આ કુટુંબની બે બહેનો-વિદ્યાબહેન અને શારદાબહેન-ને કોલેજમાં અભ્યાસ કરવા જતી જોતાં મોતાભાઈને પણ સ્ત્રીકેળવણીનું રૂડું સ્વપ્ન જાગ્યું. મોતીભાઈ વડોદરાની કોલેજમાં પ્રવેશ્યા. પાછા એ જ જૂના રામજી મંદિરમાં વસવાટ. કોલેજિયન મિત્રો રહે ત્યાં, જમે બહાર. આથી મુશ્કેલી પડતી એટલે મોતીભાઈએ ત્યાં જ ક્લબ ચલાવવાનું બીડું ઝડપ્યું. અને રામજીમંદિરના રહીશોની ક્લબ શરૂ થઈ ગઈ. પહેલે જ મહિને સારું ભોજન, સારો વહીવટ અને ઉપરથી રૂપિયા પાંચનો ફાયદો! એમણે પાંચ રૂપિયા અલ્પસાધન છાત્રોને સહાય કરવામાં આપી દીધા! યુવાન મોતીભાઈની ઉદારતા, નિ :સ્વાર્થવૃત્તિ, પરોપકારની ભાવના અને સ્વચ્છ વહીવટીશક્તિનું એમાં દર્શન હતું. સહુ સાથે જમતા એટલે એકતાની ભાવના પણ પોષાઈ. એમાં પુરોહિત, જીવાભાઈ રેવાભાઈ અને મોતીભાઈની ‘ત્રિપુટી’ આદર્શ શિષ્યાવસ્થાને લઈને નોખી તરી આવતી. શ્રી પુરોહિતે તો મોતીભાઈની ભાષાશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિમાં મહત્ત્વનો ફાળો આપેલો. ચરોતરી સમાજમાં ઊછરેલા મોતીભાઈની ભાષા જાડી, ખરબચડી અને અશુદ્ધ. વારેવારે ગાળ બોલવાની પણ કુટેવ. ઉચ્ચારો પણ એવા જ અશુદ્ધ. મોતીભાઈ ગાળ બોલે કે અશુદ્ધ ઉચ્ચાર કરે ત્યાં જ પુરોહિત એમનો હાથ પકડીને કહે : “એ શું બોલ્યા? ફરી બોલો જોઈએ!” અને મોતીભાઈ શરમાઈ જાય. ધીમે ધીમે તેમની ભાષા અને ઉચ્ચારમાં નોંધપાત્ર સુધારો થઈ ગયો. આ કોલેજકાળ દરમિયાન એમણે પરાર્થનાં અને સુધારાનાં કાર્યો કરવા માંડ્યા. છપ્પનિયો દુકાળ પડ્યો ત્યારે મોંઘું અનાજ ખરીદી, તેના રોટલા બનાવી ગરીબોને વહેંચવાની પ્રથા એમણે પાડી, તો બીજી તરફથી બાળલગ્ન, પ્રેતભોજન ને કાણમોકાણ જેવી રૂઢિઓની સામે એમણે સુધારાની શરૂઆત કરી. આ ગાળા દરમિયાન એમણે ઘણાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો વાંચ્યાં. એવામાં જ બહાર પડેલું, આપબળે ઉન્નતિ પામેલા અમેરિકન મહામાનવ ‘બેન્જામિન ફ્રે્કલિનનું જીવનવૃત્તાંત’ એમણે વાંચ્યું. એની અસર એમના પર ખૂબ ઊંડી થઈ. એમાંના ‘જાતકેળવણી’ નામના પ્રકરણમાંથી તો એમને ચારિત્ર્ય ખીલવવાની ચાવી જ હાથ લાગી ગઈ. બેન્જામિનની જેમ મોતીભાઈએ પણ પોતાના સદ્ગુણ-દુર્ગુણનાં પત્રકો બનાવ્યાં. પોતાના દુર્ગુણની નોંધ નિખાલસ આત્મનિરીક્ષણથી એઓ એક સ્થાને આમ કરે છે : “નિશ્ચયબળની શિથિલતા, બુઠ્ઠી વાણી, ગાળો બોલવાની ટેવ, મુલતવી રાખવાની ટેવ, ગપ્પાં મારવાની ટેવ, બેદરકારી, ગુસ્સો, આળસ, બીજાનું ભૂડું બોલવું, બોલાવ્યા સિવાય બોલવું!’ એ માટે એમણે સિદ્ધાંત સ્વીકાર્યો : “ખરાબ ટેવ દેખાય કે તરત તેને ઉખેડી નાખવી એ ઉત્તમ છે. નાનામાં નાની કુટેવ પણ વખત જતાં મોટી બને છે.” ૧૯૦૦માં મોતીભાઈ બી. એ. થયા. માંહ્યલો ઝંખતો’તો શિક્ષક થવા. વડોદરામાં શિક્ષકની કામચલાઉ નોકરી મળી ગઈ. પરંતુ એ મુદત પૂરી થતાં જ નોકરી છૂટી ગઈ. ફરી પ્રયાસ કર્યા, ત્યારે નોકરી ક્યાં મળી? દીવાનકચેરીમાં. શિક્ષકજીવ જાણે ફાઇલોના ફંદામાં ફસાયો! કચેરીમાં એક દિવસ ભર્યો અને સાંજે એમણે નિર્ણય કરી લીધો નોકરી છોડી દેવાનો. આવી સાહેબશાહી નોકરી છોડી ‘પંતુજી’નો માર્ગ પસંદ કરનાર મોતીભાઈને લોકોએ મૂરખ માન્યા. પ્રયત્ન કરતાં પાટણમાં રૂ. ૪૫ના પગારે શિક્ષકની નોકરી મળી ગઈ. અહીં એમનો શિક્ષકજીવ કોળવા લાગ્યો. શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં એ રસ લેવા લાગ્યા. શાળા છૂટે એટલે વિદ્યાર્થીઓને એકઠા કરે, ચર્ચાઓ કરે, સ્પર્ધાઓ યોજી રમતોમાં રસ જગાડે. વ્યાયામનો શોખ લગાડે. આનંદપર્યટનો યોજી સંઘજીવનનો લાભ અનુભવાવે, પુસ્તકોની વાતો કરી વાચનભૂખ જગાડે. અભ્યાસમાં કાચા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તો કરે જ. વિદ્યાર્થીઓને જરૂરી આથિર્ક મદદ પણ કરે. પાટણમાં હોળીના તહેવારની બીભત્સ ઉજવણી થતી. તે બંધ કરાવવા આ એક મામૂલી શિક્ષકે અથાક પ્રયત્નો કર્યા અને સફળતાને વર્યા. એક વર્ષે પાટણમાં રેલસંકટ આવ્યું. સેંકડો ઘર પડી ગયાં, હજારો બેઘર બન્યાં. મોતીભાઈએ રાહત માટે ફાળો ઉઘરાવ્યો. આમ એમણે પાટણવાસીઓનાં દિલ જીતી લીધાં. પેટલાદ તો પોતાનો જ પ્રદેશ. ૧૯૧૦ સુધી ત્યાં અંગ્રેજી શાળાના હેડમાસ્તર તરીકેની કામગીરી બજાવી. બહારગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે એમણે છાત્રાલય શરૂ કર્યું. નામ આપ્યું ‘પેટલાદ બોર્ડિંગ હાઉસ’. ‘મિત્રમંડળ પુસ્તકાલય’ની પ્રવૃત્તિ શરૂ કરી. એવામાં જ અમૃતલાલ પઢિયારનું ‘સંસારમાં સ્વર્ગ’ અને ભાવનગર રાજ્યે પ્રગટ કરેલું ‘સંગીત નીતિવિનોદ’ એમના વાંચવામાં આવ્યાં. આવા શિષ્ટ વાચનનો ફેલાવો પ્રજામાં કરવો જોઈએ એવી