સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરોત્તમ પલાણ/તસવીર પીધી!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મેઘાણીએ જેને ‘રઢિયાળી રાત’નો ભાગ ચોથો અર્પણ કર્યો છે તે “બગવદરનાં મેરાણી બહેન ઢેલી”ને થોડાં વર્ષો પહેલાં મળવાનું થયેલું. ‘રઢિયાળી રાત’ તેમને અર્પણ થયાનું સ્મરણ હતું. એટલે મેઘાણી વિશે પૃચ્છા કરી : મેઘાણી અહીં ક્યારે આવેલા? શું બન્યું હતું? વગેરે. ઢેલીઆઈ વાતડાહ્યાં જાજ્વલ્યમાન મેરાણી છે. તેમણે આખી વાત માંડીને કહી : મને ગીતો બહુ યાદ છે, એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ આવ્યા. ધોળાં ધોળાં લૂગડાંમાં મોટી મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે ઈ ઊભા હતા. જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ! મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડયા. હું હેઠે બેસવા જતી હતી, ત્યાં પગે પડીને “હં…હં…હં, તમે અહીં ઉપર બેસો, નહીંતર હું ય નીચે બેસું.” એમ કહીને મને ય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં’તાં તેની અરધી અરધી કડીઓ પોતે બોલે, ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતાં ન આવડે, એટલે પોતે હસે. હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં! આજુબાજુનાં ય ભેળાં થઈ ગયાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં. જમવા બેઠા. પાટલો ઢાળ્યો હતો, પણ પોતે પાટલે ન બેઠા. હું નીચે બેઠી બેઠી રોટલા ઘડતી હતી, તે પોતેય નીચે બેઠા! ઘણું કહ્યું, તો કહે : “રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચે બેસે, એ ક્યાંનો ન્યાય?” મને તો અમારા ગાર્યવાળા ઘરમાં એનાં લૂગડાં બગડે એનો જ ભે હતો. પણ પોતે એકના બે ન થયા. અને હજી તો પૂરા જમી ન લે એની મોર્ય તો આખું ગામ ઓસરીમાં ભેળું થઈ ગયું. અમારી કોમમાં ગીતો ગાવાં-સાંભળવાં બહુ ગમે. જમીને એમણે એક ગીત ગાયું. અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં. અમે તો બધાં એના મોઢા સામું જ જોઈ રહ્યાં! —ને પછી તો એક પછે એક… રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે જ રાખ્યું. પછી અમારો વારો આવ્યો. અમે આઠદશ બાયુંએ ગીત ગાવા માંડ્યાં. પણ બધી બાયું ભેળી થાય, એટલે બેસીને કેમ ગવાય? થયાં ઊભાં અને ફળિયામાં જ રાસડા માંડ્યા! પોતે તો હમણાં ઢગલો એક હસી નાખશે એવા થતા થતા કાગળિયાંમાં ટપકાવ્યે જાય. જોણાં ને રોણાંને તેડું થોડું હોય? ઢગ બાયું ભેગી થઈ અને અંધારું થયા લગી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછાં ભેળાં થયાં, તે એક પછી એક નવાં નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાંક મરકડાં કીધાં અને સહુને હસાવ્યાં. થોડાંક રહી જતાં હતાં તે ગીત સવારે પણ મેં ગાયાં. અને પોતે તો મારાં વખાણ કરતાં કરતાં નીચી મૂંડકી રાખીને લખ્યે જાય. મનેય ગીત બહુ મોઢે — સવારોસવાર ગાઉં, પણ એકેય ગીત બીજી વાર ન આવે. અહીંથી પોતાને બખરલા જવું હતું, એટલે શિરામણ કરીને ગાડું જોડયું. પણ પોતે કહે : “હું ગાડામાં નહીં બેસું; એક જીવ તાણે ને બીજા જીવથી અમથું અમથું નો બેસાય.” સંધાયની આંખમાં પાણી આવી ગયાં. પોતે લૂગડાં સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને ચાલતા થયા. ઓહોહો! આવો માણસ…! મેઘાણીભાઈની તસવીર, નેવું વરસ વટાવી ચૂકેલાં ઢેલીઆઈની આંખમાંથી મેં પીધી!