દૃઢ પ્રતીતિપૂર્વક ૧૯૦૬માં એમણે વડોદરાની મેઈલ ટ્રેનિંગ કોલેજના તાલીમાર્થી શિક્ષકો સમક્ષ એક યોજના રજૂ કરી કે તાલીમ પામીને જે શિક્ષક પોતાના ગામ ગયા બાદ ૧૦-૧૫ રૂપિયા મોકલી આપશે તેને ત્યાં પુસ્તકાલય શરૂ કરવા પોતાના તરફથી મોતીભાઈ ૨૦-૩૦ રૂપિયાનાં વર્તમાનપત્રો અને પુસ્તકો મોકલી આપશે. ૫૦ શિક્ષકોએ આ યોજના ઉપાડી લીધી. પહેલે જ ધડાકે ૫૦ ગામોને એમણે નાનકડાં પુસ્તકાલયો પૂરાં પાડ્યાં. પછી તો આ પ્રવૃત્તિ વિકસતી જ ગઈ. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ ત્યારે અમેરિકાના પ્રવાસે હતા. ત્યાંની પુસ્તકપ્રવૃત્તિથી એ પ્રભાવિત થયા. પોતાના રાજ્યમાં લોકશિક્ષણની એ પ્રવૃત્તિને સંગીન સ્વરૂપ આપવા ત્યાંની પુસ્તકાલય પ્રવૃત્તિના નિષ્ણાત શ્રી બોર્ડનને એ વડોદરે લાવ્યા અને એમને મદદરૂપ થવા માટે મોતીભાઈ અમીનની મદદનીશ વ્યવસ્થાપક તરીકે નિમણૂક કરવામાં આવી. આમ તો નિમણૂક એક વર્ષ માટે જ હતી. પણ પછી તો નિવૃત્ત થયા ત્યાં સુધી એ પ્રવૃત્તિમાં જ એમને રોકી લેવામાં આવ્યા. એમની સૂઝ, સમજ અને સહાયથી બે વર્ષ દરમિયાન જ વડોદરા રાજ્યમાં લગભગ ૪૦૦ પુસ્તકાલયો શરૂ થઈ ગયાં. મોતીભાઈ આમ સાચી રીતે જ પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા બન્યા. એમની પ્રવૃત્તિઓને બિરાદવવા એક અભિનંદન ગ્રંથ પ્રગટ કરવાનું વિચારાયું. પરંતુ માનસન્માનથી હંમેશાં દૂર ભાગનાર મોતીભાઈએ એવા ગ્રંથનું પ્રકાશન બંધ રખાવ્યું. ગાયકવાડ સરકારે આપવા ધારેલું માન પણ એમણે ન સ્વીકાર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચી અધિવેશનમાં પુસ્તકાલય વિભાગનું પ્રમુખસ્થાન લેવા મોતીભાઈને કહેવામાં આવ્યું એ પ્રમુખસ્થાનનો પણ અસ્વીકાર કર્યો. સભાસમારંભો, ભાષણો, ઉદ્ઘાટનો અને પ્રમુખસ્થાનોથી સદા દૂર રહી મોતીભાઈએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઈ પણ ક્ષેત્રના સેવકને માટે ઉમદા દૃષ્ટાંતરૂપ છે. પ્રજાને શિષ્ટવાચન સસ્તા ભાવે પૂરું પાડવા ચૂંટેલી કૃતિઓનું સામયિક ‘ગદ્યપદ્યસંગ્રહ’ પ્રગટ કરવાની પ્રવૃત્તિ એમણે શરૂ કરી. ‘પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ’ જેવી પ્રથમ સહકારી સંસ્થાની શરૂઆત પણ એમણે જ કરેલી. ‘પુસ્તકાલય’ માસિક પણ એમને આભારી છે. વસોના ઉદારચરિત દરબાર ગોપાળદાસનાં પ્રથમ પત્ની પુત્ર મૂકીને મૃત્યુ પામ્યાં. તેને કેળવવા મોતીભાઈએ દરબારને મોન્ટેસોરી પદ્ધતિ બતાવી. આ યોજનાનો લાભ ગામનાં બાળકોને પણ મળી શકે એ આશયથી દરબાર ગોપાળદાસે પોતાની હવેલીમાં બાલમંદિર શરૂ કરાવ્યું. આમ ગુજરાતનું સર્વ પ્રથમ બાલમંદિર ૧૯૧૫ના જાન્યુઆરીની પહેલી તારીખે વસોમાં શરૂ થયું. છ વર્ગની ‘નવી ગુજરાતી શાળા’ પણ ત્યાં શરૂ થઈ. આ હતી ગુજરાતની સર્વ પ્રથમ મોન્ટીસોરી શાળા. એ જ અરસામાં ત્યાં બાલ પુસ્તકાલયનું મકાન પૂરું થયું. એના ઉદ્ઘાટન વિધિમાં દરબાર ગોપાળદાસ પોતાની સાથે વઢવાણના વકીલ ગિરિજાશંકર બધેકાને તેડતા આવ્યા. તે શાળા અને તેનાં સાધનોથી ગિરિજાશંકરભાઈ પ્રભાવિત થયા. એમને બાળકેળવણીમાં રસ જાગ્યો. કાયદાના વકીલ મટી એ બાળકોની કેળવણીના વકીલ બન્યા. પૂનાની ‘ડેક્ન એડ્યુકેશન સોસાયટી’ પરથી પ્રેરણા લઈ આણંદ ખાતે ‘ચરોતર એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના ૧૯૧૬માં કરી. વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં જરૂરી રકમ લોન તરીકે આપવા ‘ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળ’ સ્થાપ્યું. એ કાળે સ્ત્રીકેળવણી નહિવત્. મોતીભાઈ વિદ્યાથિર્નીઓને અર્ધી ફીએ શાળામાં દાખલ કરે, ચર્ચાસંવાદોમાં ઉતારે ને આમ જાહેરમાં આગળ આવવાની તક પૂરી પાડે. એમનો કાળ એ સ્વરાજ્ય માટેની જાગૃતિનો કાળ હતો. ભલે એ ઝુંબેશમાં રાજકીય રીતે ઝંપલાવ્યું નહોતું. પરંતુ નવયુગ માટે પ્રજાને કેળવણી દ્વારા તૈયાર કરવામાં એમણે એટલું જ દેશસેવાનું કાર્ય કર્યું હતું. સ્વરાજ્યમાં પ્રજાની જવાબદારી કોઈ સંપૂર્ણ સભાન મોતીભાઈ એક સ્થળે લખે છે : “સ્વરાજ્ય તો ઘોડાપૂરે આવી રહ્યું છે. પેલું સામેના ઝાડ જેટલું સ્પષ્ટ મને સ્વરાજ્ય દોડતું આવતું દેખાય છે, પણ જ્યારે એ આવીને ઊભું રહેશે ત્યારે વહેલું આવ્યું લાગશે. કારણ કે ભગીરથ ઋષિની તપશ્ચર્યાથી ગંગાજી સ્વર્ગમાંથી તો ઊતર્યાં, પણ શિવજી જેવા જટાધારી એને ઝીલનાર મળ્યા ન હોત તો એનો પ્રવાહ પાતાળ થોડી નાખત. તેમ સ્વરાજ્યને ઝીલનારી પ્રજા જો તૈયાર કરી નહિ હોય તો સ્વરાજ્ય માગનારી પ્રજા જ સ્વરાજ્યના તેજથી અંજાઈ જશે અને એ જ પ્રજા આવેલા સ્વરાજ્યને વેડફી પણ નાખશે.” [‘સમયરેત પર પગલાં’ પુસ્તક : ૨૦૦૧]